સ્ટાર-યાર-કલાકારઃ ગબ્બર-કિશોરકુમારથી શ્રીદેવીનો ચાનો સબડકો!

સંજય છેલ
અદૃભુત અભિનેતા-ગીતકાર-સંગીતકાર ને જિનિયસ એવા કિશોર કુમારે ગાયક’ તરીકે ખૂબ સંઘર્ષ કરેલો. 1969માં રાજેશ ખન્નાનીઆરાધના’ ફિલ્મ આવી ત્યાં સુધી એમને દેવ આનંદની ફિલ્મોમાં એકાદ ગીત ગાવા મળતું અને જેમાં પોતે હીરો હોય એમાં રમૂજી ગીતો ગાતા પછી એવો કપરો સમય આવ્યો કે કિશોરદા, હીરો હોય તો ય એમાં પણ રફી કે મન્ના ડે એમના માટે ગીત ગાય એવી શરત નિર્માતાઓ મૂકતા!
પછી તો કિશોરદા ગાયક તરીકે સુપર હિટ થઇ ગયા ત્યારે રેકોર્ડિંગ વખતે માઇક પરથી સેક્રેટરીને સૌથી પહેલા પૂછતા, ચાય મેં શક્કર હૈ?’ સેક્રેટેરીહા’ પાડે પછી જ ગાવાનું શરૂ કરતા. આ ચાય મેં શક્કર’ એટલે કેનિર્માતાએ પૂરા પૈસા આપ્યાં કે નહીં?!’ એ સવાલનો કોડવર્ડ!
એકવાર તો કિશોરદાએ હદ કરી નાખી. સેક્રેટરીને ચાય મેં શક્કર’ વિશે પૂછ્યું ત્યારે પેલાએ યાદ અપાવ્યું:દાદા, ઇસ ફિલ્મ કે આપ હી પ્રોડ્યુસર હો! આજ તો પૈસે કા પૂછના છોડો!’ ચોટ ખાધેલા કિશોરદા માટે `ચાય મેં શક્કર’ સવાલ દ્વારા એક કમર્શિયલ દુનિયાને લપડાક હતી. અહીં ચા, ઉકળતા આક્રોશનો અંશ છે!..
આમેય `ચા’ એક એવું લાડકું પીણું છે કે સામાન્ય માણસોથી માંડીને લેખકો, કલાકારો, સપનાં જોતાં યુવાનો માટે ગરમાગરમ કે મોત માટે વેઇટ કરતાં વૃદ્ધો માટે સાઇલેંટ અમૃત છે. તો હો જાયે સિનેમા અને ચુસ્કીભર ચાય પર ચિંતન….
તમે માનશો કે અભિનેતા શશી કપૂરે પોતાની ખૂનપસીનાની મહેનતથી બચાવેલા પૈસાથી મુંબઇનાં જૂહુ વિસ્તારમાં નાટ્યજગતના તીર્થસમાન પૃથ્વી થિયેટર પર ફિલ્મ `શોલે’ના ડાકુ ગબ્બર સિંહે હુમલો કરેલો ને એ પણ માત્ર એક ચા માટે?
થયું એવું કે 1980ના દાયકામાં ગબ્બર ઉર્ફ અદ્ભુત અભિનેતા અમજદ ખાન પૃથ્વી થિયેટરમાં છૂન છૂન કરતી આઇ ચીડિયા’ નાટક ભજવતા હતા. હોલિવૂડની ક્લાસિક ફિલ્મવન ફલ્યુ ઓવર કૂકૂઝ નેસ્ટ’ નામની ફિલ્મનું હિંદી એ રૂપાંતર હતું ને જેમાં એ જ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ જીતેલા જેક નિકોલ્સનનો રોલ અમજદ ખાન ભજવતા હતા. મેં નાનપણમાં જોયેલા અમજદજીના એ અભિનય જેવી અદાકારી આજ સુધી રંગમંચ પર ભાગ્યે જ કોઇની જોઇ છે.
