શો-શરાબાઃ ---એન્ડ ધ નેશનલ ફિલ્મ એવૉર્ડ ગોઝ ટુબોલિવૂડ અને નેશનલ એવૉર્ડ્સ: કોને કોની વધુ જરૂર છે? | મુંબઈ સમાચાર
મેટિની

શો-શરાબાઃ —એન્ડ ધ નેશનલ ફિલ્મ એવૉર્ડ ગોઝ ટુબોલિવૂડ અને નેશનલ એવૉર્ડ્સ: કોને કોની વધુ જરૂર છે?

  • દિવ્યકાંત પંડ્યા

23 સપ્ટેમ્બરે પાટનગર દિલ્હીમાં રાષ્ટ્રપ્રમુખની હાજરીમાં ‘નેશનલ ફિલ્મ એવોર્ડ્સ’નું આયોજન થયું.આ એવોર્ડ્સને ભારતીય સિનેમામાં હંમેશાં સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. નેશનલ એવોર્ડ્સની ઓળખ એવી છે કે એ અહીં માત્ર કલાત્મક ગુણવત્તા, સમાજ પર અસર અને સિનેમેટિક એક્સપેરિમેન્ટને જ મહત્ત્વ અપાય છે.

ઘણાં વર્ષોથી ભારતની રિજનલ ફિલ્મ્સ, ખાસ કરીને મલયાલમ, તમિળ અને મરાઠી આ એવોર્ડ્સમાં મોટું સ્થાન ધરાવે છે.

‘પરિયેરુમ પેરુમલ’, ‘જલ્લીકટ્ટુ’, ‘કાકા મુટાઇ’ કે ‘સૈરાટ’ જેવી ફિલ્મ્સ તેની સાબિતી છે. જ્યારે બોલિવૂડ પર વારંવાર એવો આરોપ લાગતો આવ્યો છે કે તે વધુ પડતું ફોર્મ્યુલા અને ગ્લેમરમાં અટવાયું છે, પરંતુ આ વર્ષે શાહરુખ ખાન, વિક્રાંત મેસ્સી અને રાની મુખર્જીને મળેલા સન્માન બાદ ચર્ચાનો એંગલ બદલાઈ શકે છે.

ત્રણ દાયકાથી વધુ સમયથી શાહરુખ બોલિવૂડનો વૈશ્વિક ચહેરો રહ્યો છે. ‘કિંગ ઓફ બોલિવૂડ’ હોવા છતાં એના નામે આ સન્માન નહોતું, એ હંમેશાં ચર્ચાનો વિષય બનતો. હવે ‘જવાન’ જેવી ફિલ્મ્સમાં અભિનય માટે માન મળતાં એવું લાગે છે કે નેશનલ એવોર્ડ્સ પણ શાહરુખની અસરને સ્વીકારી રહ્યા છે.

જો કે એ ચર્ચાનો વિષય ખરો જ કે શું સાચે ‘જવાન’માં શાહરુખે બેસ્ટ એક્ટિંગ કરી છે? અને જો એને નેશનલ એવોર્ડ મળવો જોઈએ તો શું ‘સ્વદેશ’ કે ‘ચક દે ઇન્ડિયા’, વગેરે માટે કરેલી એની એક્ટિંગ એ માટે વધુ લાયક નહોતી? સાથે સાથે એ ચર્ચા પણ ઊભી થાય છે કે શું આ જીત માત્ર અભિનયના જોરે છે કે પછી નેશનલ એવોર્ડ્સને પણ મુખ્ય પ્રવાહમાં પ્રાસંગિક રહેવા માટે શાહરુખ જેવા સુપરસ્ટાર્સને માન આપવાની જરૂર પડી છે?

બીજી બાજુ છે વિક્રાંત મેસ્સી, જેનો માર્ગ શાહરુખથી એકદમ જુદો છે. વિક્રાંત ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવતો આવ્યો છે. એની ફિલ્મ્સ મોટા ભાગે બ્લોકબસ્ટર તો નથી રહી, પણ પ્રેક્ષકોને સાચી લાગણી સાથે જોડતી અને વિવેચકોને ખુશ કરતી હોય છે. ‘ટ્વેલ્થ ફેલ’માં એનો અભિનય સરળ અને વાસ્તવિક લાગતો હતો. આ એ પ્રકારની ભૂમિકા હતી જે નેશનલ એવોર્ડ્સ માટે એકદમ યોગ્ય લાગે. આ જીત એ પણ બતાવે છે કે બોલિવૂડમાં હજુ પણ એવી ફિલ્મ્સ બને છે જે દક્ષિણની શ્રેષ્ઠ ફિલ્મ્સને ટક્કર આપી શકે.

આ જ રીતે થોડાં વર્ષ પહેલાં ‘પાન સિંહ તોમર’માં ઇરફાન ખાનનો અભિનય લો કે ‘મસાન’માં વિક્કી કૌશલ અને શ્વેતા ત્રિપાઠીનું કામ, આ ફિલ્મ્સ કલેક્શનની રીતે બહુ મોટી નહોતી, પણ આજે પણ યાદગાર છે, પણ અલગ-અલગ શ્રેણીમાં ફિલ્મ કે તેની સાથે જોડાયેલા લોકોને મળેલા નેશનલ એવોર્ડ્સ ફિલ્મ્સને લાંબી જિંદગી આપતા રહ્યા છે.

