મેટિની

ગીતોનાં પિક્ચરાઈઝેશનની ચિત્ર-વિચિત્ર ‘જફા’…

મહેશ નાણાવટી

ફિલ્મ ‘આરાધના’ માટે સેટ લાગ્યો છે… એક ગીતનું પિક્ચરાઈઝેશન ચાલી રહ્યું છે… બપોરથી શરૂ થયેલી શિફ્ટ રાત્રે પતી ગઈ, પણ આઠ આઠ કલાક થયા છતાં એક પણ શોટ લેવાયો નથી…

બીજા દિવસે પણ એ જ હાલ …લાઈટો ગોઠવાય છે. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની મુવમેન્ટનાં રિહર્સલો ચાલતાં રહે છે એ મુજબ કેમેરા શી રીતે મુવ કરશે તેનું પણ ‘રિહર્સલ’ ચાલી રહ્યું છે… સાલી, આઠ કલાકની શિફ્ટ આજે પણ પૂરી થઈ ગઈ, છતાં એક પણ શોટ ‘ઓકે’ થયો નથી!

ત્રીજા દિવસે પણ એ જ હાલ છે… છેવટે ચોથા દિવસે એનો ‘ટેક’ શરૂ થાય છે અને થોડા રિ-ટેક પછી ફાઈનલી ‘એક’ ટેક ‘ઓકે’ થાય છે… અને લો! આખા ગીતનું પિક્ચરાઈઝેશન પૂરું થઈ ગયેલું જાહેર કરવામાં આવે છે!

જી હા, ‘આરાધના’નું એ એવરગ્રીન, મોસ્ટ રોમેન્ટિક સોંગ હતું ‘રૂપ તેરા મસ્તાના…’ તમે આજે પણ યુ-ટ્યૂબમાં જોશો તો ખ્યાલ આવશે કે આખું ગીત માત્ર એક જ શોટમાં (કેમેરા ઓન થાય અને ઑફ થાય તેની વચ્ચે જ) ચિત્રિત કરવામાં આવ્યું છે!

જોકે આજે પણ મોટાભાગના પ્રેક્ષકોને ખ્યાલ નથી આવતો કે વચમાં ‘કટ’ આવતા નથી. અહીં સવાલ એ છે કે દિગ્દર્શક શક્તિ સામંતે શા માટે આવી ચાર ચાર દિવસની ‘જફા’ વહોરી લીધી હતી?!

વાત એમ હતી કે ગીત તો સાંભળવામાં એટલું ‘કામુક’ અને ઉત્તેજક લાગે છે કે વાત ના પૂછો, પરંતુ ફિલ્મની સ્ટોરી મુજબ શક્તિ સામંત એ ગીતની સિચ્યુએશનમાં પ્રેમી અને પ્રેમિકાની કામુકતા નહીં, પણ અવઢવ, યાને કે ‘કશમકશ’ બહાર લાવવા માગતા હતા એટલે જ આ સિંગલ શોટની ડિવાઈસ પસંદ કરી હતી.

હવે ફરીથી એ ગીત યુટ્યૂબમાં જોઈને કહેજો કે શક્તિ સામંત પોતાના હેતુમાં સફળ થયા કે નહીં!

જોકે, દર વખતે કંઈ દિગ્દર્શકના એવા ‘ડીપ’ હેતુ હોતા નથી, જેમ કે મનમોહન દેસાઈ… એ તો પોતાના અજીબોગરીબ તુક્કાઓ માટે મશહૂર છે, જેમકે આ કિસ્સો છે ‘કૂલી’ ફિલ્મના ગાયન ‘એક્સિડેન્ડ હો ગયા રબ્બા રબ્બા’નો…

થયું એવું કે શૂટિંગ ચાલી રહ્યું હતું ઊટીના રમણીય લીલાછમ્મ ઢોળાવવાળા રસ્તાઓ ઉપર… અને ત્યાં મનમોહનજીને વિચાર આવ્યો કે ‘અહીં ટ્રકનો એક્સિડેન્ટ થાય છે ત્યાં રસ્તા ઉપર ઢગલાબંધ સફરજનનો વિખેરાઈ જાય છે અને એમાં હીરો-હીરોઈન ગાયન ગાતાં હશે!’

હવે છેક ઊટીમાં મસ્ત મજાનાં લાલ ચટાક કાશ્મીરી સફરજનો ક્યાંથી લાવવા? પરંતુ સાહેબો, ફિલ્મોના પ્રોડક્શન મેનેજરો આવી જ ‘ટ્રબલ શૂટિંગ’ માટે તો રાખેલા હોય છે. દેસાઈ સાહેબના પ્રોડક્શન મેનેજરે વીસ પચ્ચીસ કિલો નહીં પણ આખેઆખી ટ્રક ભરીને લાલ ચટ્ટાક સફરજનો રાતોરાત લાવીને હાજર કરી દીધાં હતાં!

આવી જ રીતે, યશ ચોપરાએ એકવાર પોતાના આખા યુનિટને ઘસઘસાટ ઊંઘમાંથી બેઠું કરી દીધું હતું! મામલો શું હતો?

