સાહિત્યથી સિનેમા સુધી… | મુંબઈ સમાચાર
મેટિની

સાહિત્યથી સિનેમા સુધી…

પુસ્તક પરથી વધુ ફિલ્મ્સ બનવી જોઈએ કે નહીં?

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

ભારતીય સિનેમામાં સતત મોટી સ્ટારકાસ્ટ, ભવ્યતામાં લપેટેલી વિઝ્યુલ ઇફેક્ટ્સવાળી અને અર્થપૂર્ણ સારી વાર્તાવાળી અનેક પ્રકારની ફિલ્મ્સ બની રહી છે તેમ છતાં એક મૂલ્યવાન વાત પાછળ છૂટી રહી છે. એ છે સાહિત્યનો સિનેમા સાથેનો સંવાદ.

સાહિત્ય કોઈ પણ દેશની સંસ્કૃતિ અને સામાજિક ભાવનાનું પ્રતિબિંબ હોય છે અને સાહિત્યમાંથી ફિલ્મ્સ બનાવવા એ માત્ર ક્રિએટિવ લાઇસન્સ નથી, પણ એક જવાબદારી છે કે જે સંસ્કૃતિ, લાગણી અને અર્થપૂર્ણ સંદેશ દર્શકો સુધી પહોંચાડે.

તાજેતરનાં વર્ષોમાં આપણે જોયું છે કે કેવી રીતે ભારતીય સિનેમા વારંવાર રિ-મેક કે બાયોપિક્સ તરફ વળે છે, પણ મૂળ સર્જનાત્મકતાને પૂરતું સ્થાન મળતું નથી.

આપણ વાંચો: ભારતીય સિનેમામાં હોરર-કોમેડી જોનરનો મજેદાર મજબૂત પાયો

બીજી તરફ, હોલિવૂડમાં સાહિત્ય પર આધારિત ફિલ્મ્સ અને સિરીઝનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ હોય કે ‘હંગર ગેમ્સ’….. એ બધાની પૃષ્ઠભૂમિમાં સાહિત્ય છે, પણ ભારત જેવા દેશમાં, જ્યાં વાર્તાઓનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ત્યાં આજની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાસે એવું શું નથી કે તે ઊંડા અને અર્થસભર સાહિત્યમાંથી નવીન ફિલ્મ્સ ન બનાવી શકે?

અચાનક આ પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ના કારણે. આ ફિલ્મ જાણીતા લેખક રસ્કિન બોન્ડની પ્રખ્યાત શોર્ટ સ્ટોરી ‘ઝવય ઊુયત ઇંફદય ઈિં’ં પરથી આધારિત છે. ફિલ્મના ડિરેક્ટર સંતોષ સિંઘનું
કહેવું છે કે ‘પશ્ર્ચિમના દેશોમાં હેરી પોટર અને ગેમ ઓફ થ્રોન્સ જેવી ફિલ્મ્સ માત્ર થ્રી-ડી અને વિઝ્યુઅલ ગ્રાફિક્સ પર આધારિત નથી રહી, એમણે પુસ્તકનાં પાનાંઓને મોટા પડદા પર સાચવ્યા છે. હું આશા રાખું છું કે અહીં પણ આપણે એવી ફિલ્મ્સ બનાવીએ.’

ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ એક દ્રષ્ટિહીન છોકરી અને એક દ્રષ્ટિહીન છોકરાની ટ્રેન જર્ની પર આધારિત છે. રસ્કિન બોન્ડ પોતે ફિલ્મમાં નરેટર તરીકે આવવાના હતા, પણ એમની ઉંમર અને સ્વાસ્થ્યને કારણે એ શક્ય ન બન્યું. આમ છતાં એમની શોર્ટ સ્ટોરી પર આધારિત ફિલ્મ સિનેમાને એક નવી આશા આપે છે.

આપણ વાંચો: ભારતીય સિનેમાની પ્રથમ ખલનાયિકા કુલદીપ કૌર

એક સમય હતો જ્યારે ભારતીય સાહિત્ય પરથી સુંદર ફિલ્મ્સ બનતી હતી. શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પરથી ‘દેવદાસ’, આર.કે. નારાયણની નવલકથા પરથી ‘ગાઈડ’, વિક્રમ શેઠની નવલકથા ‘સ્યુટેબલ બોય’ (પરથી વેબ સિરીઝ) ઉપરાંત સત્યજિત રેની ઘણી ખરી ફિલ્મ્સ ભારતીય સિનેમામાં સર્જનાત્મકતા માટે ઉદાહરણ હતી. ત્યારપછી આ પ્રવાહે જમાવટ ઓછી કરી અને વેપારગત સફળતાની મર્યાદામાં ફસાઈ ગયેલા નિર્માતા ફક્ત બજારુ વિષયોમાં ઊંડાણ કરવા લાગ્યા. બાદમાં ચેતન ભગતનાં પુસ્તકોએ ફરીથી એક નવી દિશા આપી.

