મનોરંજનનું મેઘધનુષ: રિષભ શેટ્ટી સફળતા અગાઉ ઘણો સંઘર્ષ પણ કર્યો છે આ કલાકારે…

- ઉમેશ ત્રિવેદી
સન 2025ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મમાં ‘કાંતારા-ચેપ્ટર વન’નો સમાવેશ થયો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. 800 કરોડ કરતાં વધુ કમાણી કરી લીધી છે.
‘કાંતારા’ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ છે : ‘રહસ્યમય ગાઢ જંગલ’.
આ ફિલ્મનો મુખ્ય કલાકાર રિષભ શેટ્ટી છે અને તેણે જ ફિલ્મનું દિગ્દર્શન અને લેખન પણ કર્યું છે. અત્યારે ચારે તરફ રિષભ રિષભ શેટ્ટીની વાહ-વાહ થઈ રહી છે. ક્ધનડ, તેલુગુ, તમિળ અને મલયાલમ ઉપરાંત હિન્દીમાં આવેલી આ ફિલ્મે રિષભ શેટ્ટીને એકદમ ટોચના સ્થાને બેસાડી દીધો છે,
પણ આ રિષભ શેટ્ટી ખૂબ જ સંઘર્ષ કરીને આ સ્થાન સુધી પહોંચ્યો છે. તેનું જીવન કોઈ ફિલ્મ કથાથી જરાય ઊતરતું નથી…
મોટેભાગે ક્ધનડ ફિલ્મોમાં અભિનય કરનારા રિષભ શેટ્ટીનું સાચું નામ પ્રશાંત શેટ્ટી છે અને કર્ણાટકના કેરળમાં સાત જુલાઈ 1983ના તેનો જન્મ થયો છે. તેણે શાળાનું શિક્ષણ કુંડાપુરામાં કર્યું છે અને બેંગલુરુની વિજયા કોલેજમાંથી તેણે બી.કોમ કર્યું છે. કોલેજનું શિક્ષણ પૂરું કર્યા પછી રિષભ શેટ્ટીએ ફિલ્મોમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો.
કોલેજકાળ દરમિયાન પોતાના નાનકડા ગામમાં તે વાર-તહેવારે નાટકોમાં ભાગ લેતો હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેણે પાણીની બોટલો વેચી છે, રિયલ એસ્ટેટમાં કામ કર્યું છે અને હોટેલમાં પણ નોકરી કરી છે. આ બધાની સાથે જ તેણે બેંગલોરમાં સરકારી ફિલ્મ એન્ડ ટી.વી. ઈન્સ્ટિટયુટમાંથી ફિલ્મ દિગ્દર્શનમાં ડિપ્લોમાં મેળવ્યો હતો.
એમ છતાંય તેનો સંઘર્ષ અહીં પૂરો થયો નહોતો. ફિલ્મ ઉદ્યોગમાં તે જાણીતાં ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકને ત્યાં કામ કરતો હતો. ઘણી વાર તો ક્લેપ બોય કે સ્પોટ બોય પણ રહ્યો હતો. સ્પોટ બોય તરીકે તેણે ફિલ્મનાં કલાકારોને ચા પણ પીવડાવી છે. આ જ દરમિયાન તેની ઓળખાણ રક્ષિત શેટ્ટી સાથે થઈ અને એ બન્ને મિત્ર બની ગયા.
ક્લેપ બોય, સ્પોટ બોય તરીકે કામ કરતાં કરતાં તે સફળ નિર્માતા- દિગ્દર્શકનો સહાયક પણ બન્યો. ત્યાર પછી 2012 ‘ગુઘલક’ નામની ફિલ્મમાં તે વિલન બન્યો. પવનકુમાર કલ્યાણની ‘લુસિયા’માં તેણે પોલીસ અધિકારીની નાની ભૂમિકા ભજવી. ત્યાર પછી 2014માં આવેલી રક્ષિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મમાં તેને અગત્યની ભૂમિકા મળી. બસ. ત્યાર પછી એને એક પછી એક ફિલ્મો મળવા લાગી અને 2019માં ‘બેલ બોટમ’ નામની ફિલ્મમાં તેને હીરોની ભૂમિકા મળી હતી. આ ફિલ્મથી તેનો સંઘર્ષ ખતમ થયો એમ કહી શકાય.
