શો-શરાબા – મધ્યાંતર પછી હવે શું?

દિવ્યકાંત પંડ્યા
દર વર્ષની જેમ જ ફરી પાછો પરંપરા મુજબ એ સમય આવી ગયો છે. 2025ના વર્ષના છ મહિના પૂરા થઈ ગયા છે અને બાકીના છ મહિનાનો મનોરંજનનો થાળ હજુ દર્શકોએ માણવાનો બાકી છે. વર્ષની શરૂઆતમાં પ્રથમ છ મહિનાની અમુક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ્સની યાદી આપણે જોઈ હતી. (ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલીઝ થતી વેબ સિરીઝનો અહીં સમાવેશ નથી કરી રહ્યા કેમ કે તેમાંની મોટાભાગની સિરીઝની રિલીઝ ડેટ રિલીઝના થોડા સમય પહેલાં જ જાહેર કરવામાં આવે છે.)
હવે સમય છે બાકીના છ મહિનાની યાદી તરફ નજર કરવાનો. લેટ્સ સ્ટાર્ટ!
સુપરમેન (11 જુલાઈ)
જેમ્સ ગન એટલે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ગાર્ડિયન્સ સિરીઝના ડિરેક્ટર. માર્વેલના રાઈવલ સ્ટુડિયો ડીસીના સર્વેસર્વા બન્યા પછીની આ ડિરેક્ટર તરીકેની એની પ્રથમ ફિલ્મ છે. ‘સુપરમેન’ ફિલ્મ અનેક વખત રિબુટ થઈ ચૂકી છે, પણ આ ફિલ્મમાં એક ફ્રેશનેસ દેખાઈ આવે છે અને ટ્રેલર પરથી દર્શકોમાં પણ જે બઝ જોવા મળી રહ્યો છે એ મુજબ જોઈએ આ ફિલ્મ ખરી ઊતરે છે કે નહીં.
ડિરેક્ટર: જેમ્સ ગન
કાસ્ટ: ડેવિડ કોરનસ્વેટ, રેચલ બ્રોસ્નાહન, નિકોલસ હોલ્ટ
સૈયારા (18 જુલાઈ)
સફળ લવ સ્ટોરીઝ બનાવવા માટે જાણીતા દિગ્દર્શક મોહિત સુરીની આ ફિલ્મ એણે ‘યશરાજ ફિલ્મ્સ’ સાથે મળીને બનાવી છે. નવા એક્ટર્સ સાથેની આ ફિલ્મમાં પણ એની દરેક ફિલ્મની રોમેન્ટિક ફીલ અને મસ્ત મ્યુઝિકની હાજરી જણાઈ રહી છે. આખી ફિલ્મ એવી જ નીકળે છે કે કેમ એ જોવું રહ્યું.
ડિરેક્ટર: મોહિત સુરી
કાસ્ટ: અહાન પાંડે, અનીત પદ્દા
આ પણ વાંચો…શો-શરાબા: ભારતીય સિનેમામાં હવે સર્જન+જનરેટિવ AI
ધ ફેન્ટાસ્ટિક ફોર: ફર્સ્ટ સ્ટેપ્સ (25 જુલાઈ)
માર્વેલની એવેન્જર્સ ફિલ્મ્સ ખાસ્સી લોકપ્રિય હોય છે. તેની આવનારા બે વર્ષમાં રિલીઝ થનારી બે એવેન્જર્સ ફિલ્મ્સની પહેલાં રિલીઝ થનારી ‘ધ ફેન્ટાસ્ટિક ફોર: ફર્સ્ટ સ્ટેપ્સ’ માટે પણ તેના હાર્ડકોર ફેન્સમાં વાર્તાની સાતત્યતાના કારણે ભારે ક્રેઝ છે. જોઈએ આ ફિલ્મ માર્વેલ માટે ટંકશાળ પાડે છે કે નહીં!
ડિરેકટર: મેટ શેકમેન
કાસ્ટ: પેદ્રો પાસ્કલ, વેનેસા કર્બી, જોસેફ કવીન
ઈડન (22 ઓગસ્ટ)
ગયા વર્ષે પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ TIFFમાં રિલીઝ થયેલી આ સર્વાઇવલ ડ્રામા ફિલ્મમાં ડાર્કનેસ, થ્રિલ, સસ્પેન્સનો ભરપૂર મસાલો છે. પ્રભાવશાળી એક્ટર્સના સમૂહવાળી આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે. ફિલ્મની રિલીઝ પહેલાં જામેલી ચર્ચા ફિલ્મ પછી પણ જળવાઈ રહેશે કે એ તો સમય જ કહેશે.
ડિરેક્ટર: રોન હાવર્ડ
કાસ્ટ: જ્યુડ લો, અના દે અર્માસ, વેનેસા કર્બી, સિડની સ્વીની
થમા (17 ઓક્ટોબર)
મેડોક ફિલ્મ્સના સુપરનેચરલ યુનિવર્સની ફિલ્મ્સ ભારતીય દર્શકો માટે એક પોતાના યુનિવર્સની હોવાની લાગણી અપાવે છે. આગળનાં વર્ષોની આવનારી ફિલ્મ્સની આખી સ્લેટ જાહેર કર્યા પછી દર્શકોમાં સ્વાભાવિકપણે જ ‘થમા’ માટે ઉત્સુકતા હોવાની. વેમ્પાયર આધારિત આ ફિલ્મ પણ દર્શકોને હસાવી અને ગભરાવી જાણે છે કે નહીં, એ જોવું રસપ્રદ રહેશે.
