બાપની ઉંમરનો હીરો, બેટીની ઉંમરની હીરોઈન
૫૮ વર્ષનો સલમાન ખાન ૨૮ વર્ષની રશ્મિકા મંધાના સાથે રોમેન્સ કરશે. હિન્દી ફિલ્મોમાં નાયક પિતાની ઉંમરનો અને નાયિકા પુત્રીની ઉંમરની હોય એની નવાઈ નથી
હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૧૯૯૦ના દાયકાથી જમાવટ કરનાર ખાન ત્રિપુટીનો પ્રભાવ ઓસરી રહ્યો છે. કિંગ ખાન – શાહરુખ ખાનને બાદ કરતા બાકીના બે ખાન આમિર ખાન અને સલમાન ખાનની ફિલ્મને છેલ્લે છેલ્લે સારો પ્રતિસાદ નથી મળ્યો. ભાઈજાન સલમાન ખાનની વાત કરીએ તો છેલ્લાં પાંચ વર્ષમાં એની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધડબડાટી નથી બોલાવી શકી. જોકે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો હજી ખણખણે છે એ સિદ્ધ કરવા અને ફ્લોપ ફિલ્મોની શૃંખલા તોડવા ભાઈજાને સાઉથનું તરણું ઝાલ્યું છે. આમિર ખાનને ચમકાવતી ‘ગઝની’ ફિલ્મથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર તેલુગુ – તમિળ ફિલ્મના દિગ્દર્શક એ આર મુરુગાદોસની ‘સિકંદર’ ફિલ્મ સલમાનની નવી નક્કોર ફિલ્મ છે જેનું શૂટિંગ તાજેતરમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ એક ખાસ કારણસર ચર્ચામાં છે: ફિલ્મનો હીરો સલમાન ખાન ૫૮ વર્ષનો છે જ્યારે હિરોઈન રશ્મિકા મંધાના ૨૮ વર્ષની છે. હીરો – હિરોઈન વચ્ચે ૩૦ વર્ષનો તફાવત. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગ્લેમરની બલિહારી છે કે બાપની ઉંમરનો નાયક બેટીની ઉંમરની નાયિકા સાથે રોમેન્સ કરશે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં ૫૭ વર્ષના સલમાનની હિરોઈન હતી ૩૨ વર્ષની પૂજા હેગડે. ‘દબંગ ૩’ (૨૦૧૯)થી ફિલ્મોમાં એન્ટ્રી મારનાર સઈ માંજરેકરે ૧૮ વર્ષની ઉંમરે ૫૪ વર્ષના સલમાનને ‘પ્રેમ’ કર્યો હતો. ‘ભારત’ અને ‘રાધે’માં દિશા પટણી (૨૭ વર્ષ)એ બમણી ઉંમરના સલમાન (૫૪ વર્ષ) સાથે રોમેન્સ કરવાનું સપનું સાકાર કર્યું હતું. સલમાન ખાન માટે આ બધું સહજ હોય એવું લાગે છે. બાપ-બેટી જેવો ઉંમરનો તફાવત હોવા છતાં દર્શકોને એમને રોમેન્સ કરતા જોવામાં કશું અજુગતું નથી લાગ્યું એ હકીકત છે. અલબત્ત હિન્દી ફિલ્મમાં પિતાની ઉંમરનો હીરો પુત્રીની ઉંમરની હિરોઈન સાથે પ્રેમ કરે એ સિલસિલો ઘણાં વર્ષોથી ચાલતો આવ્યો છે અને ચાલતો રહેશે. અક્ષય કુમારની કારકિર્દીમાં પણ આવું એકથી વધુ વાર બન્યું છે.
બાપની ઉંમરનો હીરો, બેટીની ઉંમરની હિરોઈન મથાળાને સાર્થક કરતું ઉદાહરણ છે ૨૦૧૩માં રિલીઝ થયેલી ‘પોલીસગીરી’. આ ફિલ્મમાં ૫૩ વર્ષના સંજય દત્તની હિરોઈન હતી ૨૪ વર્ષની પ્રાચી દેસાઈ અને એ વખતે સંજયની રિયલ લાઈફની પુત્રી ત્રિશલા પણ ૨૪ વર્ષની જ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્યારેક સંજય દત્તે ક્ષોભ અનુભવ્યો હોય તો નવાઈ નહીં. હીરો – હિરોઈનની ઉંમરના તફાવતની વાત કરીએ તો સૌપ્રથમ સ્મરણ એવરગ્રીન દેવ આનંદનું જ થાય. ‘તીન દેવિયાં’ ફિલ્મમાં દેવસાબ સાથે ત્રણ હિરોઈન હતી. ફિલ્મ આવી ત્યારે દેવ આનંદ હતા ૪૨ વર્ષના અને તેમની એક હિરોઈન સિમી ગરેવાલ હતી ફક્ત ૧૮ વર્ષની. બીજી હિરોઈન કલ્પના હતી ૧૯ વર્ષની અને સૌથી મોટી હિરોઈન નંદા હતી ૨૬ વર્ષની, બોલો. બીજું ઉદાહરણ જોઈએ. ‘જોની મેરા નામ’ ૧૯૭૦માં રિલીઝ થઈ ત્યારે આપણા એવરગ્રીન હીરો હતા ૪૭ વર્ષના અને તેમની સાથે રોમેન્સ કરતી