મેટિની

મનોરંજનનું મેઘધનુષઃ સતત સફળતા મેળવતી વિજય દેવરકોંડાની ફૂટડી ‘ગર્લફ્રેન્ડ’ રશ્મિકા મંદાના

ઉમેશ ત્રિવેદી

સિનેરસિકો જેના પર જબરા મોહી ગયા છે એવી સ્વરૂપવાન ‘નેશનલ ક્રશ’ બની ગયેલી રશ્મિકા મંદાના સતત ન્યૂઝમાં રહે છે. હાલમાં જ વિજય દેવરકોંડા સાથે સગાઈ અને પછી લગ્ન થવાના હોવાની વાતો ચગી છે, ત્યાં તેની છેલ્લી તેલુગુ ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ને મળેલી સફળતાની પાર્ટીમાં તેનાં ફિયાન્સે વિજય દેવરકોંડાએ તેના હાથ પર કીસ કર્યું હોવાના વીડિયો સામે આવતાં જ લોકો તેની વાતો કરવા લાગ્યા છે.

વિજય દેવરકોંડા કરતાં નવ વર્ષ નાની એટલે કે 29 વર્ષની રશ્મિકા મંદાનાએ છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં ખૂબ જ સફળતા મેળવી છે. તેમાંય હિન્દી ફિલ્મોમાં શરૂઆત કર્યાં પછી તે એક પછી એક સુપરહીટ ફિલ્મો આપી રહી છે. શરૂઆતથી વિવિધ વિષયવાળી ફિલ્મો પસંદ કરનારી રશ્મિકા મંદાનાએ બોલિવૂડની ફિલ્મોમાં પ્રવેશ કર્યો ત્યારે તેની શરૂઆતની ફિલ્મો ફ્લોપ ગઈ હતી.

2022માં અમિતાભ બચ્ચન સાથે આવેલી ‘ગુડબાય’એ તેની બોલિવૂડની પહેલી ફિલ્મ હતી. ત્યાર બાદ 2023માં સિદ્ધાર્થ મલહોત્રા સાથે ‘મિશન મજનૂ’ આવી, પણ તે ફ્લોપ સાબિત થઈ. દક્ષિણની ફિલ્મોમાં તેલુગુ, તમિળ, કન્નડ ફિલ્મોમાં રશ્મિકા મંદાનાની ગણના એક ટોચની અભિનેત્રી તરીકે થાય છે અને 2016થી ફિલ્મોમાં પ્રવેશેલી રશ્મિકા મંદાના અત્યારે સાઉથની ફિલ્મોમાં સૌથી વધારે-તગડો ચેક મેળવનારી અભિનેત્રીઓમાં અવ્વલ છે.

વિજય દેવરકોંડા સાથે રશ્મિકાએ પહેલીવાર 2018માં ‘ગીતા ગોવિંદમ્’ ફિલ્મ કરી અને 2019માં ‘ડિયર કોમરેડ’ ફિલ્મ કરી ત્યારથી બંને એકબીજાનાં પ્રેમમાં છે અને હવે 2026માં રશ્મિકા અને વિજય દેવરકોંડા રાજસ્થાન-ઉદયપૂરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાની તૈયારીમાં લાગ્યા છે.

દક્ષિણની કેટલીક ફિલ્મોમાં તેનાં અભિનયના ખૂબ જ વખાણ થયા. હિન્દી ફિલ્મોના ચાહકો તેને 2021માં અલ્લુ અર્જૂન સાથે આવેલી ‘પુષ્પા: ધ રાઈઝ’થી ઓળખતા થયા. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ભરપૂર સફળતા મળી અને ‘શ્રીવલ્લી’ તરીકે રશ્મિકા મંદાના છવાઈ ગઈ. ત્યાર બાદ 2023માં રણબીર કપૂર સાથે આવેલી ‘એનિમલ’ ફિલ્મમાં તેને ભરપૂર સફળતા મળી અને તેની ગણના ‘નેશનલ ક્રશ’ તરીકે થવા લાગી.’

આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષઃ જહાન્વી કપૂર સતત ફલોપ જતી હોવા છતાં ‘સ્ટારકિડ’નો ફાયદો મેળવતી અભિનેત્રી

‘એનિમલ’ પછી ‘પુષ્પા-ટુ- ધ રૂલ’ને પણ બોક્સ ઓફિસ પર અપાર સફળતા મળી અને રશ્મિકા મંદાના હિન્દી ફિલ્મોમાં ‘સેટ’ થઈ ગઈ. ‘પુષ્પા-ધ રૂલ’થી મળેલી સફળતા પછી રશ્મિકા મંદાનાને ફાળે સતત સફળતા જ આવી છે. 2025માં વિકી કૌશલ સાથેની ‘છાવા’ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક વિક્રમ નોંધાવ્યા છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાએ ‘મહારાણી યેશુબાઈ’ની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી આવી સલમાન ખાન સાથે ‘સિકંદર’ માં, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ ગજાવી શકી નહોતી, પણ છતાંય તેની ગણના કમર્શિયલી હિટ ફિલ્મોમાં થાય છે.

