મેટિની

સાત્વિક શિવમ્ઃ દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમારી હિંમત કરતાં મોટી નથી હોતી

અરવિંદ વેકરિયા

કોમેડીનો જાણકાર અને ઈમોશનલ સીન્સ સારી રીતે મંચન કરી શકે એવાં કલાકારની શોધમાં અને રાહમાં મેં મારી હિંમત, મારું પેશન ટકાવી જ રાખેલું. કહે છે કે દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમારી હિંમત કરતાં મોટી નથી હોતી. મારે વધારે રાહ જોવી ન પડી એનો આનંદ…કારણ કે ક્યારેક જ મળી જતી એક અજાણી વ્યક્તિએ મને એવા કલાકારને મોકલવાની અને યોગ્ય લાગે તો કામ આપવાની વાત કરી હતી અને વિશ્વાસે તો વહાણ પણ તરી જાય.!

બીજે દિવસે અમે બધાં સાંજે રિહર્સલ માટે ભેગા થયાં. આવેલ સ્ક્રિપ્ટનું પ્રાથમિક રીડિંગ શરૂ કર્યું. દિનેશ કોઠારી આવેલ, એનાં અનુવાદિત નાટક અંગે કોઈ પ્રશ્ન થાય તો જવાબ આપવા.

મારી તાલાવેલી પેલી વ્યક્તિએ કહેલ એ કલાકારની રાહ જોવા માટે વધતી જતી હતી. અમે રીડિંગ ચાલુ રાખ્યું. સમયનું ચકરડું ફરતું હતું અને મારી નજર ઘડિયાળનાં ડાયલ ઉપર ફરતી હતી. તુષારભાઈ સમજી ગયા કે હું કેમ અસ્વસ્થ છું. મને કહે ` આવશે આવવું હશે ત્યારે અને તો. આપણે ક્યાં નાટક આજે ને આજે ઓપન કરવાનું છે, સમય ઘણો છે આપણી પાસે! બધું ઉપરવાળા ઉપર છોડી દો.’ 

એમની વાત સાચી હતી. ઈશ્વર એટલે આપણા આત્માનાં સારથી જ ને? મેં ફરી મારું ધ્યાન વાંચન પર કેન્દ્રિત કરી અને મગજને એ કલાકારના વિચારમાંથી મુક્ત કરવાનો શક્ય પ્રયત્ન કર્યો. એ કલાકારની તો રાહમાં હતો જ સાથે જયંત વ્યાસે બે દિવસનું પોદળામાં સાંઠીકડું ખોસેલું એની પણ ચિંતા હતી. જો બે દિવસ પછી જયુકાકાની `ના’ આવી તો ફરી મારે `કલાકાર-ફેરી’ શરૂ કરવી પડશે અને કાં મારે કૂદકો મારવો પડશે જે હું ઈચ્છતો નહોતો. મારી બા (મમ્મી) મને કહેતાં :

`ચિંતા નહિ કરવાની. એ તો પડશે એવાં દેવાશે’ આ વાત મારા મસ્તિષ્કમાં ચોટાડી દેવાનો પ્રયત્ન કરતો રહ્યો. લગભગ રાતના આઠ વાગ્યાં હશે અને એક શરીરે થોડો ષ્ટપુષ્ટ યુવક મારા નામની પૂછપરછ કરતો પ્રવેશ્યો. `મને ફલાણી વ્યક્તિએ એમને મળવાનું કહ્યું છે.’ મેં ઊભા થઈ એની સાથે હાથ મેળવ્યો. અમિતા રાજડા સામે જોઇને લાગ્યું કે પતિ-પત્ની તરીકે જોડી જામે એવી હતી.

`બહુ મોડું થયું આવવામાં, અમે તો છ વાગ્યાથી તારી રાહ જોઈએ છીએ’ મેં કહ્યું. એનો જવાબ સાંભળી હું જરા ઠંડો પડી ગયો. એણે મને કહ્યું કે `મારો શો ભાઈદાસ-પાર્લામાં બપોરે સોલ્ડ આઉટ હતો. છૂટીને સીધો અહીં આવ્યો.’ મેં `…અચ્છા…અચ્છા…’ તો કહ્યું પણ મનમાં કઈ `અચ્છું’ નહોતું. મેં પૂછયું `તું બીજા નાટકમાં કામ કરે છે?’

મને કહે, `હા,અરવિંદ જોશીનું નાટક,`એની સુગંધનો દરિયો’. ફરી મેં મૌન સેવ્યું. પૂછ્યું: `તો એ નાટક તું છોડી દેવાનો છે?’ એણે કહ્યું,

`હા.. એ નાટકમાં થોડું પ્રોડકશન-વર્ક સાથે નાની એન્ટ્રી કરૂં છું. મારે સારો રોલ કરવો છે. અરવિંદભાઈને નાટક લેતા પહેલાં જ કહેલું કે મને જો સારો રોલ મળશે તો હું એ નાટક કરીશ. એમની એક શરત હતી કે તું તારાં જેવો બીજો કલાકાર તૈયાર કરીને મને આપજે પછી તું છુટ્ટો. આ અમાં કમિટમેન્ટ છે. હું અહીં આવ્યો છું પણ તમને કમિટ નથી કરતો. હા, રોલ ગમશે તો સાથે કામ કરીશું નહીતો એક મુલાકાત ગણી ભવિષ્યમાં મળીએ ત્યારે હાય-હેલ્લો કરતાં રહીશું.’

