મેટિની

પોતાના અંગ પર ખાલીપો ચઢે ત્યારે સંબંધનું મહત્ત્વ સમજાય!

અરવિંદ વેકરિયા

મુકેશ રાવલ-દેવેશ રાવલ સાથે વિજય રાવલે કરેલી ‘હંગામી’ વ્યવસ્થા ચાલતી રહી. બધું કામ વ્યવસ્થિત ચાલતું હતું. કલાકારોને પણ કોઈ પ્રોબ્લેમ નડતો નહોતો. મુકેશ રંગભૂમિનો જીવ હતો એટલે કલાકારોની સમસ્યાથી વિદિત હતો. નાટક બાબત એનો ફોન આવતો રહેતો પણ સાનુકૂળ સમયે. મુકેશ અને એના ભાઈ દેવેશ, બંનેને નાટક ગમેલું અને આગળ ચલાવવા તૈયાર હતા. વિજય રાવલ અમારાં વચ્ચે સેતુ રૂપ હતો. મુકેશ ભલે હંગામી, પણ કહેવાતો નિર્માતા એટલે નાટક બાબત બધું જાણવાનો એને હક હતો.ફરક એટલો કે હવે પોઈન્ટ્સ લખી એક સાથે બપોરના યોગ્ય સમયે ફોન પર સમજી લેતો.

અઠવાડિયું તરત પસાર થઈ ગયું. તુષારભાઈનાં સાળાનો ફોન ન આવ્યો. મેં કર્યો ત્યારે સંતોષકારક જવાબ ન મળ્યો. બની શકે ‘સજા’ લંબાઈ ગઈ હોય! એ સમયે એમના મનમાં શું શું ચાલતું હોય એ તો એમને જ ખબર… કલાકારોને કોઈ વાંધો નહોતો પણ જિજ્ઞાસા તો થતી ત્યારે સમાચાર પૂછી લેતા. મારે કહેવું પડતું કે તમને શો મળતાં રહે છે ને! બાકી તુષારભાઈનો પ્રોબ્લેમ પૂરો થશે તો તરત આપણી સમક્ષ પ્રગટ થઈ જશે. તુષારભાઈ સાથે જે મનમેળ થયો હતો એ વિસરાતો નહોતો.

ખાલી ચડે ત્યારે પગનું અને ખાલીપો લાગે ત્યારે સંબંધનું મહત્ત્વ સમજાય છે. પબ્લિક અને સોલ્ડ આઉટ શો દ્વારા કલાકારોને ‘એવરેજ’ મળી રહેતી.

એક દિવસ અચાનક નિર્માતા રામ કુમાર બહોરાના પુત્ર મહેન્દ્ર બોહારાનો ફોન આવ્યો. રામ કુમારે ઘણી હિન્દી-ગુજરાતી ફિલ્મો કરેલી. એમને હવે ગુજરાતી નાટક કરવું હતું. એમની ઈચ્છા કે નાટક મુળરાજ રાજડા લખે અને એ સ્વાભાવિક પણ છે.

ગુજરાતી ફિલ્મોનાં લેખક તરીકે મુળરાજભાઈનું નામ આદરથી લેવાતું, મારે પણ એમની સાથે ઘણાં સારા સંબંધ. ત્યારે એ બોરીવલીમાં ‘મંગલ કુંજ’માં રહેતાં. અવાર નવાર મને આમંત્રણ આપતાં. ઘણાં ફિલ્મી કલાકારો હોય, શ્રીકાંત સોની, અરવિંદ કીરાડ, રાજીવ વગેરે..જે દિવસે મહેન્દ્ર બોહરાનો ફોન આવ્યો એ જ સાંજે મારે મુળરાજભાઈને ઘરે જવાનું હતું. મેં મહેન્દ્રને કહ્યું, ‘હું આજે જ વાત કરીશ. જો બંને પક્ષને વિષય ગમી ગયો. તો આવતા મહિનાથી બને તો શરૂ કરી દેવાની ટ્રાય કરીશું.’

‘મળે સૂર…’ ચાલતું તો હતું પણ ક્યારેક બુકિંગ નબળું પણ આવતું. છતાં મુકેશ-દેવેશે ક્યારેય મોઢું નહોતું બગાડ્યું. આમ તો એ બન્ને ‘કામચલાઉ’ નિર્માતા જ હતાં. ક્યારે ના પાડી દે એ કહી ન શકાય. જો એ ‘ના’ પાડી દે તો હું કરી પણ શું શકું? આવા-આવા વિચારે મારું મગજ બહેર મારી જતું. આમેય પુસ્તક, મગજ અને છત્રી ફક્ત ત્યારે જ કામ કરે છે જયારે તે ખૂલે છે. મહેન્દ્ર બોહરાના ફોને મારા મગજને કામ કરતું કરી દીધું. મેં વિચાર્યું કદાચ એવું બને કે મુકેશ-દેવેશ ‘મળે સૂર…’ આગળ ચલાવવાની ‘ના’ પાડે તો?

