સ્ટાર-યાર-કલાકારઃ અલગારી ફિલ્મકાર બી.આર.ઇશારા સેક્સ ફિલ્મ ‘ચેતના’થી જે.કૃષ્ણમૂર્તિ સુધી…

- સંજય છેલ
એવું નથી જ કે દરેક સ્ત્રી વેશ્યા છે પરંતુ હું માનું છું કે દરેક વેશ્યા એક સ્ત્રી છે અને સ્ત્રી હોવાથી, તે પુરુષ જેટલી જ માનવીય છે. એની પણ જરૂરિયાતો અને ઇચ્છાઓ છે…
ઉછળતા આઇટમ નંબર્સ કે હીરોઇનની છાતી કે શરીરનાં અંગઉપાંગો કરતાં પ્રેમીઓને બેડરૂમમાં સાચો પ્રેમ કરતા બતાવવું વધારે યોગ્ય અને નેચરલ છે!
………..આવું કહેનારા બી.આર.ઇશારા માત્ર એક દિગ્દર્શક નહોતા, પણ સિનેમાને સમાજના અરીસા તરીકે જોનારા મેકર હતા. 1934ના રોજ હિમાચલના ગામમાં જન્મેલા ઇશારાજીની સફર ફિલ્મી વાર્તાથી ઓછી નથી. મુંબઈ આવ્યા પછી ફિલ્મનાં સેટ પર સ્પોટબોયનું એટલે ચાપાણી આપવાનું, સેટ પર ઝાડુ મારવાનું વગેરે કામ કર્યું.
પછી શૂટિંગમાં સંવાદોને ધ્યાનથી જોઈને ધીમેધીમે એ શીખ્યા. એ બાદ બી-ગ્રેડ ફિલ્મોમાં સંવાદો લખ્યા. ગીતકાર શૈલેંદ્રએ નિર્મિત કરેલી રાજ કપૂર-વહિદા રહેમાનની યાદગાર ફિલ્મ ‘તીસરી કસમ’માં બાસુ ભટ્ટાચાર્યના સહાયક નિર્દેશક રહ્યા ને છેવટે એક અભણ માણસે અનેક ક્રાંતિકારી ફિલ્મો બનાવી.
70-80ના દાયકામાં, જ્યારે બોલિવૂડ ટિપિકલ વાર્તાઓવાળું હતું, ત્યારે બાબુ રામ ઇશારાએ સમાજના સેક્સ અંગેના દંભને ખૂલ્લી પાડતી બોલ્ડ પણ ઓછા બજેટની ફિલ્મો બનાવવાનું જોખમ લીધું. 1970ની ‘ચેતના’ દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ હતી, જેમાં કોલગર્લની વાર્તા હતી ને ફિલ્મમાં નવી હીરોઇન રેહાના સુલ્તાનાએ ઘણા બોલ્ડ સીન આપેલા.
ઇશારાએ આખી ફિલ્મને પુણેના બંગલામાં સવારે 5:30થી રાત્રે 11 સુધી સતત 26-કલાકના મેરેથોન શૂટિંગ સાથે 25 દિવસમાં બનાવી, જેને બોલિવૂડની સૌથી સસ્તી ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.
સેન્સર બોર્ડને ટોચના ફિલ્મનિર્માતાઓ તરફથી ‘ચેતના’ને લઈને 45 ફરિયાદ મળી ને ફિલ્મને બેન કરવાની માગ ઊઠી! પણ ખૂબ લડત બાદ સેંસર તરફથી એડલ્ટ ફિલ્મ તરીકે પરવાનગી મળી. એડલ્ટ માટ અંગ્રેજી અ(એ)નાં આકારની જેમ સ્ત્રીના બે નગ્ન પગ વચ્ચે હીરો અનિલ ધવનનો ચહેરો મૂકીને ‘ચેતના’ના પોસ્ટરે સમાજમાં તહેલકો મચાવી દીધેલો. ફિલ્મ ખૂબ ચર્ચાઇ, વખણાઇ ને બોક્સઓફિસ પર પણ હિટ હતી.