હું અત્યારે પણ આટલાં આત્મવિશ્વાસ સાથે બોલી નથી શકતો, જયારે આ યુવકમાં તો જાણે આત્મવિશ્વાસ ઠાંસીઠાંસીને ભર્યો હોય એમ ફૂટતી ધાણીની જેમ બોલી ગયો. ગજબનું વ્યક્તિત્વ થયું. રંગમંચ પરનાં પગથિયેથી ઊતરતા વાગતી તાળીઓ એ તમારાં અભિનયની ક્ષમતા પર આધારિત હોઈ શકે પણ એનાં પગથિયા પર ચઢતી વખતે વાગતી તાળીઓ તમારા વ્યક્તિત્વને આધારિત હોઈ શકે.

મેં એને સીન વાંચવા આપતાં પહેલાં એનાં રોલ માટેની વાત કરી. દિનેશ કોઠારીએ પણ લેખક તરીકે ટાપસી પુરાવી. થોડો વિચાર કરીને એ કહે `રોલ નોકરનો હોય કે શેઠનો…નાટકની વાર્તા અને મારો રોલ મને ગમ્યાં. હું મારાં તરફથી આ નાટક કરવા તૈયાર છું.’ આટલી વાત પછી ફરી અમે નોકર-નોકરાણીનો સીન વાંચ્યો. એનું ટાઈમિંગ અને અવાજનો થ્રો સાથે વાંચતી વખતે ચહેરા પર ફરતાં રહેતા એના હાવભાવ મને ગમ્યાં.

આ પણ વાંચો…સાત્વિકમ્‌‍ શિવમ્: ખરાબ સમય એવી તિજોરી છે, જ્યાં સફળતાનાં હથિયાર મળે!

મારા તરફથી મેં એને ગ્રીન સિગ્નલ આપી દીધું. મહેનતાણું (કવર) પણ નક્કી કરી લીધું. મેં કહ્યું `રિહર્સલ રોજ 6 થી 9/9.30  સુધી કરીશું તો ફાવશેને?’ એ બાબત એને વાંધો નહોતો. પછી મેં મૂળ વાત પૂછી,`અરવિંદ જોશીનું નાટક છોડી તું મારી સાથે કામ કરીશ તો, બંને અરવિંદ વચ્ચે મનદુ:ખ ન થવું જોઈએ…અરવિંદભાઈ તો અભિનયનાં બાદશાહ અને બહોળા અનુભવના માલિક, જયારે આ `અરવિંદ’ તો હજી ઊગીને ઊભો થાય છે’

એ મને કહે: `જુઓ, હું એમને કાલે વાત કરી લઈશ, પછી તમે અરવિંદભાઈને ફોન કરજો. અરવિંદ જોશી કમિટમેન્ટનાં માણસ છે.  તમને એવું કઈ લાગે તો મને જણાવી દેજો. કાલે બપોર સુધીમાં હું ફોન કરી તમને જણાવી દઈશ.’ મેં પૂછ્યું: `ક્યા રહે છે?’ 

યાદ છે ત્યાં સુધી પાર્લા કહેલું. એમનાં પપ્પા ડોક્ટર, જેમની પ્રેક્ટિસ જોગેશ્વરીમાં ચાલતી હતી. `અરવિંદભાઈ સાથે વાત કરી કાલથી જ હું રિહર્સલમાં આવી જઈશ. હા, વચ્ચે શો આવે તો મને છોડજો. મારી જગ્યાએ બીજો કલાકાર મેં નક્કી કરી જ રાખ્યો છે… એને દિવસ દરમિયાન તૈયાર કરી દઈશ. એ પછી કોઈ પ્રોબ્લેમ તમને નહિ થાય. પૂરેપૂરો તમને સમર્પણ.’ કહી મલક્યો. 

પેલી અજાણી વ્યક્તિએ સાચું દિશા નિર્દેશન કર્યું. બાકી સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ન હોય તો આપણને ઊગતો સૂરજ પણ આથમતો લાગે. પણ મારા નાટક માટે જાણે કલાકારના રૂપે સૂરજ ઊગ્યો. એ કલાકાર એટલે…….

ડબ્બલ રિચાર્જ

પિતા: બેટા, આજે સ્કૂલમાં લેશન કર્યા વગર જ જજે

દીકરો: … પણ પપ્પા, લેસન કર્યા વગર જઈશ તો તમને ફોન કરવા તમારો નંબર માગશે.

પિતા: એટલે જ કહું છું. હું સામેથી આપું તો સારૂં ન લાગે.

આ પણ વાંચો…સાત્વિકમ શિવમ્ઃ …સુખી ક્યારથી? તમે સ્વીકારો ત્યારથી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button