ક્લેપ એન્ડ કટ..!

સિદ્ધાર્થ છાયા
‘ભાઈજાન’નો સપાટો
થોડા મહિના પહેલાં અનુરાગ કશ્યપના નાના ભાઈ અભિનવ કશ્યપે એક પોડકાસ્ટમાં ભાઈજાન વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો. પછી તો ‘વ્યૂઝ’, ‘લાઈક્સ’ અને ‘ડૉલર્સ’ કમાવવાના ચક્કરમાં અનેક પોડકાસ્ટરોએ અભિનવને સામે ચાલીને મહેમાન બનાવ્યાં.
અભિનવને પણ કદાચ આ જ જોઈતું હતું. એમને તો સલમાન સામે પોતાની વાત કહેવા માટે મોટી સંખ્યામાં પ્લેટફોર્મ્સ જોઈતાં જ હતાં. આથી એમણે, વન બાય વન આ પોડકાસ્ટરોને ત્યાં મહેમાન બનવાનું સ્વીકાર્યું. એક રીતે જુઓ તો જે ખટરાગ અભિનવ અને સલમાન વચ્ચે થયો એ એક વખતનો જ હતો. આથી, લગભગ દરેક પોડકાસ્ટમાં એક જ પ્રકારની વાતો થઇ, પણ આ વાતો સલમાન વિશે હતી એટલે સ્વાભાવિક છે કે આ પોડકાસ્ટ્સને ભરી ભરીને વ્યૂઝ આવ્યા.
વાત, સલમાન એકલાની હોત તો ચાલી જાત, પરંતુ, અભિનવે તો એના પરિવારને પણ ટાર્ગેટ કર્યો એટલે પછી ભાઈજાને નક્કી કર્યું કે ઈનફ ઈઝ ઇનફ. એમણે અભિનવ ઉપરાંત કોમલ મેહરૂ, ખુશ્બુ હઝારા અને અન્ય પોડકાસ્ટરો અને સોશ્યલ મીડિયા હેન્ડલર્સ પર 9 કરોડનો માનહાનિનો દાવો ઠોકી દીધો છે. કોર્ટે પણ સલમાનને અંતરિમ આદેશમાં રાહત આપી છે.
કોર્ટનાં આદેશ અનુસાર આગામી આદેશ સુધી સલમાન ખાન કે તેના પરિવાર બાબતે કોઇપણ પ્રકારની માનહાનિ કરતી કમેન્ટ કે કન્ટેન્ટ કોઈએ રજૂ કરવા નહીં. મુંબઈની સિવિલ કોર્ટે પોતાનાં અંતરિમ આદેશમાં નોંધ્યું છે કે, અભિવ્યક્તિની આઝાદીનો અર્થ એવો નથી કે તમે કોઈના પર વ્યક્તિગત અથવા તો તેનાં પરિવાર પર અપશબ્દો ધરાવતી કે પછી ધમકી આપતી કમેન્ટ કરી શકો.
ફ્રોડમાં ચાર અભિનેતા અટવાયા…
કલાકારો અને સેલિબ્રિટીઓને ‘મોટા મની’ કમાવવા મળે એટલે કોઈ પણ પ્રોડક્ટની જાહેરાત સ્વીકારી લેતાં હોય છે. પરંતુ જો એ ‘પ્રોડક્ટ’ નકલી અથવા તો કોઈને ચીટ કરતી નીકળી તો પછી સહન ગ્રાહકે કરવાનું હોય છે. સેલિબ્રિટીઝ તો ગંગા ન્હાઈને પવિત્ર થઇ ગયાં હોય એમ એમાંથી બહાર નીકળી જતાં હોય છે, પરંતુ જો ગ્રાહક જાગૃત હોય તો એ સહનશક્તિની એક હદ બાદ સેલિબ્રિટીને પણ છોડતો નથી.
