મેટિની

શો-શરાબાઃ મિડલ-ક્લાસ સિનેમાની મેનસ્ટ્રીમ મોસમ

દિવ્યકાંત પંડ્યા

આજકાલ ભારતીય સિનેમાને એમાંય ખાસ કરીને હિન્દી સિનેમા એક એવા ટર્નિંગ પોઇન્ટમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં સ્ટોરીઝ કોઈ મહેલ, લક્ઝરી કાર કે ડિઝાઇનર લાઇફસ્ટાઇલથી વધુ 2ઇઇંઊંના ટચુકડા રૂમમાંથી, ટીયર-2 અને ટીયર-3 શહેરના ધૂળ ભરેલા રોડ પરથી, બાઈકની પાછળ બેસીને ઑફિસ જતા પતિ-પત્નીમાંથી, ઊખઈં ગણતાં દંપતીમાંથી, NEET/UPSC ની તૈયારીમાં તૂટેલા યુવાનોમાંથી આવી રહી છે. હિન્દી સિનેમાનો નવો યુગ મધ્યવર્ગના જીવનને એના મૂળ સ્વરૂપે બતાવી રહ્યો છે.

વર્ષો સુધી બોલિવૂડે મિડલ-ક્લાસને સપોર્ટિંગ રોલમાં રાખ્યો હતો હીરો અમીર, હીરોનું ઘર અમીર, અને કોમિક રિલીફ માટે મિડલ-ક્લાસ. હવે હીરો પોતે મિડલ-ક્લાસ છે. આ ફેરફાર એમ તો થોડાં વર્ષોમાં આવ્યો છે, પણ એ ધીમે-ધીમે વધતો જ ચાલ્યો છે. આ બદલાવ માટે ‘બધાઈ હો’, ‘શુભ મંગલ સાવધાન’, ‘બરેલી કી બર્ફી’ જેવી ફિલ્મ્સે રસ્તો તૈયાર કર્યો હતો.

એ પછી હમણાંના વર્ષોમાં આ ટ્રેન્ડે સાબિત કરી દીધું કે રિયલ સ્ટોરીઝ હવે મેનસ્ટ્રીમ બની ગઈ છે. મિડલ ક્લાસ પરિવાર સાથે ગામડું પણ ફિલ્મી પડદે પાછું વધુ દેખાવા લાગ્યું છે અને જે દર્શકોને પસંદ પણ આવી રહ્યું છે. ‘લાપતા લેડીઝ’ આનું સચોટ ઉદાહરણ છે. આ ફિલ્મ નાનાં ગામડાં, મર્યાદિત જીવન, ગરીબી, પરંપરાગત માન્યતાઓ અને ખાસ કરીને મહિલાઓની અવાજ વિનાની જીંદગી બતાવે છે.
હાસ્ય છે, પરંતુ એ હાસ્ય સાથે એ વાસ્તવિક ભારતની વાત કરે છે.

‘ગુલમહોર’ (2023) જોઇએ તો લાગશે કે આ તો આપણાં ઘરની જ કહાણી છે. મોટા શહેરમાં એક જ છત નીચે જનરેશન ગેપ, જૂના ઘા, નવી ઈચ્છાઓ, વડીલોની અપેક્ષાઓ અને આ બધું જેટલું ફિલ્મમાં છે, એટલું દરેક મધ્યવર્ગિય ઘરમાં છે. ફિલ્મમાં કોઈ મસાલો નથી, માત્ર સંબંધોનો અસલ તણાવ છે.

‘ઝરા હટકે ઝરા બચકે’ (2023) પણ એક એવા મુદ્દા પર આધારિત છે, જે લાખો મધ્યવર્ગિય ભારતીયની રોજની ચિંતા છે- ઘર ખરીદવાનું સપનું. ફિલ્મ સાદી છે, પણ સત્ય એટલું જોરદાર છે કે પતિ-પત્ની વચ્ચેની લડાઈઓ, સમજણ, પૈસાની મૂંઝવણ અને સમાજની અપેક્ષા બધું જ આવરી લે છે. બોલિવૂડ પહેલાં ઘરના સેટ્સ પર કરોડો ખર્ચીને પરિવાર બતાવતું હતું, હવે તે વાસ્તવિક ઘર બતાવે છે, જ્યાં રસોડામાં જગ્યા ઓછી છે પણ સ્વપ્ન મોટાં છે.

આ પણ વાંચો…શો-શરાબાઃ વિરોધ-સિનેમાનો કેવો છે આ વાયરો?

