સાત્વિકમ શિવમઃ સફળતા સાર્વજનિક ઉત્સવ છે, નિષ્ફળતા વ્યક્તિગત દુ:ખ!

અરવિંદ વેકરિયા
નાટક ખૂબ જ સરસ ગયું એટલે પ્રેક્ષકોનો પ્રતિસાદ જોરદાર રહ્યો. હવે જોવાનું એ છે કે ‘બોર્ડ’નાં સભ્યો માટે આ કેવું નીવડ્યું! હું ઉચાટમાં હતો. ડોલર તો નિર્માતા હતો, પણ એનાં પેટનું પાણી નહોતું હલતું. એ કહેતો, ‘બહુ બહુ તો વધુ શો માટે પરમિશન નહીં આપેને? જેવા ગુજરાતનાં નસીબ.. ઉદાસ શું થવાનું દાદુ. નસીબ આપણા હાથમાં લીંબુ પકડાવે ત્યારે ઉદાસ થવા કરતાં ‘શરબત’ કેમ બનાવવું એ વિચારવાનું… ગુજરાત કદાચ ન ફળે તો ‘મહારાષ્ટ્ર’ તો છે જ ને !’
મને થયું હવે આ વાત સ્વીકારે છે બાકી ‘ગુજરાતને ઘમરોળવું છે.’ ની વાત હવે ટાઢી પડી ગઈ હતી. રાજા-વાજા ને વાંદરા, બધાં સરખા. ‘બોર્ડ’વાળા સાથે કળથી કામ લેવું પડશે. આ લોકો ‘સાથે’ મોટા થવાય, આમની ‘સામે’ મોટા થવા જઈએ તો કામ કદાચ ન પણ થાય.
ખેર, ‘ડઝન’ અધિકારીઓ આવ્યા. હા, ભૂપત વડોદરિયા ન આવ્યાં. એ તો ‘બોર્ડ’માં નહોતા. મહિલાઓ માટે ‘મા.મા.લ.પા’. માટે પોતાના પ્રકાશન સમભાવમાં કઈક લખશે, બધા સાથે સાહિત્યને લીધે ઘરોબો ખરો, પણ આજે ‘જવાબદારી’ અલગ હોવાથી એક અંતર રાખી ય અંદર આવ્યાં નહીં. રજનીકુમાર પંડ્યા અને બકુલ ત્રિપાઠી તો ઉમળકાભેર મળ્યાં.
આ પણ વાંચો: સાત્વિકમ શિવમઃ જેની ભાષામાં ‘સભ્યતા’… એનાં જ જીવનમાં ‘ભવ્યતા!’
બધાં વતી આગેવાની જોસેફ મેકવાને લીધી હોય એવું લાગ્યું. ‘અભિનંદન’ તો આપ્યાં પણ નાટકનાં વિષયથી તેઓ કોઈ ખુશ નથી એ પણ જણાવી દીધું. જોસેફ મેકવાને મને કહ્યું, ‘અરવિંદભાઈ, તમે દિગ્દર્શક તરીકે જરા વધુ પડતું ‘બોલ્ડ’ દેખાડ્યું છે. નવ-રસમાં શૃંગાર પણ એક રસ છે એ માનું છું. સેકસને રજૂ કરવું ખોટું નથી. અરુચિકર ન હોવું જોઈએ. તમે આ વસ્તુ રાજ કપૂરની જેમ રજૂ કરી શક્યાં હોત.’
મેં બહુ જ સરળ ટોનમાં કહ્યું, ‘સાહેબ, એ ફિલ્મ છે. ફિલ્મમાં બે ફૂલ પવનથી એકબીજાનાં સંપર્કમાં આવતા તમે દેખાડી શકો, જે તખ્તા ઉપર રજૂ કરવું મુશ્કેલ બની જાય’. મારી આ વાત જોસેફભાઈને તો ન ગમી, પણ કદાચ રજનીભાઈ અને બકુલભાઈને પણ ગમી નહીં હોય એવું એ બંનેના મોઢા પરનાં હાવભાવ પરથી લાગ્યું.
મૂળ વાત મારાથી ભુલાઈ ગઈ કે એકાંતમાં પોતાના વિચારો અને જાહેરમાં પોતાના શબ્દો ઉપર કાબૂ રાખવો જોઈએ. પછી તો ઘણી દલીલો થઈ. ઓફકોર્સ, ઝગડાનાં રૂપે નહીં. પણ આ ઝગડો અને ઝરણું, બંનેની શરૂઆત તદ્દન નાની હોય છે પરંતુ જેમ જેમ આગળ વધે તેમ વિશાળ બને પણ વાત ‘વિશાળ’ બને એ પહેલા રજનીભાઈએ અટકાવી દીધી.
આ પણ વાંચો: સાત્વિકમ શિવમઃ કર્મ એવાં કરો કે ફળ ભોગવતાં ‘તક’ મળે, ‘તકલીફ’ નહીં…
તારણ એવું નીકળ્યું કે જે રીતે નાટકની રજૂઆત કરી એ અરુચિકર હતી. બીજું, અમુક કટ્સ ફોલો નહોતા કરવામાં આવ્યા. આંગિક જેસ્ચર બીભત્સ લાગ્યાં. આવતી કાલે સવારે તમને ફાઈનલ કટ્સ આપીશું જે તમારે ફોલો કરવા પડશે. અમે કાલે નિર્ણય જણાવીશું…..
