
-સંજય છેલ
1991માં બાવીસ વરસે હું નિર્દેશક રમેશ તલવારનો ચોથો આસિસ્ટંટ હતો ત્યારે ફિલ્મ ‘સાહિબા’ વખતે પહેલીવાર ધી આનંદ બક્ષીને નજરોનજર જોયા. એ ફિલ્મમાં ઋષિ કપૂર એક અનાથ ઘેંટા-બકરા ચરાવતો પહાડી યુવાન છે અને વાંસળીનો શોખીન છે. શિવ-હરિની ટીપિકલ પહાડી લોકગીતની ધૂન પર પાંચ જ મિનિટમાં બક્ષીજીએ ગીત લખ્યું- ‘બાંસુરી યે બાંસુરી નહીં, બાંસુરી યે હૈ મેરી ઝિંદગી…’
રેકોર્ડિંગ વખતે મને યાદ આવ્યું કે ઋષિ કપૂર ‘અનાથ’ છે ને અવાવરુ મંદિરમાં રહે છે એ પણ ગીતમાં એસ્ટાબ્લિશ કરવાનું હતું પણ રહી ગયેલું… બીતાં બીતાં મેં ડાયરેક્ટરને વાત કહી. એમણે મને ધમકાવ્યો. ‘છેક હવે કહે છે? ચૂપ રહે!’ જોકે, આનો અણસાર આનંદ બક્ષીને આવતા જ કહ્યું :
‘નહીં! રેકોર્ડિંગ રોકો, કુછ કરતા હું…’ બક્ષીજી મને બાજુની રૂમમાં લઈ ગયા, પોતાની અદામાં બે આંગળી વચ્ચે સિગરેટ સળગાવીને કહ્યું : ‘લિખો! આઈ નહીં કભી કોઇ ચિઠ્ઠી મેરે નામ કી!’
હું તો અવાક કે સિચ્યુએશન પર આટલી ઊંડી લાઈન માત્ર 20 જ સેકંડમાં?!
મેં અનેક ગીતકારો સાથે કામ કર્યું છે, પણ આનંદ બક્ષી જેટલી સરળતા ને ફિલ્મી સિચ્યુએશનને સમજીને આ રીતે ‘શીઘ્ર કવિતા’ રચનાર બીજા કોઇ જોયા નથી.
અફકોર્સ, આનંદ બક્ષી ગંભીર હિંદી-ઉર્દૂના ક્લાસિક શાયર નહોતા. મજરૂહ-સાહિર જેવા સિનિયર ગીતકારો એમને ટોણાં પણ મારતા કે ‘બક્ષી, તું ગાને અચ્છે લિખતે હો…પર શાયર થોડે હી હો?!’
એનો જવાબ બક્ષીએ ‘બોબી’ ફિલ્મમાં ‘મૈં શાયર તો નહીં’ ગીતનું મુખડું લખીને આપેલો ને પછી જ્યારે ગીતકાર-શાયર બંને રીતે હિટ થયા ત્યારે એમણે જ ‘કર્ઝ’માં ‘પહેલે તો મૈં શાયર થા, આશિક બનાયા આપને…!’ લખ્યું.
બક્ષીજીનાં સદાબહાર ગીતોનાં કમાલ વિશે લોકોએ ખૂબ લખ્યું છે પણ મારું સૌભાગ્ય છે કે ત્રણેક ફિલ્મમાં બક્ષીજીની સાથે કામ કરવા મળ્યું ને પછી તો અનેક સાંજો એમની સાથે ગાળી. બક્ષીજીને સિચ્યુએશન કહો એટલે થોડીવાર બાજુના રૂમમાં જાય, એક મોટો ચોપડો ખોલે ને કંઈક લખી આવે. પછી કોઇ શહેનશાહ ઐલાન કરતા હોય એમ કહે- ‘લિખો’ અને ગીત લખાવડાવે…
(બક્ષી ઉર્દૂમાં લખતા ને અસિસ્ટંટને હિંદીમાં ઉતરાવતા) ફરી ફરી પોતાનું ગીત સાંભળે, સુધારાવધારા કરે ને 15 મિનીટમાં ગીત તૈયાર! ત્યારે અસલમાં હું ગીતકાર તરીકે સંઘર્ષ કરતો ને પછી તો 50-60 ગીતો પણ લખ્યા છે તો બક્ષીજીએ મને શીખવેલું કે નિર્દેશક સંગીતકારને 10-12 અંતરા આપીને એટલા બધા વિકલ્પ આપવાના કે ચર્ચા જ ના કરે…!
