સ્ટાર-યાર-કલાકાર : સતીશ શાહ અલબેલો- આનંદી ને ઓલ-રાઉન્ડર અદાકાર | મુંબઈ સમાચાર
મેટિની

સ્ટાર-યાર-કલાકાર : સતીશ શાહ અલબેલો- આનંદી ને ઓલ-રાઉન્ડર અદાકાર

  • સંજય છેલ

પહેલીવાર હું સતીશ શાહના બાંદ્રાનાં ઘરે ગયો ત્યારે ત્યાં રીતસરની ઝેડ સિક્યોરિટી! મારી સેકંડહેન્ડ કારને પોલીસ અને સ્નીફર શ્વાનોએ રોકી-તપાસી- જાતજાતના સવાલો પૂછ્યા. હું અવાક કે એક નેતાને ય ઈર્ષા આવે એવી એક અભિનેતાને આટલી બધી સિક્યોરિટી?

એ પછી સતીશે ઘરમાં ગંભીરતાથી સમજાવ્યું :

‘અમારા જેવા પોપ્યુલર એક્ટરોને દુબઈથી શો માટે કે કોઈ અંડરવર્લ્ડવાળાઓની ફિલ્મ માટે ધમકી આવે એટલે આવી સ્પેશિયલ સિક્યોરિટી તો મસ્ટ.’

ત્યારે બાબરી ઘટના બાદ મુંબઈ બૉમ્બબ્લાસ્ટ પછીનાં દિવસો હતા. એવામાં કોઈનો ફોન આવ્યો તો સતીશે શુદ્ધ મરાઠીમાં પોલીસ કમિશનર સાથે વાતો કરી. પછી મેં જતી વખતે જોયું તો સાંજે પોલીસની સંખ્યા ઓર વધેલી.
સતીશ નીચે મૂકવા આવ્યો તો સૌ પોલીસવાળાઓએ હસીને સલામી આપી. હું ‘હાશ’ કરીને માંડ ગાડીમાં બેઠો ત્યારે સતીશે કહ્યું: ‘(ગાળ) આ સ્પેશ્યલ સિક્યોરિટી મારી નથી…આ મારા ઘર સામે શિવસેનાપ્રમુખ બાળ ઠાકરે રહે છે, એમની છે! બનાયાના ઉલ્લુ?!’ ને પછી સતીશ ગામ ગજાવતું હસ્યો. એ ગામ ગજાવતું હાસ્ય થોડા જ દિવસો પહેલાં સ્મશાનના રાખોડી ધુમાડામાં ઊડી ગયું.

ગુજરાતી ગૌરવ એવા બહુમુખી પ્રતિભાવાળા સતીશ શાહે પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયનો કોર્સ કરેલો પણ આર્ટ-સિનેમાનાં કલાકારો જેવી નકલી એક્ટિંગ કે ભારી અભિનય એણે ક્યારેય ના કર્યો. શરૂઆતમાં ‘શક્તિ’ જેવી ફિલ્મમાં સ્મિતા પાટિલની છેડતી કરતા લોકલ ટ્રેનના દ્રશ્યમાં ગુંડા તરીકે નાના સીનમાં દેખાતો, પણ ખરેખર તો શરૂઆતમાં એને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના મિત્રો સઇદ અને અઝીઝ મિર્ઝા કે કુંદન શાહે કામ આપેલું. ગર્ભશ્રીમંત સતીશ શાહ અને એની મરાઠી પત્ની મધુએ સંઘર્ષના દિવસોમાં આર્ટ ફિલ્મોમાં કોસ્ચ્યુમનું કે ટિફિન સપ્લાયનું કામ પણ કરેલું- પણ એય મિત્રભાવે.

‘અરવિંદ દેસાઇ કી અજીબ દાસ્તાં’, ‘આલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યોં આતા હૈ’ જેવી હડાહડ ગંભીર ફિલ્મમાં સતીશ પોતાની રીતે નાની ભૂમિકામાં ચમકી જતો. ‘મોહન જોશી હાજિર હો’માં કરપ્ટ વકીલ તરીકે નેગેટિવ રોલ પણ સુંદર રીતે ભજવેલો ને બહુ ઓછાને ખબર હશે કે દાદા કોંડકેની મરાઠી ફિલ્મોમાં પણ કામ કરેલું, કારણ કે મુંબઈનાં વિખ્યાત ‘ભારત છોડો આંદોલન 1942’વાળા ગોવાલિયા ટેંક વિસ્તારમાં ઉછરેલો એટલે પાક્કું મરાઠી અને ફાંકડું પારસી ગુજ્જુ આવડે.

