સિરિયલ કિસર મેરા તોહફા ઔર યહીં મેરા શ્રાપ..
ઈમરાન હાશ્મીને ‘સિરિયલ કિસર’નું બિરુદ કેવી રીતે મળ્યું ?
ફિલ્મનામા -નરેશ શાહ
ભીગે હોંઠ તેરે, પ્યાસા દિલ મેરા…
ફિલ્મ ‘મર્ડર’ (ર૦૦૪)ના આ ગીતને વીસ વરસ પૂરાં થઈ ગયા છે, પણ આ ગીત અને ‘મર્ડર’ ફિલ્મે એ જમાનામાં તહેલકો મચાવી દીધો હતો, કારણકે એ ગ્રેડ્ના પ્રોડકશન હાઉસે બનાવેલી કદાચ આ પ્રથમ એ ગ્રેડનીની ઈરોટિક- શૃંગારિક ફિલ્મ હતી. એ ફિલ્મની હોટમહોટ હિરોઈન મલ્લિકા શેરાવત તો જો કે એ પછીની બે-ચાર ફિલ્મ પછી લગભગ સ્મૃતિશેષ થઈ ગઈ, પરંતુ એ ફિલ્મથી હિન્દી સિનેમાને મળેલો સિરિયલ કિસર ઈમરાન હાશ્મી આજે પિસ્તાલીસ વરસની ઉંમરે પણ ક્યારેક-ક્યારેક ચમકારા વેરીને (ટાઈગર-થ્રી માં એ વિલન હતો ) પોતાની હાજરી પુરાવતો રહે છે.
આ ઈમરાન હાશ્મી તમને ગમતો હોય કે ન ગમતો હોય, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એ અમરત્વ પામી ગયો છે એને મળેલાં ‘સિરિયલ કિસર’ના ટેગને કારણે…
જે ફિલ્મજગત ચુંબનને પણ પ્રતીકાત્મક (બે કબૂતર યા બે ડાળીઓનું આપસમાં મળવું) રીતે દર્શાવતું હોય અને જયાં ‘લીપ ટૂ લીપ’ ચુંબનનું એક દ્ર્શ્ય પણ ‘એ ’ સર્ટિફિકેટ સાથે ખૂબ બધી ચર્ચા જગાવી જતું હોય એ ફિલ્મજગત અને એના દર્શકો તમને સિરિયલ ક્સિર’ નું બિરૂદ આપી દે,એ ખરેખર તો ન માન્યમાં જેવી વાત છે. .
ગયા સપ્તાહે જ ઓન એર થયેલી ‘શોટાઈમ’ વેબ સિરિઝના પ્રથમ એપિસોડની સાતમી મિનિટે જ મૌની રોયને તસતસતું ચુંબન ઈમરાન હાશ્મી કરતો હોય એવું દ્રશ્ય છે. એ દ્રષ્ટિકોણથી મહેશ ભટ્ટનો આ ભાણિયો હિન્દી સિનેમાનો એક યાદગાર પીસ તો બની ગયો છે.
ઈમરાનને ‘સિરિયલ કિસર’ નું ટેગ કઈ રીતે વળગી ગયું, એ ખરેખર જાણવા જેવું છે.
મામા મહેશ ભટ્ટે પોતાના આ ભાણેજ ઈમરાન હાશ્મી (જન્મ : ર૪ માર્ચ, ૧૯૭૯) ને થાળે પાડવા માટે પહેલાં તો એને પોતાના પ્રોડકશન હાઉસમાં બનતી ફિલ્મોમાં આસિસ્ટન્ટ બનાવ્યો, પણ ભાણિયો તેમાં સિરિયસ નહોતો, છતાં આસિસ્ટન્ટ તરીકેની ક્રેડિટ એને ‘રાઝ’ અને ‘કસુર’ ફિલ્મમાં આપવામાં આવેલી આને જ ‘નેપોટિઝમ’ કહેવાય, કારણકે પોતાને ડિરેકશનમાં જરાય રસ ન હોવાથી એ કાયમ સેટ પરથી છટકી જતો એવું ખુદ ઈમરાન હાશ્મીએ પોતે લખેલી કિતાબ કિસ ઓફ લાઈફ માં લખી ચૂક્યો છે. ખેર, એ પછી મામા મહેશ ભટ્ટે એને ‘યે જિંદગી કા સફર’ નામની ફિલ્મમાં (ડિરેકટર : તનુજા ચંદ્રા) અમીષા પટેલ સામે હીરો તરીકે લેવાનું નક્કી ર્ક્યું તો ભાણિયાએ ત્યારે પણ ના પાડી દીધી. આખરે ‘ફૂટપાથ’ (૨૦૦૩) ફિલ્મથી ઈમરાન લોન્ચ થયો. એ ફિલ્મમાં પણ એણે હીરો બનવાનું હતું પણ સ્ક્રીપ્ટ વાંચીને એણે રઘુનું સેક્ધડ લીડ પાત્ર પસંદ ર્ક્યું.
‘ફૂટપાથ’ ના પ્રથમ શોટ વખતે ૪૫ રિ-ટેક અને યુનિટનો એક આખો દિવસ બગાડનારા ઈમરાનની કિસ્મત જુઓ કે બીજી જ ફિલ્મ ‘મર્ડર’થી એ તરુણીઓનો હાર્ટથ્રોબ -દિલની ધડકન બની ગયો.
