મેટિની

શ્રેષ્ઠતાની પરાકાષ્ઠા શ્રીદેવી: અભિનેત્રી કે અકળ ઉખાણું?

ડ્રેસ-સર્કલ -સંજય છેલ

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના મૃત્યુને આજે ચાર વર્ષ વીતી ગયા,છતાં એનાં અ-કાળ મોત પાછળનું રહસ્ય હજી એમને એમ જ છે.

હવે મીડિયાવાળાઓ પણ ગોસિપ કરી કરીને, અટકળો બાંધી બાંધીને કે આરોપો મૂકી મૂકીને થાકી ગયા છે. કલાકારના ભેદી મોત પાછળ જેટલું રાજકારણ રમાવાનું હતું એ પણ રમાઇ ચૂક્યું છે.
સુશાંત જેટલું જ એક બીજું ભેદી મોત હતું: શ્રીદેવીનું મોત.

આજથી ૭ વરસ અગાઉ દુબઇની કોઇ હોટલમાં ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮એ બાથટબમાં એનો મૃત્યદેહા મળી આવ્યો . કોઇ કહે છે હત્યા છે. કોઇ કહે છે અકસ્માત, પણ જીવનમાં કે મોતમાં શ્રીદેવી પોતે હતી જ એક ઉખાણું!

આજે આવી ભેદી સંજોગોમાં ચાલી ગયેલી અકળ શ્રીદેવીની ઘણી વાતો શેર કરવાનું મન થાય છે.

આમ તો બાળ કલાકાર પણ ૧૯૭૬થી સાઉથમાં સ્ટાર અને પછી ૧૯૮૩માં શ્રીદેવી માત્ર એક જ ફિલ્મ ‘હિમ્મતવાલા’ થી નં.૧ ની પોઝિશનમાં આવી ગયેલી. જે ‘ટાઈમ્સ ઓફ ઇંડિયા’ એ શ્રીદેવી વિશે ‘હિમ્મતવાલા’ ના રિવ્યુમાં ભદ્દી, અભિનય પ્રતિભા વિનાની, સ્થૂળ અને વિચિત્ર લખેલું એજ ‘ટાઈમ્સ ગ્રુપ’ના ‘ફિલ્મફેર’ મેગેઝિનમાં શ્રીદેવી કવરપેજ પર ચમકી. મારા પપ્યા છેલના પાર્ટનર પરેશ દરૂનાં પત્ની લીના દરૂ ત્યારે ફિલ્મ લાઈનમાં નંબર ૧ ડ્રેસ ડિઝાઈનર હતાં.

એક દિવસ એમને ઘરે હું બેઠો હતો ત્યાં રેખા એમને મળવા આવી ને શ્રીદેવીની વાત નીકળી. ત્યારે રેખાએ તરત કહ્યું : ‘અમિતજી કી ફેવરિટ હૈ આજકલ! કલ કી સુપરસ્ટાર હૈ ત્યારે જ મને સમજાઈ ગયેલું કે શ્રીદેવી કેટલી મોટી સ્ટાર છે કે થવાની છે!

