શોમેન વર્સેસ સુપરસ્ટાર: નિયતિ તેરી રીત નિરાલી….
વાત ‘જો અને તો’વાળી છે, પણ શોમેન સુભાષ ઘઈ અને સુપરસ્ટાર રાજેશ ખન્ના એક પથના મુસાફિર હતા!

ફિલ્મનામા -નરેશ શાહ
સુભાષ ઘઈ, રાજેશ ખન્ના
નિષ્ફળતાથી નિરાશ થનારા લોકોને મોટાભાગે એ સમજાતું હોતું નથી કે નિયતિ એની પાસેથી કઈ કોઈ અન્ય અપેક્ષા રાખીને બેઠી હોય છે. જો એવું ન હોત તો કદાચ આજે આપણે હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર તરીકે રાજેશ ખન્ના (જન્મ: 1942)નું નહીં, સુભાષ ઘઈ (જન્મ: 1945)નું નામ લેતાં હોત..! યસ, હિન્દી સિનેમામાં 21માંથી 15 જેટલી દમદાર અને મોટા ફલકવાળી સુપરહિટ (વિશ્ર્વનાથ, વિધાતા, કર્મા, સૌદાગર, પરદેસ) ફિલ્મો ડિરેક્ટ કરીને ‘શો- મેન’નું બિરુદ પામનારા સુભાષ ઘઈએ 2025 સુધીમાં તો લેખક તરીકે 20, પ્રોડ્યુસર તરીકે 30 અને 25 (પોતાની બાર ફિલ્મોમાં તો કેમિયો ઉપરાંત અભિનેતા તરીકે તેર) ફિલ્મો અભિનેતા તરીકે કરી છે . પણ આ બધું તો (અને ત્યારે જ) થઈ શક્યું જ્યારે એમને મળનારી અભિનેતા તરીકેની ફિલ્મો રાજેશ ખન્નાને મળી ગઈ. એ વખતે તો સુભાષ ઘઈના હાથમાં ‘બાબાજી કા ઠુલ્લુ’ જ આવ્યા.
બહુ તકલીફદેહ હોય છે આવી ઘટનાઓ, જે તે સમયે. હક્કીત તો એ છે કે મોટાભાગના લોકોને અથવા તો ફિલ્મરસિયાઓને શો મેન સુભાષ ઘઈ અને સુપરસ્ટાર રાજેશ ખન્નાના આ ક્રોસ કનેકશનની ખબર જ નથી. વાત 1965ની છે. અલગ થઈ ગયેલા માતા-પિતામાંથી પિતા (અને નવી માતા) સાથે રહીને મોટા થયેલાં સુભાષ ઘઈ એ વખતે ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’ (એફટીઆઈઆઈ)માં અભિનયની તાલીમ લેતા હતા. જડસુ જેવા પિતા અને નાના બહેન – ભાઈ સુમિતા અને અશોક (ઘઈ પણ ફિલ્મ નિર્માતા બન્યા પછીથી)ને છોડીને ‘એફટીઆઈઆઈ’માં ભણતી વખતે બધાની સાથે સુભાષ ઘઈએ પણ ‘યુનાઈટેડ પ્રોડ્યુસર કમ્બાઈન’ની ‘ટેલેન્ટ હંટ’ જેવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભારતભરમાંથી અભિનયનો શોખ ધરાવતાં લોકો આ કોન્ટેસ્ટમાં ભાગ લેતા હતા, કારણ કે તેની સાથે બી.આર. ચોપડા, જી.પી.સિપ્પી, નાસિર હુસૈન, જે.ઓમપ્રકાશ (હૃતિક રોશનના નાના), શક્તિ સામંત જેવા મહારથી નિર્માતા-નિર્દેશકો જોડાયેલા હતા.
વિજેતાઓને આ પ્રોડ્યુસરો-ડિરેક્ટરો પોતાની ફિલ્મોમાં અભિનયની તક આપતા હોવાથી બે હજાર જેટલા અભિનેતા-અભિનેત્રી બનવા ઈચ્છુકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. બાય ધ વે, આપણને હિ-મેન અને હેન્ડસમ ધર્મેન્દ્ર પણ આ હરીફાઈમાંથી જ મળ્યા હતા. 2000માંથી જે 200 અરજી પસંદ થઈ અને તેમાં સુભાષ ઘઈ હતા અને રાજેશ ખન્ના પણ. બેશક, ત્રણ દિવસ ચાલેલી એ સ્પર્ધામાં પ્રથમ દિવસે રાજેશ ખન્ના અને છેલ્લા દિવસે સુભાષ ઘઈની અભિનય-ટેસ્ટ લેવામાં આવી. પરિણામમાં પાંચ વિજેતાના નામ જાહેર થયા. રાજેશ ખન્ના, ધીરજકુમાર, ફરિદા જલાલ, બેબી સારિકા (હા, ‘અખિયોં કે ઝરોખોં સે’ ની હીરોઈન) અને સુભાષ ઘઈ.