અનુરાગ બાસુ દિગ્દર્શિત મર્ડરમાં ઈરોટિક દ્રશ્યો અને ચુંબનની ભરમાર હતી. એ પછી ઈમરાન હાશ્મીએ કરેલી તુમસા નહીં દેખા- ઝહર-આશિક બનાયા આપને- કલયુગ-જવાની દીવાની- ગેંગસ્ટર- ધ કિલર- ધ ટ્રેન- આવારાપન- જન્નત- રાઝ- તુમ મીલે, ઈત્યાદિ , ફિલ્મોમાં ઈમરાન હાશ્મીએ ચુંબનનાં અનેક દ્ર્શ્યો ર્ક્યા. કહો કે કરવા પડ્યા, કારણ કે ત્રીજી જ ફિલ્મથી એના પર ‘સિરિયલ કિસર’ નું બિરુદ લાગી ગયું હતું.
અમિતાભ બચ્ચનની આલાપ- મંઝિલ- બેમિસાલ કે જુર્માના કે મિલીને સુપરહિટ થવાનું સૌભાગ્ય ન મળ્યું તેની પાછળ એગ્રી યંગમેનની ઈમેજ જવાબદાર હતી. તેવું જ ઈમરાન હાશ્મી સાથે પણ થવા માંડ્યું હતું. એણે કહ્યું છે એમ જે ફિલ્મોમાં મેં કિસ નથી કરી, એમાંની કેટલીક ફિલ્મ તો થિયેટરમાં નામોનિશાન છોડ્યા વગર જ ઊતરી ગઈ હતી…. કિસ વગરની મારી ફિલ્મો એક ખાસ દર્શકગણને ખૂબ નારાજ કરી દેતી હતી. થિયેટરમાં ઊભા થઈને રાડો પાડતાં :
કિસ કેમ નથી કરતો ? બીમાર છો કે શું ?’
અમિતાભની ફાઈટ કે ગુસ્સા વગર, શાહરૂખ ખાનના હાથના ફેલાવ વગર કે સલમાન ખાનના શર્ટ ઊતર્યા વગરની ફિલ્મો તેના ચાહકોને ન ગમે તેવી જ રીતે ચુંબનનાં દ્ર્શ્યો વગરની ઈમરાનની (કોઈ કોઈ અપવાદ સિવાયની) મોટાભાગની ફિલ્મો ત્યારે સફળ થતી નહોતી અને પ્રોડયુસરો પણ ઈચ્છતાં કે ઈમરાન એની ફિલ્મની હિરોઈન સાથે ચુમ્મા-ચાટી કરે.
- પણ ‘એ મારા જ કરેલાં કર્મોનું પરિણામ હતું …’ એવું ખુદ ઈમરાન સ્વીકારી
ચૂક્યો છે.
આ કિસ્સો જાણવા જેવો છે…
એક વાર મિત્ર સાથે ઈમરાન મોરેશિયસમાં હતો. આગલા દિવસે એ મિત્ર બજારમાંથી થોડાં વસ્ત્રો ખરીદી લાવેલો તેની ઈમરાનને ખબર હતી. એ મિત્ર હોટેલની રૂમ છોડીને બહાર ગયો ત્યારે રિસેપ્શન પરથી એના રૂમની ચાવી લઈને ઈમરાને રૂમ ખોલ્યો અને પોતાને ગમતું ટી-શર્ટ સેરવી લીધું. એ સાંજે ‘જવાની દિવાની’ ફિલ્મના ટ્રેલર માટેનાં થોડાં શોટ લેવાના હતા. ઈમરાન મિત્રના રૂમમાંથી તફડાવેલું ટી-શર્ટ પહેરીને મોરેશિયસના બીચ પર પહોંચી ગયો. જરૂરી શોટ લેવાયા જેમાં એક દ્રશ્યમાં ઈમરાન હાશ્મીની પીઠ દેખાતી હતી. એ પીઠ પર ટી-શર્ટમાં છાપેલું લખાણ વંચાતું હતું: ‘સિરિયલ કિસર’ .
પછી તો ‘જવાની દિવાની’ ફિલ્મનું એ દૃશ્ય ટ્રેલરમાં એટલું ચલાવામાં આવ્યું કે કે ર૦૦૬માં ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મીડિયાએ ઈમરાનને ‘સિરિયલ કિસર’ની ટેગ સજ્જડ રીતે ચિપકાવી દીધી, જે લગભગ એક-દોઢ દશક સુધી ઈમરાન હાશ્મી સાથે ચીપકેલું રહ્યું. બેશક, ‘સિરિયલ કિસર’ની એ ઈમેજ ઈમરાનની એક બ્રાન્ડ વેલ્યૂ બની ગઈ હતી. આ કારણે એને કોઈએ સિરિયસ એકટર ગણ્યો નહીં…
પોતાના પુસ્તક ‘કિસ ઓફ લાઈફ’ માં ઈમરાનના શબ્દો છે :
(સિરિયલ કિસરનો ટેગ જ) મેરા તૌહફા હૈ ઔર યહીં મેરા શ્રાપ ભી….!