સતીશ શાહ એક્ટિંગના શાહસાહેબ

હેન્રી શાસ્ત્રી
‘કોઈ એંગલથી એક્ટર જેવો નથી લાગતો’ એવી આકરી ટીકા સાંભળ્યા પછી અભિનયની આવડતથી અનેરી ઊંચાઈ હાંસલ કરી એમણે…
શાહરુખ સાથેની પહેલી ફિલ્મ ‘કભી હાં કભી ના’ અને ‘ભૂતનાથ’માં અમિતાભ બચ્ચન સાથે
‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો ડિપ્લોમા મેળવી હું ચિત્રપટ સૃષ્ટિમાં કામ મેળવવા આવ્યો એ સમયે એક્ટરોને અલગ અલગ ચોકઠામાં ફિટ કરવાનો રિવાજ હતો અને આશ્ર્ચર્યની વાત એ હતી કે હું એકમાં પણ બંધબેસતો નહોતો. મારી ઊંચાઈ સારી હતી અને શારીરિક બાંધો મજબૂત હતો એટલે કોમેડિયન તરીકે હું યોગ્ય નહોતો. મારા ચહેરામાં કુમાશ હતી એટલે વિલન તરીકે પણ ફિટ નહોતો અને હીરોના લુક્સ પણ નથી એવું મને રોકડું પરખાવી દેવામાં આવ્યું.’
ટૂંકમાં સતીશ શાહ એક્ટરની કોઈ પણ વ્યાખ્યામાં ફિટ નહોતો બેસતો. વ્યથાકથા આગળ વધારી શાહસાહેબ જણાવે છે કે ‘હું જ્યારે પણ લોકોને મળવા જતો ત્યારે હું સિનેમેટોગ્રાફર કે એડિટર અથવા ડિરેક્ટર તરીકે કરિયર બનાવવા માગતો હોઈશ એવું લોકો ધારી બેસતા. ટૂંકમાં મારો દેખાવ-મારા લુક્સ મારા માટે અડચણ હતા.’
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ જ તો વિચિત્રતા છે. ભારતભૂષણથી લઈ મહિપાલ અને રાહુલ રોય તેમ જ વિવેક મુશ્રન જેવા નબળા અભિનેતા ટોપ એક્ટર બની જાય છે અને અફલાતૂન એક્ટરની વ્યાખ્યાને ઉજળી બનાવતા સતીશ શાહને ગુણી અભિનેતાનું સર્ટિફિકેટ હોવા છતાં કામ મેળવવા સંઘર્ષ કરવો પડે. ફિલ્મ હોય કે ટીવી સિરિયલ હોય કે નાટક હોય, સતીશ શાહએ સાકાર કરેલાં પાત્રો દર્શકોના સ્મૃતિપટ પર કાયમ અંકિત રહેશે. 
શાહ સાહેબની એ કમાલ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કિંગ ખાન શાહરુખ ખાનને સતીશ શાહ માટે ‘કભી હાં કભી ના’ વખતથી લાગણી અને આદર હતા. કેટલાક વર્ષ પહેલા એક ઈન્ટરવ્યૂમાં સાથી કલાકારોના અભિનયના ઉલ્લેખ દરમિયાન શાહરુખે સતીશ ભાઈનો ઉલ્લેખ ‘હમારે શાહસાહબ’ એવી રીતે કર્યો હતો. બોલચાલમાં શાહ સાહેબ એ આદર વ્યક્ત કરતું સંબોધન છે. મોભો અને આવડતની ઊંચાઈનું પ્રમાણપત્ર છે. સતીશ શાહ નિ:શંક એ હરોળના કલાકાર રહ્યા..
સતીશ શાહે ત્રીસેક વર્ષની કારકિર્દીમાં ઘણી ફિલ્મો કરી, પણ મુખ્યત્વે એમની નામના કોમેડિયન તરીકે રહી. એક એવા કોમેડિયન જેનો સહજ અભિનય રમૂજ પેદા કરે, તેમણે ભજવેલું પાત્ર સ્મરણમાં રહી જાય. એક્ટર નહીં પણ એનું પાત્ર પ્રભાવ પાડી જાય એ કલાકારની સિદ્ધિ કહેવાય. સતીશ શાહની કરિયરમાં ‘જાને ભી દો યારો’ તેમ જ ટીવી સિરિયલ ‘યે જો હૈ જિંદગી’ અને ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ સીમાચિન્હ ગણાય છે. અહીં આપણે અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન સાથેની ફિલ્મોમાં પણ એ કેવા સ્મરણમાં રહ્યા એ જાણીએ.