તુષારભાઈનું પાછા આવવાનું ચિત્ર તો ધૂંધળું હતું તો આ મહેન્દ્રનું નાટક ત્યાં સુધીમાં રિહર્સલ-સ્ટેજમાં આવી જાય તો આ ‘ટીમ’માંથી જે ચાલે, બાકી બીજા કલાકારોને લઈ શરૂ કરી શકાય.

એ રાત્રે હું મુળરાજભાઈને ત્યાં પહોંચ્યો. થોડું ‘હાય-હેલ્લો’ થયું. પછી સૌ ‘ટેસડો’ કરવામાં પડ્યા એટલે મેં મુળુભાને (લાડમાં એમને ‘મુળુભા’ પણ કહેતા) સાઈડમાં બોલાવ્યાં. મેં કહ્યું,‘મહેન્દ્ર બોહરાનો ફોન હતો…’ એ બોલ્યા. ‘આવી ગયો ને? એ મને નાટક કરવા માટે કહેતો હતો. મેં કહ્યું કે હું લખી આપીશ પણ ડિરેક્ટ દાદુ કરશે એમ કહી તમારો નંબર મેં જ આપેલો. ફિલ્મોને લીધે હું ડિરેક્શનનો સમય ન કાઢી શકું. વાત થઈ ગઈ ને?’

ત્યારે મને સમજાયું કે મારી ભલામણ મુળુભાની હતી.
એ બોલ્યા ‘હું ચોક્કસ લખી આપીશ. મારી પાસે એક વાર્તા છે…‘શૌકીન’ ફિલ્મ ટાઈપ. એક માળની ચાલમાં ‘શૌકીન’ જેવા બુઢિયાઓ રહે છે. ત્યાં ચાલમાં એક રૂમ ખાલી થાય છે. નવા ભાડૂત તરીકે એક 20-22 વર્ષની ફૂટડી યુવતી રહેવા આવે છે. એની પાછળ લટુડા-પટુડા થતાં બુઢિયાઓની નિર્દોષ કોમેડી છે.’

મને ‘વન-લાઈન’ ગમી. મેં કહ્યું ‘ક્યારે તૈયાર થાય?’ ‘ 10-12 દિવસમાં પહેલો અંક તૈયાર થઈ જશે.’ એમણે કહ્યું. મહેન્દ્ર સાથે ફોન પર આ બાબત ફોન કરી લેવાનો હવાલો મેં મુળુભાને સોંપી દીધો. મેં મારા નાટકની પરિસ્થિતિ અને તુષારભાઈની ‘ફેરા’વાળી વાત પણ કરી દીધી. તુષારભાઈનું ‘બંધ’ થવું અને મુકેશ-દેવેશનું ‘જોઈન્ટ’ થવું એ વાત પણ વિગતવાર કરી. મારું દુ:ખ એ કળી ગયા.

મને કહે, ‘તમે દુ:ખ પર ધ્યાન આપશો તો દુ:ખી થશો, સુખ પર ધ્યાન આપશો તો સુખી રહેશો. આપણે જેનાં પર ધ્યાન આપીએ એ વસ્તુ સક્રિય થઈ જાય છે અને આપણા જીવનમાં પ્રવેશી જાય છે. આ કુદરતનો નિયમ છે. ચાલતું નાટક જ્યાં સુધી ચાલે ત્યાં સુધી… નવો નિર્માતા મળ્યો છે તો હવે એના ઉપર પણ ધ્યાન રાખો. હું લગભગ 8-10 દિવસમાં પહેલો અંક આપવાની કોશિશ કરું છું.’

લેખકની કલમમાંથી નીકળતા શબ્દો જાણે મોઢામાંથી હરફ બનીને નીકળ્યાં. મારામાં નવી ઊર્જા આવી ગઈ…
ચાંદીના ભાવ આસમાને પહોંચતા જ કાજુ-કતરી ઉપર ચાંદીનું વરખ ચડાવવાનું બંધ કર્યું છે…
તો હવે એનું નામ કાજુ-કતરી નહિ પણ કાજુ-ટકલી રાખવામાં આવે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button