આમ વધારે વાતો કર્યા સિવાય, બધા છુટા પડ્યા. કલાકારોને પણ પરમિશન અંગે શંકા હતી અને નિર્માતા તો ‘દેખા જાયેગા’નાં મુડમાં હતા.
બીજે દિવસે તો સમભાવ’માં ભૂપત વડોદરિયાએ અંજલીનાં બોલ્ડ ફોટોગ્રાફ્સ સાથે નાટકને આડેધડ વગોવી નાંખ્યું. જો કે એમની વગોવણીની બુકિંગ ઉપર ‘સકારાત્મક‘ અસર થઈ. બુકિંગ ખુલ્યું અને બે કલાકમાં ‘હાઉસ ફૂલ’ થઈ ગયું!
હું અને ડોલર પ્રેમાભાઈમાં મસ્તીનો આનંદ લુંટતા હતાં ત્યાં તારકનાથ ગાંધી રઘવાટમાં આવ્યા અને મને કહે, ‘દાદુ. તમારા નામનું સમન્સ છે જે લઈ એ ‘ડ્રીમલેન્ડ હોટલ’ પર બજાવવા આવ્યા હતા. સારું થયું તમે ત્યાં ન મળ્યાં. હવે શો શરૂ થાય ત્યાં સુધી તમે થિયેટરથી દૂર ચાલ્યાં જજો. સામેના પોલીસ સ્ટેશન (કારંજ જેવું નામ હતું, અત્યારે યાદ નથી આવતું.) ઉપર તમારે મળવા જવાનું છે. તમે ‘રૂબરૂ’ નથી મળ્યા એટલે શો તો નહીં અટકે. તમે શો શરૂ થાય પછી એટલે કે 9.30 પછી જ મળવા જજો.’
આ પણ વાંચો: સાત્વિકમ્ શિવમ્ : માફી ભૂલ કરનારને મળે… ચાલાકી કરવાવાળાને નહીં…
‘પણ સમન્સ મારે નામે કેમ?’ મેં પૂછ્યું. તો કહે, ‘લાઈસન્સ તમારા નામે ઇસ્યુ થયું છે.’ ડોલરે મને હિમ્મત આપતા કહ્યું, ‘વાંધો નહીં દાદુ, આપણે બંને ફરતા રહીશું. જેવું નાટક શરૂ થાય કે તરત સામે પોલીસ સ્ટેશને જઈ ઇન્સ્પેક્ટરને મળી લઈશું’. ગાંધી કહે ‘શો બરાબર 9.30 શરૂ કરી દેવાનો છે એ સૂચન પણ લખ્યું છે.’ ‘ઠીક છે..અમે રખડતાં રહીશું. હાથ લાગી ગયો તો શો અટકી શકે.. શો શરૂ થતા અમે ઇન્સ્પેક્ટર પાસે પહોંચી જઈશું.’
હવે તો છૂટકો જ નહોતો. જયારે કઈ ખોવાની નોબત આવી જાય છે ત્યારે એને મેળવવાની કિંમત સમજાય છે. અત્યારે પરમિશન ગુમાવવાની ઘડીને સંભાળી લઇ, બધું ‘ઠીક-ઠાક’ કરી લેવાનું છે ખબર નહીં નસીબ સાથ આપશે કે નહીં…
તારકનાથ ગાંધીનો આભાર માની હું અને ડોલર પ્રેમાભાઈ હોલમાંથી નીકળી ગયા. કલાકારોને પણ ચિંતા હશે પણ વધુ દુ:ખ અને ચિંતા નિર્માતા તરીકે ડોલર પટેલ અને દિગ્દર્શક તરીકે મને વધુ હતી. સફળતા સાર્વજનિક ઉત્સવ છે, નિષ્ફળતા વ્યક્તિગત દુ:ખ.
હું અને ડોલર ફરતાં રહ્યા. હોટલ કે પ્રેમાભાઈ હોલ પર જવું યોગ્ય નહોતું. જયારે કાઢવો હોય ત્યારે સમય પણ નીકળતો નથી. 9 તો વાગ્યા પણ 9.30 વગાડતા જન્મારો ગયો હોય એવું લાગ્યું.
આ પણ વાંચો: સાત્વિકમ્ શિવમ્ : હસીને જોવામાં અને જોઇને હસવામાં ફરક છે…
બરાબર 9,30 વાગે અમે પોલીસ સ્ટેશને પહોંચી ગયા. મારાં તો પગ ધ્રુજતા હતાં. આવો અનુભવ આ પહેલાં ક્યારે’ય થયો નહોતો. અમે દાખલ થયા ત્યારે ઇન્સ્પેકટર એક વ્હોરા મુસ્લિમ દંપતી સાથે કોઈ વાત કરી રહ્યાં હતા. અમને જોયા કે બોલ્યા, ‘પેલા ડોલર…’ ‘હા..હા.. હું એ જ’ ઇન્સ્પેક્ટરની પૂરી વાત સાંભળ્યાં વગર ડોલરે જવાબ આપી દીધો.
ઈન્સ્પેકટરે એક હવાલદારને કહ્યું, ‘આ બંનેને બાજુની કેબિનમાં બેસાડો અને બંને માટે ચા-કોફી જે પીતા હોય એ મંગાવો.’ પછી અમને કહ્યું, ‘પ્લીઝ, તમે બેસો .. હું આવું છું.’ હું અને ડોલર બંને એક-બીજા સામે જોઈ રહ્યાં…