અમિતાભ બચ્ચન સાથેની બે ફિલ્મનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ. પહેલી છે શરૂઆતના દોરની રમેશ સિપ્પીની ‘શક્તિ’. ‘અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’, ‘અલબર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ’, ‘ઉમરાવ જાન’ વગેરે ફિલ્મોમાં ચમકેલા અભિનેતાની હજી કોઈ ઈમેજ નહોતી બની. જોકે, ‘શક્તિ’માં એક ટ્રેનના સીનમાં સ્મિતા પાટીલની છેડતી કરતા મવાલી ટાઈપ યુવાનના રોલમાં જોયા પછી આ એક્ટર વિલન તરીકે કાઠું કાઢી શકશે એમ માનવાનું સહેજે મન થાય. જોકે, અમિતજીએ એક્ટરને શ્રદ્ધાંજલિ આપતી વખતે જેનો ઉલ્લેખ કર્યો છે એ ‘ભૂતનાથ’માં માત્ર ચહેરાના હાવભાવથી મૂંઝાયેલા અને હાસ્યાસ્પદ સાબિત થયેલા સ્કૂલ પ્રિન્સિપાલને જે ખૂબીથી પેશ કર્યા છે એ જોવા જેવું છે. સીનમાં અમિતજીની હાજરી હોવા છતાં સતીશ શાહ વધુ દાદ મેળવીને યાદ રહી જાય છે.
રસપ્રદ વાત એ છે કે બીજી નવેમ્બરે આયુષ્યના 60 વર્ષ પૂર્ણ કરનારા કિંગ ખાનની કેટલીક ફિલ્મો આજથી દર્શાવવામાં આવી રહી છે અને એમાંથી ત્રણ ફિલ્મમાં સતીશ શાહના અભિનયની આભા ફરી એકવાર સિને રસિકોને માણવા મળશે. શાહરુખ ખાનની પ્રારંભિક દોરની ફિલ્મ ‘કભી હાં કભી ના’માં પહેલી વાર બંને કલાકાર સાથે જોવા મળ્યા હતા. કુશળ અભિનેતા એ કહેવાય કે જે રોલની લંબાઈ સામે જોયા વિના અભિનયનું ઊંડાણ દર્શકો સમક્ષ રજૂ કરે. દર્શકો જ્યારે કિંગ ખાનની ફિલ્મો ફરી જોશે ત્યારે શાહરુખનું સ્ટારડમ તો એન્જોય કરશે જ, પણ સાથે સાથે જે સહજતાથી રમૂજ પડદા પર સાકાર કરવાની હથોટી ધરાવતા સતીશ શાહની કમાલનો પણ આનંદ લેશે.
‘કભી હાં કભી ના’માં શાહ સાહેબ એના નામની યુવતી (સુચિત્રા કૃષ્ણમુર્તિ)ના પિતા સાયમન ગોન્ઝાલ્વિસના પાત્રમાં જોવા મળે છે. મિસ્ટર ગોન્ઝાલ્વિસ એક બેકરીના માલિક છે અને ગળ્યું ખાવાના બેહદ શોખીન હોવાથી બેકરીની ઘણી આઈટમ પોતે જ ખાઈ જતા હોય છે. ડાયાબિટીસથી પીડાતા અને લોકોનું ધ્યાન ખેંચવા સતત કોશિશ કરતા ગોન્ઝાલ્વિસના તરફડિયાં કે પછી દીકરી એના પાસેથી કેકનો ટુકડો માગતા પરવશ પિતાશ્રી તરીકે સતીશ શાહનું સામર્થ્ય દેખાય છે. રમૂજી પાત્ર ભજવતી વખતે કોમિક ટાઈમિંગનું ખાસ્સું મહત્ત્વ હોય છે અને સતીશ શાહની એમાં માસ્ટરી રહી છે.
ફરાહ ખાનની ‘મૈં હૂં ના’ ફિલ્મમાં કામ કરવાની પોતાની ઈચ્છા નહોતી એવું સતીશ શાહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. જોકે, જૂના સંબંધો અને શાહરુખના આગ્રહને માન આપી તેમણે પ્રોફેસર માધવ રસઈનો રોલ કરવા માટે હા પાડી હતી. બોલતી વખતે મોંમાંથી થૂંક ઊડતા પ્રોફેસરના નાના અમથા રોલમાં પણ સતીશ શાહ ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા. ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મમાં સુધ્ધાં શાહસાહેબનો નાનકડો જ રોલ છે, પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગોલ્ડન એરાની ઠેકડી ઉડાવતા સીનમાં સતીશ શાહ મોજ કરાવે છે. એમાંય જ્યારે પોતાના યુનિટના સભ્યોને ‘બિમલ રોય એન્ગલ’ કે પછી ‘ગુરુ દત્ત એન્ગલ’ અને ‘સત્યજિત રાય’ એન્ગલ શૂટ કરવા ફરમાન આપે છે ત્યારે સમજ્યા વિના મહારથીઓનું અનુકરણ કરવાની ઘેલછા અભિનેતાએ આબાદ ઉપસાવી છે.
 
 
 
 


