સ્ટુડિયોની કમાણી પ્રોપર્ટીમાં સમાણી
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
મબલક કમાણી કરતા ફિલ્મ સ્ટાર્સમાં આજકાલ રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ચલણ ખાસ્સું વધી રહ્યું છે એનું કારણ શું? કાર્તિક આર્યન મુંબઈના અંધેરી વિસ્તારમાં એક આલીશાન ફ્લેટ અને 2000 સ્કવેર ફિટની કમર્શિયલ પ્રોપર્ટી ખરીદવાની તૈયારીમાં છે. હજી ગયા વર્ષે જ જુહુના પોશ વિસ્તારમાં 17.5 કરોડની કિમતનો એક એવા બે ફ્લેટ ખરીદ્યા હતા. ભૂલભૂલૈયા 3'ની જોરદાર બોક્સઓફિસ સફળતા અને
ચંદુ ચેમ્પિયન’ની અફલાતૂન અદાકારીને પગલે કાર્તિકની ડિમાન્ડ વધી છે એ સાથે ભાઈએ પોતાની માર્કેટ પ્રાઇસ પણ વધારી દીધી છે. વધી રહેલી કમાણીનું આર્થિક રોકાણ રિયલ એસ્ટેટમાં કરવા તરફનું ચલણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં ખાસ્સું વધી રહેલું જોવા મળે છે. મુંબઈ વિશે અત્યંત પ્રચલિત કહેવત છે કે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી'. 1976માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ
સંતુ રંગીલી’માં અવિનાશ વ્યાસ લિખિત અને સ્વરબદ્ધ ગીત લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી'ને આજકાલ હિન્દી ફિલ્મના ઘણા કલાકારો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી જાણે કે કહી રહ્યા છે કે
સ્ટુડિયોની કમાણી પ્રોપર્ટીમાં સમાણી’.
આ નવો ટે્રન્ડ વિકસ્યો એ માટે રિયલ એસ્ટેટમાં બિઝનેસ શરૂ કરી છેલ્લા 10 વર્ષથી ફિલ્મ વિતરણ અને નિર્માણના વ્યવસાયમાં ઝંપલાવનાર આનંદ પંડિતનો મોટો ફાળો છે. અમિતાભ બચ્ચન – અભિષેક બચ્ચન, રણવીર સિંહ – દીપિકા પાદુકોણ, શાહખ ખાન – આર્યન ખાન, અજય દેવગન – કાજોલ, અક્ષય કુમાર, શાહિદ કપૂર, સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, શ્રદ્ધા કપૂર , મનોજ બાજપેયી… જગ્યાપતિ બની રહેલા આ ધનપતિની યાદી ધીરે ધીરે લાંબી બની રહી છે. કેટલાક બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મ સ્ટાર્સના પ્રિય એવા વાંદરા- ખાર-જૂહુ-વરલી જેવા વિસ્તારમાં લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદી રહ્યા છે. આ ખરીદીનો હેતુ ઈન્વેસ્ટમેન્ટ, ભાડાની આવક, સ્વ વપરાશ કે પછી લાગણીનું બંધન પણ હોઈ શકે છે. 2020થી 2024 દરમિયાન રિયલ એસ્ટેટમાં ફિલ્મ સ્ટાર્સના આર્થિક રોકાણમાં ઉછાળો આવ્યો છે. આની પાછળનું એક કારણ એ કે ફિલ્મી કરિયરનો ભરોસો નહીં, ક્યારે શિખર પરથી તળેટીમાં ગબડી પડાય એ માટે કોઈ ધારણા કે કોઈ અનુમાન કામે નથી લાગતા. ઝાકઝમાળમાં વર્તમાન વિતાવ્યા પછી ભાવિ અંધકારમય બની ન રહે, ભારતભૂષણ જેવી અવસ્થામાં મુકાઈ ન જવું પડે એ માટે ફિલ્મ કલાકારો કમાણીનો એક મહત્ત્વનો હિસ્સો ઈન્વેસ્ટમેન્ટ – રોકાણ તરફ વાળી રહ્યા છે. શેર માર્કેટમાં એ લોકો રોકાણ કરતાં ડરે છે. ક્યારે ક્યા શેર્સ ગબડી પડે એનો ભરોસો નહીં. ગોલ્ડ ડાયમન્ડ્સમાં રોકાણ અમુક હદ સુધી સુરક્ષિત ખરું, પણ જોઈતું વળતર ન મળે એટલે ઉપલબ્ધ વિકલ્પોમાં આજકાલ રિયલ એસ્ટેટનો ચળકાટ એમને વધુ આંજી રહ્યો છે, કારણ કે મુંબઈ જેવાં મહાનગરોમાં પ્રોપર્ટીના ભાવ હંમેશાં વધે છે.