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર: કહું છું જુવાનીને… પ્લાસ્ટિક સર્જરીથી કોસ્મેટિક દવાઓનું ખતરનાક કોક્ટેલ!
એકવાર મેં પૂછ્યું કે તમે બાજુની રૂમમાંથી ચોપડો લાવીને જુઓ છો એમાં શું છે? બક્ષીએ કહ્યું, ‘યે મેરા રિયાઝ હૈ. મૈંને 1000-2000 રદિફ-કાફિયા (પ્રાસ-અનુપ્રાસ)ના શબ્દો લખી રાખ્યા છે. જેમકે- રાસ્તે-વાસ્તે, વગેરે વગેરે. લખવામાં જ્યારે અટકી જાઉં તો મને એમાંથી રસ્તો મળે!’
એ પછી 1994માં આશુતોષ ગોવારીકરની પહેલી ફિલ્મ ‘પહેલા નશા’માં હું લખતો હતો ને બક્ષીજી ગીતો લખતાં. મારા મિત્રો નીરજ વોરા-ઉત્તંક વોરાનું સંગીત. એમનાં ગીતોની ધૂન પર ડમી-લિરિક્સ એટલે કે ‘કામચલાઉ શબ્દો’ મેં લખેલા હોય, પણ એ જ ગીતોને બક્ષીજી જે રીતે ઉઠાવ આપતા એ જોઈને રીતસર હાથ જોડાઈ જાય. એમાં ફિલ્મોમાં સ્ટ્રગલ કરતા છોકરા દીપક તીજોરીનું એક ગીત હતું. મેં કાચા ડ્રાફ્ટ તરીકે લખેલું, ‘યારો.. મૈં બન ગયા સુપરસ્ટાર’ તો બક્ષીજીએ સુધાર્યું : ‘સુપર-સ્ટાર’ બાદ મેં બનતા હૈં, પહેલે ‘ફિલ્મ-સ્ટાર’ બનના પડતા હૈ તો બન ગયા ફિલ્મ સ્ટાર આવે…’ વળી એમણે બોલિવૂડમાં નસીબ એટલે કે લક ફેક્ટર સમજાવેલું કે એમણે પોતે સફળતા પહેલાં 15 વર્ષ કારમી ગરીબી, નિષ્ફળતા, કેટકેટલાં અપમાનો સહન કરેલા…ને પછી એક પંક્તિ લખાવી:
‘યે નસીબ ક્યા હૈ, એક લોટરી હૈ,
હાથ મૈં ના આયે ઐસી છોકરી હૈ…’
આમાં સરળતા પણ છે, મસ્તી પણ. સો વરસના બોલતી ફિલ્મના ઈતિહાસમાં જો કોઇ પાત્રની ભાષા-બોલીને વફાદાર રહીને ગીત લખી શક્યા હોય તો એ ગીતકાર એટલે એકમાત્ર- ‘આનંદ બક્ષી’.
‘દુશ્મન’ ફિલ્મમાં એક ટ્રક ડ્રાઈવરની નજરે સ્ત્રીના સૌંદર્યની વ્યાખ્યા કરતી લાઈન ‘તેરી યે ઝુલ્ફ હૈ યા સડક કા મોડ હૈ યે?’… આ અલ્લડ ડ્રાઈવર બનતા રાજેશ ખન્નાની જુબાન સાથે કેટલું પરફેક્ટ છે? વળી બક્ષીજીના કુછ તો લોગ કહેંગે કે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ જેવાં ગીતો આજે કહેવત જેવાં બની ગયા છે. જગતનાં ઇતિહાસમાં 3500થી વધુ ગીતો, આટઆટલી વેરાયટી સાથે બીજા કોઇ ગીતકારે લખ્યા નથી. રોમાંસ, વિરહ, દુ:ખ, દોસ્તી સાથે હાસ્ય પણ ગીતમાં લાવનાર એક હતા આનંદ બક્ષી ને બીજા મજરૂહ સુલ્તાનપુરી. આ બંનેએ ગીતોમાં હાસ્ય લાવવાનું ખૂબ અઘરૂ કામ કરી દેખાડ્યું.
