સંજીવ કુમારની ‘બહેન’ મધુમતીનાં નૃત્ય સંભારણાં છે

- હેન્રી શાસ્ત્રી
વેસ્ટરનાઈઝ્ડ તેમ જ શાસ્ત્રીય નૃત્યોમાં પારંગત એવી આ નૃત્યાંગનાએ ફિલ્મોમાં કામ કર્યા પછી અનેક કલાકારને ડાન્સ કરતા શીખવ્યું પણ ખરું…
મધુમતી અને ‘હુઝુરેવાલા જો હો ઈજાઝત’માં હેલન સાથે
સિને રસિકોમાં મધુમતી નામથી ઓળખ ધરાવતી નૃત્યાંગનાનો જન્મ પારસી પરિવારમાં મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં થયો હતો. ન્યાયાધીશની દીકરી અને વિખ્યાત ક્રિકેટ અમ્પાયર પીલુ રિપોર્ટરની બહેન મધુમતીનું નામ હુતોક્ષી રિપોર્ટર હતું. નાનપણથી જ નૃત્ય માટે લગાવ હતો. પિતાના પ્રોત્સાહનથી હુતોક્ષીએ કથક, ભરત નાટ્યમ અને મણિપુરી શૈલીનાં નૃત્યો શીખી લીધાં. ગુજરાતી-હિન્દી ફિલ્મોના દિગ્દર્શક ધીરુભાઈ દેસાઈ એક કાર્યક્રમમાં હુતોક્ષીનું નૃત્ય જોઈ પ્રભાવિત થયા અને હીરોઈનના રોલ માટે ઓફર કરી. જોકે, નૃત્ય માટે હા પાડનારા પિતાશ્રી દીકરી ફિલ્મોમાં કામ કરે એ મંજૂર નહોતું. અંતે ખૂબ સમજાવટ પછી ધીરુભાઈની ‘હરિશ્ર્ચંદ્ર’ (1958) ફિલ્મમાં એક નૃત્ય ગીત માટે મંજૂરી આપી. બાળકોની ફિલ્મ ‘ઝમીં કે તારે’ (1960)માં ડિરેક્ટર ચંદુલાલ શાહે હુતોક્ષીનું પડદા પર નામ મધુમતી પાડી દીધું. ફિલ્મમાં મધુમતીએ ડેઝી ઈરાનીની સાવકી માતાનો રોલ કર્યો હતો. અલબત્ત, મધુમતીને અભિનય માટે ઓછી, નૃત્ય માટે વધુ દિલચસ્પી હતી.
1960માં જ મધુમતીને ‘તીર ઔર તલવાર’ ફિલ્મમાં નૃત્ય કરવાનો મોકો મળ્યો. મધુમતીને આ ફિલ્મ પછી નિયમિતપણે ડાન્સરના રોલ મળવા લાગ્યા. 1960ના દાયકામાં તેણે હિન્દી ઉપરાંત ત્રીસેક પંજાબી ફિલ્મ તેમજ ગુજરાતી, મરાઠી, ભોજપુરી તેમજ સાઉથની ફિલ્મોમાં સપાટો બોલાવી દીધો. સોલો ડાન્સ ઉપરાંત હેલન, લક્ષ્મી છાયા અને કથક નૃત્ય શૈલીના મહારથી ગોપી કૃષ્ણ સાથે યુગલ નૃત્ય પણ કર્યા અને દરેક વખતે ધ્યાન ખેંચવામાં અને નજરમાં વસી જવામાં સફળ રહી હતી.
હેલન સાથેનું મધુમતીનું સૌથી યાદગાર ગીત છે ‘હુઝુરેવાલા, જો હો ઈજાઝત…’ આ ફિલ્મ આવી ત્યારે હેલન એક કુશળ નર્તકી તરીકે પંકાઈ ગઈ હતી, જ્યારે મધુમતીના પગ જામી રહ્યા હતા. ગીતની શરૂઆત હેલન અને એક ગિટારવાદકથી થાય અને મજાની વાત એ છે કે એ ગિટારિસ્ટ મધુમતીનો વાસ્તવિક જીવનનો પતિ મનોહર દીપક છે. હેલન પછી મધુમતીની એન્ટ્રી થાય છે અને શરૂ થાય છે યુગલગીત. અલબત્ત, ડાન્સમાં હેલન એક વેંત આગળ છે, પણ મધુમતી પણ ‘હમ કિસીસે કમ નહીં’ સિદ્ધ કરે છે. પ્રદીપ કુમાર અને બીના રાયની ‘તાજ મહલ’માં પણ હેલન સાથે એક યુગલ ગીત છે ‘ના ના ના રે ના ના, હાથ ના લગાના’ (સુમન કલ્યાણપુર, મીનુ પુરુષોત્તમ) પણ આ છેડછાડ ગીતમાં મધુમતી યુવક તરીકે છે અને હેલન યુવતી છે. ‘નાઈટ ઈન લંડન’ ફિલ્મમાં બે ડ્યુએટ કેબ્રે સોંગ છે, જેમાંથી એક હેલન ઓર અને બીજું ‘નાઈટ ઈન લંડન, ઝુલ્ફોં કી કહાની હૈ જન્નત કી નિશાની હૈ’ મધુમતી અને એક પુરુષ ડાન્સર પર ફિલ્માવાયું છે. અને હા, ‘પગલા કહીં કા’ કેમ ભૂલાય? ફિલ્મમાં શમ્મી કપૂર સાથે ટાઇટલ સોંગ (લોગ કહે મુજે પગલા કહીં કા)માં હેલનનો ડાન્સ છે, પણ સ્ટોરીમાં એવો વળાંક આવે છે કે હેલન પ્રેમ ચોપડા સાથે ખુરસીમાં બેઠી હોય છે અને મધુમતી કેબ્રે સોંગ ‘સુનો જિંદગી ગાતી હૈ’ (આશા ભોસલે) પરફોર્મ કરે છે. મધુમતીની વધતી જતી લોકપ્રિયતા અહીં દેખાય છે.