પૃથ્વી થિયેટરમાં એ સમયે માત્ર કોફીને ખાસ તો આઇરિશ કોફી મળતી. સામાન્ય ચા નહોતી મળતી. `આઇરીશ કોફી’, એ ભણેલાં ગણેલાં હાઈ-ક્લાસ કે એલિટ ટેસ્ટવાળા લોકો માટે સ્ટેટસ સિમ્બોલ હતી, પણ ફિલ્મોમાં શરાબી-નવાબી-વિલન એવા અમજદ પોતે લાઇફમાં માત્ર ચા જ પીતા ને સતત પીતા.
એમણે એક વખત પૃથ્વી થિયેટરમાં ચા બનાવવા હુકમ કર્યો. પૃથ્વી થિયેટરના મેનેજમેન્ટે એમ કહ્યું: `સોરી, અમે દૂધ મંગાવતા જ નથી તો ચા નહીં મળે!’ પછી જિદ્દી અમજદે પૃથ્વીનાં કંપાઉન્ડમાં એક સાચુકલી ભેંસ લાવીને બાંધી અને દૂધ દોહીને ત્યાં જ ચા બનાવવાની શરૂ કરીને સત્યાગ્રહ કરેલો! ભેંસને લીધે ત્યાં ઘાસ, છાણ વગેરેની મગજમારી શરૂ થઇ માટે અમજદજીના મિત્ર શશી કપૂરે આખરે હાર માની ને ચા બનાવવા દીધી!
વેલ, હવે પૃથ્વી થિયેટરની કેન્ટીન આઇરિશ કોફી કરતાં સુલેમાની ચાઇ’ માટે વધુ પ્રખ્યાત છે. 150-200થી વધુ ફિલ્મોમાં નાનપણથી કામ કરનાર અભિનેત્રી શ્રીદેવીએ પહેલીવાર નિર્માતા તરીકે એક ફિલ્મ બનાવવાની શરૂ કરેલી ને પહેલે જ દિવસે બંધ કરી દીધેલી, જેની પાછળનું કારણ પણચા’ હતું ! ફિલ્મ લાઇનમાં સવારથી રાત સુધી આખા યુનિટ માટે અવિરત ચા પીરસવામાં આવતી હોય છે.
પહેલે જ દિવસે શ્રીદેવીની માતાએ સેટ પર એક સાથે સો જેટલા ગ્લાસમાં ચા’ પીરસાતી જોઇ ત્યારે એમને ચક્કર આવી ગયા ને પૂછ્યું,હાય હાય! આટલી બધી ચા?’ એમણે દિવસભર ચા’ની ગણત્રી કરી અને પછી થયું કે ફિલ્મનું બજેટચા’ પીવડાવવામાં જ ખતમ થઇ જશે ને પ્રોડ્યુસરના પૈસે મફતમાં મજા લેનારી એ શ્રીદેવીની માતાજીએ એ જ દિવસે ફિલ્મ બંધ કરી દીધી!
નવાઇ એ લાગે છે કે બાળપણથી ફિલ્મોમાં કામ કરનાર શ્રીદેવી સાથે જનારી માતાએ આ પહેલાં ફિલ્મ સેટ પર સતત વહેતી `ચા’ની માત્રાને નહીં જોઇ હોય?
અમારી ફિલ્મના સેટ પર સ્પોટ-બોય અને લાઇટ-મેન માટે બનતી ચાને જનતા ચા’ કહેવાય છે, જે ખૂબ કડક અને મસ્ત હોય છે. સ્ટુડિઓના સેટની ઉપર, સાવ છત સુધી ઉપર લટકાવવામાં આવતી લાઇટસ પાસે ઊભેલા લાઇટમેનનેચા’ ઉપર પહોંચાડવા માટે રસ્સીથી કિટલી બાંધીને ત્યાં ઊંચે પહોંચાડવામાં આવે છે.
