ફ્લેશ બેક: શીલા વાઝ… ડાન્સરનો દસકો

હેન્રી શાસ્ત્રી
હિન્દી ન આવડતું હોવા છતાં હિન્દી ફિલ્મોનાં ગીતો- નૃત્યનાં કારણે યાદગાર બની જવું એ આસાન નથી, છતાં શીલાએ તે કરી દેખાડ્યું
‘શ્રી 420’માં રાજ કપૂર સાથે અને ‘તુમસા નહીં દેખા’માં શમ્મી કપૂર સાથે
તમે જો રાજ ખોસલાની ‘સીઆઈડી’ ફિલ્મ જોઈ હશે તો ‘લેકે પેહલા પેહલા પ્યાર ભર કે આંખોં મેં ખુમાર, જાદુ નગરી સે આયા હૈ કોઈ જાદુગર’ ગીત જરૂર તમારા સ્મરણમાં હશે. રાજ કપૂરની ‘શ્રી 420’ ફિલ્મ જોઈ હશે તો ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ, પ્યાર સે ફિર કયું ડરતા હૈ દિલ’ હૈયા સરસું હશે, પણ સાથે સાથે મજેદાર કોરસ ગીત ‘રમૈયા વસ્તાવૈયા’ સુધ્ધાં નહીં ભૂલ્યા હો.
આ બંને ગીતની જોડતી એક કડી એટલે ડાન્સર શીલા વાઝ. હિન્દી ભાષા ન આવડતી હોવા છતાં ગોવાની આ ડાન્સર મારકણી અદા સાથેના ડાન્સને કારણે સિને રસિકોને પસંદ પડી ગઈ. એટલું જ નહીં, એકવીસમી સદીના યંગસ્ટર્સ પણ ટીવી પર જૂના ગીતોમાં એમને જોઈ ઓવારી જતા એ હકીકત છે.
આ પણ વાંચો: ફ્લેશબેક: દહેજ’થી દહેજનાં દૂષણના દીદાર
27 જૂન 1934માં જન્મ અને 29 જૂન, 2022ના દિવસે અવસાન પામેલી શીલા વાઝે એક દસકો સૌનો હોય એ વાત સિદ્ધ કરી હતી. 17 વર્ષની ઉંમરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવા આવેલી શીલા માટે તૈયાર ભાણે બેસવા જેવી પરિસ્થિતિ નહોતી. એ સમયે કક્કુના પગ જામી રહ્યા હતા અને હેલન, મીનુ મુમતાઝ વગેરે નૃત્યાંગના પોતાની પાંખો ફફડાવી રહી હતી.
બીજી તરફ, શીલા વાઝની ડાન્સ ટેલન્ટથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફિલ્મમેકરો પ્રભાવિત થયા હતા, પણ એક મોટી મુશ્કેલી એ હતી કે ગોવામાં ઉછરેલી શીલાને હિન્દી નહોતું આવડતું. કોંકણી ઉપરાંત અંગ્રેજી ભાષાનો જ એને મહાવરો હતો. જ્યારે ગીતનું ફિલ્માંકન થાય ત્યારે ડાન્સરે ગીત ન ગાવાનું હોય, પણ એના બોલ અનુસાર હોઠ તો ફફડાવવાના જ હોય એટલે શીલાને ગીતના બોલ અંગ્રેજીમાં લખીને આપવામાં આવતા હતા.
‘એક નજર’ અને ‘શૌખિયા’ જેવી ફિલ્મોમાં શીલાને મોકો મળ્યો, પણ ન તો એને ધ્યાનમાં આવે એવી કોઈ મુવમેન્ટ મળી કે ન પડદા પર નામની ક્રેડિટ મળી. પરિણામે વાત શૂન્ય પર જ અટકીને રહી. આ વાત છે 1951- 52ની. એ પછી 1955માં આવી રાજ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘શ્રી 420’. ફિલ્મના ગીત-સંગીતને પુષ્કળ લોકપ્રિયતા મળી.
રાજ કપૂર-નરગીસ પર ફિલ્માવાયેલું ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ બેશક નંબર વન સોન્ગ હતું, પણ મુંબઈની શ્રમિક જનતાનો અસલી મિજાજ દર્શાવતું લતા-રફી-મુકેશ સાથે કોરસનું ગીત ‘રમૈયા વસ્તાવૈયા’ પણ લોકજીભે ચડી ગયું હતું. એમાંય ‘તૂઔર થા તેરા દિલ ઔર થા, તેરે મન મેં યે મીઠી કટારી ન થી’ પંક્તિઓમાં મુંબઈના શ્રમિકોની શૈલીનું નૃત્ય અને શીલા વાઝની ચંચળ અદા સિને રસિકોનું દિલ જીતી લેવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો: 70 વર્ષ પહેલાની ફિલ્મમાં છ ગીતકાર
આ ગીતની કોરિયોગ્રાફી ઝોહરા સહગલે કરી હતી.1935થી 2007ની ‘સાંવરિયા’ સુધી વ્યસ્ત રહેલાં ઝોહરા સહગલ એક ઉમદા અભિનેત્રી હોવા ઉપરાંત કુશળ નૃત્યાંગના અને કોરિયોગ્રાફર પણ હતાં.
