સ્ટાર-યાર-કલાકારઃ ઓ. પી. નય્યર: અદ્ભુત તાલના અડિયલ-અલગારી જાદૂગર…

સંજય છેલ
‘આદમી કા વક્ત ચલતા હૈ, આદમી નહીં ચલતા.’
………………………..
‘લોકો મને અહંકારી કહે છે, પણ મને સીધું ને સટ બોલવું ગમે છે.’
………………………..
‘સુંદરતા મને હંમેશાં સારા સંગીત માટે પ્રેરે છે, કારણ કે હું રોમાન્ટિક માણસ છું.’
………………………..
‘હું ગાયિકા નથી શોધતો, મને યોગ્ય અવાજ જોઈએ.’
………………………..
આવું બધું સ્પષ્ટ કહેનારા સંગીતકાર ઓ.પી. નય્યરનું જીવન એમના તાલમાં થિરકતાં ગીતો જેવું જ રોમાંચક હતું. એક પછી એક સ્ટાર સાથે વિવાદ, સતત રોમાન્સ ને ભીડથી અલગ અડિયલ અવાજવાળો સંગીતકાર એટલે નય્યર સાહેબ…
‘નયા દૌર’ ફિલ્મની પાર્ટીમાં દિલીપકુમારે હસતાં હસતાં ઓ.પી.ને કહ્યું, ‘મારા ડાન્સે તો તમારાં ગીતોને જીવંત કરી દીધા.’ નય્યરે તરત જ સામું ચોપડાવ્યું, ‘મારું મ્યુઝિક તો થર્ડ ક્લાસ એક્ટરને પણ નચાવી દે…!’
એ પાર્ટીમાં ખામોશી છવાઈ ગઈ. સામે દેશનો સૌથી મોટો અભિનેતા હતો પણ નય્યર એવા માણસ નહોતા કે સામે કોણ છે એ જોઈને વાત બદલે. બસ, પછી દિલીપસાબ અને નય્યર સાહેબનો સંબંધ કટ!
16 જાન્યુઆરી લાહોરમાં જન્મેલા ઓ.પી. નય્યર, મુંબઈ આવ્યા પછી શરૂઆતના સંઘર્ષકાળમાં ગરીબ બાળકોને હાર્મોનિયમ પર સંગીત શીખવતા. પહેલી ફિલ્મ ‘આસમાન’ ફ્લોપ ગઈ ત્યારે મજાકમાં એ કહેતા, ‘ફિલ્મનું નામ ‘આસમાન’ હતું, પણ એ તો ધરતી પર પછડાઇ ને મને પણ નીચે પટકી મૂક્યો!’
‘આસમાન’ની નિષ્ફળતા પછી એમણે ઇમોશનલ ગીતો બનાવવાનું છોડીને ઝડપી તાલવાળું પંજાબી ટપ્પાનું સંગીત અજમાવ્યું. 1950-60ના દાયકામાં નય્યરના સંગીતે બોલિવૂડમાં ધૂમ મચાવેલી.
ગુરુદત્તની ફિલ્મ ‘આર પાર’એ નય્યરને મોટી સફળતા અપાવી. એ ફિલ્મના ‘બાબૂજી ધીરે ચલના’, ‘કભી આર કભી પાર લાગા તીરે નજર’, ‘સુન સુન ઝાલિમા’ જેવાં ગીતોએ લોકોને પાગલ કરી મૂક્યા.