મામલો એવો હતો કે ‘કભી કભી’ના શૂટિંગ માટે ‘યશરાજ ફિલ્મ્સ’નું આખું યુનિટ કાશ્મીર ગયું હતું. સાંજે પેક-અપ થયા પછી સૌ હોટલમાં જઈને પોતપોતાની રૂમોમાં લાંબી તાણીને ઊંઘી ગયા, પરંતુ બીજા દિવસે સવારે યશ ચોપરા સાહેબની નીંદર વહેલી ઊડી ગઈ. બહાર નીકળીને જુએ છે તો મસ્ત મજાનો સ્નો ચારેબાજુ છવાયેલો છે એમને થયું કે યાર, ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ…’ ગાયનને પિકચરાઈઝ કરવા માટે આ બેસ્ટ માહોલ છે! તાત્કાલિક એમણે આખા યુનિટને જગાડીને બેઠું કર્યું કે ‘ચાલો, મુઝે અભી ગાના શૂટ કરના હૈ…’ (એનું સુંદર પરિણામ તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો.)

જોકે શક્તિ સામંત પણ આવી ધૂનકીની બાબતે કંઈ ઓછા નહોતા. ‘એન ઈવનિંગ ઈન પેરિસ’નું શૂટિંગ ફ્રાન્સ- ઈટલી જેવા રમણીય દેશોમાં ચાલી રહ્યું હતું. એનું ટાઈટલ સોંગ ‘આસમાન સે આયા ફરિશ્તા’ શૂટ કરવા માટે ત્યાંના દરિયામાં બિકિની પહેરીને સર્ફિંગ કરી રહેલી વિદેશી ક્ધયાઓ, સ્પીડ બોટ્સ, હેલિકૉપ્ટર વગેરે મોટો તામ-ઝમાન એમણે ખાસ્સા ખર્ચ સાથે એરેન્જ કર્યો હતો. એ ગાયન તો હિટ થવાની ગેરંટી હતી, પરંતુ એ સિવાય ફિલ્મનું એક બીજું ગાયન હતું જેની સિચ્યુએશન ટિપીકલ શમ્મી કપૂરની ફિલ્મોમાં હોય છે એવી માત્ર એક જ વાક્યની હતી: ‘ હીરો હીરોઈનને છેડે છે…’

હવે ફિલ્મની શરૂઆતમાં જ શમ્મી કપૂરને હેલિકૉપ્ટર વડે હીરોઈનની પાછળ પડતો બતાડી દીધો, પછી આગળ જતાં વળી (યાને કે હીરોઈનની ઉપર ‘ઝૂલતો ’) શું નવી તિકડમ લાવવી એ શક્તિદાને કોઈ અંદાજ નહોતો. જોકે, રેકોર્ડ થઈ ચૂક્યું ગાયન તૈયાર હતું, પરંતુ ઈટાલીમાં જ્યારે એમણે નાનકડાં રંગબિરંગી સ્કૂટરો જોયાં ત્યારે વિચાર આવ્યો કે શમ્મી કપૂર ડઝનબંધ સ્કૂટરસવાર યુવાનો સાથે શર્મિલા ટાગોરના સ્કૂટરનો પીછો કરતાં કરતાં આ ગાયન ગાશે! આમાં લોચો એટલો જ થયો કે શર્મિલાજીને સ્કૂટર ચલાવતાં બરોબર ફાવ્યું નહીં તો શક્તિદાએ સિચ્યુએશન એવી વિચારી કાઢી કે શમ્મી કપૂરને જલાવવા માટે શર્મિલા કોમેડિયન રાજેન્દ્રનાથના સ્કૂટરની પાછળ બેસી ગયાં છે… લો, આવી જાવ!

1967માં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ભારતમાં તો સ્કૂટરોનો જમાનો જ નહોતો એટલે પરદા ઉપર આ ગાયન જોવાનો લોકોને જલસો પડી ગયેલો !

અચ્છા, આ તો બધા પ્રોડક્શનને લગતા કિસ્સા થયા પણ એક ગાયન એવું છે જેમાં એક માત્ર ‘ઝૂમ લેન્સ’ના કમાલ છે! ‘અનહોની’ ફિલ્મ આવી 1973માં. એ સમયે ભારતમાં ઝૂમ લેન્સ નવા નવા આવેલા. એ પહેલાં જો કેમેરાને અભિનેતાની નજીક લઈ જવો હોય તો ટ્રોલી ઉપર ગોઠવીને સરકાવવો પડતો હતો, પરંતુ ઝૂમ લેન્સ વડે લેન્સની રીંગને ગોળ ફેરવવાથી જ એ કામ થઈ જવા લાગ્યું.

વિદેશમાં તો ઝૂમ લેન્સ વડે સેંકડો ફિલ્મો બની ચૂકી હતી પણ ‘અનહોની’ ફિલ્મમાં ‘હંગામા હો ગયા..’ વાળા ગાયનમાં દિગ્દર્શક રવિ ટંડને એ ઝૂમ લેન્સને જ ઝડપી તાલબદ્ધ લયમાં ઝૂમ-ઈન.. ઝૂમ-આઉટ કરીને ખુદ કેમેરાને જ ‘નાચતો’ કરી દીધો હતો! (જોજો તમારા મોબાઈલમાં, ગાયનના પહેલા અંતરા પછીના ભાગ.)

ટેક્નોલોજીનો આવો અવળચંડો છતાં ‘યુનિક’ ઉપયોગ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ થઈ શકે! શું કહો છો!

આ પણ વાંચો : ફિલ્મો થકી ફુગાવાનો અંદાજ આવે ખરો?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button