આવી શ્રીદેવી સાથે મારી પોતાની અમુક યાદો છે. ઘણી બધી નથી, પણ જે છે દિલચસ્પ છે! ૨૦૦૩-૪ના અરસામાં શ્રીદેવીના નિર્માતા પતિ બોની કપૂરે(અનિલ કપૂરના મોટા ભાઇ,અ ર્જુન કપૂરના પિતા), ‘સહારા પરિવાર’ના સુબ્રતો રોય પાસેથી ફિલ્મો માટે સારું એવું ફાઈનાન્સ લીધેલું અને સહારા’ ચેનલ માટે સિરિયલ બનાવવાનું નક્કી કરેલું. અનેક લેખકોને બોનીએ એપ્રોચ કર્યો , પણ શ્રીદેવીની ટેલેન્ટને અનુરૂપ કોઇ સ્ક્રિપ્ટ મળી નહિં.પછી ડિરેકટ-અભિનેતા સતીષ કૌશિકે મને પૂછયું ને શ્રીદેવી માટે ’હમારી બહુ માલીની ઐયર’ નામે મેં સિરિયલ લખી.એક પંજાબી પરિવારમાં સાઉથ ઇંડિયન વહુના કેવા હાલ થાય એની કોમેડી હતી. શ્રીદેવી મારી પહેલાં ૧૦-૧૨ મોટા રાઈટરોને ‘ના’ પાડી ચૂકી હતી. હવે બધો આધાર શ્રીદેવીની એક ‘હાં’ પર હતો માટે હું નર્વસ હતો.બોની કપૂરના ઘરે સાંજે મિટીંગ થઈ. સતીષ કૌશિક, બોની કપૂર, અનિલ કપૂર, વગેરે બધાં હાજર હતાં , પણ મેડમ ડ્રોઈંગ રૂમમાં દેખાતા નહોતાં . થોડીવારે ‘મેડમ’ સફેદ સલવાર કમીઝમાં આવ્યાં. ઓળખાણ થઈ. એક ચુંબકિય માહેક સ્મિત સાથે મને કલ્નિબોલ્ડ કરી નાખ્યો.ફિલ્મો છોડ્યાનાં વરસો બાદ પણ એજ રૂપ એજ ઠસ્સો અને એક આંખોમાં ગૂઢ ઉખાણું,અદ્દલ એના મોત જેવું જ!

પણ એ દિવસે પહેલી મુલાકાતમાં મેં શ્રીદેવીનું અલગ જ રૂપ જોયું. સાવ સામાન્ય ગૃહિણીની જેમ સૌની આગતા સ્વાગતા કરતી હતી પતિની દવાઓ વિશે પૂછતી હતી ને પલાઠી વાળાને સિરિયલ વિશે વાતો શરૂ કરી. મેં એને ક્ધસેપ્ટ અને ‘માલીની ઐયર’ નું પાત્ર સંભળાવ્યું. સામેથી કોઈ જ રિએક્શન નહીં! મેં વાત અટકાવીને ‘મેડમ’ ને પૂછયું કે ‘તમને ઈંન્ટેરેસ્ટિંગ લાગે છે?તો જ આગળ સંભળાવું’

ત્યારે શ્રીદેવીએ ગૂઢ સ્માઈલ આપ્યું અને ધીમેથી બોલી : મારે તમારો ‘ફલો’ અટકાવવો નહોતો..હું વિચારતી હતી કે કેવી રીતે આને ભજવી શકાય?’ અને પછી એણે હાવભાવ, કપડાં વગેરે વીશે વાત શરૂ કરી એટલે સમજાયું કે એને રસ પડયો છે. પછી થોડું વિચારીને કહ્યું, : મેરે કેરેકટર કે લીયે કોઈ ઐસી લાઈન હો જો સિરિયલ કે ટ્રેલર મેં હમ રખ સકેં ઔર વો ‘હીટ’ હો જાય!’ ત્યારે મને સમજાયું કે ૩૫૦ ફિલ્મો અને સતત ૪૦ વર્ષમાં પાંચ ભાષામાં કામ કરનાર કલાકાર પાસે કેટલી શાર્પનેસ હોય છે. મેં તરત જ “આઈ એમ માલિની ઐયર બી.એ. વીથ તામિલ, ઇસ મેં ઇંગલીશ ભી શામિલ’ એ લાઈન કહી. તરત જ એ લાઇનને શ્રીદેવીએ ૨-૩ રીતે બોલીને બતાડી! પણ પછી પાછી અચાનક સાવ ખામોશ ને કોઇ અકળ ઉખાણાની જેમ ચૂપ!