પછી તો ‘ઇશારોં ઇશારો મેં’, ‘તારીફ કરું ક્યા ઉસકી’, ‘યે દેશ હૈ વીર જવાનોં કા’, ‘ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી’, ‘યે હૈ રેશ્મી ઝુલ્ફેં’, ‘ફિર વોહી દિલ લાયા હૂં’, ‘પુકારતા ચલા હૂં મેં’, ‘કજરા મોહબ્બતવાલા’, ‘આઓ હુઝુર તુમકો’, ‘લેકે પહેલા પહેલા પ્યાર’, ‘એક પરદેસી મેરા દિલ લે ગયા’, ‘યે હૈ બોમ્બે મેરી જાન’, ‘દીવાના હુઆ બાદલ’, ‘મેરા નામ ચિન ચિન ચુ’, જેવા અનેક અમર ગીતો આજેય પાર્ટી કે વરઘોડાઓમાં મસ્ટ વાગે છે. ઓપીના સંગીતમાં પંજાબી ફોક અને વેસ્ટર્ન બીટ્સનું મિશ્રણ હતું. ‘નયા દૌર’ ફિલ્મ માટે એમને ‘ફિલ્મફેર’ એવોર્ડ પણ મળેલો.
આ બધા વચ્ચે ‘રાગ વિવાદ’ નય્યરજીના જીવનનો ફેવરિટ ‘રાગ’ કે ‘દાગ’ હતો! એક પાર્ટીમાં સાહિર લુધિયાનવીએ કહ્યું, ‘એસ.ડી.બર્મનને તો મેં મહાન બનાવ્યા છે.’ નય્યરને સાહિરની આ વાત બહુ અહંકારભરી લાગી. વળી નય્યર તો બર્મનદાને દિલથી માન આપતા હતા. બસ ત્યારથી સાહિર જેવા સ્ટાર ગીતકાર સાથે પણ સંબંધ કટ!
ઓ.પી. નય્યરે લતા મંગેશકર સાથે ‘આસમાન’ ફિલ્મ પછી ક્યારેય કામ નથી કર્યું. એ ફિલ્મના ગીતનાં રિહર્સલ દરમિયાન લતાજીએ તાલ અંગે સજેશન આપ્યું ને નય્યરે એ જ ક્ષણે જ નક્કી કરી લીધું કે લતાજી સાથેય સંબંધ કટ! આમ પણ એમનું માનવું હતું કે લતાનો અવાજ બહુ પાતળો છે, જે એમના સંગીતને લાયક નથી.
આ નિર્ણયથી આશા ભોંસલેની કિસ્મત પલટાઇ ગઇ. આશાના અવાજમાં છુપાયેલી શરારત, લવચીકતા અને લય સાથે જોડાવાની ક્ષમતાને નય્યરે પારખી. ‘આઓ હુઝૂર તુમકો’, ‘પિયા પિયા’, ‘યે હૈ રેશ્મી ઝુલ્ફેં’ જેવાં ગીતો આશાજી પાસે ગવડાવ્યા. પછી આશાજી પોતાની બહેન લતાજીના પડછાયામાંથી બહાર આવ્યા અને સ્ટાર બન્યાં.
આશા અને નૈયરજી-બેઉ વચ્ચે સંબંધો પણ બહુ કરીબી હતા એમ કહેવાય છે, પણ આશાજી સાથેના નય્યરના સંબંધોનો અંત પણ ફિલ્મો જેવો ડ્રામેટિક હતો. નય્યરજીએ એક વાર આશાજી વતી ‘ફિલ્મફેર’ એવોર્ડ સ્વીકાર્યો ને પછી કારમાંથી બહાર ફેંકી દીધેલો!.
વળી, નય્યર સમયપાલન માટે એકદમ કડક. એકવાર નય્યરને દેવ આનંદને સવારે નવ વાગ્યે મળવાનું હતું. દેવ આનંદ પણ સમયના પાબંદ પણ ત્યારે માત્ર 5 મિનિટ મોડા પહોંચ્યા ને નય્યરજી સ્ટુડિયો છોડીને જતાં રહ્યા. બસ. ત્યાર પછી દેવ આનંદ સાથે પણ સંબંધ કટ! એકવાર મહંમદ રફી રેકોર્ડિંગ માટે સ્હેજ મોડા આવ્યા તો નય્યરે એમને પણ પાછા મોકલી દીધેલા.