મજરૂહ અને બક્ષી વચ્ચે હંમેશાં મીઠી ઇર્ષ્યા ને નોંકઝોંક ચાલ્યા કરે. એકવાર જતીન-લલિતના મ્યુઝિકરૂમ પર મજરૂહજી જતા હતાં ને બક્ષી પ્રવેશ્યા. બક્ષીજીએ મજરૂહજીને મસ્તીમાં કહ્યું, ક્યા અંકલ, અભી ભી ઈસ ઉમ્ર મેં જવાની કે ગાને કૈસે લિખ લેતે હો? ક્યા દવાઈ લેતે હો?(મજરૂહ પોતે યુનાની ડો. કે હકીમ હતા.) પણ મજરૂૂહને એ વખતે બક્ષીની વાતનો ટોન ગમ્યો નહીં એટલે ભડક્યા : ‘બક્ષી, યે મત ભૂલો હમ તુમ્હારે ‘ઝેહની બાપ હૈ’ એટલે કે માનસ પિતા કે ‘તારી કળામાં હું તારો બાપ છું.’ બક્ષીજી તરત જ મજરૂહજીના પગે પડ્યા ને કહ્યું, આપ સચમુચ મેરે બાપ હૈ…આશીર્વાદ દીજીયે. પછી બેઉ ભેટી પડ્યા.
આવી દિલદારી-આવી ખાનદાની ને ખેલદિલી એ જમનામાં હતી. ‘પહેલા નશા, પહેલા ખુમાર’ ગીત સાંભળીને બક્ષીજીએ મજરૂહની 1 કલાક ફોન પર તારિફ કરેલી.
એ જ રીતે ‘સુજાતા’ ફિલ્મમાં ‘જલતેં હૈં જિસ કે લિયે, તેરી આંખો કે દિયે ’ ગીત સાંભળીને શૈલેંદ્રએ પણ મજરૂહને 2 કલાક ફોન પર શાબાશી આપેલી. મજરૂહ- શૈલેંદ્ર ને આનંદ બક્ષી ખૂબ મોટી રેંજવાળા જનકવિઓ હતા તો સહિર-શકીલ- ગુલઝાર- જાવેદ- જાં નિસાર- કૈફી જેવા શાયરોએ ઊંડાણવાળા ગીતો આપ્યા છે, પણ મજરૂહજી હંમેશા બક્ષીને કહેતા કે ‘યે ગુલઝાર શાયરી મેં બર્તન, ચદ્દર જૈસે લફ્ઝ (શબ્દ) લે આયા…અભી ક્યા ગદ્દી, તકિયા, કારપેટ પર ભી લિખેંગે?! ’ પણ ત્રણેયને એકમેક માટે એટલો જ આદર.
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર: હરિભાઇ ઉર્ફ સંજીવ કુમાર ગુજરાતી અસ્મિતાનું આગવું અભિમાન
આનંદ બક્ષી કહેતા, ‘વો ગાના, ગાના ક્યા જો મેરી દેશ કી મિટ્ટી મેં હલ જોતતા હુઆ કિસાન ના સમજ સકે?’ ‘પલકો કે નશેમન તક’ કિતને સમઝેંગે?’ પણ એ જ ગુલઝારે બક્ષીને અંજલિ આપતા લખેલું : ‘બક્ષીજી બહુત કમાલકે ગીતકાર, ‘રોબોસ્ટ’ શાયર થે…ઔર હમ દોનોં કે ડોક્ટર ભી એક થે તો હમ વહીં પર એક્દૂજે કે દિલ કા હાલ સુન લેતે થે…’
જાવેદ અખ્તરે એકવાર પાર્ટીમાં અમારી સામે કહેલું કે ‘ઝિંદગી કે સફરમેં ગુઝર જાતે હૈં જો મકામ…’ એ ગીત જે પેનથી બક્ષીજી એ લખેલું, બસ… એ પેન મને મળી જાય તો માથે ચઢાવું!’
‘યહાં મૈં અજનબી હું…’ થી ‘સડકમેં એક મોડ આયા, મૈં ઉત્થે દિલ છોડ આયા…’ જેવાં અનેક અદ્ભુત ગીતો રચનારા બક્ષીજીનો પરમ દિવસે જન્મદિવસ ગયો:
‘કુછ લોગ એક રોઝ જો ગુઝર જાતે હૈ, વો હઝારોં કે આને સે મિલતે નહીં!’
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર: બરસાતમેં તાક ધીના ધિન…! ફિલ્મી વરસાદના ભીના ભીના કિસ્સાની ભીતર…