ડિરેક્ટર: આદિત્ય સર્પોટદાર
કાસ્ટ: આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના, પરેશ રાવલ
તેરે ઇશ્ક મેં (28 નવેમ્બર)
2013માં આવેલી ‘રાંઝણા’ની આ સિક્વલ ફિલ્મ છે, પણ આ સિક્વલ સ્પિરિચ્યુઅલ સિક્વલ છે મતલબ કે ફિલ્મની વાર્તા આગળ નથી વધતી, પણ થીમ એક છે. બે મુખ્ય પાત્રની ઝલક દેખાડતા જે બે ટિઝર વીડિયો રજૂ થયાં છે એ બહુ જ મજેદાર છે. જો તમે ‘રાંઝણા’ના ફેન છો તો તમને આ ફિલ્મ પણ ગમશે તેવી આશા રાખી શકાય!
ડિરેક્ટર: આનંદ એલ. રાય, કાસ્ટ: ધનુષ, ક્રીતિ સેનન
એવેટાર: ફાયર એન્ડ એશ (19 ડિસેમ્બર)
જેમ્સ કેમરોનની ‘એવેટાર’ ફ્રેન્ચાઈઝની આ ત્રીજી ફિલ્મ પણ ફાઈનલી આ વર્ષે રિલીઝ થશે. બીજી ફિલ્મ એક હૂક પોઇન્ટ સાથે પૂરી થઈ હતી. ત્રીજી ફિલ્મમાં પણ પેન્ડોરા ગ્રહની એ ખૂબસૂરત દુનિયામાં ટેક્નોલોજી હેવી એક્શનનો ડોઝ માણવા દર્શકો સમયસર તૈયાર રહેવાના જ.
ડિરેક્ટર: જેમ્સ કેમરોન
કાસ્ટ: સેમ વર્ધીન્ગટન, ઝોઈ સેલ્ડાના, સીગર્ની વિવર
આ પણ વાંચો…શો-શરાબા : નો નેપોટિઝમનો NO…હવે ફિલ્મ્સ કોની….કિડ્સ ઓફ સ્ટારની કે પછી સ્ટોરીની?
આલ્ફા (25 ડિસેમ્બર)
ભારતીય સિનેમાનું અન્ય એક યુનિવર્સ એટલે વાયઆરએફ સ્પાય યુનિવર્સ. ટાઇગર, પઠાણ અને કબીરના મેલ સ્પાયની ફિલ્મ્સ પછી આ યુનિવર્સમાં પ્રવેશ થઈ રહ્યો છે ફિમેલ સ્પાયનો. એક્શન અને સ્ટાઈલથી ભરપૂર સ્પાય ફિલ્મ ભારતીય દર્શકોને મોટાભાગે હજુ સુધી તો ગમી જ છે. જોઈએ, આ ફિલ્મને પણ દર્શકો વધાવે છે કે નહીં.
ડિરેક્ટર: શિવ રવૈલ. કાસ્ટ: આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, બોબી દેઓલ
આમ તો આ વર્ષની બધી જ જણાતી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ્સ વિશે અહીં વાત કરવા બેસીએ તો પણ યાદી પૂરી ન થાય એટલાં રસપ્રદ નામો હોવાના એટલે બાકીની ફિલ્મ્સને ફક્ત અહીં નોંધીને મનોરંજનની ભૂખ વધારીએ!
ભારતીય ફિલ્મ્સ
અક્ષય-અર્શદની ‘જોલી એલએલબી 3’, વાયઆરએફ સ્પાય યુનિવર્સની ‘વોર 2’, વધુ એક મિલિટરી ઓપરેશનની કહાની એટલે ‘અક્ષરધામ: ઓપરેશન વજ્ર શક્તિ’, રાજકુમાર રાવની મસાલા ફિલ્મ ‘માલિક’, અનુપમ ખેર દિગ્દર્શિત ઓટિઝમ પર આધારિત ‘તન્વી: ધ ગ્રેટ’, સિદ્ધાંત-તૃપ્તિની ‘ધડક 2’, પરમવીર ચક્ર વિજેતા અરુણ ખેત્રપાલ પર આધારિત ‘ઈક્કીસ’.
અમેરિકન ફિલ્મ્સ
ડિઝનીની સફળ ફિલ્મ ‘વિકેડ’ની સિક્વલ ‘વિકેડ: પાર્ટ 2’, જ્યુરાસિક ફ્રેન્ચાઈઝની વધુ એક ફિલ્મ ‘જ્યુરાસિક વર્લ્ડ: રીબર્થ’, જ્હોન સીના, ઈદ્રીસ એલ્બા, પ્રિયંકા ચોપરા અભિનીત એક્શન કોમેડી ‘હેડ્સ ઓફ સ્ટેટ’, એનીમેડ ફિલ્મ ફ્રેન્ચાઈઝ સ્મર્ફની રિબુટ ફિલ્મ ‘સ્મર્ફ્સ’, સ્કારલેટ જોહાન્સન અભિનીત ફેમિલી ડ્રામા ‘માય મધર્સ વેડિંગ’, સુપરહીરો ફિલ્મ્સ પર સટાયર કરતી ‘ધ ટોક્સિક એવેન્જર’, પોપ્યુલર મેજીક ફિલ્મ ફ્રેન્ચાઈઝની આગામી ફિલ્મ ‘નાઉ યુ સી મી: નાઉ યુ ડોન્ટ’.
લાસ્ટ શોટ
‘થમા’ ફિલ્મનું નામ પહેલાં ‘વેમ્પાયર્સ ઓફ વિજયનગર’ રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…શો-શરાબા : AI આઇયે પધારીયે ઈન ઇન્ડિયન સિનેમા!