બર્મનદા-રફીની યાદગાર જુગલબંધી… | મુંબઈ સમાચાર

બર્મનદા-રફીની યાદગાર જુગલબંધી…

હેન્રી શાસ્ત્રી

સચિન દેવ બર્મનના નામનો ઉલ્લેખ થાય એટલે સૌપ્રથમ દેવ આનંદની ફિલ્મો અને ગાયક કિશોર કુમાર નજર સામે તરવરવા લાગે. આ દલીલને સમર્થન આપતા આંકડા પણ છે. 1946થી 1976 એ ત્રણ દાયકા દરમિયાન બર્મનદાએ કિશોર કુમાર પાસે 56 સોલો અને 55 યુગલ ગીત રેકોર્ડ કર્યાં. તેમ છતાં એસડી-દેવ આનંદની વાત કરતી વખતે કેવળ કિશોરદાને જ યાદ કરવા એ મોહમ્મદ રફી સાથે અન્યાય કરવા બરાબર છે.

ગાયકોમાં ‘ઓલરાઉન્ડર’ની ઉપમા ધરાવતા મોહમ્મદ રફીની જન્મશતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે. આ મહાન ગાયક વિશે આ કોલમમાં તેમજ અન્યત્ર ઢગલાબંધ લખાણ થઈ ગયું છે. ખૂબ વિચાર કર્યા પછી દેવ આનંદ પર ફિલ્માવાયેલા એસ ડી બર્મન-મોહમ્મદ રફી જુગલબંધીનાં ગીતો વિશે ‘મુંબઈ સમાચાર’ના રસિક વાચકોને જણાવવાનો આ પ્રયાસ કર્યો છે.

માત્ર સંખ્યાની વાત કરીએ તો ત્રણ દાયકામાં બર્મનદાએ રફી પાસે 45 સોલો અને 44 યુગલ ગીત ગવડાવ્યાં હોવાની આધારભૂત માહિતી ઉપલબ્ધ છે, પણ રફીને કેવળ સંખ્યાથી મૂલવવા એ ઘોર અપરાધ કહેવાય. એસડી-રફીની જોડીનો પ્રારંભ થયો સંગીતકારની ત્રીજી ફિલ્મ ‘દો ભાઈ’થી. અલબત્ત, રફીનું એ સોલો ગીત ‘દુનિયા મેં મેરી આજ અંધેરા હી અંધેરા’ સામાન્ય હતું અને રફી પ્રેમીઓના સ્મરણમાં પણ નહીં હોય.

આપણે અહીં દેવ આનંદ પર ફિલ્માવાયેલાં 1950-60ના દાયકાનાં ગીતો વિશે વાત કરીશું, જેમાં સંગીતકાર સચિન દેવ બર્મન હતા. 1950માં ‘નવકેતન ફિલ્મ્સ’ બેનરની સ્થાપના આનંદ બંધુઓએ કરી અને પહેલી ફિલ્મ ‘અફસર’થી જ સચિન દેવ બર્મન સ્થાયી સંગીતકાર બની ગયા. ‘અફસર’ પછી આવી ‘ટેક્સી ડ્રાઈવર’, જેમાં કિશોર કુમારનું એક ગીત પણ રફીની ગેરહાજરી. પછી આવી ‘હાઉસ નંબર 44’. ફરી કિશોરદાનું એક ગીત પણ અહીં રફીનું એક સુધ્ધાં પણ ગીત નહીં.

અને 1957માં આવી ‘નૌ દો ગ્યારહ’ જેમાં વિજય આનંદે દિગ્દર્શક તરીકે શ્રીગણેશ કર્યા. અહીંથી ગાયકીનું સ્વરૂપ બદલાયું. કિશોર કુમાર અને મોહમ્મદ રફીનો પાર્શ્વગાયક તરીકેનો ઉપયોગ વધ્યો. એમાં કિશોરદાનાં બે ગીત અને સાથે રફીના પણ આશા ભોસલે સાથે બે યુગલ ગીત – ‘કલી કે રૂપ મેં ચલી હો ધૂપ મેં કહાં’ અને ‘આજા પંછી અકેલા હૈ’. આશ્ચર્ય થાય એવી વાત એ છે કે રફીના બંને ગીતનો મૂડ અને એનું સ્વરાંકન કિશોર કુમારની સ્ટાઈલને અનુકૂળ આવે એવું હોવા છતાં બર્મનદાએ રફી પાસે ગવડાવ્યાં હતાં.

વાત એમ છે કે બંને ગાયકના સ્વરમાં રહેલા એક સૂક્ષ્મ તફાવતથી એસડી વાકેફ હતા. કિશોરદાનાં મસ્તીભયાર્ં ગીતોમાં નર્યું રમતિયાળપણું છે જ્યારે રફી સાબ મસ્તીભયાર્ં ગીતો ગાય એમાં મૃદુતાનો એહસાસ થાય છે. એટલે દેવ આનંદ માટે ક્યારે રફીનો ઉપયોગ કરવો અને ક્યારે કિશોરનો એ બર્મનદા બરાબર જાણતા હતા. એટલે જ ‘પેઈંગ ગેસ્ટ’માં રફીનું એક સુધ્ધાં ગીત નથી. જોકે, એના બીજા જ વર્ષે આવેલી ‘કાલા પાની’માં એકદમ વિપરીત હિસાબ કિતાબ જોવા મળે છે.

