સાત્વિકમ શિવમ: શ્રદ્ધા એક્સપાયર થાય તો અંધશ્રદ્ધા વિશ્વાસ અપ-ગ્રેડ થાય તો આત્મવિશ્વાસ બને…

અરવિંદ વેકરિયા
આજે ખબર પડી કે સુભાષ ખન્ના સહ-નિર્માતા તરીકે પાછળથી જોડાયેલા. ડોલર તો ફાઈનાન્સ ખલાસ થવાથી નાટક બંધ કરવાની વેતરણમાં હતો ત્યાં સુભાષ ખન્ના દોસ્તી દાવે આવ્યો અને આખો પ્રોજેક્ટ ‘ટેક-ઓવર’ કરવા ફાઈનાન્સની જોગવાઈ કરી અને સહ-નિર્માતા બન્યો.
આ વાત મારા લેખ વાંચ્યા પછી ખુદ એમણે મને ફોન કરી જણાવી. સુભાષ ખન્ના પરમ સાઈ ભગત. વેજ-નોન વેજ દબાવીને ખાનાર, પણ ગુરુવારે નોન-વેજને હાથ નહીં લગાડવાનો નિયમ.
એના કારણે જ કલાકાર માટે બંને, વેજ-નોન વેજ ભોજનની વ્યવસ્થા કરાતી. મેં આવો પહેલો નિર્માતા જોયો. (કદાચ અપવાદ હોય તો ખબર નહીં.) ખેર, વાત હવે આગળ….
આ પણ વાંચો: સાત્વિકમ શિવમઃ સફળતા સાર્વજનિક ઉત્સવ છે, નિષ્ફળતા વ્યક્તિગત દુ:ખ!
‘આમને બાજુમાં બેસાડો અને બંને માટે ચા-કોફી મંગાવો..તમે જરા બેસો હું આવું છું.’ ઇન્સ્પેક્ટરનું આ વાક્ય ખરેખર અમને બંનેને નવાઈ પમાડે એવું હતું. એમની વાત પર લેશમાત્ર વિશ્વાસ નહોતો બેસતો. કહે છે કે શ્રદ્ધા એક્સપાયર થાય તો અંધશ્રદ્ધા બને અને વિશ્વાસ અપ-ગ્રેડ થાય તો આત્મવિશ્વાસ બને. મારો અને ડોલરનો આત્મવિશ્વાસ ઈન્સ્પેક્ટરે હવાલદારને આપેલ સૂચનથી વધી ગયો.
હવાલદાર અમને બાજુમાં, જે ઓફિસનો જ ભાગ હતો, ત્યાં બેસાડી ગયો. હું અને ડોલર કોઈ વાતના મંડાણ કરીએ ત્યાં ચા આવી ગઈ. ‘આને ન્યાય આપો ત્યાં સાહેબ આવી જશે.’
ચા પીધી ત્યાં ઇન્સ્પેક્ટર આવ્યા. પછી આખો મામલો સમજાયો. કોઈની ‘ડોલર કરન્સી’ અંગેની વાત હતી, જે વ્યક્તિ ઇન્સ્પેકટરને મળવા આવવાની હતી. એ આવે એ પહેલા અમે એન્ટર થઇ ગયા. ઈન્સ્પેક્ટરે પૂછ્યું,‘પેલા ડોલર….’ અને એનું વાક્ય પૂરું થાય એ પહેલાં પોતાનું નામ ‘ડોલર’ હોવાથી ડોલરે તરત જવાબ આપ્યો કે, ‘હા.. હું એ જ..’ અને એ સંદર્ભમાં અમને માન-પાન મળ્યાં.
આ પણ વાંચો: સાત્વિકમ્ શિવમ્ : માફી ભૂલ કરનારને મળે… ચાલાકી કરવાવાળાને નહીં…
જયારે અમે નાટકનાં સમન્સની વાત કરી કે ઇન્સ્પેક્ટરની વાત કરવાનો ‘ટોન’ જ બદલાઈ ગયો. ‘આવાં નાટકો બનાવી શા માટે હેરાન થાવ છો અને કરો છો?’ એમનો કહેવાનો અર્થ સમજાયો નહીં. સમન્સનાં જવાબ રૂપે હાજર થયેલાં એટલે ઉત્તર વાળ્યો નહીં. ઈન્સ્પેક્ટરે થોડા સલાહ-સૂચનો આપ્યાં. થોડું ઘણું. સાચું-ખોટું ખૂબ સંભળાવ્યું પણ ખરું. જીવન પેન-ડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય, એ રેડિયો જેવું છે.. ક્યારે કયું ગીત વાગે એની ખબર જ ન હોય અને આમ પણ સત્તા સામે સાંભળ્યાં સિવાય શું કરી શકવાના?
‘બે-ત્રણ ફોર્મ ઉપર સહી કરવાની છે, કરી આપજો. હવાલદાર, સહી લઈ લ્યો.’ કહીને એ નીકળી ગયો. હવાલદાર જાડો ‘થોથો’ લઈને આવ્યો , જેમાં જાતજાતનાં નિયમો લખેલા, જેમકે: શો શરૂ કરવાનો સમય 9.30, પડદો ઊંચકવાનો સમય 9.30 વગેરે..વગેરે..