‘ફાઈવ પોઈન્ટ સમવન’, ‘થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઈફ’ જેવી નવલકથાઓ સાવ સરળ ભાષામાં, સામાન્ય યુવાનોના જીવન અને સંબંધો પર આધારિત હોવાથી, એમને ફિલ્મમેકર્સે સરળતાથી અપનાવી લીધા. ‘3 ઈડિયટ્સ’, ‘કાઈ પો છે’ જેવી ફિલ્મ્સે સાબિત કરી દીધું કે નવલકથા પરથી ફિલ્મ બનાવવી માત્ર સંવેદનશીલ પ્રયત્ન નથી, પણ એ વ્યાવસાયિક રીતે પણ સફળ બનાવી શકાય છે.

હવે જો આપણે વધુ ઊંડા સ્તરે જઈએ તો માત્ર અંગ્રેજી નહીં, પણ ગુજરાતી, બંગાળી, મરાઠી અને હિંદી જેવી ભારતીય ભાષાઓમાં અઢળક એવો સાહિત્ય ખજાનો છે.

આપણ વાંચો: શો-શરાબા: ભારતીય સિનેમામાં હવે સર્જન+જનરેટિવ AI

તાજેતરમાં જ ગુજરાતીમાં ‘કમઠાણ’ પુસ્તક પર આધારિત હતી. હિન્દી ફિલ્મમેકર્સ પણ જોકે ઇતિહાસ તરફ જઈ રહ્યા છે. ‘મણિકર્ણિકા’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘તાન્હાજી’, ‘કેસરી: ચેપ્ટર 2’ જેવી ફિલ્મ્સ બને છે, પણ તેમાં ઘણીવાર ક્રિયેટિવ લિબર્ટી વધુ લઈ લેવાના વિવાદ પણ થાય છે. મૂળ ઐતિહાસિક સત્ય કે પાત્રની સંવેદનાથી મેકર્સ ભટકી જાય છે.

આજે જ્યારે એક નાની વાર્તા પરથી એવી સુંદર ફિલ્મ બની શકે છે ત્યારે મોટી નવલકથા કે મહાકાવ્ય પરથી કેટલું બધું રચાઈ શકે એ કલ્પના કરવી પણ રોમાંચક છે. ‘આંખો કી ગુસ્તાખિયાં’ના દિગ્દર્શક સંતોષ સિંઘે આશા વ્યક્ત કરી છે કે ‘રામાયણ જેવી પૌરાણિક કથા પરથી બની રહેલી ગ્રાન્ડ ફિલ્મ હોલિવૂડની ફિલ્મ્સ અને સિરીઝને ટક્કર આપી શકે છે.

’ જોકે આ માત્ર આશા નથી, આવશ્યકતા છે. આજે જ્યારે વિશ્વના દર્શકો ભારતીય ક્ધટેન્ટ વધુ જોઈ શકે છે ત્યારે ભારતીય સાહિત્યનાં પાનાં પરથી ફિલ્મ્સ બનાવવી એ માત્ર એક વિકલ્પ નથી, પણ ફરજ છે.

આપણ વાંચો:

આજની પેઢી ઓટીટી પ્લેટફોર્મ પર કંઈક અલગ, અર્થસભર અને દિલથી કહેલી વાર્તા મળે તો જોશે એમાં શંકા નથી. હવે જો આ પ્લેટફોર્મ્સ સાહિત્ય આધારિત ક્ધટેન્ટ માટે ખુલ્લાં થઈ જાય તો તેમાં કેટલી નવી દિશાઓ ખૂલી શકે છે એની જસ્ટ કલ્પના કરો!

સાહિત્ય અને ફિલ્મ્સ એકબીજાના દુશ્મન નથી. એ સહયાત્રી છે. એક લેખક કલ્પનાના જગતમાં કહાની ઊભી કરે છે, અને એક ડિરેક્ટર તેને આંખોથી જોવાય તેવી બનાવે છે. બંને માધ્યમની પોતાની ખૂબી છે. નવલકથાના વર્ણન પરથી પિક્ચરાઇઝ થતાં દ્રશ્યો ડિરેક્ટર્સ ચેલેન્જ તરીકે પણ લેતા હોય છે.

એમ ન કહેવાય કે બધી ફિલ્મ્સ સાહિત્યથી બને, પણ કેટલીક ફિલ્મ્સ તો એવી હોવી જોઈએ કે જે સાહિત્યના પાનાંની સુગંધ લાવે, જે દર્શકના મનમાં ઊંડા વિચાર છોડે, જે ફિલ્મ પૂરી થાય ત્યારે પણ પાત્રો જીવંત લાગે. બે આર્ટ ફોર્મ્સની જુગલબંધી વધુ ને વધુ થાય એ માટે મનોરંજન દેવને દર્શક સમાજની પ્રાર્થના!

લાસ્ટ શોટ:
‘ધ બુક ઇઝ અ ફિલ્મ ધેટ ટેક્સ પ્લેસ ઈન ધ માઈન્ડ ઓફ ધ રીડર…’

  • પાઉલો કોએલો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button