આજે આપણને વિચિત્ર લાગે પણ પ્રોડ્યુસરો-ડિરેક્ટરોએ એકટિંગમાં પ્રથમ નંબર સુભાષ ઘઈને, બીજો નંબર પર જતીન (રાજેશ) ખન્ના અને ત્રીજો નંબર ધીરજકુમારને આપ્યા હતા, પણ કિસ્મત કે નિયતિના ખેલ જુઓ. જી. પી. સિપ્પી આ હરીફાઈ શરૂ થઈ ત્યાર પહેલાં જ ‘રાઝ’ ફિલ્મ (ડિરેક્ટર રવીન્દ્ર દવે) બનાવવાની જાહેરાત કરી ચૂક્યા હતા. સેટ બની ગયો હતો. શૂટિંગ શરૂ થવામાં હતું, પણ ‘રાઝ’માં હીરો તરીકે કામ કરતા નવોદિતની ડાયલોગ ડિલિવરી બહુ નબળી હતી. એટલે જી.પી. સિપ્પીએ સજેસ્ટ કર્યું કે ગઈકાલે જતીન ખન્ના નામના અભિનેતાએ જે પર્ફોમન્સ આપેલું એ ઠીકઠાક હતું. આમ પણ, હોરર ફિલ્મોમાં ચહેરા પર ભય અને ગભરાટ લાવી શકે એ અભિનેતા ચાલે અને એટલે… ત્રીજા દિવસે સુભાષ ઘઈ પોતાનું પર્ફોમન્સ આપવા જતા હતા એ પહેલાં મળેલા જતીન ખન્નાએ એમને કહ્યું: ‘મારે તો કાલથી જ શૂટિંગ પર જવાનું છે.!’
સુભાષ ઘઈ કહે છે કે, ‘જો હરીફાઈના પ્રથમ દિવસે જ મારું ઓડિશન હોત તો કદાચ, ‘રાઝ’ ફિલ્મના હીરો તરીકે રાજેશ ખન્ના નહીં, હું પસંદ થઈ ગયો હોત!’…પણ નિયતિ સુભાષ ઘઈ માટે બીજું જ ધારીને બેઠી હતી એટલે બીજી વખત પણ રાજેશ ખન્ના જ ‘કાળા બિલાડા’ની જેમ આડા ઉતર્યા. ટેલેન્ટ હંટના વિજેતા બન્યા પછી સુભાષ ઘઈ નાસિર હુસૈનને મળ્યાં તો એ ‘બહારોં કે સપને’ નામની ફિલ્મ બનાવવાની તૈયારી કરતા હતા. એમણે સુભાષ ઘઈને એમાં હીરો તરીકે લેવાનું આશ્ર્વસન આપ્યું અને ફિલ્મના પ્રિ-પ્રોડકશનમાં ગૂંથાઈ ગયા. સુભાષ ઘઈને પણ લાગ્યું કે એને બ્રેક મળી ગયો છે, પરંતુ ‘બહારોં કે સપને’ ફિલ્મમાં બધું ફાઈનલાઈઝ થતું હતું ત્યારે જી.પી. સિપ્પીએ નાસિર હુસૈનને સૂચવ્યું કે તમે ‘બહારોં કે સપને’ ફિલ્મમાં હીરો તરીકે રાજેશ ખન્નાને લો તો ફિલ્મ રિલીઝ વખતે થતો પ્રમોશનનો ખર્ચો આપણા વચ્ચે વહેંચાઈ જશે અને રાજેશ ખન્નાના માર્કેટિંગને કારણે બન્નેની ફિલ્મને ફાયદો થશે!
આપણ વાંચો: હૃતિક-રજનીકાંતની ટક્કર કેવીક જામશે?
બસ, સુભાષ ઘઈ મોટા અભિનેતા નહીં બને એ નક્કી થઈ ગયું હતું, પરંતુ સ્ટ્રગલર એમ હથિયાર મૂકતાં નથી. સુબોધ મુખરજીએ સુભાષ ઘઈને પોતાની નવી ફિલ્મ ‘શાગીર્દ’માં સાયરાબાનો સામે હીરો તરીકે પસંદ કરી લીધા હતા, પણ ફિલ્મ ફ્લોર પર ગઈ ત્યારે સુબોધ મુખરજીએ પોતાના ભત્રીજા જોય મુખરજીને હીરો તરીકે લીધા હતા. હતાશ સુભાષ ઘઈને એમણે કહ્યું કે, ‘યાર, તું એક્ટર તગડો છે પણ દેખાવમાં બહુ દુબળોપાતળો છે!’
એ જ દુબળોપાતળો યુવાન એટલે સુભાષ ઘઈ બે દશકા પછી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલાં રાજ કપૂર અને ત્યાર બાદ બીજા ‘શો- મેન ’તરીકે વિખ્યાત થવાનો હતો!