મેટિની

રણબીરના રસાયણ ધર્મ, પ્રેમ ને હિંસા

ગયા વર્ષે ‘એનિમલ’ને મળેલી ગજબનાક સફળતા પછી એક્ટર પૌરાણિક કથા, લવ સ્ટોરી તેમજ એક્શન ફિલ્મમાં કામ કરવાના અખતરાઓ કરી અભિનયમાં પ્રયોગ કરવા ઉત્સુક છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

એક સમય હતો જ્યારે ધૂંઆધાર સફળ ફિલ્મ પછી એક્ટરોની ડિમાન્ડ વધી જતી અને ધડાધડ ફિલ્મો સાઈન કરવામાં આવતી. ‘મેરે પાસ માં હૈ’ ડાયલોગ પડદા પર બોલી શશી કપૂર ‘મેરે પાસ સૌ ફિલ્મેં હૈ’ એવું વટથી કહેતા હતા. વીસમી સદીના છેલ્લા ત્રણ દાયકાના સફળ એક્ટરોના લિસ્ટમાં સાઈન કર્યા પછી ‘શેલ્વ્ડ ફિલ્મ્સ’ – પડતી મુકવામાં આવેલી ફિલ્મોની સંખ્યા ખાસ્સી જોવા મળતી. આ એવી ફિલ્મો હતી જે સાઈનિંગ એમાઉન્ટ સાથે સાઈન તો કરવામાં આવતી, પણ કોઈ કારણસર શરૂ જ ન થતી અથવા થોડી બન્યા પછી પડતી મૂકવામાં આવતી. ‘એક ફિલ્મ પૂરી કર્યા પછી બીજી ફિલ્મ કરીશ’ એવો અખતરો કર્યો. એના આ પ્રયાસને પગલે ફિલ્મની પસંદગીમાં એક્ટરોમાં સાવચેતી, સાવધાની જોવા મળ્યા. હવે અનેક ઓફર આવતી હોવા છતાં કલાકારો બે – ત્રણથી વધુ ફિલ્મ એક સાથે સાઈન નથી કરતા. એટલું જ નહીં, ફિલ્મ એવી પસંદ કરે છે જેમાં એક જ પ્રકારના પાત્ર ન હોય. ટૂંકમાં ઈમેજમાં કેદ થવામાં આજનો એક્ટર નથી માનતો અને જોખમ ઉઠાવી,
અખતરાઓ કરી અભિનયમાં પ્રયોગ કરવા ઉત્સુક છે. સંજય લીલા ભણસાલીની ‘સાંવરિયા’ (૨૦૦૭)થી અભિનયમાં એક્કો સાબિત થયેલો રણબીર કપૂર આ અખતરા પેઢીનો સભ્ય છે. લવ સ્ટોરી ફિલ્મોમાં ઓળખ બનાવ્યા પછી રિશી કપૂર – નીતુ સિંહના પુત્રએ ગયા વર્ષની ’એનિમલ’ ફિલ્મથી દિશા બદલી હોવાનો સંકેત આપી દીધો છે.‘સંજુ’ અને ’શમશેરા’માં રણબીરે વેગળી વાટ પકડવાની કોશિશ કરી, પણ ‘સંજુ’ની ટીકા થઈ જ્યારે ‘શમશેરા’ પીટાઈ ગઈ. ગયા વર્ષે શ્રદ્ધા કપૂર સાથે ‘તૂ જૂઠી મૈં મક્કાર’ કર્યા પછી ટિપિકલ રોમેન્ટિક ફિલ્મોને રામ રામ કરી દેવાનો નિર્ણય રણબીરે લીધો અને ‘એનિમલ’ આવી. વિવેચકોએ વખોડી કાઢેલી આ ફિલ્મને દર્શકોએ એટલું વહાલ કર્યું કે એની સિક્વલ હજી લખાણના તબક્કે છે ત્યાં એના વિશે કુતૂહલ ઊભું કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે રણબીરની ડાયરીમાં નીતીશ તિવારીની ‘રામાયણ’, સંજય લીલા ભણસાલીની યુદ્ધની પાર્શ્ર્વભૂમિ પર આકાર લેતી લવ સ્ટોરી (રાજ કપૂરની ’સંગમ’નો આધુનિક અવતાર એવી વાત વહેતી થઈ છે) જેનું ‘લવ એન્ડ વોર’ ટાઇટલ નક્કી થયું છે, ત્યારબાદ સંદીપ વાંગાની ‘એનિમલ પાર્ક’ અને ‘બ્રહ્માસ્ત્ર’ સિરીઝની બીજી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર ૨’ એટલા નામ છે. આમાંથી શૂટિંગ તો માત્ર ‘રામાયણ’નું શરૂ થઈ ગયું છે. ‘રામાયણ’ માટે રણબીરના સંસ્કૃત પ્રચુર હિન્દી ભાષા શીખવાના સમાચાર અને તીરંદાજી શીખવાના ફોટોગ્રાફ્સ વાયરલ થઈ ઉત્સુકતા વધારી રહ્યા છે. ભણસાલીની ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે જ્યારે ‘એનિમલ પાર્ક’ તો હજી કાગળ પર આકાર લઈ રહી છે અને ‘બ્રહ્માસ્ત્ર ૨’ ક્યારે શરૂ થશે એ તો બ્રહ્મા જાણે. ટૂંકમાં રણબીર પાસે ‘ધર્મ, પ્રેમ અને હિંસા’નું રસાયણ છે. આ સિવાય રણબીરની એક અત્યંત રસપ્રદ ફિલ્મ છે જેની પ્રથમ ઘોષણા તો ૨૦૧૨માં કરવામાં આવી હતી, પણ એ અટવાઈ ગઈ હતી. ‘બરફી’ની સફળતા પછી અનુરાગ બાસુએ મહાન ગાયક – અભિનેતા કિશોર કુમારની બાયોપિક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ માટે ‘બરફી’ના હીરો રણબીર કપૂર સાથે વાત પણ થઈ હતી. જોકે, કોપીરાઇટનું કારણ આગળ ધરી કિશોર કુમારના પરિવારે વાંધો ઉઠાવતા ફિલ્મને ગ્રહણ લાગી ગયું હતું. છેલ્લા અહેવાલ અનુસાર બાયોપિક બનાવવા આડેની કાનૂની ગૂંચ ઉકેલાઈ ગઈ છે અને ગાયકના પરિવાર તરફથી લીલી ઝંડી મળી જતા અનુરાગ બાસુ – રણબીર કપૂર ફિલ્મ ક્યારે શરૂ કરવી એની ચર્ચા કરી રહ્યા છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારની રણબીરની આ બીજી બાયોપિક હશે. કિશોર કુમારના ફિલ્મી જીવનના ૧૯ – ૫૮ વર્ષ સુધીના સમયને આવરી લેવાનો હોવાથી રણબીર માટે આ રોલ એક મોટો પડકાર હશે.

