મેટિની

રામ તેરે રૂપ અનેક્…!

‘રામાયણ’ અને ‘મહાભારત’ કથાનો વ્યાપ એટલો જબરદસ્ત અને આકર્ષક છે કે એના વિવિધ હિસ્સાને આવરી ફિલ્મ બનાવવા ઉત્સુકતા અનેક મેકરમાં જોવા મળી છે. અલબત્ત, આવી ફિલ્મ માટે કલાકારની પસંદગી કરવી બહુ આસાન કામ નથી હોતું. એમાંય જ્યારે ભગવાનની ભૂમિકા સોંપવાની હોય એ કલાકારમાં અભિનયની આવડત ઓછી હોય તો ચાલે, પણ દર્શકને એનું મુખારવિંદ સાત્વિક લાગે એ જરૂરી છે. ભગવાન શ્રી રામને સાકાર કરનારા અભિનેતાની વાત નીકળે એટલે સૌપ્રથમ અરુણ ગોવિલનું સ્મરણ થાય.

રામાનંદ સાગરની દૂરદર્શન પર પ્રસારિત થયેલી ‘રામાયણ’ સિરિયલમાં રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલને જનતાએ પ્રભુનો દરજજો આપ્યો હતો એ જાહેરમાં નજરે પડતા જ લોકો એમના ચરણ સ્પર્શ કરી લેતા હતા.

કહેવાય છે કે અરુણ ગોવિલ પર શ્રી રામની લોકપ્રિયતાનો એવો પ્રભાવ પડ્યો કે શૂટિંગ દરમિયાન શ્રી રામના ગેટઅપમાં હોય ત્યારે સિગારેટ પીવાનું એમણે બંધ કરી દીધું હતું. અલબત્ત, આ વાત છે ૧૯૮૭ – ૮૮ ને એ પછીની…
૧૯૪૦ના દાયકામાં પ્રેમ અદીબ નામના અભિનેતા શ્રી રામ તરીકે અફાટ લોકપ્રિય થયા હતા.

બીજી તરફ્, રૂપેરી પડદા પર ઘણા અભિનેતાઓએ રામ અવતાર ધારણ કર્યા છે. ત્રિલોક કપૂર, શાહુ મોડક, મહિપાલ, અભી ભટ્ટાચાર્ય, મનહર દેસાઈ, આનંદ કુમાર જેવા અભિનેતાઓ ફિલ્મોમાં રામના રોલમાં નજરે પડ્યા છે, પણ આ બધામાં પ્રેમ અદીબ સર્વોત્તમ ગણાયા. પ્રેમ અદીબની રામકથાનો પ્રારંભ ‘ભરત મિલાપ’થી થયો હતો. ત્યારબાદ વિજય ભટ્ટની ‘રામરાજ્ય’થી પ્રેમ અદીબની ભગવાન તરીકે પ્રેમ અદીબની ‘સ્થાપના’ થઈ ગઈ. પડદા પરના રામ એટલા પ્રભાવી હતા કે ‘ભરત મિલાપ’ અને ‘રામ રાજ્ય’ રિલીઝ થયા પછી લોકો એમને પૂજવા લાગ્યા હતા. જાહેર સ્થળ પર આવું થાય ત્યારે આમ કરવું એ શ્રી રામનું અપમાન છે’ એવી દલીલ કરીને પોતાની પૂજા કે પ્રણામ ન કરવા એ અભિનેતા લોકોને સમજાવતા હતા. પ્રેમ અદીબે કુલ આઠ ફિલ્મમાં રામનો રોલ કર્યો હતો. એમાં ‘ભરત મિલાપ’ (૧૯૪૨), ‘રામ રાજ્ય’ (૧૯૪૩), ‘રામબાણ’ (૧૯૪૮), ‘રામ વિવાહ’ (૧૯૪૯), ‘રામ નવમી’ (૧૯૫૬), ‘રામ હનુમાન યુદ્ધ’ ૧૯૫૭ ), ‘રામ લક્ષ્મણ’ (૧૯૫૭) અને ‘રામભક્ત વિભીષણ’ (૧૯૫૮)નો સમાવેશ થાય છે.

-અને હા, સાઉથની ફિલ્મોમાં ભગવાનની ભૂમિકાઓથી લોકપ્રિયતા મેળવનાર એન. ટી. રામારાવને કેમ ભુલાય? એ સંભવત: એકમાત્ર કલાકાર છે જેમણે ફિલ્મમાં રામ અને રાવણનો રોલ પણ
કર્યો છે.

રામની વાત કરીએ ત્યારે સીતામૈયાની વાત કરવી જ જોઈએ. સીતાજીનો રોલ કરનારી અભિનેત્રીની વાત નીકળે ત્યારે સૌપ્રથમ દીપિકા ચિખલિયા જ યાદ આવે એવો ‘રામાયણ’ સિરિયલનો પ્રભાવ છે. સાથે સાથે શોભના સમર્થને પણ યાદ કરવા રહ્યાં. વિજય ભટ્ટની ‘રામરાજ્ય’ રિલીઝ થયા પછી રામની સાથે સીતા (શોભના સમર્થ) પણ પૂજનીય બની ગયા હતાં. કહે છે કે એ સમયે અનેક કેલેન્ડર પર ફિલ્મના રામ – સીતા નજરે પડતા, જેથી દરરોજ એમનાં ‘દર્શન’ કરી શકાય. સીતામૈયાની વાત કરતી વખતે એમનું અપહરણ કરનારા રાવણની કડવી યાદ આવી જાય.

અહીં પણ પ્રથમ સ્મરણ ‘રામાયણ’ સિરિયલના લંકેશ એવા અરવિંદ ત્રિવેદીનું થાય. અરવિંદભાઈનું અભિનય સામર્થ્ય કેવું ગજબનું કહેવાય કે રામને સમકક્ષ લોકપ્રિયતા રાવણને મળી. એ જ રીતે, શ્યામ બેનેગલની ‘ભારત એક ખોજ’ ટીવી ધારાવાહિકમાં અમરીશ પુરીએ ભજવેલા રાવણના પાત્રની પણ પ્રશંસા થઈ હતી.

  • હેમા શાસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker