મેટિની

શો-શરાબા : AI આઇયે પધારીયે ઈન ઇન્ડિયન સિનેમા!

ફિલ્મમેકિગમાં AIની ધમાકેદાર એન્ટ્રી કેવાં કેવાં ફેરફારો લાવશે?

– દિવ્યકાંત પંડ્યા

દરેક ક્ષેત્રની જેમ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)એ સિનેમા ક્ષેત્રે પણ જોરદાર એન્ટ્રી મારી છે. આમ તો AIનો ઉપયોગ ઘણી બધી રીતે ફિલ્મ્સમાં થવા લાગ્યો છે અને એ વિશે ઘણી વાત થઈ શકે, પણ આજે આપણે ઇન્ડિયન સિનેમામાં AIના મોટા સ્તરે થઈ રહેલા પ્રવેશની વાત કરીએ.

`લાઇટ્સ, કેમેરા, એક્શન’ એટલે ફિલ્મ સેટ પર બોલાતી જાણીતી પંક્તિ. આ પંક્તિમાં જ ટેક્નોલોજી છુપાયેલી છે, પણ વિચારો કે નવી ફિલ્મ બને અને એમાં આ પંક્તિ જ ન બોલાય તો? પંક્તિ છોડો, લાઈટ અને કેમરા માટે જ સ્થાન ન હોય તો? અને સ્થાન મતલબ કે સેટ જ ન હોય તો? હા, હવે લાઇટ્સ, કેમેરા, એક્શનના બદલે સમય આવ્યો છે :
નો લાઇટ્સ, નો કેમેરા, AI યેસ્સ્સ!

ભારતની પ્રથમ AI જનરેટેડ ફિલ્મ એટલે `નાયેશા’નું થોડા દિવસ પહેલાં ટે્રલર રિલીઝ થયું છે.

શું છે આ AI ફિલ્મમાં?

ફિલ્મના દિગ્દર્શક વિવેક અંચાલિયાને મ્યુઝિક વીડિયો બનાવવો હતો. તેના માટે મ્યુઝિક બન્યું ત્યારે સમજાયું કે હવે તેના પર શૂટિગ કરવા માટે ઘણો ખર્ચ કરવો પડે તેમ છે એટલે એણે એ મ્યુઝિકને વિઝ્યુઅલ આપવા AIની મદદ લીધી. એમ કરતા વિવેક અંચાલિયાને સમજાયું કે આ તો બહુ સારી વસ્તુ છે. ફક્ત મ્યુઝિક વીડિયો જ શા માટે, AIની મદદથી આખી ફિલ્મ બની શકે. અને એ રીતે બની પારંપરિક પદ્ધતિમાંથી ફક્ત લેખન, ડબિંગ અને સંગીત સિવાય કાસ્ટ, શૂટિગ અને અન્ય પાસાંઓ વગરની આખી ફિલ્મ AI દ્વારા!

આ કઈ રીતે શક્ય છે? ટૂંકમાં સાદી રીતે સમજીએ તો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ AI ટૂલ્સ અને સોફ્ટવેરને યોગ્ય શબ્દોમાં ટાસ્ક આપવામાં આવે તો એ કહ્યા પ્રમાણે કાલ્પનિક ઇમેજ અને વીડિયોઝ તૈયાર કરીને આપણને આપી શકે છે. નાયેશા’ પણ એ જ રીતે બની. કોઈ જ પ્રકારના શૂટિગ વગર માત્ર કમ્પ્યુટર પર જ દ્રશ્યની જરૂરિયાત પ્રમાણે વીડિયોઝ જનરેટ કરીને… પણ આ પ્રક્રિયા આપણે ધારીએ એટલી સરળ અને ઝડપી પણ નથી. વાર્તા વિશ્વ, દ્રશ્યમાં રહેલાં સ્થળ અને પાત્રોની સાતત્યતા મેળવવા માટે ખૂબ બધું રિસર્ચ, સમય અને મહેનત લાગે. દિગ્દર્શક વિવેક અંચાલિયાનું કહેવું છે કેમેં ઓછામાં ઓછા 15-20 જેટલાં સોફ્ટવેરની સ્ટડી કરી હશે આ દોઢેક વર્ષના સમયગાળામાં. એ પછી 7-8 સોફ્ટવેરની મદદ મારે `નાયેશા’ માટે લેવી પડી છે. ક્યારેક એવું પણ બન્યું છે કે એક સોફ્ટવેર મને બહેતર રિઝલ્ટ આપે તો મારે તેના પર દારોમદાર રાખી ઝડપથી તેના પર શિફ્ટ થવું પડે કેમકે AI જેમ લોકો વાપરતા જાય છે તેમ એ વધુને વધુ વિકસિત થઈ રહ્યું છે. દર દસ દિવસે કંઈક નવું આવે અને અમારે અપડેટ રહેવું પડે છે.’