સતીશ શાહ, રસ્તા પર ક્રિકેટ કે ગીલ્લી-ડંડા રમેલો મુંબઇકર હતો. ‘બાંદ્રાનો ટપોરી ખ્રિસ્તી’ હોય કે ‘મરાઠી શાકવાળો’ કે ‘બિહારી કૂલ્ફીવાળો’… સતીશ શાહ આબેહૂબ એ પાત્રમાં ઢળી જાય. વળી પત્ની મરાઠી એટલે ‘કોજાગિરી પૂર્ણિમા’(શરદ પૂનમ)ની પાર્ટીમાં મિત્રોને બોલાવતો. જોની લીવરને બોલાવી ખાસ રમૂજી આઇટમ સતીશ બનાવતો. માઇક પર કિશોર-રફીના મસ્ત ગીતો ગાતો, કારણ કે ગાયક પણ હતો. આખા બોલિવૂડમાં સતીશ એકમાત્ર સદાયે ઓલ રાઉન્ડર – આનંદી ને અદ્ભુત માણસ હતો.

સતીશ ખરેખરો સ્ટાર બન્યો આપણાં ગુજરાતી નિર્દેશક કુંદન શાહની યાદગાર કોમેડી ‘જાને ભી દો યારોં’માં. એક લીચડ- કરપ્ટ મ્યુનિસિપલ કમિશ્નર ડિમેલોના પાત્રથી, જેમાં લગભગ 1 કલાક લાશ તરીકે લાજવાબ અભિનય કરેલો. આ ફિલ્મમાં સતીશ હતો તો લાશ પણ લાશની જેમ જેમ અલગ અલગ જગ્યામાં એને છુપાવવામાં તેમ તેમ સતીશના હાવભાવ સૂક્ષ્મ રીતે બદલાતા. ફિલ્મના ક્લાઇમેક્સમાં મહાભારતનો દ્રૌપદી વસ્ત્રહરણના મેડ સીનમાં સ્કેટિંગ શૂઝ પર આટલા પડછંદ સતીશને દ્રૌપદી બનાવવામાં આવે છે ને એની મોટીમોટી આંખોના હાવભાવ જોઈ લોકો ગાંડા થઈ ગયેલા.

સતીશ કહેતો, ‘ભારતની એકમાત્ર કલાત્મક આર્ટ ફિલ્મ ને પાછી હિટ કોમેડી ત્રણ ‘શાહ’ લોકોએ બનાવેલી. નસીરુદ્દીન- કુંદન ને સતીશ શાહ… જેમાંનાં બે ‘શાહ’ ગુજરાતી!’

સતીશ ગ્રાંટ રોડની ગુજરાતી મિડિયમની ન્યૂ એરા સ્કૂલમાં ભણેલો, જ્યાં નાટકોની ખૂબ કદર. સતીશ ઉપરાંત ત્યાંથી ‘જેઠાલાલ’ (દિલીપ જોશી), ‘ગુજ્જુભાઇ’ (સિદ્ધાર્થ રાંદેરિયા) જેવા અનેક કલાકારો નીકળ્યા, ગુજરાતી બાળનાટકોના નિર્દેશક નામદેવ લહૂટેના માર્ગદર્શનમાં, પણ કેટલાં ગુજરાતીને હરખ તો શું, ખબર પણ હશે કે સતીશ શાહ ગુજરાતી હતો? મુંબઈની રંગભૂમિની મહાન નાટ્યસંસ્થા ‘આઈ.એન.ટી.’ના પ્રણેતા દામુ ઝવેરીનો નજીકનો સંબંધી હતો, પણ સ્ટેજથી સતીશ ખૂબ બીતો.

1985માં કુંદન શાહની હિટ કોમેડી સિરિયલ ‘યે જો હૈ ઝિંદગી’માં દર અઠવાડિયે સતીશ નવા જ પાત્રોમાં દેખાય. ક્યારેક પારસી, ક્યારેક બિહારી, ક્યારેક ખ્રીસ્તી. ‘અપુન કા થર્ટી યર્સ કા એક્સપીરિયન્સ હૈ’ જે રીતે બંબૈયામાં બોલે કે સાઉથ ઇંડિયનના રોલમાં ‘જો દિખતા હૈ વો હોતા નહીં હૈ ઔર જો હોતા હૈ વો દિખતા નહી હૈ’ જેવા સતીશના ડાયલોગોએ એ વખતે આખા ભારતને ઘેલું કરી મૂકેલું.

