ગેરસમજ પર પૂર્ણવિરામ મૂકી દેવાની આવડત એટલે પરિપક્વતા… | મુંબઈ સમાચાર

ગેરસમજ પર પૂર્ણવિરામ મૂકી દેવાની આવડત એટલે પરિપક્વતા…

  • અરવિંદ વેકરિયા

બે દિવસ પછી ‘મુંબઈ સમાચાર’ના કામા શેઠને મળવાનું નક્કી કર્યું પણ એ બે દિવસ જીવ ઉચાટમાં જ રહ્યો.

હું ભૂલતો ન હોઉં ત્યાં સુધી મુકુંદભાઈ ત્યાં હતા. એમણે અમને -મને અને દીપકને, નાની ડિપોઝીટ સામે 45 દિવસની ક્રેડિટ ફેસીલીટી નાટકની જા.ખ. માટે અપાવેલી. એમનો પુત્ર તનસુખ પણ ત્યાં ટચુકડી જા.ખ. જોવાનું કામ કરતો. ત્યારે અમારે કામ તો ત્યાં કાર્યરત વીણાબહેનનું વધારે પડતું. એ કહેતાં કે,‘તમારે ગભરાવાની જરા પણ જરૂર નથી. શેઠ બહુ સારા છે.’ મેં કહ્યું, ‘હું કોઈનું બગાડતો નથી છતાં મારાં મનને શાંતિ મળતી નથી.’ વીણાબહેને સલાહ આપેલી કે ‘સાચી અને ચોખ્ખી ભાષામાં કામા શેઠને વાત કરી દો. નિવેડો આવી જશે…’

ડર એ હતો હતો કે માત્ર નવા નાટકના ટાઈટલ માટે સલાહ લેવાની હતી. જો કે ટાઈટલ વિચિત્ર હતું. ‘જેને આડો વહેવાર એને રોજ તહેવાર.’

મુકુંદભાઈએ પણ મને કહ્યું કે, ‘શું થશે? એમ વિચારવું એ ચિંતા છે, શું થઈ શકે છે એ ચિંતન છે. માટે ચિંતા છોડો, ચિંતન કરો.’

સાંભળવામાં સારું લાગે પણ આટલું જૂનું અખબાર અને એમના માલિકને, નાટકના નામ માટે સલાહ લેવા મળવું…ખરેખર હું એ અવઢવમાં મૂંઝાતો હતો.

એ દિવસ આવી ગયો. હું અને દીપક સોમૈયા બંને મળવા ગયા. કામાશેઠ કોઈ ફાઈલ જોઈ રહ્યા હતા. અમે દાખલ થયા કે આવકાર આપતાં બોલ્યાં, ‘આવો..આવો..બેસો..!’ અમે બંને બેઠાં. તરત ચા – બિસ્કીટની ટ્રે આવી. ‘પહેલા ચા પીવો પછી મૂળ વાત કરીએ.’ આટલા મોટા માણસની આટલી નરમાશ મને સ્પર્શી ગઈ.

‘બોલો..’ વાત એમણે માંડી.

‘જેને આડો વહેવાર એને રોજ તહેવાર’… આ અમારા નવા નાટકનું ટાઈટલ છે, તો…’ મેં વાત અધૂરી છોડી. એમણે સાંભળ્યું.

થોડો વિચાર કરી બોલ્યા, ‘સરસ.. ટાઈટલ છે.’

‘આમાં કઈ..ખરાબ નથી લાગતું ને…’ મેં સહેજ અચકાતા પૂછયું.

‘તમે ઇન્ટરપ્રીટેશન કેમ કરો છો..બધો આધાર એનાં પર છે. હું સકારાત્મકતાનો પ્રેમી છું.’ જે ખોટાં કામ કરે છે એ રોજ દિવાળી ઉજવતો હોય છે હું આ ટાઈટલને એ અર્થમાં મૂલવું છું.’

‘તો અમે આ ટાઈટલ રાખી શકીએ?’ મેં ફરી પૂછ્યું. એમણે પ્રોત્સાહિત કરતાં કહ્યું, ‘હા..હા.. મારી તમને સફળતા માટે શુભેચ્છાઓ.!’

હાશ…! અમે સલાહ આપવા બદલ આભાર માન્યો અને ઊભા થયા. મને સમજાયું કે પરિપક્વતા એટલે શું? કોઈ ઝગડા, કોઈ નારાજગી કે ગેરસમજ ઉપર જલદીથી પૂર્ણવિરામ મૂકી દેવાની આવડત. આને કહેવાય! કામાશેઠ ધારત તો દલીલો કરી શકત. અમે ‘મુ.સ’. નાં ક્લાયન્ટ હતા એટલે નહીં, પણ ખરા દિલથી સાચી સલાહ આપી અમારા નાટકનું નામ એપ્રુવ કરી આપ્યું.

