શો-શરાબાઃ વિરોધ-સિનેમાનો કેવો છે આ વાયરો?

- દિવ્યકાંત પંડ્યા
આજકાલ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાં સ્ટાર્સ અને ભારે બજેટવાળી ફિલ્મ્સ જ વધુ ચર્ચામાં રહે છે. દરેક શુક્રવારે નવી ફિલ્મ્સ, રીલ્સ, ઇન્ટરવ્યૂ અને માર્કેટિંગની ધમાલ ચાલે છે. પણ સાચું કહીએ તો ભારતીય કે ખાસ કરીને હિંદી સિનેમાનો જીવ અન્ય જગ્યાએ ધબકે છે, જ્યાં નાની ફિલ્મ્સ શાંતિથી પણ સત્ય બોલે છે. એ ફિલ્મ્સ પાસે ન મોટા સ્ટાર હોય, નથી ભારે પ્રમોશન, પણ એ વાત એવી રીતે કહે છે કે જે દિમાગથી દિલ સુધી પહોંચી જાય છે.
આ ફિલ્મ્સ ગુસ્સાથી નહીં, હિંમતથી બનેલી છે, જે હિંમત મોટી ફિલ્મ્સ બતાવતા ડરે છે. આ ફિલ્મ્સ સીધી વાત કરે છે, લોકોના દુ:ખ, ભ્રષ્ટાચાર, અસમતા, ન્યાય અને માનવતાની. ‘સિયા’ (2022) એનું ઉદાહરણ છે.
નાના ટાઉનની એક છોકરી પર થયેલા અત્યાચારની વાર્તા છે આમાં. પણ ફિલ્મ એ ઘટનાને સેન્સેશનલ બનાવતી નથી. એ સિસ્ટમની નિષ્ફળતા બતાવે છે. પોલીસની નાકામી, રાજકારણનું દબાણ અને સમાજની વરવી બાજુ દર્શાવે છે. ક્યાંય એક્શન હીરો નથી, ફક્ત એક યુવતી છે જે ન્યાય માટે લડે છે.
એ જ રીતે ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ (2023)માં મનોજ બાજપેયીનો સામાન્ય વકીલ શક્તિશાળી ગોડમેન સામે લડે છે. ફિલ્મમાં ડ્રામા નથી, હીરોની એન્ટ્રી નથી, ફક્ત સત્ય છે અને એની લડત છે. આ ફિલ્મ શ્રદ્ધાના નામે થતો સત્તાનો દુરુપયોગ પડદા પર ખોલે છે. લોકો OTT પર આ ફિલ્મને ખૂબ વખાણતા રહ્યા, કારણ કે એ બોલિવૂડની સામાન્ય લાઇનથી અલગ તરી આવી હતી.
‘કડક સિંહ’ (2023) બહારથી પિતા-દીકરીની ઈમોશનલ વાર્તા છે, પણ અંદરથી એ ભ્રષ્ટાચાર અને સિસ્ટમની ગંદકી પર ટકોર કરે છે. એનો વિરોધ ઊંચા અવાજમાં નથી, એ પાત્રોની આંખોમાં છે. અને પછી આવે છે ‘જોરમ’ (2023), જેમાં મનોજ બાજપેયી ફરી એકવાર મુખ્ય પાત્રમાં છે. આ વખતે તે આદિવાસી માણસ તરીકે રાજ્ય અને કાયદાથી ભાગી રહ્યો છે. એ ફિલ્મ વિકાસના નામે ચાલતા અન્યાય પર ચુપચાપ અવાજ ઉઠાવે છે….
અન્ય એક થોડી હળવી પણ વિચાર કરવા મજબૂર કરતી ફિલ્મ ‘ઓલ ઈન્ડિયા રેન્ક’ (2024) છે. વરુણ ગ્રોવરની આ ફિલ્મ IIT એન્ટ્રન્સની તૈયારી કરતા એક છોકરાની વાર્તા કહે છે, પણ અંદરથી એ આપણા સમાજની સફળતા પ્રત્યેની ખોટી દોડને ઉઘાડી મૂકે છે. એ પૂછે છે કે શું જીવનનો અર્થ ફક્ત રેન્ક અને માર્ક્સમાં માપી શકાય? એ ફિલ્મ માત્ર સિનેમા નથી, એ સિસ્ટમને પ્રશ્ન કરે છે.
મનોરંજન દેવની કૃપાથી આવી ફિલ્મ્સની લહેર અચાનક નથી આવી. ‘મુલ્ક’ (2018) અને ‘આર્ટિકલ 15’ (2019) જેવી ફિલ્મ્સે આ રસ્તો ખોલ્યો હતો, જ્યાં મોટા કલાકારોએ પણ સંવેદનશીલ વિષયો બોલવાની હિંમત કરી.