વેસ્ટર્નાઈઝડ સોંગ કરનારી મધુમતીએ તક મળી ત્યારે ભારતીય નૃત્યમાં પણ નૃત્યાંગના તરીકે પોતાના કસબ – કલા દેખાડ્યા હતા. શાસ્ત્રીય નૃત્યોમાં પારંગત ગોપી કૃષ્ણજી સાથે એના બે નૃત્ય એના શ્રેષ્ઠ ઉદાહરણ છે. બંને ગીત 1972ની ફિલ્મોના છે. એક છે ‘હમરાઝ’નું ‘ના મુહ છુપાકે જીઓ ઔર ના સર ઝુકા કે જીઓ’ (મહેન્દ્ર કપૂર). આ ગીત મુખ્યત્વે સુનીલ દત્ત પર ચિત્રિત કરવામાં આવ્યું છે, પણ મધુમતી અને ગોપી કૃષ્ણ અને અન્ય નર્તકો નૃત્ય કરતા નજરે પડે છે. બીજું ગીત છે ‘અન્નદાતા’નું ‘ઓ મેરી પ્રાણ સજની ચંપાવતી તુ આજા’ (કિશોર કુમાર, સબીતા ચૌધરી). ગ્રામ્ય પરિવેશના આ નૃત્ય ગીતમાં ગોપી કૃષ્ણની હાજરીમાં મધુમતી જરાય ઓછી નથી ઊતરતી એ એની કાબેલિયતનું પ્રમાણપત્ર છે.
રાજેન્દ્ર કુમાર – શર્મિલા ટાગોરની ‘તલાશ’ ફિલ્મના ગીતની વાત બડી મજેદાર છે. ‘તેરે નૈના તલાશ કરેં જિસે’ (મન્ના ડે) ગીતમાં મધુમતીએ શાસ્ત્રીય ઢબનો ખૂબસૂરત ડાન્સ કર્યો છે. આ ગીત માટે એની બહુ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ જ્યારે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવી ત્યારે સંચાલકો મધુમતીના નૃત્યથી એટલા પ્રભાવિત થાય કે ફિલ્મનું ફક્ત એ ગીત આર્કાઈવ્ઝમાં સંઘરી રાખી મૂક્યું. એનાથી મધુમતીની પ્રતિભા અનેક લોકોના ધ્યાનમાં આવી હતી.
હિન્દી ફિલ્મોમાં સંજીવ કુમારનું સ્થાન મજબૂત બન્યું એ પહેલા તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મો કરી હતી. એક હતી ‘કલાપી’માં હરિભાઈએ રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’નો ટાઈટલ રોલ કર્યો હતો. ફિલ્મમાં રાજવીને રીઝવવા દરબારમાં એક નૃત્ય પેશ થાય છે જે મધુમતીએ કર્યું હતું. પોણા ચાર મિનિટના આ નૃત્ય ગીતમાં મધુમતી કાબેલ નૃત્યાંગના છે એ સિદ્ધ થાય છે. એટલું જ નહીં, સંજીવ કુમારના સ્વરૂપમાં ભાઈ મળ્યો અને મધુમતી દર વર્ષે તેમને રાખડી બાંધતી હતી. એવી જ રીતે ‘મુજે જીને દો’ (1963)ના ‘મોકો પિહર મેં મત છેડ રે બાલમ, ધર લે ધીર જિગરીયા મેં’ નૃત્યગીત કર્યા પછી સુનીલ દત્ત – નરગીસ સાથે ઘરોબો કેળવાઈ ગયો હતો અને દત્ત સાહેબને પણ મધુમતી કાયમ રાખડી બાંધતી હતી. નરગિસજીને એને માટે મમત્વ હતું અને સુનીલ દત્તનું ‘અજંતા આર્ટ્સ’ ટ્રુપ દેશભરમાં પરફોર્મ કરતું એમાં મધુમતી અને એના પતિનો સહભાગ રહેતો હતો. નરગિસજીના કહેવાથી જ પોતે ડાન્સર મનોહર દીપક સાથે લગ્ન કર્યા હોવાનું મધુમતીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. લગ્ન થયાં ત્યારે મધુમતીની ઉંમર હતી 19 વર્ષ અને મનોહર દીપક વિધુર હતો અને એને ચાર બાળક હતાં. જોકે, મધુમતીએ પતિના ચારેય બાળકોને અપનાવી એમના ઉછેરમાં ઓતપ્રોત થઈ અને પોતે પણ માતૃત્વ ધારણ કર્યું અને બધા બાળકોની જવાબદારી સુપેરે નિભાવી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ‘આવજો’ કહી દીધા પછી મધુમતીએ પોતાની ડાન્સ એકેડમી શરૂ કરી હતી, જેમાં ગોવિંદા અને અક્ષય કુમારે નૃત્યની તાલીમ લીધી હતી. અક્ષય કુમારે તો એનો જાહેરમાં ઋણ સ્વીકાર પણ કર્યો હતો. નૃત્યને કારકિર્દી બનાવ્યા પછી શેષ જીવન પણ નૃત્યને સમર્પિત કરનારી મધુમતી કાયમ સ્મરણમાં રહેશે.
આપણ વાંચો: સિદ્ધાર્થ અને કિયારાનો આ વીડિયો જોઈ કહો તેના પેડન્ટમાં શું લખ્યું છે



