રશ્મિકા મંદાના: પેન ઈન્ડિયા સ્ટાર
ચાર વર્ષ પહેલાં ભોજિયો ભાઈ પણ નહોતો ઓળખતો, પણ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભલભલા ભોજરાજા એની સાથે કામ કરવા ઉત્સુક છે એવી રશ્મિકાનો ક્લોઝ-અપ

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
રશ્મિકા મંદાના… પાંચ વર્ષ પહેલાં ઉત્તર કે દક્ષિણમાં ભાગ્યે જ કોઈ જાણતું-પહેચાનતું હતું આ અભિનેત્રીને. 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પા’: ધ રાઈઝ’ના શ્રીવલ્લીના પાત્રથી અને ફિલ્મના અફાટ લોકપ્રિયતાને વરેલા ગીતની ‘તેરી ઝલક અશરફી’ જેવી પંક્તિથી 29 વર્ષની રશ્મિકા મંદાના 2025 સુધીમાં તો ‘પેન ઈન્ડિયા સ્ટાર’ (ભારતભરમાં ડંકા વાગવા) બની ગઈ છે. ફિલ્મના બૉક્સ ઑફિસ કલેક્શનનો આંકડો કલાકારની સફળતાનો મહત્ત્વનો માપદંડ ગણાય છે એવા માહોલમાં રશ્મિકાની છેલ્લી ત્રણ ફિલ્મ અસાધારણ આર્થિક સફળતાને વરી છે. રણબીર કપૂર સાથેની ‘એનિમલ’, અલ્લુ અર્જુન સાથેની ‘પુષ્પા-2: ધ રૂલ’ અને વિકી કૌશલ સાથેની ‘છાવા’ 500 કરોડના કલેક્શનને વટાવી ગઈ છે. લાગલગાટ ત્રણ ફિલ્મમાં 500 કરોડથી વધુ કલેક્શન મેળવનારી રશ્મિકા મંદાના પ્રથમ અભિનેત્રી સાબિત થઈ છે. સફળતાની આ હેટ ટ્રિક સાથે રશ્મિકાએ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ સાથે પ્રથમ હરોળમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
ફૂટડી-નજાકતભરી દક્ષિણની આ સ્વપ્નસુંદરી અભિનયમાં પણ એટલી પારંગત છે કે સાઉથ ઉપરાંત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અવ્વલ નંબરના ફિલ્મ મેકર્સ સુદ્ધાં આ શ્રીવલ્લી સાથે કામ કરવા ઉત્સુકતા દેખાડી રહ્યા છે. જબરદસ્ત સફળતાને વરેલી રશ્મિકાની ત્રણ ફિલ્મ વિશે એવી દલીલ કરવામાં આવી છે કે આ ત્રણેય ફિલ્મમાં એનું પાત્ર હીરોની સરખામણીએ ઓછું દમદાર હતું. ‘એનિમલ’માં રણબીર કપૂર, ‘પુષ્પા-2: ધ રૂલ’માં અલ્લુ અર્જુન અને ‘છાવા’માં વિકી કૌશલની સ્ટાર વેલ્યુ અને એમનાં પાત્ર વધુ વજનદાર હતાં. દલીલમાં વજૂદ છે, પણ એવું તો દીપિકાની ‘પઠાન’ અને ‘જવાન’ વિશે પણ કહી શકાય. 500 કરોડની ત્રણેય ફિલ્મમાં રશ્મિકાનું પાત્ર સરખામણીમાં નાનું હોવા છતાં શોભાના ગાંઠિયા જેવું નથી. ‘એનિમલ’માં રણબીર સાથે એક સિક્વન્સમાં, ‘પુષ્પા-2: ધ રૂલ’માં અલ્લુ અર્જુન સાથે નાનકડા રોલમાંય એ પોતાનો આગવો ઠસો ઊમટાવી શકી છે. જોકે, વિકી કૌશલ સાથેની ‘છાવા’માં મહારાણી યેશુબાઈની ભૂમિકામાં નવવારી સાડીમાં રશ્મિકાના એક્ટિંગ અને એક્સપ્રેશન્સની વાહ વાહ થઈ છે, પણ ડાયલોગ ડિલિવરીમાં સાઉથની છાંટ ધરાવતાં એનાં હિન્દી ઉચ્ચારણ વિશે મોં મચકોડવામાં આવ્યું છે.
આ દોષની અભિનેત્રીએ જરૂર નોંધ લીધી હશે અને દિલીપ કુમારે ઉર્દૂ ઉચ્ચારણની ટીકા કર્યા બાદ લતાજીએ ઉર્દૂ શીખવા કેવી કમર કસી હતી એ પ્રકારની કોશિશ રશ્મિકાએ શરૂ કરી દીધી હશે એ સંભાવના અસ્થાને નથી.અત્યારે ટોપ ગિયરમાં આવી ગયેલી કારકિર્દીની ગતિ રશ્મિકા કેવી રીતે સંભાળે છે એ જાણવું રસપ્રદ રહેશે. આવતા અઠવાડિયે એ. આર. મુરુગાદોસની હિન્દી ફિલ્મ ‘સિકંદર’ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં સલમાનનો ડબલ રોલ છે એટલે રશ્મિકાના હિસ્સામાં શું અને કેટલું આવશે એની અટકળ કરવી અઘરી નથી. આમ છતાં, ‘નાનો પણ રાઈનો દાણો’ સાબિત થવાની ક્ષમતા રશ્મિકા પાસે છે.
