ક્લેપ એન્ડ કટ..!:સિદ્ધાર્થ છાયા

‘યશરાજ’ એ બધા ‘જાસૂસ’ જોબલેસ થશે?
મારી મચડીને શરૂ કરેલું કોઇ પણ કાર્ય ફળ આપતું નથી. ના,ના… આવું ભગવાન કૃષ્ણે ગીતામાં નથી કહ્યું. આ તો ‘યશરાજ’ ના ‘સ્પાય યુનિવર્સ’ની માઠી બેસેલી દશા જોઇને આ વાક્ય આપોઆપ લખાઈ ગયું. થયું ! એવું છે કે ‘ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘વોર’ જેવી ત્રણ ફિલ્મ ‘યશરાજે’ બનાવી. ત્રણેય સારી ચાલી. ત્રણેય ફિલ્મમાં ભારત માટે જાસૂસી કરતાં જાસૂસોની વાત કોમન હતી.
એ પછી આદિત્ય ચોપરાને જાણેકે કોઈ મહાન આઈડિયા આવ્યો હોય એમ તેમણે નક્કી કર્યું કે એ આ ત્રણેય ફિલ્મોને સાંકળીને અને એમાં નવા જાસૂસો ઉમેરીને ‘સ્પાય યુનિવર્સ’ની એક અલગ દુકાન ખોલવી. આ યુનિવર્સની જાહેરાત કર્યા બાદ પહેલી ફિલ્મ બની ‘પઠાન’. શાહરુખ ખાનની ‘કમબેક’ જેવી આ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાકો કર્યો તો ચોપરા સાહેબને લાગ્યું કે આપણો દાવ ચાલી ગયો, પણ એમ આપણું ઓડિયન્સ નિર્દોષ તો છે નહીં. એટલે પછી ‘ટાઈગર-3’ને એણે બહુ સારો ન કહેવાય એવો રિસ્પોન્સ આપ્યો.
ચોપરા સાહેબ હજી કાંઈ સમજે એ પહેલાં ઓડિયન્સે ‘વોર-2’ને ઊંધેકાંધ પછાડી. આ ફિલ્મનો લોસ કહેવાય છે કે ‘યશરાજ’ને જે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં થયો હતો એના જેટલો જ થયો છે. એનીવેઝ, ‘વોર-2’ની આ નુકસાની પછી ચોપરા સાહેબ સફાળા જાગ્યા છે અને જાણવા મળ્યું છે કે એ બહુ જલ્દીથી આ ‘સ્પાય યુનિવર્સ’ની દુકાન બંધ કરી દેવાના છે. આ યુનિવર્સની આગલી ફિલ્મ ‘આલ્ફા’નું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હોવાના પણ સમાચાર માર્કેટમાં ફરી રહ્યા છે.
એક હીરો… આઠ વેનિટી વાન!
આમ તો, આ સત્ય એક પોડકાસ્ટમાં ડાયરેક્ટર સંજય ગુપ્તા અગાઉ જણાવી જ ચૂક્યા છે, પરંતુ જબરા અભિનેતા પીયૂષ મિશ્રાએ આ વાતમાં એક પોઝિટિવ વાત પણ ઉમેરી છે. આ કારણે જ તે ‘ન્યૂઝ વર્ધી’ બની છે. એક ફૂડ વ્લોગર સાથેનાં પોડકાસ્ટમાં પિયૂષ મિશ્રાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આજનાં અમુક ‘સ્ટાર્સ’ હવામાં ઉડે છે. આઠ અલગ અલગ વેનિટી વાન લઈને સેટ ઉપર આવે છે. એમની કૂલ 14 લોકોની ટીમ હોય છે. ઔર અભી તો રૂકો! પિયૂષ મિશ્રાએ એ પણ ઘટસ્ફોટ કર્યો છે કે એક ‘સ્ટાર કલાકારે’ તો ફક્ત પોતાને પાણી પીવડાવવા માટે ખાસ વ્યક્તિ રાખ્યો છે.
