મેટિનીસ્પેશિયલ ફિચર્સ

દિલદાર સ્ટાર-કલાકારોની દોસ્તીની દાસ્તાન


સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

પ્યારેલાલ, આર.ડી.બર્મન, અમિતાભ બચ્ચન – શત્રુઘ્ન સિન્હા, રાજેશ ખન્ના- વિનોદ ખન્ના

બદનામ ફિલ્મ-લાઈનમાં સ્ટાર લોકો વચ્ચેની દુશ્મનીના કિસ્સાઓ છાપાં-મૅગેઝિન-ટી.વી.મીડિયામાં ખૂબ ગાજતા રહે છે, પણ એની સામે કલાકારો વચ્ચે દોસ્તી પણ એવી જ તગડી હોય છે , જેનાં અનેક બેનમૂન દાખલા છે. મજાની વાત એ છે કે ‘દોસ્તી’ શબ્દ પરથી બનેલી ફિલ્મો સાથે જ ‘દોસ્તી’ના અનેક કિસ્સા જોડાયેલા છે!

૧૯૬૪માં રાજશ્રી ફિલ્મ્સની મ્યુઝિકલ હિટ ફિલ્મ ‘દોસ્તી’માં સંગીત લક્ષ્મી-પ્યારેનું હતું, પણ બધાં જ ગીતોમાં માઉથ ઓર્ગન નામનું વાજિંત્ર એલ.પી.ના હરીફ સંગીતકાર આર.ડી.બર્મને વગાડેલું, કારણકે ત્યાં હરીફાઈ કરતાં દોસ્તી વધુ મજબૂત હતી. એ પછી ૧૯૮૦માં આર.ડી.ના ‘ચાંદ મેરા દિલ, ચાંદની હો તુમ’ ગીત માટે મહોમ્મદ રફીજીને પ્લેબેક સિંગરનો ‘ફિલ્મફેર’ એવોર્ડ મળેલો, પણ સંગીત માટે ત્યારે લક્ષ્મી-પ્યારેને એવોર્ડ મળેલો, આર.ડી.ને નહીં! એ જ ‘ફિલ્મફેર’ના સમારંભમાં લક્ષ્મી-પ્યારે પોતાનાં ગીતો રજૂ કરવાના હતા ત્યારે પ્યારેલાલે સામેથી આર.ડી બર્મનને કહ્યું: ‘પંચમદા, અમારો કાર્યક્રમ રફીસાહેબના અવાજમાં તમારું ગીત ‘ચાંદ મેરા દિલ.’થી જ શરૂ કરશે, જેને અમે અમારી ઓરકેસ્ટ્રા ટીમ સાથે પેશ કરીશું’

નિર્દેશક દુલાલ ગુહાએ ‘દુશ્મન’ (૧૯૭૧) જેવી અતિસફળ ફિલ્મ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે બનાવેલી. પછી એ જ ગુહાએ ‘દુશ્મન’ બાદ ૧૯૭૪માં ‘દોસ્ત’ ફિલ્મ બનાવેલી! અને બેઉ ફિલ્મ રાજેશ ખન્ના અને શત્રુજીએ એકમેકને અપાવેલી.. પણ એ જ શત્રુઘ્નજી ખુદ રાજેશ ખન્ના સામે ૧૯૯૨માં દિલ્લીમાં લોકસભા ઇલેક્શન હારી ગયેલા, જેને શત્રુઘ્નજીએ ‘જિંદગીની સૌથી મોટી ભૂલ ગણાવેલી’ કે ‘મારે મિત્ર સામે આવા ચુનાવી કિચડમાં ઊતરવું જોઈતું નહોતું.’