જોકે ‘સિયા’, ‘સિર્ફ એક બંદા કાફી હૈ’, ‘કડક સિંહ’, ‘જોરમ’, ‘ઓલ ઈન્ડિયા રેન્ક’ જેવી ફિલ્મ્સ મોટા માર્કેટિંગ વગર પણ દર્શકો સુધી પહોંચી ગઈ. ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ માઉથ પબ્લિસિટીથી હિટ થઈ. ‘જોરમ’ ફેસ્ટિવલ્સમાં વખાણાઈ અને પછી OTT પર ચર્ચામાં આવી. ‘ઓલ ઈન્ડિયા રેન્ક’ લોકોને એની ઈમાનદારી માટે ગમી. ‘સિયા’ને સોશ્યલ મીડિયા પર વખાણ મળ્યા.
આ જ લહેરમાં ‘ભીડ’, ‘ઝ્વિગાટો’, ‘કટહલ’ જેવી ફિલ્મ્સે પણ સામાજિક સત્યને સ્પર્શ્યું. ‘ભીડ’ ફિલ્મે મહામારીના દિવસોમાં થયેલી અસમાનતા બતાવી, ‘ઝ્વિગાટો’માં એક ડિલિવરી માણસની આંખે સમાજનો ચહેરો દેખાડ્યો, ‘કટહલ’ ફિલ્મે સટાયરની અંદરથી સત્તા અને પોલીસતંત્રની ખામીઓને હળવેથી ઉઘાડા કર્યા. આ ફિલ્મ્સ હસાવે છે પણ પછી વિચારવા મજબૂર કરે છે.
આજના સમયમાં એવા કલાકારોનો ઉદય થયો છે, જે નાની ભૂમિકામાં પણ મોટો પ્રભાવ પાડે છે. મનોજ બાજપેયી, રાજકુમાર રાવ, વિજય વર્મા, શીબા ચઢ્ઢા, અંશુમન ઝા જેવા કલાકારો હવે મુખ્ય ધારા સામે અલગ ઊભા છે. એમની ફિલ્મ્સ બતાવે છે કે હવે સ્ટારડમ કરતાં સાચો અભિનય વધુ બોલે છે.
આજનું નવું સિનેમા ફક્ત ફોર્મ્યુલા સામેનો વિરોધ નથી, એ વિચાર સામેનો વિરોધ છે કે દર્શક ફક્ત મનોરંજન માગે છે. દર્શક હવે વિચાર કરે છે, પ્રશ્ન પૂછે છે, અને આ ફિલ્મ્સ એ પ્રશ્નોને દિશા આપે છે. હા, આવી ફિલ્મ્સ હજી દરેક શોમાં હાઉસફૂલ નથી થતી, પણ જે લોકો જુએ છે, એ વખાણ કરતાં જ થિયેટરની બહાર નીકળે છે.
આ બધા વચ્ચે કેટલીક અન્ય ફિલ્મ્સ જેમ કે ‘અફવા’, ‘ફરાઝ’, ‘શિવ શાસ્ત્રી બલ્બોઆ’ વગેરેએ બતાવ્યું કે વાર્તા જો ઈમાનદારીથી કહેવાય તો એ પોતે જ વિરોધ બની જાય છે. મોટી ફિલ્મ્સ જ્યાં મલ્ટિવર્સ, રીમેક અને દેશભક્તિના દેખાવમાં ખોવાઈ ગઈ છે ત્યાં આ નાની ફિલ્મ્સ માનવતાની વાત કરે છે.
‘સિયા’માં પોલીસ સ્ટેશનની બહાર બેઠેલી છોકરીનું શાંત દૃશ્ય કોઈ પણ મોટા ડાયલોગ કરતાં વધુ બોલકુ છે. ‘જોરમ’ના ખાલી કારખાનાંના શોટ્સ વિકાસના ખોખલા અર્થને ખોલી મૂકે છે. આ બધી ફિલ્મ્સ મળીને આજના ભારતની એવી તસ્વીર દોરે છે જે બોલિવૂડ ઘણી વાર છુપાવી દે છે!
લાસ્ટ શોટ
મારા માટે સિનેમા ફક્ત મનોરંજન નથી. એ એક કલા છે, અભિવ્યક્તિનું સૌથી શક્તિશાળી માધ્યમ, જે સૌથી ઓછા સાધનોથી પણ સૌથી વધુ લોકો સુધી પહોંચી શકે છે. – સત્યજિત રે
આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..!સિદ્ધાર્થ છાયા



