સાત્વિકમ શિવમ્ઃ …સુખી ક્યારથી? તમે સ્વીકારો ત્યારથી!

- અરવિંદ વેકરિયા
સિંહના પગલાએ જાણે વકીલનું કામ કર્યું. કહે છે કે ખોટી વાત ફેલાવવા માણસો નથી રાખવા પડતાં પણ સાચી વાત સાબિત કરવાં વકીલ રાખવો પડે. આ સિંહનાં પગલા સાચું સાબિત કરતું હતું કે નક્કી સિંહ,વાઘ કે દીપડો અહીંથી પસાર થઈ રેતી ઉપર પોતાની છાપ છોડતો ગયો હોવો જોઈએ. આ નિશાન પાછા રજનીબહેનની રૂમની બહાર જ દેખાયાં. હિમ્મત બતાવનારા રજનીબહેન ‘પગલાં’ જોઇને ‘પાગલ’ જેવા થઈ ગયાં અને જીદ લીધી કે ‘મને એકલી ન રાખો. સિદ્ધાર્થ પોતાનાં કુટુંબ સાથે રહેવાનો હતો. નક્કી એમ થયું કે હું જતીન સાથે રહું અને ત્રીજો બેડ નંખાવી રજનીબહેન અમારી સાથે રહે. બીજો કોઈ અવકાશ નહોતો. સિદ્ધાર્થ એમને અવગણતો હોય એવું રજનીબહેનના ‘ટોન’ પરથી લાગ્યું. જે ગ્રુપની જવાબદારી લઈને બેઠો હોય એ ‘બોજ’ શું છે તે પણ જાણતો હોય છે. રજનીબહેનની જીદ બરાબર હતી, પણ એમની પહેલાની ખુમારી ‘પગલાં’ પછી ભૂલાય ગઈ. છેવટે એમણે ઉપરોકત મુજબની વ્યવસ્થા સ્વીકારી લીધી. બીજા શબ્દોમાં તમે સુખી ક્યારથી? તમે સ્વીકારો ત્યારથી…!
બપોરનું લંચ લઈ, દોઢેક કલાક વામકુક્ષી કરી બધા ફરી નિકોલસનની કોમ્બીમાં, કીકોરોક હોટલના ગાઈડ સાથે રાઈડ પર નીકળી પડ્યાં. કેટલાંય પશુ- પક્ષીઓ નિહાળતાં ગયા અને કેમેરામાં કેદ કરતાં ગયાં. એ પશુ-પક્ષીઓનાં નામો અમે તો કોઈ જાણતા નહોતા, પણ ગાઈડ બોલતો હતો એ પલ્લે નહોતું પડતું. પસાર થતાં એક કોમ્બીવાળાએ કહ્યું કે આગળ એક લાયન-ફેમિલી બેઠું છે. અમે એ દિશાભણી વળ્યાં. થોડે દૂર કોમ્બી ઉભી રાખી. હુડ ઉપર કરી એ અફલાતુન ફેમિલીના ફોટા પાડતા રહ્યાં. સિદ્ધાર્થની પત્ની તો કોમ્બીમાથી બહાર નીકળી, જેથી ફોટો બરાબર ક્લિક કરી શકાય. ત્યાં તો સાયરનનાં અવાજ સાથે પોલીસ જીપ આવી પહોંચી અમને ચીમકી આપી : ‘અંદર’ કરી દેવાની ! અમે કલાકારો છીએ એ જાણ્યાં પછી સંગીત પ્રેમી એ પોલીસે ચેતવણી આપી જવા તો દીધા, પણ બધા ગભરાય ગયા હતાં. ત્યાં એવું કનેક્શન હોવું જોઈએ કે જંગલમાં પગ મૂકો કે તરત સાયરન વાગવા માંડે. બધાએ નક્કી કરી લીધું કે આવું પગલું બીજીવાર ન ભરવું નહીંતો અજાણ્યાં શહેરમાં ‘અંદર’થઈ જતાં વાર નહી લાગે. આ બનાવ પછી થયું કે ત્યાંના લોકલ માણસોનું કહેવું માનવું જોઈએ. તમે તમારી મનમાની આમાં શું થવાનું? ન કરી શકો. સંબંધોની રસ્સી નબળી ત્યારે જ થાય છે જયારે માણસ ગેરસમજ ઊભી થતાં સવાલોના જવાબો પોતે નક્કી કરી લે છે.
