જેટલાં બીજાને મોંઘા કરશો એટલાં તમે પોતે સસ્તા થઈ જશો…

- અરવિંદ વેકરિયા
બહુ ઉચાટ રહેલો મનમાં કે મસાઈમારા જવાશે કે નહીં? એમાં પાછું આછડતું એવું જાણવા મળેલું કે કર્તા-હર્તા પોતે જઈ આવેલાં એટલે મસાઈમારા જવા-આવવાનો જે ખર્ચ થશે એ પોતે ‘રોકડો’ લઈ લેશે એટલે મનમાં એક ઈર્ષ્યા પણ પેદા થઈ ગયેલી ઈર્ષ્યા એટલે પોતાનાં કરતાં બીજા શ્રેષ્ઠ છે એવું સ્વયં સ્વીકારી લીધેલું પ્રમાણપત્ર જ ને? અમને નહી લઈ જાય કારણ પોતે શ્રેષ્ઠ છે અને અમે કઈ કહી કે કરી ન શકીએ એ સંજોગ હતાં. કિશુમુ-નકુરુ નાં શો પછી જો આપણને નહીં લઈ જાય તો આપણે શો નહીં કરીએ એવું અમે ત્રણેયે નક્કી કરેલું જે ‘શો મસ્ટ ગો ઓન’ થી સાવ વિપરીત વિચાર હતો. જેટલાં બીજાને મોંઘા કરશો એટલાં તમે પોતે સસ્તા થઈ જશો. કર્તાઓને મોંઘા કરી આવા વિચારે અમને સાવ સસ્તા કરી નાખેલા… પણ ભગવાનના આશીર્વાદ કે અમે અમારો નઠારો વિચાર અમલમાં ન મૂકવાની અમને સમજણ આપી. સમજદાર વ્યક્તિ પોતાની સમજદારીથી ચુપ થઈ જાય છે અને સામેવાળાને લાગે છે કે મારાથી ડરીને ચુપ થઇ ગયા છે. અમારામાં સમયસર ચુપ રહેવાની સમજ આવી અને ડરવાની વાત નેવે મુકાઇ અને બધાને મસાઈમારા લઈ જવાની સમજદારી સામે પક્ષે આવી અને આગળ કહ્યું એમ અમારી ટુર જાણે પૂર્ણરૂપે ફળી.
અમે આનંદ માણતાં અને મસાઈમારાનાં અનુભવો મમળાવતા હોટલ કીકોરોક પહોંચ્યા. થોડા ફ્રેશ-અપ થઈ ત્યાંના ડિસ્કોબારમાં પહોંચ્યાં. જતીન અને સિદ્ધાર્થ સરસ ડાન્સ કરી શકે છે એ ત્યાં જોયું. રસિક તો ફિલ્મોમાં નસીબ અજમાવી ચુક્યો હતો એટલે ‘ડાન્સ’ એને માટે સહેલો હતો. સનત-સચ્ચું હતા, પણ જેમ નવરાત્રિમાં કોઈ આપણને ગરબા લેવા ફોર્સ કરે અને આપણે એક રાઉન્ડ માંડ પૂરો કર્યો-ન-કર્યો અને બહાર નીકળી જઈએ, બસ…
સનત-પ્રતાપ એ જ ફોલો કરતા હતા. હું શરીરે સ્થૂળ એટલે સ્વિફટનેસ ઓછી, છતાંય અડધો રાઉન્ડ કમર હલાવી લેતો.
એમાં ગમ્મત થઈ. ત્યાની ‘નીગ્રો-બ્યુટી’ જતીન સાથે નાચવા લાગી. કેસિનોમાં મને ‘રાજુ’ કહેતી જેમ ગળે પડેલી એમ જતીન પાછળ પડી અને એ બન્નેનાં ફોટા રસિકે પાડી લીધાં. ત્યારે જતીનને ખબર ન પડી. પછી રસિકે ‘મીઠું-બ્લેકમેલિંગ’ શરૂ કર્યું. ‘આ ફોટા હું ચિત્રાભાભીને (જતીનની વાઈફ) દેખાડીશ’ જતીન રિક્વેસ્ટ કરતો રહ્યો, ‘પ્લીઝ, અમારા સંસારમાં ‘કાંડી’ ન લગાડતો, દોસ્ત… હું તને ટસ્કર બિયરનાં બે ટીન પીવડાવીશ.’… પણ માને તો રસિક શેનો? મેં કહ્યું ‘જતીન, તે માત્ર ડાન્સ કર્યો છે. અશ્લીલતા તો લેશમાત્ર એ ડાન્સમાં નહોતી. ભલે ચિત્રાભાભીને બતાવતો, શું કહેશે? એ વિચાર મનમાંથી કાઢી નાખ. ‘જેટલાં ઓછા વિચાર કરશો તેટલાં વધુ આનંદમાં રહેશો’ એ વાક્ય મનમાં બોલતો રહે. હવે આમ પણ બિસ્તરા-પોટલા બાંધવાને ક્યાં વધુ દિવસો બાકી રહ્યા છે!’