2022માં આવેલી બે ફિલ્મે તેનું જીવન પલટાવી નાખ્યું. આ બેમાંથી એક ફિલ્મ તો તેલુગુ ભાષાની હતી, અને પછી આવી ‘કાંતારા’. લોકવાયકા અને લોકવાર્તા પરથી બનેલી આ ફિલ્મે 2022માં ખૂબ જ કમાણી કરી. આ ફિલ્મમાં તેણે અભિનય ઉપરાંત દિગ્દર્શન પર પણ હાથ અજમાવ્યો અને આ ફિલ્મે તેને ટોચના દિગ્દર્શક અને હીરોમાં સ્થાન અપાવી દીધું. આ ફિલ્મ પહેલાં માત્ર ક્ધનડમાં જ રિલીઝ થઈ હતી. પણ ત્યાર પછી એને તમિળ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં ડબ કરવામાં આવી અને એક અનોખો ઈતિહાસ સર્જાઈ ગયો…
‘કાંતારા’ની પ્રિકવલ સમાન ‘કાંતારા- ચેપ્ટર વન’ તો રિલીઝ થતાંની સાથે જ કમાણીમાં એક પછી એક વિક્રમ નોંધાવતી જ જાય છે. અત્યારે આ ફિલ્મ વિકી કૌશલની ‘છાવા’ ફિલ્મ કરતાંય કમાણીમાં આગળ નીકળી ગઈ છે.
OTT$$નું હોટસ્પોટ
તા. 1 થી 7 નવેમ્બર 2025 સુધી…
મહિલા વર્લ્ડ કપની મેચ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જિયો હોટસ્ટાર અને સ્પોર્ટસ ચેનલો પર તેનું જીવંત પ્રસારણ ચાલી રહ્યું છે. બીજી સેમિ-ફાઈનલ 30 ઓકટોબરે અને ફાઈનલ મેચ બીજી નવેમ્બરે ‘લાઈવ’ જોવા મળશે.
આ દરમિયાન ભારતીય પુરુષોની ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. વન-ડે સિરીઝ પછી હવે ટી-20 મેચનો રોમાંચ જામ્યો છે. ટી-20ની ત્રીજી મેચ બીજી નવેમ્બરે હોબાર્ટમ, ચોથી મેચ છ નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં અને પાંચમી અને અંતિમ મેચ આઠ નવેમ્બરે- બ્રિસ્બેનમાં રમાશે, જેનું પ્રસારણ જિયો હોટસ્ટાર પર જોવા મળશે.
આવતા અઠવાડિયે નેટફિલક્સ- સોની લીવ – એમેઝોન પ્રાઈમ પર નવી નવી સિરીઝ જોવા મળશે. આ સિવાય 31 ઓકટોબરે એટલે કે આજે રિષભ શેટ્ટીની ‘કાંતારા ચેપ્ટર-વન’ તેલુગુ, તમિળ, ક્ધનડ અને મલયાલમ ભાષામાં રજૂ થશે. હિન્દીમાં તે ક્યારે રજૂ થશે એ હજી સસ્પેન્સ છે.
- નેટફિલક્સ: આ ઓટીટી પ્લેટફોર્મ પર સાતમી નવેમ્બરે માનવ કૌલ અભિનીત સુપરનેચરલ ડ્રામા મિસ્ટ્રી ‘બારામુલ્લા’ રજૂ થવાની છે. આ ફિલ્મમાં કાશ્મીરના દૃશ્યો ખૂબ સારી રીતે કંડારવામાં આવ્યા છે.
- સોની લીવ: ચીલાચાલુ સિરિયલો અને શોની વચ્ચે હુમા કુરેશી અભિનીત ‘મહારાણી’ સીઝન ફોરનું પ્રસારણ સાતમી નવેમ્બરથી શરૂ થવાનું છે.
- એમેઝોન પ્રાઈમ: આ લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ પર સાતમી નવેમ્બરે ‘ધ વર્લ્ડ બિટવીન અસ’ની બીજી સીઝન શરૂ થઈ રહી છે.
 આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષ : શર્વરી વાઘ ધીમી પણ મક્કમ ગતિએ બોલિવૂડમાં આગળ વધી રહી છે આ અભિનેત્રી…
 
 
 
 