આ વર્ષે રિલીઝ થનારી રશ્મિકાની બીજી મહત્ત્વની ફિલ્મ છે ‘કુબેરા’. સાઉથની બે ભાષા તેલુગુ અને તમિલ ઉપરાંત હિન્દીમાં પણ તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મમાં સાઉથનાં બે મોટાં માથાં ગણાતા એક્ટર ધનુષ અને નાગાર્જુન પણ છે. તેમ છતાં રશ્મિકાનું પફૉર્ર્મન્સ દર્શકોને એની હાજરી યાદ રહી જાય એવી આશા જરૂર રાખી શકાય. હોરર કૉમેડી યુનિવર્સની ‘થમા’ પણ રશ્મિકાની મહત્ત્વની ફિલ્મ ગણવી જોઈએ. દિનેશ વિજનની નિર્માણ કંપની ‘મેડોક ફિલ્મ્સ’ના બેનર હેઠળ તૈયાર થઈ રહેલી દિવાળીમાં રિલીઝ થનારી આ ફિલ્મ મોટો ધડાકો કરે છે કે સુરસુરિયું સાબિત થાય છે એ જોવું રહ્યું. આ ઉપરાંત, રશ્મિકાની ‘ધ ગર્લફ્રેન્ડ’ તેલુગુમાં બની રહી છે, પણ એ સાઉથની અન્ય ત્રણ ભાષા (તમિલ, મલયાલમ અને કન્નડ) ઉપરાંત હિન્દીમાં પણ ડબ કરવામાં આવશે. ટૂંકમાં ઊંચાઈ સર કરવા રશ્મિકા પાસે ઘણી તક રહેલી છે.
આ પણ વાંચો…બ્રેકઅપની અફવાઓ વચ્ચે તમન્નાએ કરી હવે પર્સનલ લાઈફની વાત કે…
‘છાવા’ની ધૂંઆધાર સફળતા પછી સાઉથની ફિલ્મોના અગ્રણી નિર્માતા લગદાપતિ શ્રીધરે એક મહત્ત્વની વાત પ્રત્યે ધ્યાન દોર્યું છે: ‘રશ્મિકા હવે માત્ર સાઉથની સ્ટાર નથી.’ શ્રીધરનું કહેવું છે, હવે એ પેન ઈન્ડિયા સ્ટાર બની ગઈ છે. આજની તારીખમાં નંબર વનના સ્થાન પર પહોંચી ગઈ છે. વિવિધ પાત્રોમાં એ આસાનીથી ગોઠવાઈ જાય છે. અગાઉ દિગ્દર્શકો પત્નીના રોલ કરતી અભિનેત્રીઓને વજન વધારવા (હૃષ્ટપુષ્ટ દેખાવા)નો આગ્રહ કરતા હતા. રશ્મિકાએ એ દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. મિનિ સ્કર્ટમાં ગ્લેમરસ દેખાતી રશ્મિકા સાડી પહેરેલી પત્નીના રોલમાં પણ ગ્રેસફૂલ દેખાય છે. પરંપરાગત ભૂમિકાને રશ્મિકા સ્ટાઈલિશ અને દર્શકોની નજરમાં વસી જાય એ રીતે પેશ કરવામાં સફળ રહી છે. મારું તો માનવું છે કે રશ્મિકા આપણા દેશની સૌથી વ્યસ્ત બહુભાષી અભિનેત્રી (મલ્ટીલિંગ્વલ એક્ટ્રેસ) સાબિત થશે. એક ટેલેન્ટેડ એક્ટ્રેસ હોવા ઉપરાંત રશ્મિકા એક કુશળ ડાન્સર પણ છે. આ સમીકરણ એને ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે. 28 વર્ષની ઉંમરે સ્ટાર બની ગયેલી અભિનેત્રીનો ચાહક વર્ગ વધી રહ્યો છે અને ‘નેશનલ ક્રશ’ (દેશભરના દર્શકોની લાડકી) બની ગઈ છે.’
લોકપ્રિયતાના મોજા પર સવાર થવા રશ્મિકાએ હવે ચેન્નઈ ઉપરાંત મુંબઈમાં પણ રહેવાનું નક્કી કરી લીધું છે. બોલિવૂડ, ટોલિવૂડ. કોલિવૂડ, મોલિવૂડ વગેરે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વચ્ચે રહેલી ભેદરેખા ભૂંસાઈ રહી છે એ પરિસ્થિતિનો પૂરતો લાભ ઉઠાવવા રશ્મિકાએ એની (પતલી!) કમર કસી લીધી છે.