એ પછી ઇશારાજીએ ‘એક નઝર’, ‘પ્રેમશાસ્ત્ર’, ‘લોગ ક્યા કહેંગે’;, ‘મિલાપ’, ‘મન જાયે’, ‘ઘર કી લાજ’,‘વો ફિર આયેગી’, ‘સૌતેલા ભાઈ’ જેવી અનેક ફિલ્મો બનાવી.
ઈશારાજીની ખાસિયત એ હતી કે એ સમાજના સત્યને જેમ કે વેશ્યાવૃત્તિ, સ્ત્રી-પુરુષના સંબંધો અને સમાજની બદીદંભ પર વાર્તાઓ લાવતા. 1972માં અમિતાભ-જયા ભાદુરી સાથે ‘એક નજર’ ફિલ્મ બનાવી. ફિલ્મની વાર્તા કવિ અને છોકરી મજબૂરીમાં વેશ્યાવૃત્તિ કરનારી અને છતાંયે એને લગ્ન કરવાની ઇચ્છા છે! 1974માં દેવ આનંદ-ઝીનતની ‘પ્રેમશાસ્ત્ર’ પણ અટપટા સંબંધો પર હતી.
ઈશારાજીએ એમની કેરિયરમાં સંજીવ કુમાર, રાજેશ ખન્ના, રાજ બબ્બર, રાજ કિરણ, જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહા, રીના રોય જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું, પણ પૈસા ખાતર ઘોસ્ટરાઇટિંગ એટલે કે પૈસા લઇને પોતાનું નામ ના આપીને મોટા લેખકોની ફિલ્મો પણ લખી આપતા, જેમાં સફેદ કુરતાવાળા શાયરલેખક, સુપરહિટ જોડી અને ઘણાં ભટ્ટ ચોપરાઓ પણ આવી જાય છે.
ઈશારાજીનું જીવન, ફિલ્મો જેટલું જ ચર્ચાસ્પદ હતું. ‘ચેતના’ ફિલ્મના શૂટિંગ દરમિયાન હીરોઈન રેહાના સુલ્તાન અને ઈશારાજી પ્રેમમાં પડ્યા. ‘ચેતના’ની સફળતા પછી અફેરની ચર્ચા તેજ થઈ, ત્યારે એમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું. ઇશારાએ રેહાનાને અગાઉથી જ ચેતવણી આપી, ‘જો, હું મેરેજ મટેરિયલ નથી કદાચ તું એકાદ વર્ષમાં મને છોડી દઇશ, પરંતુ ચલો, અજમાવી જોઇએ.’
બંનેના ધર્મ અલગ, ખુલ્લા પગવાળાં પોસ્ટરને કારણે છોકરી અને છોકરો બેઉ બદનામ, તોયે 1984માં પરણ્યા. ધારાવીની ઝૂપડપટ્ટીમાં નાના ઘરમાં આસાનીથી સાથે રહ્યા, ઓટો-રિક્ષામાં મુસાફરી કરતા અને હંમેશાં નિ:સંતાન રહેવાનું નક્કી કર્યું. ઇશારાએ પત્નીને સમજાવેલું: ‘આ ખરાબ વિશ્વમાં બીજું ખરાબ મશીન શા માટે લાવવું?!’
એકવાર ઇશારાજી અમદાવાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે જૂનાગઢના બાબી રાજવંશની ગુજરાતી બ્યૂટી ક્વીન પરવીન બાબી ત્યાં શૂટિંગ જોવા આવેલી. ઇશારાજીને પરવીન બાબીને જોતાંવેંત જ ફિલ્મોમાં કામ કરવા વિશે પૂછયું. પરવીને કહ્યું: ‘વાર્તા ગમશે તો ચોક્કસ કરીશ!’