રાની મુખર્જીને મળેલો એવોર્ડ પણ એક અલગ જ દિશા ખોલે છે. રાની છેલ્લાં વીસેક વર્ષથી સતત મજબૂત અભિનય આપતી આવી છે. તેમ છતાં, બોલિવૂડમાં એક સ્ત્રી કલાકારને એક નિશ્ર્ચિત ઉંમર પછી કારકિર્દી માટે મર્યાદિત ભૂમિકાઓ મળતી હોય છે. એ પરંપરાને તોડીને રાનીને આ સ્ટેજે એવોર્ડ મળવો એ સિગ્નલ છે કે નેશનલ એવોર્ડ્સ એવાં સ્ટિરિયોટાઇપ્સને પડકારવા તૈયાર છે.

આ પહેલાં શબાના આઝમીને ‘અર્થ’, સ્મિતા પાટિલને ‘ભૂમિકા’, કંગના રનૌતને ‘ફેશન’ અને ‘મણિકર્ણિકા’ માટે મળેલા એવોર્ડ્સ પણ બતાવે છે કે જ્યારે સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને સારી ફિલ્મ બને છે ત્યારે નેશનલ એવોર્ડ્સ એને માન્યતા આપે છે, ભલે બોક્સ ઓફિસ હંમેશાં તેને પહેલું સ્થાન ન આપે.

આ બધા વચ્ચે ગુજરાતી સિનેમાની પણ નેશનલ એવોર્ડ્સમાં કેટલીક આગવી સિદ્ધિઓ છે. ઉદાહરણ તરીકે, ‘રોંગ સાઈડ રાજુ’ ફિલ્મે 64મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ફીચર ફિલ્મ ઈન ગુજરાતી’નો એવોર્ડ જીત્યો હતો.

બીજી તરફ, ‘હેલ્લારો’ 66મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ફીચર ફિલ્મ’ તરીકે એવોર્ડ જીતી હતી અને એ ફિલ્મની મુખ્ય 13 એક્ટ્રેસને એક સ્પેશિયલ જુરી એવોર્ડ પણ મળ્યો. એ પછી, માનસી પારેખને ‘કચ્છ એક્સપ્રેસ’ માટે 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ એક્ટ્રેસ ઈન અ લીડિંગ રોલ’ માટે મળ્યો છે.

તાજેતરમાં નેશનલ એવોર્ડ 71મા એડિશનમાં ‘વશ’ ફિલ્મે ‘બેસ્ટ ગુજરાતી ફિલ્મ’નો એવોર્ડ જીત્યો તથા એની અભિનેત્રી જાનકી બોડીવાલાને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’નો એવોર્ડ મળ્યો છે.

જોકે, નેશનલ એવોર્ડ્સ અને બોલિવૂડ સાથે જોડાયેલો ચર્ચાનો મોટો મુદ્દો એ છે કે લોકપ્રિયતા કે ગુણવત્તા આ બેમાંથી પસંદગી માટે દરેક વર્ષે નેશનલ એવોર્ડ્સની ટીકા થતી જ રહે છે. કોઈ કહે કે બ્લોકબસ્ટર ફિલ્મ્સને અવગણવામાં આવી, તો કોઈ કહે કે મોટા સ્ટાર્સને વધારે માન અપાયું.

જ્યારે બોલિવૂડ કલાકારોને અવગણવામાં આવે ત્યારે લોકો કહે કે જ્યુરી દક્ષિણ તરફ ઝુકી ગઈ. અને જ્યારે શાહરુખ જેવા સુપરસ્ટાર જીતે ત્યારે એ જ લોકો ખુશ થાય, પણ વિવેચકો પૂછે કે શું એવોર્ડ્સે પોતાનું સ્ટાન્ડર્ડ નીચું કર્યું? થોડાં વર્ષો પહેલાં અક્ષય કુમારને ‘રુસ્તમ’ માટે એવોર્ડ મળ્યો ત્યારે પણ એવી જ ચર્ચા થઈ હતી, કે જ્યુરીએ એને સન્માન આપ્યું કે લોકપ્રિયતાને ધ્યાનમાં રાખ્યું, પરંતુ સાથે જ મનોજ બાજપેયી જેવી પ્રતિભાને ‘ભોસલે’ માટે માન મળવું એ સાબિત કરે છે કે હજી પણ અસલી અભિનયની કદર થાય છે.

શું હકીકત એ છે કે નેશનલ એવોર્ડ્સ પણ સમય સાથે પોતાનું મહત્ત્વ જાળવી રાખવા અમુક પસંદગી કરે છે?

એક મોટો પ્રશ્ન એ છે કે આજના યુગમાં એવોર્ડ્સનું વજન કેટલું છે? હવે જ્યારે સોશ્યલ મીડિયા, ટ્રેન્ડિંગ રીલ્સ અને ફોલોઅર્સના આંકડાથી પણ સ્ટારડમ બને છે ત્યારે એક ટ્રોફી એટલી પ્રભાવી રહી કે નહીં? નેશનલ એવોર્ડ્સની એક એવી પ્રતિષ્ઠા છે જે કોઈ લાઇક્સથી માપી શકાતી નથી. એ એક સત્તાવાર સ્ટેમ્પ છે,

જે પ્રોડ્યુસર પોસ્ટર પર મૂકી શકે છે અને કલાકારો એમના કારકિર્દીના ગૌરવરૂપે બતાવી શકે છે. આજના સમયમાં વિશ્વસનીયતા મેળવવી મુશ્કેલ છે, ત્યાં ભારતમાં આજના સમયના એવોર્ડ્સમાં નેશનલ એવોર્ડ્સ જ કલાકારને એ મજબૂત ઓળખ આપે છે.

લાસ્ટ શોટ
પાંચ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ સાથે શબાના આઝમી ભારતમાં સૌથી વધુ વખત —આ સન્માન મેળવનારી કલાકાર છે.

આપણ વાંચો:  ક્લેપ એન્ડ કટ..!: ‘કિંગ ખાન’નાં ઈંડાં કંઈ ચીતરવા પડે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button