એ કહેતો ગયો ત્યાં અમે સહી કરતાં ગયાં. હવાલદાર અમને કહે, ‘સાહેબ, જરા જલ્દી કરો અમારે સામે નાટક જોવામાં મોડું થાય છે.’
આ પણ વાંચો: સાત્વિકમ શિવમઃ જેની ભાષામાં ‘સભ્યતા’… એનાં જ જીવનમાં ‘ભવ્યતા!’
બોલો! દરેક માણસ પાસે જિંદગીનું એક નાનું ચેપ્ટર હોય છે પણ સાલું બધાં સામે જોરથી વાંચી નથી શકાતું. ઇન્સ્પેક્ટર સામે ન બોલતા હવાલદારે અમારી સામે બોલી નાખ્યું. બસ! માત્ર મારી જ સહી લેવાની હતી, કારણ કે પ્રમાણપત્ર મારા નામ પર હતું. હવાલદારને સલાહ આપી ઇન્સ્પેક્ટર ‘છુ’ થઈ ગયો તો હવાલદાર ‘અમારે નાટક જોવું છે’ કહી સહી લઈ ‘છુ’ થઈ ગયો.
હું અને ડોલર ત્યાંથી નીકળ્યાં. આ બધું થતાં રાતના 11.30 તો વાગી ગયા હતા. જવું હોય તો હવે થિયેટર પર જઈ શકાય પણ ડોલર કહે, ‘આપણે હોટલ પર જઈએ. હું એક-બે પેગ ગટગટાવું ત્યાં બધા આવશે પછી જેને પીવું હોય એ પીવે અને પછી સાથે જમીશું.’ અમે હોટલ પહોંચ્યાં.
થોડીવારમાં બધા આવી પહોંચ્યાં. તારકનાથ ગાંધીએ સેન્સરનો કાગળ મને આપ્યો. 10 શોનું લાઈસન્સ એ જ હતું. એમાં સૂચનો ઉમેરેલા, ‘શું શું બોલવું/ ન બોલવું. વગેરે.. આવતી કાલથી બધાં સૂચનો પાળવાના રહેશે.
ચેકિંગ હવે ‘રેન્ડમ’ કરવામાં આવશે. જો સૂચન-ભંગ થયો તો જેટલાં શો થયા હોય એટલા, બાકીના બધા શોનું પ્રમાણપત્ર રદ કરવામાં આવશે. એવી સૂચનાઓ અપાયેલી.
આ પણ વાંચો: સાત્વિકમ શિવમઃ કર્મ એવાં કરો કે ફળ ભોગવતાં ‘તક’ મળે, ‘તકલીફ’ નહીં…
ભૂપત વડોદરિયાએ એમના ટેબ્લોઈડ ‘સમભાવ’માં બે પાના ભરીને નાટકની ‘નાગાઈ’ થોડી શિષ્ટ ભાષામાં છાપી બરાબરની ઠેકડી ઉડાડી. એનો ફાયદો બીજે દિવસે નાટકને થયો. માત્ર ત્રણ કલાકમાં શો ‘હાઉસફૂલ’! એ વખતે અમદાવાદથી પ્રસિદ્ધ થતાં અંગ્રેજી દૈનિક ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પહેલા પાનાં પર ધોતિયું પહેરેલ એક કાકા 35 રૂપિયાની ટિકિટ બ્લેકમાં રૂપિયા 400માં લઈ રહ્યા છે એવો ફોટો છપાયેલો!
આ ને કહેવાય ‘નસીબ’. હવે જયારે ‘લક્ષ્મી’નાં દ્વાર ખુલી રહ્યાં હતાં, ગુજરાત ‘ઘમરોળાતું’ હતું ત્યારે વાંધા પ્રમાણપત્રનાં હતાં.
હવે શું કરવું? મેં રજનીકુમાર પંડ્યાને ફોન કર્યો. ડોલરને રસ નહોતો. હા, શો વધે એમાં જરૂર રસ હશે જ. રજનીભાઈ સાથે મારાજૂનો નાતો તો હતો. માત્ર આ કામની અપેક્ષા હતી. બાકી સંબંધોમાં અપેક્ષા રાખવી એ સ્વાર્થ નથી પણ અપેક્ષાઓ માટે સંબંધ બાંધવો એ સ્વાર્થ છે.
આ પણ વાંચો: સાત્વિકમ્ શિવમ્ : હસીને જોવામાં અને જોઇને હસવામાં ફરક છે…
હું રજનીભાઈને મળ્યો. નાટક માટે અભિનંદન તો આપ્યા પણ અમુક મર્યાદા જાળવવા મીઠી ટકોર પણ કરી. એમણે ત્યાનાં જાણીતા દૈનિક અખબારના તંત્રીનું નામ આપી એમને મળવા કહ્યું. મેં કહ્યું ‘વધુ શો માટે પ્રમાણપત્ર મળી જાય તો સારું.’ મને કહે, ‘માગો એટલું તો કદાચ નહીં મળે પણ લાયક હશો એટલું તો મળશે. મળી તો જુઓ.’
હું એમનો આભાર માની એ અખબારના તંત્રીને મળવા નીકળી પડ્યો.
ઘરમાં પૂરા 20 બલ્બ અને 12 ટ્યૂબલાઈટ લાગેલી છે, છતાં પત્ની કહે છે કે ‘તમે આજ સુધી મને અંધારામાં રાખી છે…’