મોટાભાગની છોકરીઓને ફિલ્મની ઓફર મળતાં જ તરત જ તૈયાર થઈ જાય ને વાર્તા વગેરે વિશે વિચારતી નથી, પણ ઈશારાજીને પરવીનની આ વાર્તાવાળી વાત બહુ ગમી. એમણે પરવીનને માની ભૂમિકાવાળી વાર્તા સંભળાવી, પરવીન ત્યારે માત્ર 18-19ની હતી, છતાં તરત માની ગઈ. અને ઇશારાજીએ એક ખાસ સ્ટેમ્પ પેપર પર સાઇન કરાવી હતી કારણ કે પરવીન ખૂબ બોલ્ડ હતી.
એક દિવસ ‘દિલ અપના પ્રીત પરાઇ’ અને ‘ગાઇડ’ ફિલ્મમાં વહીદાના પતિ માર્કો બનેલ નિર્દેશક કિશોર સાહુએ ઇશારાજીને પૂછ્યું: ‘તમે એક છોકરીને સાઇન કરી છે એને હું મારી ફિલ્મ માટે સાઇન કરું?’
હકીકતમાં તો ઈશારાજી સ્ટેમ્પ પેપર પર શરત લખેલી કે જ્યાં સુધી એમની ફિલ્મ ન બને ત્યાં સુધી પરવીન, બીજી કોઈ ફિલ્મ કરી શકશે નહીં, પણ એમને આ વાત યાદ જ નહોતી અને કિશોર સાહુને પરવીન સાથે ફિલ્મ કરવા માટે હા પાડી.
એકવાર ઈશારાજી સ્ટુડિયોમાંથી સિગારેટ પીતા હતા ત્યારે એક સુંદર છોકરીએ આવીને પૂછ્યું, ‘તમે મારી સાથે ફિલ્મ કેમ નથી બનાવતા?’ ઈશારાજીએ એ છોકરી તરફ જોયું ને યાદ આવ્યું કે આ તો પરવીન! એ જ સાંજે ઈશારાજી એક સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. ફિલ્મમાં પરવીન સામે હીરોની તરીકે આપણાં જામનગરનાં વિખ્યાત ક્રિકેટર સલીમ દુર્રાનીને ચાન્સ આપ્યો, ફિલ્મ હતી: ‘ચરિત્ર’ ને એ પરવીની પહેલી ફિલ્મ હતી.
અલગારી ઇશારાજી દિવસમાં 120 સિગારેટ પીતા હતા, પત્ની રેહાના એમને એક ‘જીવતો બોંબ’કહેતી. ઇશારાજી ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિ દ્વારા ઊંડા પ્રભાવિત હતા, વારંવાર એમને ટાંકતા હતા. હિટ ફિલ્મો નિર્દેશિત કરવા છતાં, બોલિવૂડની ઝાકઝમાળમાં સાવ સાદા હતા. એકવાર મજાકમાં પત્ની રેહાનાને એમની એકમાત્ર મહામૂલી મૂડી તરીકે જાહેર કરેલી.
અને હા, બોલિવૂડમાં એક્ચ્યુઅલ લોકેશન એટલે કે કોઇ ખરેખરા ફ્લેટ કે બંગલામાં ઓછી લાઇટો સાથે શૂટિંગ કરવાની શરૂઆત ઈશારાએ કરેલી! ત્યારબાદ નિર્દેશકો સ્ટુડિયોથી બહાર નીકળ્યા. પહેલાં તો રોડ, પહાડી, દરિયા સિવાય ભાગ્યે જ શૂટિંગ કરવા કોઇ બહાર જતા. આવા આ બાબુ રામ ઇશારાજી સાથે એમની જુહુની બિસ્માર ઓફિસમાં અનેક સાંજો ગાળી છે…
વિચાર કરો એક અભણ માણસ રોજ અંગ્રેજી નોવેલ વાંચતો, અલગ ફિલ્મો બનાવતો અને ઓફિસમાં લાઇટમેન સ્પોટબોય વગેરે કામદારો માટે લંગર ચલાવતો!
મિસ યુ બાબુદા… 7મી સપ્ટેંબરે એમનો જન્મદિવસ ગયો.
આપણ વાંચો: બધાને ખુશ રાખવા એટલે જીવતા દેડકાને ત્રાજવામાં જોખવા…