આ બધા વચ્ચે ઓટીટીની હાજરી આ નવા બદલાવને વધુ તેજ બનાવે છે. ‘કામ ચાલુ હૈ’ (2024) જેવી ફિલ્મ્સ ફક્ત મધ્યવર્ગીય પીડા જ નહીં, પરંતુ સિસ્ટમ સામેની લાચારીને પણ દેખાડે છે. એક હીરો નહીં, પણ એક સામાન્ય પિતા સિસ્ટમ સામે લડે છે. Mrs.. (2024) પણ ઘરગથ્થુ સ્ત્રીના અજાણ્યા સંઘર્ષને આગળ લાવે છે. ‘વનવાસ’ (2024) પરિવારને તોડી પડતી લાગણીઓ, ગેરસમજણો અને બંધનનો બદલાતો અર્થ દર્શકો સમક્ષ છે.

આ બધા જ એલિમેન્ટ્સ-મુદ્દાને લઈને ચર્ચા કરી શકાય એવાં તો ઘણાં ઉદાહરણ છે. 2025માં પણ આ જ ટ્રેક પર ચાલતી અનેક ફિલ્મ્સ આવી છે. ‘ઘીચ પીચ’ (2025) ચંદીગઢના મધ્યવર્ગી છોકરાંઓની વાત કરે છે, જ્યાં સપનાં મોટાં છે, પણ પૈસા અને સમાજની મર્યાદા એ સપનાઓને ઘસડી નાખે છે. તેમનું જીવન ન તો ગ્લેમરસ છે, ન તો મોટું, પણ લાગણી ખરેખર મોટી છે. ‘બકૈતી’ (2025) વેબ સિરીઝ તો એકદમ ઘર ઘરની વાર્તા જેવી લાગે છે, ઘરનો તણાવ, ભાડાનું ઘર, EMI સંબંધોમાં ટકરાવ, નોકરીની ચિંતા, પ્રતિબિંબ જેવો પરિવાર.

આ બધા વચ્ચે ખૂબ સફળ થયેલી ફિલ્મ ‘12વિં 12th Fail’ (2023) જેવું ઉદાહરણ ભૂલવું નહીં. એક મધ્યવર્ગીય યુવાન UPSC ની તૈયારી કરે છે, એની નિષ્ફળતા, એનું તૂટવું, એનું ફરી તૈયાર થવાનું જિગર, આ બધું એટલું વાસ્તવિક છે કે દેશભરમાં લાખો લોકો એમાં પોતાને જોઈ શક્યા.

‘ડ્રાય ડે’ (2023) નાનાં શહેરના નાના રાજકીય માણસની કહાની હતી તો ‘કડક સિંઘ’ (2023)માં મુખ્ય પાત્રની આખી લાઇફ બેંક, પરિવાર, ભૂતકાળ અને સિસ્ટમ વચ્ચે દબાયેલી દેખાય છે. ‘શર્માજી નમકીન’ હોય કે ‘શર્માજી કી બેટી’ કે પછી ‘શિવ શાસ્ત્રી બલ્બોઆ’, દરેકમાં દર્શકે મિડલ કે લોઅર મિડલ ક્લાસ પરિવારને પડદે ધબકતો જોયો છે. ગ્રાઉન્ડેડ અને લાગણીથી ભરપૂર હકીકતથી નજીક હોય એવી ફિલ્મ્સ પણ ભારતીય સિનેમા આપી રહ્યું છે. મધ્યવર્ગના દબાણો, પરીક્ષા, નોકરી, સમાજ, જાતિ અને જીવનની અસ્થિરતાને વાસ્તવિક રીતે દેખાડી રહ્યું છે.

મધ્યવર્ગ હવે ફક્ત ઓડિયન્સ નથી, પોતે જ નેરેટિવ બની ગયું છે. જે લોકો ગઈ કાલ સુધી મલ્ટિપ્લેક્સમાં ફક્ત મોટી ફિલ્મની ટિકિટ ખરીદતા હતા, એ લોકો આજે પોતાની જ જાતનું જીવન પડદે જોઈને હસે છે, રડે છે અને શાંતિ અનુભવે છે. આજકાલ હીરો ફક્ત એ નથી જે 20 સ્ટંટ કરે, હીરો એ છે જે જીવનની 20 સમસ્યા સામે હાર્યા વગર ટકી રહે છે.

અને લાગી રહ્યું છે કે આ હીરોઝ ને આ સ્ટોરીઝ હવે ટેમ્પરરી નથી, આ તો હિન્દી સિનેમાનો નવો આધાર છે. કારણ કે મધ્યવર્ગ આજે ફક્ત જીવી રહ્યો નથી, એના સંઘર્ષો, એનો પ્રેમ, એનું સ્મિત મનોરંજન દેવની કૃપાથી સિનેમાને નવો ઉજાસ આપી રહ્યું છે!

લાસ્ટ શોટ

ભારતમાં કુલ સિનેમા ઓડિયન્સનું 65 ટકાથી વધુ પ્રમાણ મિડલ-ક્લાસ સેગમેન્ટનું છે.

આ પણ વાંચો…શો-શરાબાઃ એક્શન નહીં, ઓક્શનની દીવાનિયત!જાણો, સ્ટાર્સની અજીબ વસ્તુઓની ખરીદીના અતરંગી કિસ્સા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button