શરૂઆતના એક દાયકામાં શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે ખૂબ દોસ્તી હતી પછી અચાનક એક ફિલ્મી પાર્ટીમાં નજીવી વાત માટે ઝઘડો થયો અને શાહરૂખ-સલમાન વચ્ચે વરસો સુધી અબોલાં રહ્યાં. ત્યાં સુધી કે શાહરૂખની કંપનીએ બનાવેલી ફિલ્મ ‘ચલતે ચલતે’માં અગાઉ ઐશ્ર્વર્યા રાય હીરોઇન હતી, પણ સલમાને એને સેટ પર જોઈ પછી એને રોકી અને ખૂબ ધમ્મપછાડા કરેલા. આવી દુશ્મની છતાં પણ શાહરૂખ તો સલમાનનાં મા-બાપને નિયમિત મળતો. સલમાનના લેખક-પિતા સલિમ ખાન સાથે ચર્ચાઓ કરતો અને સલમાનના ઘરે જમીને જ જતો! પછી તો હમણાં જ જેમની હત્યા થઈ એ મુંબઇના બાંદ્રા વિસ્તારના વિધાનસભ્ય બાબા સિદ્દીકીની એક ઇફ્તાર પાર્ટીમાં બાબા સિદ્દીકીએ જ સલમાન અને શાહરૂખ વચ્ચે સુલેહ કરાવેલી, જે દોસ્તી આજ સુધી અકબંધ છે.


Also read: પ્રેમ-પ્રતિપ્રેમ ને ધિક્કાર વેબ સિરીઝ ‘યે કાલી કાલી આંખે’ એટલે બોટલ જૂની, પણ એમાં છે નવો દિલકશ દારૂ!


જો કે ‘દોસ્તાના’ (૧૯૮૦)ની વાર્તા ભલે બે દોસ્તની દોસ્તી પર હતી, પણ એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન ગાઢ મિત્ર અમિતાભ અને શત્રુઘ્ન વચ્ચે દુશ્મની શરૂ થઈ ગયેલી! એ બેઉએ ‘દોસ્તાના’ પછી ક્યારેય સાથે કામ કર્યું નહીં અને ‘નસીબ’ જેવી અધૂરી ફિલ્મ માંડમાંડ પૂરી કરવી પડી. સંઘર્ષના સમયમાં શત્રુજી અને અમિતજી સારા મિત્ર હતા. શત્રુ ત્યારે કામયાબ સ્ટાર-વિલન પુરવાર થયેલા એટલે એમની પાસે એક કાર હતી, જેમાં અમિતાભ સાથે ખૂબ રખડતા, પણ ‘દોસ્તાના’ ફિલ્મ બાદ વરસો સુધી બેઉ વચ્ચે ભારે અબોલાં રહ્યાં. આમ તો ‘કાલા પથ્થર’ અને ‘નસીબ’ જેવી ફિલ્મ વખતે જ બન્ને વચ્ચે તનાવ શરૂ થઈ ગયેલો. વરસો બાદ અમિતાભે પુત્ર અભિષેકના લગ્ન નિમિત્તે આખી ફિલ્મ ઇંડસ્ટ્રીને મીઠાઈ મોકલાવેલી ત્યારે શત્રુઘ્ને તો એ મીઠાઈ પણ પરત મોકલાવી દીધેલી! છેવટે છેક હમણાં શત્રુઘ્ન, બહુ જ બીમાર પડેલા ત્યારે અમિતાભ એમને હૉસ્પિટલમાં મળવા ગયેલા. બેઉ ભેટીને રડેલા અને ફરી દોસ્તી સંધાઈ ગઈ.

જે નિર્માતા-નિર્દેશક યશ ચોપરા સાથે સુપર-સ્ટાર અમિતાભ બચ્ચને દીવાર – ત્રિશૂલ – કભી કભી – કાલા પથ્થર જેવી યાદગાર ફિલ્મો કરેલી, એ બંને વચ્ચે ૧૯૮૧માં આવેલી ફિલ્મ – સિલસિલા પછી દોસ્તી ખરાબ રીતે તૂટી ગયેલી. ત્યાં સુધી કે અમિતજીએ ખુશવંત સિંઘ દ્વારા સંપાદિત માતબર મૅગેઝિન ઇલ્સટ્રેટેડ વીકલીમાં યશ ચોપરા વિશે કહેલું કે જો કોઈ ટેલેંટ વિના વારંવાર ફ્લૂકમાં, યોગાનુયોગ-નસીબજોગે કે તુક્કાથી સફળ હોઈ શકે તો એ છે – યશ ચોપરા! પછી છેક ૨૦૦૦માં અમિતજીનો ખરાબ સમય આવ્યો ત્યારે ફરી યશજીની ‘મહોબ્બતે’ ફિલ્મથી બેઉનો સંબંધ મહોબ્બત પૂર્વક રહ્યો.