રાજેન્દ્ર કુમાર અને ભારતભૂષણ… 1960ના દાયકામાં આ બંને કલાકારનો ડંકો વાગતો હતો. નિર્માતા મોં માગ્યા પૈસા આપી એમને ફિલ્મોમાં લેવા તલપાપડ હતા. `કલ કિસને દેખા હૈ’ એવું માની બંને જણ ધડાધડ ફિલ્મ સાઈન કરી બૅન્ક બેલેન્સ તગડું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. એક્ટિંગની નબળાઈમાં રાજેન્દ્ર કુમાર અને ભારતભૂષણમાં ગજબનું સામ્ય હતું, પણ પૈસાના રોકાણની સમજદારીમાં બંને ઉત્તર – દક્ષિણ હતા. જ્યુબિલી કુમાર કોમર્સ ગ્રેજ્યુએટ હોવાથી ફિલ્મની કમાણીના એક હિસ્સાનું રોકાણ – ઈન્વેસ્ટમેન્ટ નિયમિતપણે કરતા હતા. બીજી તરફ ભારતભૂષણ છે. દોમ દોમ સાહ્યબીમાં રાચેલા ભારતભાઈએ પૈસાનું રોકાણ કર્યું ખરું, પણ જેમાં પૈસા પૂરેપૂરા ડૂબી જવાની ભરપૂર સંભાવના હોય છે એવા ફિલ્મ નિર્માણમાં કર્યું. અંતિમ દિવસો તો એવા બૂરા હતા કે મોંઘીદાટ ફોરેન કારમાં ફરતા ભારતભૂષણ પાસે સાદી બસની ટિકિટ લેવાના પણ ફાંફા હતા. કુબેરમાંથી કંગાળ થઈ ગયેલા અનેક કિસ્સા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળે.
ફિલ્મની કમાણીના દિવસો પૂરા થયા પછી ફકીરીના દિવસો ન જોવા પડે એ માટે બોલિવૂડના બાદશાહો સાવચેતી – આગમચેતી રાખે છે. કલાકારના એવા ઉદાહરણ છે જેમણે ભૂતકાળમાં મૂડી રોકાણનાં પ્રયાસો કર્યા છે, પણ એમાં ઊંધે માથે પછડાયા છે. એમાં સર્વોત્તમ' ઉદાહરણ મહાનાયક અમિતાભ બચ્ચનનું છે. ફિલ્મ નિર્માણ કરવા ઉપરાંત 1996માં મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ
એબીસીએલ’ હેઠળ કરવામાં આવ્યું અને એવા કંગાળ દિવસો જોવા પડ્યા કે વાત ના પૂછો. અલબત્ત, એમાંથી બિગ બી સાંગોપાંગ ઉગરી ગયા અને એમની સેક્નડ ઈનિંગ્સની બોલબાલા આજે સુધ્ધાં રણકે છે ત્યારે બેટા અભિષેક સાથે પિતાશ્રી રિયલ એસ્ટેટમાં ખાસ્સું રોકાણ કરી રહ્યા છે. એમણે આટલા કરોડની પ્રોપર્ટી ખરીદી અને અમુક કરોડની વેચી નાખી આટલો પ્રોફિટ કર્યો જેવા સમાચાર મીડિયામાં વાર તહેવારે ઝળકતા રહે છે. ટૂંકમાં પોતે વેઠવી પડેલી આર્થિક દુર્દશાનો