હેમા માલિનીની ઉંમર હતી ૨૨ વર્ષની. હીરો કરતાં હિરોઈનની વય અડધા કરતાં ઓછી. દેવસાબના તો આવા અન્ય ઉદાહરણ પણ મળી આવે. એવરગ્રીન હીરોને યાદ કરીએ તો મહાનાયકને કેમ ભુલાય? રામગોપાલ વર્માએ ૨૦૦૭માં ‘નિ:શબ્દ’ નામની ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું જેના હીરો હતા ૬૫ વર્ષના શ્રી અમિતાભ બચ્ચન અને હિરોઈન હતી ૧૯ વર્ષની જિયા ખાન. અલબત્ત આ ફિલ્મની વાર્તા જ એવી હતી જેમાં એક વયસ્ક વ્યક્તિને એક તરૂણી માટે આકર્ષણ થાય છે. એટલે આ ટિપિકલ ઉદાહરણ ન ગણી શકાય. જોકે, ‘લાલ બાદશાહ’ ફિલ્મમાં ૫૭ વર્ષના બિગ બીએ ૨૩ વર્ષની શિલ્પા શેટ્ટી સાથે નૃત્ય કર્યું હતું. અમિતજીની સુપરહિટ ફિલ્મ ‘દીવાર’માં શશી કપૂર – નીતુ સિંહ રોમેન્ટિક જોડી હતી. એ સમયે શશી અંકલ હતા ૩૭ વર્ષના અને નીતુ હતી સિર્ફ ૧૭ વર્ષની. દીપિકા પાદુકોણની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી ‘ઓમ શાંતિ ઓમ’. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દીપિકા હતી ૨૧ વર્ષની અને શાહરુખ ખાન હતો એક્ઝેટ ડબલ – ૪૨ વર્ષનો. ‘રબ ને બના દી જોડી’માં ડેબ્યુ કર્યું ત્યારે અનુષ્કા શર્મા ૨૦ વર્ષની હતી અને કિંગ ખાન હતો ૪૩ વર્ષનો. જોકે, શાહરૂખે આ બંને હિરોઈન સાથે પડદા પર રોમેન્સ કર્યો એને દર્શકોએ હોશે હોશે માણ્યો. મહેશ કૌલની ‘દીવાના’ વખતે હીરો રાજ કપૂર હતા ૪૩ વર્ષના અને હિરોઈન સાયરાબાનો હતી ૨૩ વર્ષની. ‘સગીના માહતો’ રિલીઝ થઈ ત્યારે સાયરાબાનુની વય હતી ૩૦ વર્ષ અને હીરો દિલીપ કુમાર હતા ૫૨ વર્ષના. હીરો – હિરોઈનની ઉંમરના ગજબનાક તફાવતના અન્ય ઉદાહરણ પણ મળી આવે. તાત્પર્ય એટલું જ કે હીરો હિરોઈન કરતાં ૧૦, ૧૫ કે ૨૦ કે ક્યારેક એનાથી પણ વધુ ઉંમરમાં મોટો હોય તો એ જોડી પેશ કરવામાં ફિલ્મમેકરોને છોછ નથી હોતો. પણ હિરોઈન હીરો કરતાં ઉંમરમાં મોટી હોય એવા બહુ ઓછા ઉદાહરણ જોવા મળે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો ભલે ‘સ્ક્રિપ્ટની ડિમાન્ડ’ જેવાં ગળચટ્ટા કારણો આપે (અમુક કેસમાં કારણ સાચું પણ હશે), હકીકત એ છે કે ગ્લેમર જળવાયું હોય એવી હિરોઈનને જ પડદા પર રોમેન્સ કરતી જોવી દર્શકને ગમતી હોય છે.
ઊલટી ગંગા….
અપવાદ દરેક બાબતમાં હોય ત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એમાંથી કઈ રીતે બાકાત રહી શકે? હિરોઇનોએ પોતાનાથી નાની ઉંમરના હીરો સાથે રોમેન્સ કર્યો હોય એવા જૂજ ઉદાહરણ છે ખરા. અલબત્ત હીરો – હિરોઈન વચ્ચે જોવા મળતો જંગી તફાવત નથી, સાવ મામૂલી છે. ‘બાર બાર દેખો’માં ૩૩ વર્ષની કેટરિના કૈફનો હીરો હતો ૩૦ વર્ષનો સિદ્ધાર્થ મલ્હોત્રા. ‘કી એન્ડ કા’ ફિલ્મનો હીરો અર્જુન કપૂર હિરોઈન કરીના કપૂર કરતાં પાંચ વર્ષ નાનો હતો. ‘દિલ બોલે હડીપા’માં રાની મુખરજી સામે તેનાથી ઉંમરમાં ત્રણ વર્ષ નાના શાહિદ કપૂરને સાઈન કરવામાં આવ્યો ત્યારે અનેક આંખોમાં આશ્ર્ચર્ય ડોકિયાં કરી રહ્યું હતું. આ બાબતે પ્રિયંકા ચોપડા અલગ તરી આવે છે. ૧૦ વર્ષ પહેલા આવેલી ‘ગુંડે’માં ૩૨ વર્ષની પ્રિયંકા સામે બે હીરો હતા, રણવીર સિંહ અને અર્જુન કપૂર. બંને ત્યારે ૨૯ વર્ષના હતા. પ્રિયંકાથી ત્રણ વર્ષ નાના. ‘બોબી જાસૂસ’ રિલીઝ થઈ ત્યારે એની હિરોઈન વિદ્યા બાલનની ઉંમર હતી ૩૫ વર્ષ જ્યારે એનો હીરો અલી ફઝલ હતો ૨૮ વર્ષનો. હિરોઈન કરતાં હીરો સાત વર્ષ નાનો.