મેટિની

સ્ટાર-યાર-કલાકાર : વડા પ્રધાન પાસે પણ નાટક કરાવનાર એક અલગારી કલાકાર હબીબ તન્વીર

  • સંજય છેલ

રંગમંચ કે નાટકો ફક્ત મનોરંજન જ નથી, સામાજિક પરિવર્તનનું શસ્ત્ર છે- સમાજનો અરીસો છે.’ લોકોનું નાટક ખરેખર ગામડાંમાં જ છે.’

`હું એક એવું થિયેટર બનાવવા માંગતો હતો જે ખરેખર ભારતીય હોય, જેમાં પશ્ચિમનું અનુકરણ ન હોય. એક એવું થિયેટર જે લોકો સાથે એમની ભાષા, એમના રૂઢિપ્રયોગ, એમની વાસ્તવિકતામાં વાત કરે.’

આ વિચારો કોના હતા?

તમે કલ્પના કરી શકો કે ભારતનાં એક વડા પ્રધાને કોઇનાં નાટકમાં એમના નિર્દેશન હેઠળ કામ કર્યું હોઇ શકે? જી હાં 1984માં જંગી બહુમતિથી જીતનારા પી.એમ. રાજીવ ગાંધીએ જેમનાં ગધે' નામનાં નાટકમાં બાળકલાકાર તરીકે કામ કરેલું એ હસ્તીનાં આધુનિક નાટકો વિશે ઉપરોકત વિચારો છે ને તે પણ પાછાં આજથી 60-70 વરસ પહેલાં. એ પ્રતિભા એટલે હબીબ તન્વીર. હમણાં 8 જૂને હબીબ સાહેબની 102મી પુણ્યતિથિ ગઇ. સામાન્ય રીતે કોમેડી કે સામાજિક નાટકોને જ જોનારા ગુજરાતી દર્શકો કે વાચકોને થશે કે આ હબીબ તન્વીર વળી કોણ છે? હબીબ તન્વીર, આધુનિક હિન્દુસ્તાની રંગભૂમિના આધારસ્તંભ હતા, જેમણે 50 વર્ષના રંગભૂમિના સફરમાં 100થી વધુ નાટકોનું નિર્માણ નિર્દેશન કર્યું. એ જેટલા સારા ગીતકાર, કવિ, ગાયક અને સંગીતકાર હતા તેટલા જ સારા અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યકાર પણ હતા. હબીબજીના મુખ્ય નાટકોમાંઆગરા બજાર’, મિટ્ટી કી ગાડી'(શુદ્રકના સંસ્કૃત નાટકમૃચ્છકટિકમ્’નું રૂપાંતર જેનાં પરથી રેખાને ચમકાવતી ઉત્સવ' ફિલ્મ બનેલી),ચરણદાસ ચોર’, શતરંજ કે મોહરે',રાજરક્ત’, પોંગા પંડિત' વગેરે છે. એમાંયે પોંગા પંડિત નાટકમાં હબીબજીએ ભારતીય ધર્મનાં પાખંડ અને રીતરિવાજોની મજાક ઉડાવેલી એટલે એમની ખૂબ ટીકા થઈ. 2024ના ધ હિંદુ લિટરેચર ફેસ્ટિવલમાં, એક ડોક્યુમેન્ટરીગામ કે નામ થિયેટર’માં હબીજીએ ત્યારે વિરોધીઓને કેવા આદર સાથે પણ નિર્ભયતાથી જવાબ આપેલો એ અદ્ભુત પૂરાવો છે કે સાચો કલાકાર માત્ર મનોરંજન જ નહીં પણ સમાજની બદીઓ પર ટીકા કરવા માટે પણ પ્રતિબદ્ધ હોય છે.

આ ઉપરાંત હબીબજીએ ગાંધી' (1982),ધ રાઇઝિંગ: મંગલ પાંડે’, બ્લેક એન્ડ વ્હાઇટ' (2008),પ્રહાર’ વગેરે ફિલ્મોમાં સરસ ભૂમકાઓ ભજવેલી.

હબીબ તન્વીરનો જન્મ છત્તીસગઢના રાયપુરમાં થયેલો. નાની ઉંમરે જ એમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું અને સમય જતાં તનવીર' ઉપનામ એમની સાથે જોડાયું. 1945માં મુંબઈમાં ઓલ ઈન્ડિયા રેડિયોમાં નિર્માતા તરીકે જોડાયા. પછી મુંબઈમાં જ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનઇપ્ટા'(IPTA)માં જોડાયા. ત્યારે ઇપ્ટાનાં મોટાભાગના વરિષ્ઠ કલાકારો અંગ્રેજો સામેની લડતમાં જેલમાં અંદર હતા એટલે સંસ્થાનો હવાલો હબીબજીને મળ્યો અને નાટકો કર્યાં.
પછી મુંબઇનો માહોલ માફક ના આવતા, 1954માં દિલ્હી ગયા ને ત્યાં કુદેસિયા ઝૈદીના હિન્દુસ્તાન થિયેટર' સાથે કામ કર્યું.ભૂખે ભજનના હોઇ ગોપાલા’ જેવા કહેવત બની ગયેલા લોકપ્રિય ગીતો લખનારા આગ્રાનાં નઝીર અકબરાબાદી લોકકવિ હતા, જેમના જીવનચરિત્ર પર નાટક આગરા બજાર' (1954) હબીબ તનવીરનું પહેલું મોટું નાટક હતું. એમનું નાટકચરણદાસ ચોર’ હોય કે ગાંવ વા નામ સસુરાલ' હોય કેમોર નામ દામાદ ‘, એમણે હિંદી રંગભૂમિને લોકકલા કે પ્રાદેશિક ભાષા સાથે જોડીને નવી ઊંચાઈ આપી.