પડછાયો પણ અભિષેક પર ન પડે એની પૂર્ણપણે તકેદારી રાખવામાં આવી રહી છે. અલબત્ત, રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું કારણ માત્ર આર્થિક બાજુ સધ્ધર કરવાનું નથી, એમાં લાગણીનો તંતુ જોડાયો હોવાના પણ કિસ્સા છે. યાદ કરો દીવાર'નો ડાયલોગ: અમિતાભ બચ્ચન એક બિલ્ડિંગનો સોદો કોઈ શેઠ સાથે કરે છે ત્યારે શેઠ કહે છે કે
વિજય બાબુ, તમે આ બિલ્ડિંગ ઊંચા ભાવે ખરીદ્યું છે. તમે જો આગ્રહ રાખ્યો હોત તો હું કિમતમાં એકાદ – બે લાખ રૂપિયા ઓછા પણ કરી આપત. માફ કરજો, પણ તમને સોદો કરતા નથી આવડતું.’
Also read: ફોકસ : સિને વર્લ્ડ V/S અંડર વર્લ્ડ ધમકી- હુમલા ને વસૂલીની માયાનગરી…!
જવાબમાં માર્મિક સ્મિત કરી અમિતાભ કહે છે કે અગરવાલ સાહેબ, બિઝનેસ કરતા તો તમને નથી આવડતું. તમે જો આ બિલ્ડિંગના 10 - 20 લાખ રૂપિયા વધારે માગ્યા હોત તો પણ મેં આપી દીધા હોત.' જવાબ સાંભળી આશ્ચર્યચકિત થયેલા શેઠ કારણ પૂછે છે ત્યારે અમિતાભ કહે છે કે
કેટલાક વર્ષો પહેલા આ બિલ્ડિંગ બંધાઈ રહ્યું હતું ત્યારે મારી માએ અહીં ઇંટો ઉઠાવી હતી!.’ લાગણીને કારણે થયેલા રોકાણમાં પહેલું ઉદાહરણ છે મિસ્ટર `ખિલાડી’ અક્ષય કુમારનું. એક ઈન્ટરવ્યૂમાં અક્ષયએ મુંબઈમાં વિતાવેલા સ્ટ્રગલના દિવસો સંભારી એક ઘર ખરીદવાની વાત કરી હતી. વાંદરા પૂર્વમાં આવેલું આ ઘર કોઈ પ્રાઈમ લોકાલિટીમાં નથી કે નથી આલીશાન અને નથી મોંઘુદાટ. અક્ષય એ ઘર એટલા માટે ખરીદવા માગે છે કે એ સમયે 500 રૂપિયા ભાડું ચૂકવી એ એમાં રહેતો હતો. આમ આ જગ્યામાં રોકાણ કરવા પાછળ કોઈ આર્થિક વળતરની અપેક્ષા નથી, પણ ઈમોશનલ વેલ્યુ છે. લાગણીના આવા જ તંતુને કારણે શાહરુખના પુત્ર આર્યન ખાનએ દક્ષિણ દિલ્હીમાં બે માળની પ્રોપર્ટી 37 કરોડ રૂપિયા ચૂકવી ખરીદી છે. આ જ બિલ્ડિંગમાં શાહખ ને ગૌરી એક સમયે રહેતા હતા એટલે આર્યને આ જગ્યા ખરીદી છે. દિલની વાત આવે ત્યારે દિમાગનું જોર બહુ નથી ચાલતું અને એટલે સ્ટાર લોકો બજારભાવ કરતાં થોડા વધુ પૈસા આપવા પણ તૈયાર થઈ જાય છે.