ફિલ્મમાં દેવ આનંદ પર ત્રણ ગીત પિક્ચરાઈઝ થયાં છે અને ત્રણેત્રણમાં પ્લેબેક મોહમ્મદ રફીનું છે. કિશોર કુમારની સદંતર ગેરહાજરી. સોલો ગીત હતું ‘હમ બેખુદી મેં તુમ કો પુકારે ચલે ગયે’. એવું નથી કે કિશોરદાએ ગમગીનીનાં ગીતો માટે દેવ આનંદને પ્લેબેક નથી આપ્યું. ‘ફન્ટુશ’નું ‘દુ:ખી મન મેરે સુન મેરા કેહના, જહાં નહીં ચૈના વહાં નહીં રેહના’ યાદ કરો.
જોકે, ‘કાલા પાની’નું ગીત આંખ બંધ કરીને સાંભળશો તો ‘સારે વો જિંદગી કે સહારે ચલે ગયે’ પંક્તિમાં રફીના સ્વરમાં જે પીડા, જે એકલતા ટપકે છે એ કિશોરદાના અવાજમાં હાંસિલ ન થયું હોત એવી માન્યતાથી જ એસડીએ આ ગીત રફી પાસે ગવડાવ્યું હશે. આ જ ફિલ્મનું રફી – આશાનું યુગલ ગીત ‘અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ ના’ કિશોર કુમારને માફક આવે એવું હોવા છતાં રફીએ એમાં જે ખેલ કર્યો છે એ પ્રકારે કિશોરદા ન કરી શક્યા હોત એવું ગણિત બર્મનદાનું હોવું જોઈએ.

1960ની રાજ ખોસલા દિગ્દર્શિત દેવ આનંદ અભિનીત ‘બમ્બઈ કા બાબુ’માં પણ કિશોર કુમારની ગેરહાજરી છે. દેવસાબ પર ફિલ્માવાયેલાં બે સોલો અને બે ડ્યુએટ એમ ચાર ગીતમાંથી ત્રણમાં રફી સાહેબની હાજરી છે અને ચોથું ગીત મન્ના ડેના સ્વરમાં છે. સ્વીકાર્યું કે ‘સાથી ન કોઈ મંઝિલ’ અસલ રફી સાબ માટેનું જ ગીત છે, પણ ‘પવન ચલે તો ઊઠે મન મેં લહર સી’ આશાજી સાથેનું યુગલ ગીત અને અસ્સલ કિશોરદાની શૈલીનું ‘તક ધૂમ તક ધૂમ બજે દુનિયા તેરા ઢોલ રે’ ગીત રફીના અવાજમાં સ્વરબદ્ધ કરવામાં આવ્યું હતું. આવું કેમ? એનો જવાબ તો બર્મનદા સિવાય કોઈ ન આપી શકે.

1960માં આવેલી ‘કાલા બાઝાર’માં તો મોહમ્મદ રફીએ તો કમાલ કરી છે. આ ફિલ્મમાં પણ દેવ આનંદ પર ફિલ્માવાયેલાં ગીતોમાં એક સુધ્ધાં ગીત કિશોર કુમારને ફાળે નહોતું આવ્યું. ફિલ્મમાં બે અફલાતૂન રોમેન્ટિક ગીત છે જે આજે પણ દિલ બાગ બાગ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પહેલું છે ’અપની તો હર આહ એક તૂફાન હૈ’ જે રીતે શરૂ થાય છે એ સાંભળી આ ગીતને કિશોર કુમાર પણ અવ્વલ ન્યાય આપી શક્યા હોત એવી દલીલ થઈ શકે,

પણ પછી ‘ઉપરવાલા જાનકર અંજાન હૈ’માં રફીના સ્વરમાં જે આહલાદકતા મેહસૂસ થાય છે એ ભાવ કિશોરદા લાવી શક્યા હોત ખરા એવો સવાલ થાય ખરો. પછીની કડીની અંતિમ પંક્તિ ‘યે ભી મુશ્કિલ હૈ તો ક્યા આસાન હૈ’ સાંભળ્યા પછી આ ગીત મોહમ્મદ રફીનું જ છે, બીજા કોઈનું નહીં એવી પ્રતિક્રિયા ઉમટ્યા વિના ન રહે.

આ પણ વાંચો…તારાચંદ બડજાત્યાનાં પબ્લિસિટી ‘ગિમિક્સ’?