2025માં જ ધનુષ સાથેની તેની ફિલ્મ ‘કુબેરા’ રિલીઝ થઈ. મૂળ તેલુગુ અને તમિળમાં બનેલી આ ફિલ્મમાં તેની ‘બિન ગ્લેમરસ’ ભૂમિકા જોઈને લોકો ચોંકી ઊઠ્યા હતા. આ ફિલ્મને હિન્દી સહિત બધી ભાષામાં સફળતા મળી હતી. ત્યાર પછી આવી આયુષ્યમાન ખુરાના સાથેની ‘હોરર કોમેડી’ ફિલ્મ ‘થમ્મા’. આ ફિલ્મમાં તાડકા-તારિકાની ભૂમિકામાં રશ્મિકા મંદાના પૂર્ણપણે છવાઈ ગઈ હતી. આ ફિલ્મમાં તેણે લોહીતરસી વેમ્પાયર-ડાકણની ભૂમિકા કરી હતી, અને અત્યારે તેની તેલુગુ ભાષી ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ બોક્સ ઓફિસ ગજાવી રહી છે.

આમ, એક પછી એક ડગલે ને પગલે સફળ ફિલ્મ આપનારી રશ્મિકા મંદાના અત્યારે સફળતાનો આનંદ માણી રહી છે. ટૂંક સમયમાં તેની તેલુગુ ફિલ્મ ‘માપ્સા’ અને હિન્દી ફિલ્મ ‘કોકટેલ-ટુ’ રજૂ થવાની છે. મોડેલિંગના વ્યવસાયમાંથી ફિલ્મોમાં ઝંપલાવનારી રશ્મિકા મંદાનાને સફળતા ખૂબ સંઘર્ષ પછી મળી છે, પણ સફળતાની સાથે જ તેને મનનો માણિગર વિજય દેવરકોંડા પણ મળી જતાં અત્યારે તે સાતમા આસમાને વિહરી રહી છે.

OTTનું હોટસ્પોટઃ 22મી નવેમ્બરથી 28મી નવેમ્બર સુધી… ટીવી પર શું શું જોવાલાયક છે?

  • એમેઝોન પ્રાઈમ વીડિયો:

ઓટીટી પર ‘કાંતારા-ચેપ્ટન વન’ તેલુગુ, ક્ધનડ, તમિળ ભાષામાં તો રિલીઝ થઈ ચૂકી છે. પણ વિશ્ર્વભરમાં 800 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારી આ ફિલ્મ હવે પ્રાઈમ વીડિયો પર 27મી નવેમ્બરે જોઈ શકાશે. રિષભ શેટ્ટી દિગ્દર્શિત-અભિનીત આ ફિલ્મમાં તેની સાથે રૂકમણી વસંત, જયરામ, ગુલશન દેવૈયા અને પ્રશાંત શેટ્ટી જેવાં કલાકારો છે.

  • નેટફ્લિક્સ:

આ ઓટીટી ચેનલ પર કરણ જોહર નિર્મિત અને શશાંક ખેતાન દિગ્દર્શિત ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ ફિલ્મ 27મી નવેમ્બરે રજૂ થશે. તેમાં વરુણ ધવન, જાહ્ન્વી કપૂર, સાન્યા મલહોત્રા અને રોહિત શરાફ જેવાં કલાકારો છે. અત્યારે ‘નેટફ્લિક્સ’ પર યશ ચોપરા બેનરની ફિલ્મો રજૂ થઈ રહી છે. તેમાં 28 નવેમ્બરે આખો દિવસ ‘ધૂમ’ સિરીઝની ફિલ્સ જોવા મળશે. તે દિવસે ‘ધૂમ’, ‘ધૂમ-ટુ’ અને ‘ધૂમ-થ્રી’ એક સાથે જોવાનો લહાવો લેવા જેવો છે. આ ફિલ્મોમાં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા, બિપાશા બાસુ, ઐશ્વર્યા, હૃત્વિક રોશન, આમિર ખાન અને જ્હોન અબ્રાહમ જેવા કલાકારો જોવા મળશે.

આ સિવાય 28 નવેમ્બરે એક અંગ્રેજી હોરર ફિલ્મ ‘ફ્રેન્કેસ્ટાઈન’ પણ જોઈ શકાશે.

  • એમેઝોન-એમએક્સ પ્લેયર:

અહીં અત્યારે ‘રોકી ઔર રાજા કી પ્રેમકહાની’ , ‘ફસ્ટ કોપી’, ‘જમના પાર’, ‘માય બોસ’- ‘એવરીવન લવ્સ મી’ ‘સુરંગા’, ઈત્યાદિ ફિલ્મ્સ અને સિરીઝો ધૂમ મચાવી રહી છે.

આ ઉપરાંત અહીં અત્યારે ‘કૌન હોગા-આઈ પોપસ્ટાર’ની લોકપ્રિયતા ખૂબ જ છે. સિરીઝ ‘ઈન્દ્રાણી-થ્રી અને અજય દેવગણ અભિનીત ‘ભોલા’ પણ આ ચેનલ પર લોકોને આકર્ષી રહી છે.

આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષઃ વિજય દેવરકોંડા સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર પણ હિન્દી ફિલ્મોમાં સફળતાથી જોજન દૂર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button