૧૯૮૭માં નિર્દેશક મહેશ ભટ્ટે ‘કાશ’ નામની ફિલ્મ લખેલી જેમાં એક ફ્લોપ અને હતાશ સુપર-સ્ટાર, એના બાળક અને એક સમયની પત્ની સાથેનો કડવો ડ્રામા એની વાર્તામાં હતો. પત્નીનો રોલ, ડિમ્પલ કાપડિયા કરવાનાં હતાં એટલે વાત સાફ હતી કે હીરોનો રોલ, રાજેશ ખન્નાના વ્યક્તિત્વ પરથી પ્રેરિત હતો. મહેશ ભટ્ટે એ વાર્તા, ત્યારના સ્ટાર વિનોદ ખન્નાને સંભળાવી. વિનોદે તરત પૂછ્યું, ‘યહ ફિલ્મ કાકા (રાજેશ ખન્ના) કે કિરદાર પર લિખી ગઇ હૈના? સોરી, મૈં ફિલ્મ છોડ સકતા હું, દોસ્તી નહીં.’ …કારણ કે વિનોદ અને રાજેશ, કૉલેજકાળના પાક્કા મિત્રો હતા.

એક વાર રાજ કપૂરના અભિનેતા પુત્ર ને કરીના કપૂરના પિતા રણધીર કપૂરે, દેવ આનંદને અમસ્તાં જ કહેલું કે એમનો આર.કે. સ્ટુડિયો હવે બહુ ચાલતો નથી કારણકે મુંબઈથી દૂર ચેંબૂર પરામાં હોવાને લીધે, ટ્રાફિક પાર કરીને લોકો શૂટિંગ કરવા આવતા નથી. આ સંભળીને દેવસાહેબે તરત કહેલું, આજ સે દેવ કી કંપની નવકેતન કી હર ફિલ્મ કા સેટ રાજ કપૂર સ્ટુડિયો મેં હી લગેગા. મેરે યાર કા સ્ટુડિયો હૈ, ઉસ કે લિયે દેવ ઇતના તો કર સકતા હૈના? અને ૮૦માં વરસે પણ દેવસાહેબ પાર્લા જૂહૂથી, જાતે દોઢ કલાક કાર ચલાવીને ચેંબૂર સુધી શૂટિંગ કરવા જતા! વળી રાજ કપૂર જ્યારે જીવનના અંતે કોમામાં હતા ત્યારે દિલીપકુમાર, રાજજીને હોશમાં લાવવા, એમના કાનમાં પેશાવરની બોલીમાં ‘ઊઠ જા લાલે ..ઊઠ જા’ વગેરે બોલીને જગાડવાનો પ્રયત્ન કરતા કારણ કે બેઉ મૂળે તો પાકિસ્તાનના પેશાવર વિસ્તારથી આવેલા.


Aslo read: આવો, યાદ કરીએ હૃદયસ્પર્શી સ્વરાંકનના સર્જક સલિલ ચૌધરીને…


જો કે લોકો બોલીવૂડમાંની આવી દોસ્તી વિશે ભાગ્યે જ વાત થાય છે કારણ કે એમાં ગોસિપના બે સિપ નથી હોતા, કૂથલીમાં કૂટાયેલ મસાલો નથી મળતો, પણ સૌ ભૂલી જાય છે કે સ્ટાર-યાર કલાકાર, આખરે તો આપણા જેવા જ રિસાતા-મનાતા હાડચામના માણસો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button