આ બધી ઓફરો વચ્ચે એક ઓફર એવી આવી છે કે જે કાગળ પર તો ભવ્ય જ લાગે, અનેક કલાકાર એ કરવા ઉત્સુક સુધ્ધાં હોય છે. વાત છે હોલિવૂડની. જોકે, રણબીર હોલિવૂડની ફિલ્મ કરવા જરા પણ ઉત્સુક નથી. આ ઓફર વિશે પૂછવામાં આવતા રણબીરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હમણાં હોલિવૂડની ફિલ્મોમાં કામ કરવાની મારી કોઈ ઈચ્છા નથી. કારણ એટલું જ કે હાલ હું અહીં (હિન્દી ફિલ્મોમાં) મારું નામ અને સ્થાન બનાવવાની કોશિશમાં છું. મારે ભારતીય સિનેમાના વિકાસમાં યોગદાન આપવું છે. મારું દૃઢપણે માનવું છે કે જો વિશ્ર્વભરમાં ખ્યાતિ મેળવવી હોય તો એ આપણી સંસ્કૃતિ અને આપણાં પાત્રોથી મેળવવી જોઈએ. આજની તારીખમાં જે પ્રકારની ભારતીય ફિલ્મો બની રહી છે એનાથી હું બહુ ખુશ છું. આપણી ફિલ્મો વિદેશમાં ડંકા વગાડે એમાં મને વધુ રસ છે.
હોલિવૂડની ફિલ્મ નકારવાનું આ પ્રમુખ કારણ છે એ ખરું, પણ અભિનેતાએ નનૈયો ભણ્યો એનું બીજું પણ એ કારણ છે. રણબીરને જે હોલિવૂડની ફિલ્મ ઓફર થઈ હતી એ રીમેક છે અને રીમેકમાં કામ કરવા સામે રણબીરનો વિરોધ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જૂજ એક્ટરો છે જેમણે હજી સુધી રિમેકને હાથ નથી અડાડ્યો. એક છે રણબીર કપૂર અને બીજો છે વિકી કૌશલ. ફિલ્મ જ નહીં ગીતના રીમેક પણ રણબીરને પસંદ નથી. હા, તે ‘બચના અય હસીનો’ના નવા અવતારમાં નજરે પડ્યો હતો, પણ ત્યારે એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવોસવો હતો એટલે ચૂં કે ચા કર્યા વિના એ તેણે સ્વીકારી લીધું હતું. અલબત્ત રિમેક માટે ‘નહીં કભી નહીં’ એવું તેનું વલણ નથી. મૂળ ફિલ્મ કરતાં એની રજૂઆત અલગ હોવી જોઈએ અને પ્રેક્ષકને રિમેક બહેતર બની છે એવી લાગણી થવી જોઈએ એવું રણબીર કપૂરનું માનવું છે. આ સંદર્ભમાં એક્ટરે ‘અમર અકબર એન્થની’ની રિમેક બનાવવાની કોઈ હિંમત કરે તો એમાં એન્થનીનો રોલ કરવાનો ઈરાદો પણ તેણે વ્યક્ત
કર્યોછે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door