પેલી આઠ અલગ અલગ વેનિટી વિશે સંજય ગુપ્તાએ એ વાત કરી હતી કે એ ‘સ્ટાર’ પોતાનાં રોજિંદા કાર્ય જેવાં કે, નહાવું, જીમ જવું, સ્પા કરવું, નાસ્તો કરવો-જમવું, આરામ કરવો વગેરે આ જુદી-જુદી વેનિટીમાં કરે છે. ચાલો, એ સ્ટારને પડતો મૂકીએ તો, પિયૂષ મિશ્રાએ એક હકારાત્મક વાત પણ કરી છે. અને આ હકીકત રણબીર કપૂરને લગતી છે.
પિયૂષજી કહે છે, ‘આ બધા વચ્ચે રણબીર તો ગજબ છે. એ (અન્યોની માફક) બાળકબુદ્ધિ નથી ધરાવતો. એને ખબર છે કે એ મોટો સ્ટાર છે તો પણ હવામાં નથી ઉડતો. એ મને સહુથી ગમતો કલાકાર છે.’ ટૂંકમાં પીયૂષ મિશ્રાની વાત પરથી એ તો સાબિત થાય છે કે ‘સ્ટાર’ હોવું અને ‘હું સ્ટાર છું’ એવું દેખાડવું એ બન્ને અલગ અલગ વાત છે.
નહીંઈઈઈ… યે નહીં હો સકતા!
આગળ જેમ ‘યશરાજ’ના ચોપરા સાહેબની વાત કરી એવું જ કશુંક આજકાલ એક ખાન સાહેબનાં મનમાં પણ ચાલી રહ્યું છે. આ ખાન સાહેબ એટલે અરબાઝ ખાન. ‘દબંગ’ ફ્રેન્ચાઇઝી વિશે કોણ નથી જાણતું? એનાં પહેલાં બે ભાગ સુપરડુપર હીટ ગયાં હતાં, પરંતુ ત્રીજા ભાગે દાટ વાળી દીધો. એ ભાગ કેટલો તો અસહ્ય હતો કે વાત જ ન પૂછો.
અરબાઝે તો ચોપરા સાહેબનો પેલો ઓવર કોન્ફિડન્સ જાણે ઉધાર લઇ લીધો છે. અરબાઝ ખાને હાલમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘દબંગ-4’ પાઈપલાઈનમાં છે (ઓહ નો!). જોકે એણે આપણને કામચલાઉ શાંતિ આપતાં જણાવ્યું છે કે એમને આ ચોથો ભાગ બનાવવાની કોઈ જ ઉતાવળ નથી (હાશ!). આ ફિલ્મ ક્યારે શરૂ કરવી એ સલમાન નક્કી કરશે, પણ અમે ચોથો ભાગ બનાવીશું તો ખરા જ!
ભલે ચુલબુલ પાંડેનું પાત્ર આઇકોનિક બની ગયું હોય (એનાં પહેલાં બે ભાગને કારણે) પરંતુ હવે ‘દબંગ’ ફ્રેન્ચાઈઝીમાં કોઈ રસ રહ્યો નથી. આમ છતાં ચોથા ભાગનો ઉધમ શા માટે કરવાનો એ અરબાઝ મિયાંને કેમ સમજાતું નથી? વાસ્તવિકતા એ છે કે સલમાનની છેલ્લી અમુક ફિલ્મો બોક્સઓફિસ પર રિજીઓનલ ફિલ્મો કરતાં પણ ઓછો ધંધો કર્યો છે! આવા સંજોગોમાં આવી ‘દબંગાઈ’ ક્યાંક આ છોટે ખાન સાહેબને ભારે ન પડે!
કટ એન્ડ ઓકે..
‘એ તો કાચિંડો છે!’
‘ધુરંધર’નું ટ્રેલર જોયા બાદ દીપિકા પદુકોણની રણવીરસિંહ અંગેની પ્રતિક્રિયા.
આપણ વાંચો: દિલીપ-દેવ-રાજના પ્રારંભ કાળની હીરોઈન્સ