‘શ્રી 420’ના અન્ય ગીત ‘દિલ કા હાલ સુને દિલવાલા’માં પણ રાજ કપૂર સાથે શીલા વાઝ દર્શકોનું દિલ જીતી લેવામાં સફળ રહ્યાં. કેટલાક ચહેરા એવા હોય કે બહુ સુંદર ન હોય પણ મોહક હોય. શીલા વાઝ દેખાવે રૂપાળા નહોતાં, પણ એમનું મુખારવિંદ અત્યંત મોહક હતું.
રાજ ખોસલાની ફિલ્મ ‘સીઆઇડી’ જોઈ હોય તો એનું ‘લેકે પેહલા પેહલા પ્યાર’ ગીત યાદ કરો. પ્રમુખપણે હીરો-હીરોઈન દેવ આનંદ અને શકીલા પર ફિલ્માવાયેલા આ ગીતમાં શીલા વાઝ પણ નજરે પડે છે. હીરો-હીરોઈનની ભાવના હાર્મોનિયમ વગાડતી વ્યક્તિ અને નૃત્ય કરતી શીલા વાઝ દ્વારા વ્યક્ત થાય છે. એક ગીતમાં ચમકી સ્મરણપટ પર અંકિત થઈ જવાની શીલા વાઝની કાબેલિયત અહીં પણ જોવા મળે છે.
આ પણ વાંચો: યે હવા યે રાત યે ચાંદની, તેરી એક અદા પે નિસાર હૈ
એવું જ મેહમુદની ફિલ્મ ‘છોટે નવાબ’ વિશે કહી શકાય. રાહુલ દેવ બર્મન-પંચમના પદાર્પણના આ ચિત્રપટમાં એક અત્યંત ખૂબસૂરત ગીત છે ‘ઘર આજા ઘીર આએ બદરા સાંવરિયા’. મેહમૂદ અને અનવર હુસેન ડાન્સ માણવા ગયા હોય છે ત્યારે આવતા આ ગીતના પ્રારંભમાં જ શીલા વાઝનો મોહક ચહેરો સંમોહિત કરી દે છે. શાસ્ત્રીય શૈલીના આ ગીતના મિજાજને પારખી શીલાએ પોતે ક્લાસિકલ ડાન્સમાં પણ માહેર છે એ સિદ્ધ કર્યું હતું.
1958માં આવેલી ‘સવેરા’ ફિલ્મના ‘ઓ પરદેસી છોરા છૈલા ગોરા ગોરા’ ગીતમાં શીલા અન્ય ડાન્સરો સાથે મેદાન મારી જાય છે. નાનકડી સઢવાળી હોડીમાં પિક્ચરાઇઝ થયેલા આ ગીતમાં ફિલ્મના નાયક – નાયિકા અશોક કુમાર અને મીના કુમારી હાજર છે, પણ ફરી એક વાર શીલા દર્શકોના દિલ જીતી લેવામાં સફળ રહે છે.
શમ્મી કપૂરને સ્ટાર બનાવી દેનારી ફિલ્મ ‘તુમસા નહીં દેખા’ કેમ ભૂલાય? શમ્મી કપૂર સાથે કેમેરાની ફ્રેમમાં રહી પોતાના પર ધ્યાન ખેંચવું આસાન નથી એ વાત સહુ કોઈ જાણે છે. ફિલ્મના મજેદાર ગીત ‘છૂપનેવાલે સામને આ, છૂપ છૂપ કે મેરા દિલ ન જલા’માં શીલાએ એ કરતબ કરી દેખાડ્યો છે. ફિલ્મ 1957માં રિલીઝ થઈ હતી. આ વર્ષ શીલા વાઝ માટે શુકનિયાળ સાબિત થયું હતું. એની એક ડઝન ફિલ્મ રિલીઝ થઈ હતી અને એનાં ઘણાં ગીત લોકપ્રિય થયાં હતાં.
આ પણ વાંચો: રીલ ને રિયલ લાઈફના દેવદાસ
1955માં રજૂ થયેલી ‘હાઉસ નંબર 44’માં પણ નાઇટક્લબમાં એક ડાન્સરનું સોન્ગ છે. અલબત્ત,.આ પ્રકારના સેટઅપનાં ગીતોમાં સૌપ્રથમ હેલન યાદ આવે. દેવ આનંદ નાઇટક્લબમાં વ્યથિત ચહેરે બેઠા છે અને શીલા વાઝ ‘દમ હૈ બાકી તો ગમ નહીં’ ગીત પર જે મોહક નૃત્ય કરે છે એ જોઈ દર્શકો સુધ્ધાં થોડીવાર માટે પોતાના દુ:ખ – દર્દ ભૂલી ગયા હશે.
આ સિવાય પણ આ ડાન્સરના અન્ય યાદગાર ગીત છે. તાત્પર્ય એટલું કે પડદા પર થોડી વાર પણ ચમકી કાયમ દર્શકના મનોવિશ્વમાં ચમકી જવા માટે આવડત જોઈએ. એ આવડત શીલા વાઝમાં હતી. કમનસીબે હેલન કે કક્કુ જેટલું સન્માન એને નથી મળ્યું.