એ જ કારણ છે કે ટે્રલર રિલીઝ કર્યા પછી હજુ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ નક્કી નથી. AI એ હદે પ્રગતિ કરી રહ્યું છે કે રિલીઝ પહેલાં સુધીમાં ઉપલબ્ધ બેસ્ટ રિઝલ્ટ ફિલ્મને મળી શકે એ પ્રાથમિકતા સ્વાભાવિક જ રહે. દિગ્દર્શક વિવેક અંચાલિયાનું કહેવું છે કે `મારે દર્શકોને બેસ્ટ આપવું છે. ફક્ત નામ ખાતર મારી ફિલ્મ પહેલી AI ફિલ્મ છે એમ કરીને રિલીઝ નથી કરી દેવી.’

`AI રોજગારી છીનવી લે છે’ એવી એક દલીલ થતી રહે છે. એ સામે AI સ્ટોરી ટેલર્સનાં સપનાં પણ પૂરાં કરે છે. બાકી આર્ટ ફોર્મ્સની સરખામણીએ ફિલ્મમેકિગમાં એક લેખક કે દિગ્દર્શકે ફિલ્મ નિર્માણ માટે પ્રોડ્યુસર શોધવા પર ખૂબ આધાર રાખવો પડે છે. AI થકી દર્શકો સમક્ષ પોતાની વાર્તા રજૂ કરવા માટે મેકર બીજા પરની એ નિર્ભરતા છોડી શકે છે. એ છતાં AIના ફિલ્મમેકિગમાં ઉપયોગ વિશે વિવાદ થતા રહે છે.

ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ `ધ બ્રુટલિસ્ટ’માં સંવાદો માટે થયેલા વપરાશનો વિવાદ તાજો જ છે.

જોકે આ વિષય પર નાયેશા’ના દિગ્દર્શક વિવેક અંચાલિયાનું માનવું છે કેAIનો ઉપયોગ કરવો કે નહીં એ દરેકની ચોઈસ છે. એ પણ એક પ્રકારની ટેક્નોલોજી અને પદ્ધતિ જ છે. પણ મને લાગે છે કે આખરે દર્શકો અને ઇન્ડસ્ટ્રી AIને સિનેમા ક્ષેત્રે મોકળા મને સ્વીકારી જ લેશે!’

આ ઉપરાંત ઇન્ડિયન સિનેમામાં AIની હાજરીને લઈને મોટી ખબર એ છે કે તાજેતરમાં જ અજય દેવગણે પણ પ્રિઝમિક્સ’ (Prismix) નામની એક નવી કંપની શરૂ કરી છે. આ કંપનીથી AI દ્વારા મોટી ક્રાંતિ સર્જાઈ શકે છે. અજય દેવગણે એવું કહ્યું છે કેહવે માત્ર મશીન નહીં, પણ AI સર્જનાત્મક સાથીદાર બનશે એટલે કે જે પહેલાં માત્ર લોકોના વિચારો અને મહેનતથી બનતું હતું, હવે તેમાં AI પણ ભાગીદાર બનશે.’

`પ્રિઝમિક્સ’ થકી વિવિધ પ્રકારના વીડિયોઝ, મ્યુઝિક, શોર્ટ ફિલ્મ, ઍડવર્ટાઇઝમેન્ટ, એનિમેટેડ કોન્ટેન્ટ વગેરે બનાવવામાં આવશે. હવે જો તમે કોઈ ભવિષ્યની વાર્તા, ઐતિહાસિક પૃષ્ઠભૂમિનાં દ્રશ્યો દર્શાવવાના હોય તો એ બધું થોડા સમયમાં અને ભવ્ય રીતે બનાવવા માટે જનરેટીવ AI ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

આપણ વાંચો:  આજની ટૂંકી વાર્તા : નવા સંબંધનો સૂરજ

બાય ધ વે, શું તમને ખબર છે હાલમાં પોસ્ટર્સ, એડ ફિલ્મ્સ, હેર સ્ટાઇલિંગ, સિરિયલ્સ, વગેરેમાં પણ AIની હાજરી નોંધાઈ ચૂકી છે? હા, એ વિશે મજેદાર વાતો ફરી ક્યારેક….

લાસ્ટ શોટ

`ફક્ત હું જ નહીં, વૈશ્વિક સ્તરે પણ મારી જેમ AI આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે એ અમે બધા જ અત્યારે સ્ટુડન્ટ્સ છીએ.’

  • વિવેક અંચાલિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button