હબીબજીના ચરણદાસ ચોર' નાટકમાં એક સત્યવાદી ચોરની વાર્તા છે, જે પોતાના ગુને વચન આપે છે કે એ ક્યારેય જૂઠું નહીં બોલે. પણ ઘટનાઓ એવી બને છે કે આજનાં સમયમાં માત્ર સાચું બોલવાને કારણે ચોરની આખરે હત્યા થાય છે. પ્રેક્ષકોને હસતાં- હસતાં -રડાવતાં આ નાટકની લોકો પર એટલી ઊંડી અસર પડતી કે નાટક પૂં થયા પછી પણ, પ્રેક્ષકો બેઠા રહેતા! એ આશામાં કે કદાચ પેલો ચોર બિચારો ફરી જીવતો થઇને ઊભો થશે. ચરણદાસ ચોરને વિદેશમાં પણ ખૂબ પ્રશંસા મળી. 1982માં પ્રતિષ્ઠિતએડિનબર્ગ ફ્રિન્જ થિયેટર ફેસ્ટિવલ’માં એને પહેલું પારિતોષિક પણ મળેલું અને પછીથી વિખ્યાત ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલે એ નાટક પરથી ફિલ્મ બનાવેલી.

જાણીને નવાઇ લાગશે કે ભારતીય લોકકલાનાં બીજ હબીબ તન્વીરમાં છેક પરદેશ જઇને રોપાયાં. 1955માં, હબીબજીએ લંડનની રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ' (RADA) અને પછીઓલ્ડ વિક થિયેટર સ્કૂલ’માં તાલીમ લીધી. પછી એક વર્ષ સુધી યુરોપમાં ફરતા રહ્યા ને ઘણા નાટકો જોયા. એમાંથી શીખવા મળ્યું કે પોતાની ભાષા અને વાતાવરણ સાથે જ કંઈક નવું સર્જી શકાય છે. જ્યારે ભારત પાછા ફર્યા, ત્યારે એમણે નાટકોમાં જન્મસ્થળ છત્તીસગઢની `નાચા લોકકલા શૈલી’નો પ્રયોગ શરૂ કર્યો. હબીબ તન્વીર પશ્ચિમી નાટ્યશૈલીને આંધળી રીતે અનુસરવાના કટ્ટર વિરોધી હતા.

આપણ વાંચો:  કવર સ્ટોરી : પ્રીતિ ઝિન્ટાની નવી ઈનિંગ્સ

(જેનો આપણી ધંધાદારી ગુજરાતી રંગભૂમિ માટે હંમેશાં આરોપ મૂકાય છે.) હબીબ' નો અર્થ થાય છે પ્રેમી, મિત્ર, પ્રિય. હબીબસાહેબ ખરા અર્થમાં રંગભૂમિનાહબીબ’ કે પ્રિય હતા. એમણે છત્તીસગઢના સ્થાનિક કલાકારોને એમના નાટકોમાં લીધા અને એમની ભાષા, સંગીત અને વાતાવરણમાં કામ કર્યું. એમણે એક નવી જ નાટ્યશૈલી એવી રીતે બનાવી કે પછીથી, એ ખુદ પોતે જ એક શૈલી બની ગયા. આ શૈલી હબીબજીનાં નયા થિયેટર'ની ઓળખ બની. હબીબજીએ સાવ લોકલ ગ્રામીણ અજ્ઞાત ગાયકો, નર્તકો, સંગીતકારો કે હાસ્ય કલાકારોને એમનાં નાટકોમાં કામ આપ્યું. દેશ- દુનિયાના મોટા મોટા નાટ્યલેખકોના નાટકોને સાવ ગામઠી છત્તીસગઢી બોલીમાં એવી રીતે રજૂ કર્યા કે જાણે એ નાટકો આપણાં પોતાની જ લોકકથા હોય એવું લાગતું. એમણે સંસ્કૃત નાટકોથી લઈને શેક્સપિયર અને બ્રેખ્તથી લઈને લોકકથાઓ સુધીની દરેક વસ્તુને પોતાની શૈલીમાં અપનાવી અને અજમાવી. એમના નાટકોમાં એક મૂળ આધુનિકતા અને લાક્ષણિક ગામઠીપણું સાથેનું જાદુઈ કોંબિનેશન હતું.પદ્મ ભૂષણ ‘ (2002) અને ફ્રિન્જ ફર્સ્ટ એવોર્ડ (1982) જેવા સન્માનથી નવાજાયેલા. હબીબજી કહેતા કે `નાટકની વાર્તા તો નદીના પ્રવાહ જેવી હોવી જોઈએ.’
ભારતીય નાટકોમાં ભારતીયતાનો પ્રવાહ લાવનાર હબીબજીને સો-સો સલામ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button