‘તુમસા નહીં દેખા’ ફિલ્મમાં શમ્મી કપૂર સાથે પણ એમનો ઝઘડો થયો હતો. ‘કાશ્મીર કી કલી’ ફિલ્મના ‘તારીફ કરું ક્યા ઉસકી’ ગીતમાં શમ્મી કપૂરે થોડા ફેરફાર કરવા સૂચવ્યું. નય્યરે ચોખ્ખી ના પાડીને કહ્યું, ‘તમે તો મારા કમ્પોઝિશનને બર્બાદ કરી મૂકશો!’ બસ પછી શું? શમ્મીજી અને નય્યર વચ્ચે ઝગડો થયો. છેવટે રફીએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું.
એ જ રીતે ‘દો ઉસ્તાદ’ ફિલ્મમાં નય્યર એક પંજાબી ગીતને રફી પાસે ગવડાવવા માગતા હતા, જ્યારે ફિલ્મના હીરો રાજ કપૂર મુકેશનો આગ્રહ લઇને બેઠા. નય્યરે ચોખ્ખી ના પાડી કે એમની ધૂન પર મુકેશનો અવાજ નહીં જામે. વાત વધતાં નય્યરજીએ એડવાન્સ પાછા આપવાની ઓફર મૂકી. બસ, એ ફિલ્મ પછી ઓ.પી.નય્યરનો રાજ કપૂર સાથે પણ સંબંધ કટ! આમ ઓ.પી. નય્યર, એક તરફ સફળતાની સીડી ચઢતા જતાં ને બીજી બાજુ પોતે જ એ સીડીને સંબંધો બગાડીને કાપતા જતા!
90ના દાયકામાં સલમાનની ફિલ્મ ‘નિશ્ચય’થી એમણે ફરી કમબેક કરેલું. 1994ની ‘જિદ્દ’ ફિલ્મમાં એમણે છેલ્લે મ્યુઝિક આપેલું પણ એ ફિલ્મો અને સંગીત જબરદસ્ત ફ્લોપ! ત્યાર બાદ એમનો ફિલ્મો સાથે પણ સંબંધ કટ! છેલ્લે ઝી ટી.વી.ના કોઇ ટેલેન્ટ હન્ટ શોમાં દેખાયા હતા.
ઓ.પી. નય્યર ખૂબ સ્ટાઇલિશ અને રોમેંટિક માણસ હતા. સૂટ બૂટ અને હેટ સાથે જ દેખાતા. સ્ત્રીઓ એમની વિકનેસ હતી. ગીતા દત્તને ‘બ્લેક બ્યુટી’ કહેતા. ગીતા દત્ત સાથેની પહેલી મુલાકાત વખતે એ એટલા અભિભૂત થઈ ગયેલા કે કંઈ બોલી જ ન શક્યા એ વાતનો એમને જીવનભર અફસોસ રહી ગયેલો.
કહેવાય છે કે જીવનના અંતિમ વર્ષોમાં ઓ.પી. નય્યરના પરિવારે, એમના સ્ત્રીઓ સાથેના સંબંધોને કારણે ઘરમાંથી કાઢી મૂકેલા. પછી આખરે નય્યર એક મહારાષ્ટ્રીયન ચાહકના ઘરે મુંબઇના કોઇ દૂર પરામાં રહીને અંતિમ દિવસો ગાળતા!
એક સમયના સ્ટાર સંગીતકાર, છેલ્લે છેલ્લે હોમિયોપેથી પદ્ધતિથી લોકોની સારવાર કરવામાં સમય ગુજારાતા! ક્યારેક પોતાનાં જ ગીતો સાંભળીને ભાવાવેશમાં કહેતા, ‘પ્લીઝ, રેડિયો પર મારું ગીત વાગે તો દરવાજો બંધ કરી દેજો, નહીં તો હું રડી પડીશ!’
હમણાં 10 દિવસ પહેલા 28 જાન્યુઆરીએ એમની પુણ્યતિથિ ગઇ. 2007માં એક આખાબોલા ઓ.પી. નય્યર નામના અડિયલ ને અદ્ભુત સંગીતકાર ચૂપચાપ જતા રહ્યા…