સંજય દત્ત, જેકી શ્રૌફ કે સલમાન જેવા `ડાઉન ટુ અર્થ’ હીરો લોકો પહેલાં એ કિટલીમાંથી થોડી ચા પીને પછી ઉપર મોકલે ને પેલો સામાન્ય મજૂર કે લાઇટમેન ઉપરથી બીડીનું પેકેટ ફેંકે… એવી સમાનતા કે ભાઇચારો સર્જનાર એકમાત્ર પ્રવાહી છે: ચુસ્કીભર ચા!
ચા ભારતમાં ભલે અંગ્રેજો લાવ્યાં, પણ હવે ભારતની નસનસમાં ભળી ગઇ છે. ચાને કારણ અમને પણ લાઇફમાં નુકસાન થયું છે. ના, અમે ચાના બંધાણી નથી પણ રંગીલા’ નેદૌડ’ જેવી ફિલ્મો પછી અમને ચાની કંપનીએ સારા એવા પૈસા આપીને એક એડ ફિલ્મ લખવા આપેલી પણ એ જાહેરાતના નિર્દેશક હતા રામગોપાલ વર્મા જે પોતે કદીયે ચા નથી પીતા!
પછી રામુજીએ એ એડફિલ્મની મીટિંગ દરમિયાન મજાક મજાકમાં ચાની કંપનીના માલિકને કહી દીધું: `મને તો ચા દીઠ્ઠી નથી ગમતી, હું તો માત્ર કોફી. પીઉં છું! બાકી એડફિલ્મ એક કામ તરીકે બનાવીશ.’ અને આ સાંભળીને નારાજ થયેલા ચા કંપનીનાં માલિકે આખો પ્રોજેક્ટ જ પડતો મુક્યો ને અમે સ્ક્રિપ્ટ લખવામાં જે મહેનત કરેલી એ સાવ પાણીમાં ગઇ!
ગરીબો, મજૂરો ને શોષિતો માટે સુંદર કળાત્મક ફિલ્મો બનાવનાર શ્યામ બેનેગલ પણ ચા’ને કારણે બદનામ થઇ ચૂક્યા છે. એક પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા બેનેગલની ઓફિસે ગયા ત્યારે 10-12 વરસનો એક છોકરો અડધા ગ્લાસમાંકટિગ’ ચા આપી ગયો. બીજે દિવસે પત્રકારે છાપામાં હેડલાઇન બનાવી `શ્યામ બેનેગલની ઓફિસમાં બાળમજૂરી ચાલે છે!’
પછી તો બેનેગલ પર ખૂબ માછલા ધોવાયા ને શ્યામબાબુએ ચોખવટ કરવી પડેલી કે એમણે બહાર રેકડી પરથી ચા મંગાવેલી, ને એમની ઓફિસમાં પેલો છોકરો કામ નથી કરતો! (લેખકો-પત્રકારો પર ભરોસો ના કરવો એવું-અમસ્તાં જ નથી કહેવાતું! ચાય કસમ!)
બાય ધ વે, ફિલ્મોમાં જુનિયર કલાકારો જે પાછળ ભીડમાં ઊભા હોય એમને વરસો સુધી ચા,નાસ્તો, જમવાનું મળતું નહીં પણ અમજદ ખાને ત્યારના સ્ટાર્સ અમિતાભ, રાજેશ ખન્ના, જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, મિથુન વગેરેને એક ફોન પર આગ્રહ કે આદેશ કરીને બોલિવૂડમાં હડતાલ પડાવેલી અને જુનિયર કલાકારોને એમના ચા-નાસ્તા-જમણનાં હક મળતા શરૂ થયેલા. મતલબ કે પડદા પર રીલલાઇફમાં વિલન દેખાતો માણસ ગરીબો માટે રિઅલ લાઇફમાં હીરો હોઇ શકે છે!
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર: બોલિવૂડ બડા બૂરા… આજકાલ રાષ્ટ્રીય નફરતની સિઝન?