મેટિની

સ્ટાર-યાર-કલાકાર: બરસાતમેં તાક ધીના ધિન…! ફિલ્મી વરસાદના ભીના ભીના કિસ્સાની ભીતર…

  • સંજય છેલ

‘બરસાત’માં રાજ-નરગીસ, ‘મોહરા’માં રવીના – અક્ષય, કૃત્રિમ વરસાદનું મશીન

‘ઓ સજના બરખા બહાર આયી, રસ કી ફુહાર લાયી, અખિયોં મેં પ્યાર લાયી’… બિમલ રોયની
ફિલ્મ ‘પરખ’નું સલીલ ચૌધરીએ રચેલું સદાબહાર વરસાદી ગીત જેમણે મૂળ બંગાળીમાં (‘ના જેઓના, રોજોની એખોનો..’) લતાજીનાં અવાજમાં ના સાંભળ્યું હોય એમની હાલત ધોધમાર વરસાદમાં પણ અડધા જ ભીના થયા જેવી છે. (તપાસો : યુટ્યૂબ)
કુદરત પણ કેવી કમાલ કરામત કરે છેને? આખી ધરતીને લીલી ચૂંદડી ઓઢાડતા વરસાદનો પોતાનો કોઈ રંગ નથી માટે જ બ્લેક એન્ડ વ્હાઈટના જમાનાના આવાં ગીતોના ફિલ્મોમાં વરસાદ પોતે જ વાર્તાનું એક પાત્ર બની જતું હતું.

એવી જ એક સત્યજીત રેની બ્લેક ઍન્ડ વ્હાઇટ ફિલ્મમાં વરસાદના આગમન માટે એક ટાલિયાના માથા પર વરસાદનું પહેલું ટીપું દેખાડીને રેસાહેબે સુંદર શોટ કલ્પેલો. ફિલ્મોમાં ગીતોમાં રોમાન્સ અને એમાંયે વરસાદી ગીતોના રોમાન્સ વિના હિંદી ફિલ્મો સૂક્કા રણ જેવી લાગે.

તમને ખબર છે 1970-80ની આસપાસ રાજ કપૂર, મનોજ કુમાર કે શકિત સામંતા જેવા નિર્માતા-નિર્દેશકો એમની ફિલ્મોમાં વરસાદની સિચ્યુએશન વાપરવા માટે એટલા બધા વખણાયા કે વગોવાયા હતા કે ત્યારે વરસાદ માટે ફિલ્મલાઇનમાં એક જોક બહુ ફેમસ હતો-

જેવો કોઈ ફિલ્મ લેખક ફિલ્મની વાર્તા સંભળાવે કે ‘હીરો આતા હે.. સાથમેં બાદલ ભી હૈ..’

લેખક બસ માત્ર આ ‘બાદલ’ શબ્દ બોલે કે તરત જ નિર્દેશક- નિર્માતા કથા આગળ સાંભળ્યા વિના જ પ્રોડક્શન મેનેજરને તરત ઓર્ડર આપે કે ‘સૂના? કહાની મેં બાદલ ઔર બારીશ હૈ. તો જાઓ જલદી નકલી બારીશ કા મશીન બુક કરાવો.’ ત્યારે લેખક બિચારો એમને રોકીને સમજાવે કે, ‘સર સર, કહાનીમેં બારીશ બિલકુલ નહિ હૈ. મૈને જો ‘બાદલ’ કહા વો તો ઘોડે કા નામ હૈ!’

ખેર. ફિલ્મોમાં ક્યારેય સાચો વરસાદ નથી વપરાતો. તમને જાણીને નવાઈ લાગશે કે વરસાદના ગીતો ભાગ્યે જ વરસાદમાં શૂટ થાય છે. વરસાદના દૃશ્ય કે સોંગનું શૂટિંગ સ્ટુડિઓના સેટ પર હોય કે પછી બહાર ખુલ્લામાં હોય પણ ત્યાં નકલી વરસાદ ઊભો કરવા માટે હંમેશાં એક રે(ઈ)ન મશીન મંગાવવામાં આવે છે. દસ-બાર પાણીના પાઈપ એક લાંબા સળિયા પર બાંધ્યા હોય, એના ઉપર ફુવારા જેવી જાળી, એ પાઈપ ને 15-20 ફૂટ સુધી ઉપર લઇને એમાં પંપ દ્વારા પાણી ધકેલાય અને એકસાથે એ બધા ફુવારાથી વરસતી જળધારાથી વરસાદની ઈફેક્ટ ઊભી થાય.

શૂટિંગ સમયે ભલે સાચો વરસાદ આવતો હોય તોય એ વરસાદને બાજુએ મૂકીને આવા નકલી રેન મશીનથી જ કામ ચલાવવું પડે છે. કેમ? એવો સવાલ જરૂર થશે.

સમજાવું. સાચા વરસાદનો ભરોસો નહિં ગમે ત્યારે અટકી જાય તો શૂટિંગ અટકી જાય અને વળી સાચા વરસાદનો ફોર્સ પણ એક સરખો ના હોય. સાચો વરસાદ તો સુપરસ્ટાર જેવો હોય ને? એનો મૂડ હોય ત્યારે જ આવે એટલે સતત એકધારો વરસાદ થતો દેખાડવા માટે રેન મશીન શૂટિંગમાં જોઈએ જ અને ઘણીવાર આવા વરસાદી સોંગના શૂટિંગમાં ભીના સેટ પર પલળેલા શરીરે વરસાદની ઈફેક્ટ આપતા ટેક્નિશિયનોને વીજળીના ઝટકાથી મોતનો સામનો કરવો પડે છે. થોડાં જ વર્ષ પહેલાં અવતાર ગીલ નામના ચરિત્ર અભિનેતાનો નાનો ભાઈ ગોવિંદાની એક ફિલ્મના શૂટિંગમાં પાણીની ટાંકી ફાટવાથી વીજળીનો આંચકો ખાઈને મૃત્યુ પામેલો.