ફિલ્મનું બીજું રોમેન્ટિક ગીત છે ‘ખોયા ખોયા ચાંદ ખુલા આસમાં’. આખા ગીતમાં દેવ આનંદ દોડાદોડ કરે છે, રમતિયાળ છે તો કિશોર કુમાર કેમ નહીં? આંખ બંધ કરી ગીત સાંભળશો એટલે જવાબ મળી જશે. એમ તો રફી-ગીતા દત્તનું ‘રીમઝીમ કે તરાને લેકે આયી બરસાત’ સુધ્ધાં રોમેન્ટિક ગીત છે અને દેવ આનંદ અને વહિદા રેહમાન પર ફિલ્માવાયું છે. અલબત્ત, આ ગીત બેકગ્રાઉન્ડમાં છે, પણ એનો મૂડ રફીના સ્વર સાથે વધુ સુસંગત લાગે છે. ફરી એક વાર બર્મનદાની સૂઝને સલામ.
બે વર્ષ પછી આવેલી ‘તેરે ઘર કે સામને’ રોમેન્ટિક મ્યુઝિકલ લવ સ્ટોરી અને દેવ આનંદ શહેરી છેલ છબીલો યુવાન. તેમ છતાં કિશોર કુમારનું સમ ખાવા પૂરતું એક ગીત નહીં. ચિત્રપટના બે અદ્ભુત રોમેન્ટિક ગીત ‘દિલ કા ભંવર કરે પુકાર’ અને ‘તૂ કહાં યે બતા ઈસ નશીલી રાત મેં’ રફીની ગાયકીના કારણે દરેક પુરુષને પોતાનામાં દેવ આનંદ અને પોતાની પ્રેમિકામાં નૂતન દેખાવા લાગી હોય તો એની નવાઈ ન લાગવી જોઈએ.

એમાંય જ્યારે રફીના સ્વરમાં ‘પ્યાર કા રાગ સુનો રે’ પંક્તિ સંભળાય છે ત્યારે કાનમાં ઘંટડી વાગતી હોય એવી ફીલિંગ આવે છે. ‘તૂ કહાં યે બતા’ ગીતમાં રફીના અવાજમાં ‘આયી જબ ઠંડી હવા મૈને પૂછા જો પતા, વો ભી ટકરા કે ગયી ઔર બેચૈન કિયા’ પંક્તિ આંખ બંધ કરીને સાંભળજો. અક્ષરેઅક્ષર ઝણઝણાટી પેદા કરશે.

‘નવકેતન’ની સર્વોત્તમ ફિલ્મ ‘ગાઈડ’માં બર્મનદાએ ત્રણ ગીત રફી પાસે અને રમતિયાળ રોમેન્ટિક યુગલ ગીત ’ગાતા રહે મેરા દિલ’ કિશોરદાના અવાજમાં સ્વરબદ્ધ કર્યું. ત્રણેય ગીતમાં રફી સાબનો જાદુ છવાયો છે. ‘દિન ઢલ જાયે હાયે’માં તૂ તો ન આયે તેરી યાદ સતાયે રફી સાબે જે રીતે ગાયું છે એ સાંભળી વિરહનો સૂર કેવો હોય એનો એહસાસ થાય છે. એ સિવાય ‘ક્યા સે ક્યા હો ગયા’ અને ‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ’ સાંભળશો તો રફી માટે જ આ ગીતો સર્જાયાં છે એવું માનવા લાગશો.

‘તીન દેવિયાં’માં ત્રણ મસ્તીભર્યા રોમેન્ટિક ગીત એસ ડી બર્મને કિશોરદાના સ્વરમાં રેકોર્ડ કર્યા પણ ‘ઐસે તો ના દેખો’ એ નશીલું ગીત રફી પાસે ગવડાવ્યું, કારણ કે એ ગીતને રફી જેવો ન્યાય કોઈ નહીં આપી શકે એ બર્મનદા જાણતા હતા. દેવ આનંદે વિજય આનંદથી છૂટા પડ્યા પહેલાની અંતિમ ફિલ્મ હતી ‘જ્વેલ થીફ’. ફિલ્મમાં બર્મનદાએ એક સોલો અને એક ડ્યુએટ કિશોર કુમારને આપ્યા, પણ સોફ્ટ રોમેન્ટિક યુગલ ગીત ‘દિલ પુકારે આ રે આ રે’માં રફીનો ઉપયોગ કર્યો.

આટલું જાણ્યા પછી દેવ આનંદ પર ફિલ્માવાયેલા એસડીના ગીતોની વાત કરીએ એટલે માત્ર કિશોર કુમાર જ યાદ આવે એ બરાબર નથી એ તમને બરાબર ગળે ઊતરી ગયું હશે. અને હા, દેવ આનંદ માટે એકથી એક ચડિયાતાં અને અવિસ્મરણીય ગીતો ગાનારા મોહમ્મદ રફી સાથે દેવ આનંદે હળાહળ અન્યાય કર્યો છે. એમની દળદાર આત્મકથા ‘રોમાન્સિંગ વિથ લાઈફ’માં મોહમ્મદ રફીનો ઉલ્લેખ કેવળ કેટલાક શબ્દો પૂરતો સીમિત છે!

આ પણ વાંચો…ફિલ્મનામા: માનવું તો પડશે, સમીરજી… આપકા જાદુ ચલ ગયા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button