એ પછી તો જીતેન્દ્ર, રાજેશ ખન્ના, અમિતાભ, શાહરુખ, સલમાન દરેક સ્ટારની ફિલ્મોમાં એ છવાઈ જતો. સલમાનની ‘હમ આપ કે હૈ કૌન’, શાહરુખની ‘દિલવાલે દુલ્હનિયા…’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં સતીશ હોય જ.
1994-95માં મેં લખેલી ‘ફિલ્મી ચક્કર’થી એણે મને કોમેડી લખવાની હિંમત આપી ને સફળ બનાવ્યો. ‘ફિલ્મી ચક્કર’માં ફિલ્મો પાછળ પાગલ પરિવાર હતો ને એમાં સતીશ તો દેવ આનંદ, મેહમૂદ, અમિતાભ, રાજેશ ખન્ના વગેરેની આબેહૂબ સ્ટાઇલમાં અભિનય કરતો. અશોક પંડિત નિર્દેશિત એ શો સતત 3 વર્ષ સુધી ભારતની પહેલી સેટેલાઇટ ચેનલ ‘ઝી’ પરનો પહેલો હિટ કોમેડી શો હતો. એમાં સતીશ તથા રત્ના પાઠકની જોડી. ગંભીર રત્ના વાતવાતમાં લોજિક પૂછે એટલે સતીશે રત્નાનું નામ ‘સલીમ લંગડા’, ‘બાબુ ચીકના’ જેવા નામોની જેમ ‘રત્ના લોજિક’ પાડેલું. એ સિરિયલમાં મેં 4-5 એપિસોડ ડિરેક્ટ પણ કરેલાં. શરૂઆતમાં મને ડિરેક્શનનો જે ડર લાગતો એ સતીશને લીધે દૂર થયો. સતીશ એકમાત્ર એવો અભિનેતા છે, જે સૌ સ્ટાર્સની ટીકા કરનાર નસીરુદ્દીન શાહને પણ ગમતો!

એ પછી તો એણે મેં લખેલી અનેક ફિલ્મો જેમ કે ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ચલતે ચલતે’ વગેરેમાં સાથે કામ કર્યું. એ શાહરુખનો ને સૌનો મિત્ર-સૌનો લાડકો. ‘ફિલ્મી ચક્કર’ની યાદગાર જોડી ફરીથી ‘સારાભાઈ વિ. સારાભાઈ’માં 2004માં રીપિટ થઈ, જેમાં બહુ સંયમથી સતીશે ‘ઇન્દ્રવદન’ની ભૂમિકા ભજવેલી, માત્ર એને જ આજની પેઢીને જાણે છે. કમનસીબે કલાકારનું છેલ્લું સફળ કામ છાપ છોડતું હોય છે, પણ સતીશ તો ‘કભી હાં, કભી ના’માં ‘વો તો હે અલબેલા, હઝારોં મેં અકેલા’ ગાનારો વર્સેટાઇલ અલબેલો અદાકાર હતો.

‘ફિલ્મી ચક્કર’માં મેં એક એપિસોડ લખેલો ને નિર્દેશિત કરેલો , જેમાં એક એક્સિડન્ટને લીધે સતીશને સૌ મૃત માની બેસે છે. પછી સતીશ મોં છુપાડીને પોતાની જ ઠાઠડી ઊંચકે છે, પોતાની જ લાશ બળતી જુવે છે, પોતાના બેસણાંમાં રડતા રડતા કોમેડી કરે છે.

હમણાં સતીશના અગ્નિદાહમાં ગયો ત્યારે થયું કે કાશ, પેલા એપિસોડની જેમ મિત્રોના ખરખરા વચ્ચે ખરેખરો સતીશ પાછો આવીને અટ્ટહાસ્ય કરે:

‘દેખા? સબ કો ઉલ્લુ બનાયાના!?’

કાશ….

આપણ વાંચો:  શો-શરાબા: બોક્સ ઓફિસની નવી સ્ક્રિપ્ટ: ફિલ્મ વિના ફૂલટાઈમ એન્ટરટેઇનમેન્ટ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button