ખેર! હોશિયાર હોવું એ સારી વાત છે, પણ બીજાને બેવકૂફ સમજવા સૌથી મોટી મૂર્ખાઈ છે એ વાત બધાને સમજાય ગઈ. એ પછી તો હુડ ઊંચું કરી લાયન-ફેમિલીની બધી એક્ટિવીટી જોયા કરી. સિદ્ધાર્થે આ અનુભવ પછી વાઈફને તો ઠપકો આપ્યો જ જેના પરથી અમે પણ પાઠ ભણ્યાં. રૂપ ભલે રોજ મેલું થાય પણ સ્વરૂપ ક્યારેય મેલું ન થવું જોઈએ. હોટલ પરથી અપાયેલ શિખામણને ધ્યાનમાં લેવી જોઈતી હતી. પોતાની હોશિયારી આપણા દેશ પૂરતી સીમિત રાખી અહીંયા એમની ‘લોકલ સલાહ’ માનવી જોઈએ. શિખામણ સત્ય છે જે લોકો સાંભળતા નથી અને વખાણ દગો છે જે પૂરા ધ્યાનથી સાંભળે છે.
‘હું એકલી સૂઈ જઈશ’ કે ‘કોમ્બીમાંથી બે મિનિટ ઊતરો તો શું થવાનું?’ આવી વાતો માટે ભલે કોઈ વખાણ પણ કરી ગયું હોય પણ એ બોદી જ પુરવાર થઈ.
અમે અભયારણ્યમાં ઘણું ફર્યા. સસલા,હરણાં, હાથીના ટોળા.નાના તળાવમાં પડેલા હિપોપોટેમસ અને મગરોનાં ‘માળ’ (એક ઉપર એક) કિનારે પડેલા જોયાં. ટાઈગરની જગ્યા પણ એક કોમ્બીવાળાએ બતાવી પણ અમે કાં તો મોડા પડ્યાં અથવા ખોટી જગ્યાએ પહોંચ્યા, જે અમારા ત્રણની મસાઈમારા જોવાની તાલાવેલી હતી એ પૂરી તો થઈ એટલે અમે તો રાજી-રાજી હતાં.
હવે આ પ્રાણીઓના સાનિધ્યમાંથી નીકળવાનો (હોટલના નિયમ મુજબ) ટાઈમ થવા આવ્યો હતો. વાઘ કે સિંહ, કોઈ સસલા કે હરણનો શિકાર કરતો હોય જેને ત્યાં કિલ કહે છે એ જોવા ન મળ્યું. હોટલમાંથી તો અમને કહેતા હતા કે ‘ઓલ ધી બેસ્ટ ટુ સી કિલ, પણ અફસોસ.. હાથીઓના ઝુંડ નાં ઝુંડ જોયા. મોટા, નાના, એનાથી નાના મદનીયા… આખી લંગાર જોઈ. ખૂબ મજા પડી.
હવે હોટલ પર જઈ ડિનર લેવાનું હતું. એ પહેલા ત્યાંનાં ‘ડિસ્કો-બાર’માં એન્જોય પણ કરવાનું હતું. સવારે ફરી નૈરોબી માટે નીકળવાનું હતું. ત્યાં બાકી રહેલાં શો પૂરા કરવાના હતા.
અમારા ત્રણ પર તો આ મસાઈમારા એટલે પ્રભુકૃપા. પ્રભુકૃપાનો અર્થ એ નથી કે તમારી ઇચ્છા પૂરી જ થાય પણ એ પૂરી થાય અને સમય કેમ વીતી જાય એની ખબર પણ ન પડે.
મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ,
વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ !
જઈશું કે નહીં જવાય? એ અસમંજસ દૂર થઈ અને અમારી ટુર જાણે ફળી.!
ભોપો મિત્ર આગળ ફરિયાદ કરતાં બોલ્યો ભોપો: મારા અને વાઈફના વિચારો મળતા જ નથી.
મિત્ર: કેમ શું થયું?
ભોપો: મારે વેકેશનમાં ગોવા જવું છે, બીચ ઉપર ફરવું છે, કેસિનોમાં રમવું છે અને ફેની પીને પડ્યા રહેવું છે…
મિત્ર: તે તારી વાઈફને ક્યાં જવું છે?
ભોપો: એને મારી સાથે આવવું છે.
આપણ વાંચો: મનોરંજનનું મેઘધનુષ : શર્વરી વાઘ ધીમી પણ મક્કમ ગતિએ બોલિવૂડમાં આગળ વધી રહી છે આ અભિનેત્રી…