એ પછી સિદ્ધાર્થે દરમ્યાનગીરી કરી અને રસિકની આ મીઠી મજાકનો આનંદી ઉકેલ આવી ગયો. જતીનની સરળતા મને તેમ જ સનત-સચ્ચુને અપીલ કરી ગઈ. મેં વાત ભૂલી જવા કહ્યું અને ટપાર્યો કે ‘જંગલમાં સીધું લાકડું અને સમાજમાં સીધો માણસ હંમેશાં પહેલાં કપાય છે. સરળ બન, પણ કપાય જાય એટલો નહીં.’
ડાન્સબાર પછી અમે બિયરનાં એક ટીનમાંથી ત્રણેયે ઘૂંટડાઓ ભર્યા. વધેલી ‘ટીચર્સ’ વ્હિસ્કી તો મસાઈમારા જતાં પહેલાં જ પતાવી દીધી હતી…
એ પછી ડિનર માટે બેઠા. ત્યારે રાજાણી અને અન્ય સ્પોન્સર્સ પણ હાજર રહેલાં. ફરી સિદ્ધાર્થ સાથે આખી ટીમનો આભાર માન્યો. નૈરોબીની ગુજરાતી પ્રજા ખૂબ ખુશ થઈ છે અને પેટભરી મનોરંજન માણ્યું એમ પણ કહ્યું. મને એક ગુજરાતી તરીકે અભિમાન થયું અને નૈરોબીના આટલાં ગુજરાતીઓ એક થઈ નાટકો માણી શકે છે એ વાતનો આનંદ પણ થયો. ત્યાં જુદી-જુદી જ્ઞાતિના ગુજરાતી ગ્રુપો ભેગા મળી આવા કાર્યક્રમો કરતાં રહે છે એ જાણ્યું.
સ્વામીનારાયણનાં ઘણાં મંદિર ત્યાં છે. એ ભક્તિ ત્યાં અનોખી ઊર્જા ઉત્પન્ન કરતી રહે છે.
બીજે દિવસે અને ત્રીજે દિવસે શો હતાં. બીજા દિવસનાં શો પછી બધાને ‘મહેનતાણું’ મળવાનું હતું. સિદ્ધાર્થે બધાનાં લેણાં નીકળતાં પૈસાનો હિસાબ કરી ‘કવર’ તૈયાર કરી રાખેલાં. હું જે બે નાટકોમાં અભિનય કરતો હતો એનાં શો પ્રમાણે 12000/- થતા હતા. એ બે નાટકોનાં શો વધુ થયેલાં. શો દીઠ મારા 300/- રૂપિયા નક્કી થયેલ. મેં જોયું તો મારા કવરમાં માત્ર 7000/- હતાં. મેં સવાલ કર્યો જેનો જવાબ મને અસંતોષકારક મળ્યો.
સનત અને પ્રતાપને હું 7000/-માં ‘ઉધડા’ લાવ્યો છું તો એનાથી વધુ હું ન આપી શકુંને?
મને આ ગણતરી વિચિત્ર લાગી. હું જે નાટકમાં પાત્ર ભજવતો હતો એ નાટકનાં જો માત્ર ચાર શો થયા હોત તો શું રૂપિયા 300/- લેખે માત્ર 1200/- જ આપત?
આપણને સાથે પહેલી વિદેશી સફર કરવા મળી અને ઉપરથી પૈસા પણ મળ્યાં એનો સંતોષ લે, દાદુ! સૌ પોતાની ગણતરીમાં રમતાં હોય છે…હવે વાત વધારવાનો કોઈ અર્થ નથી અને વધારીશ તો પણ આપણો પનો ટૂંકો જ પડશે. એવું સનત- સચ્ચુ એ કહી મારો ગુસ્સો ઠારવા કોશિશ કરી પણ મન તો ખિન્ન થયું જ….
ખરેખર! આખો વ્યવહાર વિચિત્ર લાગ્યો. વ્યવહાર એ અરીસો છે જેમાં સંસ્કાર અને અહંકાર બંને દેખાઈ આવે, મને એ બન્ને દેખાઈ ગયા.
બીજા દિવસે અમુક, જેમાં હું અને પ્રતાપ, મુંબઈ આવવા નીકળવાના હતા અને જતીન, સિદ્ધાર્થ, સનત વગેરે …ગુલમહોર નાટક સાથે દુબઈ જવા રવાના થવાના હતાં. બીજા દિવસે અમે નૈરોબી એરવેઝમાં મુંબઈ આવવાં રવાના થયા. મુંબઈમાં મારા જૂના નિર્માતા નવા નાટક માટે મારી રાહ જોઈ રહ્યા હતા.
પતિ: (પુસ્તક વાંચતા) આમાં લખ્યું છે કે કે મહતમ મૂર્ખ માણસને ખૂબ સુંદર પત્ની મળે છે.
પત્ની: (શરમાતાં) બસ કરો. મારાં વખાણ કરવા સિવાય બીજું કોઈ કામ નથી તમારી પાસે?
આપણ વાંચો: કવર સ્ટોરી: શાહરુખને સલાહ: સપનાનો રાજકુમાર ને લાડલો દીકરો
 
 
 
 