ફિલ્મી વરસાદ સાથે આંધી કે તોફાન દેખાડવા માટે એક મોટો પંખો વાપરવામાં આવે છે, જેને ફિલ્મી ભાષામાં ‘તૂફાન ફેન’ કહેવાય છે. એ પંખો જેવો ચાલુ થાય કે ભયંકર પવનના સુસવાટા ઊભા થાય. એની આગળ સૂકા પાંદડા વગેરે વહાવીને આંધીનું દ્રશ્ય ઊભું કરવામાં આવે છે, પણ આ તૂફાન ફેન ચલાવવામાં ખૂબ ખતરનાક હોય છે. એની બ્લેડમાં ફસાઈને અનેક કારીગરોના હાથ કપાયા છે અને ઘણી વાર તો વાળ ફસાઈ જવાથી ખોપરીના ફૂરચા પણ ઊડ્યા છે!

રોમાન્સ કરતા હીરો હીરોઈનોને વરસાદમાં ભીંજાતા જોઇને પોતાની ભીની ભીની ઈચ્છાઓને માણવા બેઠેલા પ્રેક્ષકોને વરસાદી શૂટિંગની આ કરુણ બાજુનો ભાગ્યે જ ખ્યાલ હોય છે એટલે જ વરસાદના ગીતોમાં ડાન્સ કરનારા ડાન્સરો અને એક્સ્ટ્રા કલાકારો ભીંજાવા માટે અલગ ખાસ પૈસા લે છે!

વરસાદમાં નાચગાઇને લોકોનું મનોરંજન કરતા કલાકારો પર શું વીતે છે એ સાંભળીને વરસાદી ગીતો જોવાનો નજરીયો બદલાઇ જશે. જેમકે…

1995ની અક્ષયકુમારની ‘મહોરા’ ફિલ્મમાં આપણા ગુજ્જુ સંગીતકાર વીજુ શાહનું ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ પણ ઘણા લોકોનું આજેય ઓલ ટાઈમ ફેવરિટ છે…પણ એ ગીતના શૂટિંગમાં રવીના ટંડન જયારે કેસરી સાડીમાં નાચી રહી હતી ત્યારે એને હકીકતમાં 104 ડિગ્રી તાવ હતો…એ જ રીતે જીતેન્દ્ર અને મૌસમી નું ગીત ‘મેઘા રે મેઘા રે મત પરદેસ જારે’, યાદ છે? એ વખતે જીતેન્દ્ર ને 102 ડિગ્રી તાવ હતો, કારણ કે સતત અલગ અલગ 3 સેટ પર એ વરસાદનાં ગીત શૂટ કરવામાં બિઝી હતો! એવી જ રીતે, મનોજ કુમારની ‘ક્રાંતિ’ ફિલ્મમાં હેમા માલિનીની હાલત વરસાદી ગીત ‘ઝીંદગી કી ના તૂટે લડી’ વખતે ખૂબ કફોડી હતી. હેમાજી એ વખતે પ્રેગ્નન્ટ હતાં … હીરોઈન એશા દેઓલ ત્યારે હેમાજીનાં ગર્ભમાં હતી અને તોયે હેમાજીએ રેનસોન્ગનું શૂટિંગ સતત બે દિવસ કરેલું!

વરસાદના ગીતો પાછળ આવી કઈ કેટલી તરબતર કહાનીઓ પડી છે, પણ એક વાત નક્કી કે હિન્દી ફિલ્મો ના હોત તો આપણ ને વરસાદ આટલો ક્યારેય ના ભીંજવી શકત. જે પણ હોય, ફિલ્મોએ આપણને ખૂબ ભીંજવ્યા છે અને આપણી અંદરનો રોમાન્સ સદાયે ભીનો રાખ્યો છે.

આપણ વાંચો:  કવર સ્ટોરી – 44 વર્ષે પણ ચેલેંજિંગ રોલની તલાશ…

એકવાર અમેરિકન પ્રેસિડેંટ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરી ક્લિન્ટન વિદેશ સફરે ગયેલા અને અચાનક વરસાદ આવ્યો. એ ગાડીમાંથી ઉતરીને ચાલવા માંડ્યા. એમણે આસપાસના બોડીગાર્ડોને કહ્યું, ‘તમે લોકો ચિંતા નહિ કરો મને પહેલાં વરસાદમાં બસ રખડવા દો.’ હિલેરીની પાછળ સ્ટાફનો અને ગાડીઓનો આખો કાફલો ચાલતો રહ્યો. ઘણીવાર આપણે પણ એ સરકારી ગાડીઓમાં બેઠેલા બોરિંગ નોકરિયાતો જેવા બની જઈએ છીએ. વરસાદ આપણી પાસે જ છે, આસપાસ જ છે પણ આપણી અંદર નથી અને એટલે જ આપણે ભીંજાવું નથી…માટે જ કોઈક વાર આપણે આપણી ઈસ્ત્રી-ટાઈટ જિંદગીમાંથી બહાર નીકળીને બિન્ધાસ્ત ખુલ્લામાં જઈને પેલા રાજ કપૂરની જેમ નાચતા નાચતા ગાવું જોઈએ :
હો બરસાતમેં તાક ધીના ધિન..!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button