હવે અન્ય અખબારોમાં જા.ખ.આપવામાં કોઈ વાંધો નહોતો. જેમાં જા.ખ. આપવી ‘મસ્ટ’ છે એ લોકલાડીલા અને સૌથી જૂના અખબારે જયારે લીલી ઝંડી બતાવી દીધી પછી હવે શેની ચિંતા!

કામાશેઠને મળવા જતાં ડર અનુભવાતો હતો, પણ હાર એમાં છે જે લડતો નથી. અમે લડવા તો નહોતા ગયા, પણ હારીને બેસી પણ ન રહ્યા એનું આ પરિણામ આવ્યું.

નાટક તો ‘બોલ્ડ’ હતું પણ ચાલ્યું ખૂબ જ. ભાઈદાસમાં તો ધુળેટી કે બીજી અમુક રજાઓમાં ટ્રસ્ટીની સીટ્સ નિર્માતા બુકિંગ ઉપર વેંચી શકતા. જમન પટેલ આવી તારીખો પહેલા લેતા અને ‘હા.ફૂ.’ નાં બોર્ડ લાગતાં.

ફરી ગુજરાત પણ આવ્યું. માત્ર આઠ શોનું પ્રમાણપત્ર મળ્યું. પહેલા બે શોમાં સેન્સરબોર્ડમાંથી કોઈ આવ્યું નહીં. ત્રીજા શોમાં આખી ટીમ સાગમટે હાજર થઈ ગઈ. સીધી પ્રમાણપત્ર રદ કરવાની વાત આવી. જમન પટેલ તરત કોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા.

બોર્ડ કોર્ટમાં જઈ ન શક્યું. શનિ-રવિ આવી જવાથી કોર્ટ બંધ હતી. અમે બીજા ત્રણ શો કરી શક્યા. આ બધામાં નિર્માતા વકીલના ખર્ચ અને કોર્ટની દોડધામમાં બીજા ખર્ચ આવી જવાથી જમનભાઈએ કહ્યું કે ‘હું બધાની બાકી રહેલી નાઈટ મુંબઈ જઈને આપીશ.’ કોઈએ વાંધો ન લીધો. મુંબઈ આવ્યા પછી અચાનક ‘ગીતાંજલિ’ હીરા કંપનીમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો. જમનભાઈ પોતે જ ક્યાંક ગાયબ થઇ ગયા. કલાકારોની ગુજરાતની નાઈટ બાકી રહી ગઈ…હવે?

આપણ વાંચો:  ક્લેપ એન્ડ કટ.: અક્ષયનો પીછો થયો ને નાહક બદનામ પણ થયો!

ત્યારે કાંદિવલી-બોરીવલીમાં કોઈ થિયેટર નહોતા. ડિસે.-જાન્યુ.માં મલાડની એન.એલ. કોલેજના ગ્રાઉન્ડમાં (ઓપન-એર) જે.અબ્બાસ તો ક્યારેક મુસા પાઈક આયોજન કરતા. આ વખતે નિર્માતા ભરત મોહિની (હયાત નથી) એ આયોજન કર્યું. મેં ‘આડો વહેવાર.. ની વાત કરી. આશય હતો કે કલાકારની બાકી રહેલ નાઈટ ચૂકવાય જાય. અમુક લોકો આડા ચાલ્યાં, પણ મેં શો કરી બધાની લેણી રકમ ચૂકવી દીધી અને ઋણ અદા કરી મનની શાંતિ મેળવી. બધાને મારામાં વિશ્વાસ બેઠો અને મારો વિશ્વાસ જીત્યો. જેમણે સહયોગ ન આપ્યો એમને મેં માફ કરી દીધા. બાકી સહયોગ એક એવી અણમોલ ભેટ છે, જે દેવામાં સારું લાગે અને મળે તો પણ સારું લાગે, પણ સમજાય તો ને!

-અને હાં, મારી પ્રથમ વિદેશ-ટુરની વાત રહી ગઈ છે એ આવતા વખતથી…

એક અંગ્રેજી ટ્યુશન ક્લાસની જાહેરાત…

‘એક મહિનામાં ફટાફટ અંગ્રેજી બોલતા શીખો. સ્ત્રીઓ માટે 50% ની છૂટ.’

કોઈએ પૂછ્યું, ‘સ્ત્રીઓને છૂટ કેમ?’

કલાસવાળા: ‘સ્ત્રીઓને ફટાફટ બોલતા તો પહેલાંથી જ આવડે છે. ખાલી અંગ્રેજી શીખવવાનું હોય.’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button