મેં અનેક હીરોઈનો સાથે કામ કર્યું છે. રૂપના અભિમાન કે સામેનો માણસ વધારે નજીક ના આવી જાય એ માટે દરેક હિરોઈન એક નકલી કવચ રાખતી હોય છે, પણ શ્રીદેવીની આસપાસ તો એક કિલ્લો ને એ પણ કિલ્લો કેવો અભેદ? કાય જેવો પારદર્શક તમે એની આરપાર એને જોઈ શકો, પણ પ્રવેશી ના શકો.ખરેખર શ્રીદેવી એના મોતની જેમ એક ઉખાણું જ હતી ને છેક સુધી રહી.

કોઈ સાથે વધારે વાતચીત નહીં, પણ એકવાર કેમેરા શરૂ થાય તો હજારો અશ્ર્વોની એનર્જી-ઉર્જા એનામાં આવે. કેમેરા બંધ થાય તો પાછી મૌન મૂર્તિ! હિંદી કાચું એટલે ડાયલોગ્ઝ યાદ કરવા એક હિંદી ભાષી લેડીને સાથે રાખે, પણ કામ દરમિયાન તમારી સાથે હસતી બોલતી કલાકાર શૂટિંગ પછી સાવ અજાણી વ્યક્તિ બની જાય!

પછી એ જ સિરિયલ માટે અમે કેનેડા ગયા. ત્યાં મને એક એપીસોડ ડિરેકટ કરવાનો મોકો પણ મળ્યો. કેનેડાના વિશાળ એરપોર્ટની ભીડ હોય કે સડકની હો-હા, શ્રીદેવી સાવ નવા કલાકારની જેમ કામ કરે.
કોઈ ઈગો નહીં, કોઈ નખરાં નહીં. રાત્રે બાર વાગે તો પણ કચકચ નહીં અને સવારે ઉઠીને તરત જીમમાં જઈને શરીર સાચવે. કામની તૈયારી, કામ માટેનું પેશન-લગન તો શ્રીદેવી પાસેથી શીખવા જેવી.. સિરિયસના અમુક એપિસોડ બન્યાં પછી એને કયાંક કચાશ લાગી તો ફરી શૂટિંગ કર્યું. સિરિયલોમાં આવું કોણ કરે? અને એ પણ ‘સહારા’ જેવી નાની ચેનલ માટે!

મેં શ્રીદેવી જેવી ફિલ્મના માધ્યમની સમજ ભાગ્યે જ કોઈ હિરોઇનમાં જોઇ છે. શૂટિંગ વખતે શ્રીદેવીની પીઠ પાછળ કશેક દૂર
પણ કોઈ લાઈટ ઓફફ થઇ જાય તો પણ ચાલુ શોટમાં શ્રીદેવીને ખબર પડી જાય! અભિનય કરતી વખતે કદાચ એ પોતાની બ્હાર નીકળીને પોતાને જોઈ શકતી! કદાચ પરકાયા પ્રવેશ એ કરી શકતી!

જો એવું ખરેખર હોય તો એ શું જોતી હશે ખુદમાં? એક પત્ની, એક સ્ટાર કે એક ગુમસુમ ઉદાસ સ્ત્રી?એ બધાં સવાલ એના મોતની જેમ ઉખાણું જ રહેશે. સુશાંત સિંઘના મોતની જેમ જ ત્યારે ૨૦૧૮માં ન્યૂઝ ચેનલવાળાઓએ શ્રીદેવીની કાલ્પનિક લાશને બાથટબમાં
સૂતેલી દેખાડીને જાત જાતની ગોસિપ માંડેલી. એના મૃત્યુ પાછળ પણ પ્રેમ-પ્રકરણથી માંડીને કોઇ કાવતરા જેવી અનેક અટકળો ઊભી થયેલી..પણ એ બધાંથી પર સુપર સ્ટાર શ્રીદેવી તો જેવું અકળ જીવી એવી જ રીતે એક અકળ ગૂઢતા સાથે જતી પણ રહી!

બાય ધ વે, ૩ દિવસ પછી ૧૩ ઓગસ્ટે શ્રીદેવીજીની જન્મતિથિ છે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button