આવો જ એક કિસ્સો ઝારખંડનાં જમશેદપુરમાં સામે આવ્યો છે. ગયાં વર્ષે જમશેદપુર પોલીસે ‘મેક્સીઝોન ટચ પ્રાઈવેટ લિમિટેડ’ના બે ડિરેક્ટર્સ ચંદર ભૂષણ સિંહ અને તેમનાં પત્ની પ્રિયંકા સિંહને એક પોલીસ ફરિયાદ હેઠળ પકડી લીધાં હતાં. આ બંને ખક ખ સ્કિમ ચલાવતાં હતાં. ફરિયાદ કરનાર વ્યક્તિનાં કહેવા અનુસાર તેનાં રૂપિયા 30 લાખનાં ‘રોકાણ’ સામે તેને દર મહીને 15 ટકાનો ફાયદો કરી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ એ ન થયું. તો આમાં ફિલ્મી કલાકારો ક્યાંથી આવ્યાં? એ લોકો આમાં એટલે આવ્યાં કારણકે તેમણે આ કંપનીનો પ્રચાર કર્યો હતો.
આ કલાકારોમાં ગોવિંદા, ચંકી પાંડે, શક્તિ કપૂર અને મનોજ તિવારી સામેલ છે. ફરિયાદીનું કહેવું છે કે આ ચારેય મોટાં નામે જ્યારે આ કંપનીનો પ્રચાર કર્યો ત્યારે તેને રોકાણને લઈને વિશ્વાસ બેઠો. હવે જ્યારે કંપની પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે ત્યારે મને ગેરમાર્ગે દોરવામાં આ ચારેયનો પણ હાથ છે. જોઈએ હવે આ ‘ચોકડી’નું શું થાય છે. બાકી, પોતાનો પૈસો પોતાની પાસે રહે એ વધુ સારું બરાબરને?
‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ રામમય થશે
આ વર્ષની એક એવી ફિલ્મ જેની ખૂબ, ખૂબ અને ખૂબ રાહ જોવાઈ રહી છે એ છે ‘રામાયણ’. એનાં ફર્સ્ટ લૂક અને સંગીતે ફિલ્મી રસિયાઓમાં ખૂબ ઉત્કંઠા જગાવી છે. હવે આ ઉત્કંઠાને વધુ જગાવવા માટે ફિલ્મનાં મેકર્સ તૈયારી કરી રહ્યાં છે. આવનારી 27 માર્ચે મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા પર એક મેગા શોનું આયોજન થયું છે.
નીતેશ તિવારી જે આ ફિલ્મના ડાયરેક્ટર છે તે અને નિર્માતા નમિત મલ્હોત્રા એક હાઈ-પ્રોફાઈલ ઇવેન્ટની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી છે, જે અનુસાર એ તારીખે જ્યારે રામનવમી પણ છે તે દિવસે મુંબઈની આ આઇકોનિક જગ્યા પર ફિલ્મનાં તમામ મુખ્ય પાત્રોનાં લૂકસ રીવીલ કરવામાં આવશે.
આપણે જાણીએ છીએ કે આ ફિલ્મમાં રામ તરીકે રણબીર કપૂર, સીતા તરીકે સાંઈ પલ્લવી, લક્ષ્મણ તરીકે રવિ દૂબે, હનુમાનજી તરીકે સની દેઓલ અને રાવણ તરીકે યશ છે. એવું લાગી રહ્યું છે કે આ તમામ કલાકારો તેમનાં ફિલ્મનાં લૂકસ સાથે આ ઇવેન્ટમાં જોવા મળશે. બોલિવૂડમાં કદાચ આ પ્રકારનો પ્રયોગ નવો છે. જે હોય તે, પણ બોલિવૂડને અત્યારે હીટ ઉપર હીટ ફિલ્મોની તો તાતી જરૂર છે એટલે આ પ્રયાસ જો એમાં મદદ કરતો હોય તો એમાં ખોટું શું છે, હે?!
કટ એન્ડ ઓકે..
પ્રિયદર્શન તેમની ‘ભૂત પોલીસ’નો બીજો ભાગ એના પહેલાં ભાગના મુખ્ય કલાકાર સૈફ અલી ખાન અને અર્જુન કપૂર વગર બનાવશે.
આપણ વાંચો: લતાદીદીના અન્ય ગાયિકાઓ સાથે યાદગાર ડ્યુએટ…



