રજનીકાન્ત સર ખરા અર્થમાં આવા નમ્ર છે… | મુંબઈ સમાચાર

રજનીકાન્ત સર ખરા અર્થમાં આવા નમ્ર છે…

મહેશ નાણાવટી

સાઉથના સુપરસ્ટાર રજનીકાન્ત એટલે સાવ સાચા અર્થમાં સુપરસ્ટાર… કેમ કે આજકાલ તો સાઉથના લગભગ બધા હીરોના પોતાના નામની આગળ આવું છોગું લગાડે છે! આ ખરા સુપરસ્ટાર પોતાની રિયલ લાઈફમાં કેટલા બધા વિવેકી અને નમ્ર છે એના અમુક કિસ્સા બડા રસપ્રદ છે. એ કિસ્સા શરૂ કરતાં પહેલાં એક અનોખી ઘટનાની નોંધ લેવી પડે કે આટઆટલાં વરસોની કારકિર્દીમાં હવે એમની એક નવી આગામી ફિલ્મ (નામ ‘કુલી’)ને ‘એ’ સર્ટિફિકેટ મળ્યું છે!

બીજી અજબ ઘટના ફિલ્મ ‘જેલર’ રિલીઝ થઈ હતી ત્યારે અમુક કંપનીઓએ પોતાના કર્મચારીઓને એ ફિલ્મ જોવા માટે બા-કાયદે ‘રજા’ આપી દીધી હતી! આટઆટલી પ્રચંડ લોકપ્રિયતા હોવા છતાં રજનીકાંતના જાહેર વર્તનમાં ઘમંડનો છાંટો સુધ્ધાં જોવા મળતો નથી.

એક કિસ્સો ‘શિવાજી: ધ બોસ’ ફિલ્મ આવી તે વખતનો છે. એ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ પછી રજનીકાન્ત તામિળનાડુમાં કોઈ મંદિરે જઈને ભગવાનનો પાડ માનવા માગતા હતા, પરંતુ જો તે જાહેરમાં મંદિરે જાય તો તો એમના ભક્તોની ભીડ (ભગવાનના ભક્તો તો ખરા જ, ઉપરની રજનીકાન્તના ભક્તોની ભીડ સંભાળવી પોલીસ માટે પણ મુશ્કેલ બની જાય એવું હતું તો કરવું શું? એટલે રજનીસરે નક્કી કર્યું કે એ પોતાના બે-ચાર મિત્રો સાથે ત્યાં વેશભૂષા બદલીને જશે.

રજનીકાન્તે એક સાવ ગરીબ માણસનો વેશ ધારણ કરી લીધો. મિત્રો સાથે લાઈનમાં ઊભા રહ્યા, ભગવાનના દર્શન કર્યા, પ્રસાદ લીધો અને બહાર આવીને એક ઓટલા પર બેઠા. હવે ત્યાંથી પસાર થઈ રહેલાં કોઈ સન્નારીને દયા આવી. તો એમણે પેલા ગરીબ દેખાતા માણસના હાથમાં દસ રૂપિયાની નોટ આપી દીધી ને રજનીકાન્તે એ લઈ પણ લીધી!

ત્યાર બાદ થોડીવાર પછી ત્યાંથી ઊભા થઈને રજનીકાન્ત મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળીને થોડે દૂર ઊભી રાખેલી કારમાં બેસવા જતા હતા ત્યાં એમને 10 રૂપિયા દાનમાં આપ્યા હતા. એ સન્નારીની નજર પડી ને એ તરત જ સમજી ગયાં કે: અરે, તો આ તો રજનીકાન્ત પોતે જ છે!

એ બહેન દોડતાં આવ્યાં ને ‘સોરી..સોરી!’ કહેવા લાગ્યાં તો રજનીકાન્ત કહે: ‘એમાં સોરી શાનું? આ તો હું તમારે લીધે હું મારા અભિનયની પરીક્ષામાં પાસ થયો!’

આ પણ વાંચો…વાંચ્યું હોય એ નહી, જેણે વેઠયું હોય એ જ લખી શકે..!

બીજો કિસ્સો જરા જૂનો છે. તે વખતે હજી ‘રોજા’ થી ફેમસ બનેલો અભિનેતા અરવિંદ સ્વામી સાવ નવો સવો કલાકાર હતો. એકવાર અરવિંદ સ્વામીને એક સ્ટુડિયોમાં સવારે આઠ વાગે પહોંચવાનું હતું, પરંતુ આગલી રાત્રે એની બીજી એક ફિલ્મનું શૂટિંગ 60-70 કિલોમીટર દૂરના સ્થળે છેક મોડે સુધી ચાલ્યું હતું, છતાં ત્યાં પતાવીને આખી રાતની મુસાફરી કરીને અરવિંદ સ્વામી સ્ટુડિયો પર સમયસર પહોંચી ગયો.

જો કે સ્ટુડિયો પર આવ્યા પછી અરવિંદ સ્વામીને ખબર પડી કે એનું શૂટિંગ તો બપોરે બાર વાગ્યા પહેલાં નહીં થાય. આ બાજુ રાતભરના થાકેલા અરવિંદ સ્વામીને સખત ઊંઘ ચડી હતી. એ સૂવા માટે સ્ટુડિયોમાં જે તરફ બેરેક્સ (જ્યાં રહેવા માટેની રૂમો હોય છે) તરફ ગયો. અહીં એક ખાલી પડેલા રૂમમાં એસી હતું. અરવિંદ એસી ચાલુ કરીને ઊંઘી ગયો!
બે અઢી કલાક પછી એની આંખ ખુલી તો જુએ છે કે રજનીકાન્ત સર તો ફર્શ પર ચટાઈ પાથરીને હાથનું ઓશિકું બનાવીને ઊંઘી રહ્યા છે! અરવિંદ સખત છોભીલો પડી ગયો. બલકે એને છેક હવે ખ્યાલ આવ્યો કે આ રૂમ તો રજની સર માટે સુરક્ષિત હતો!

અરવિંદ સ્વામીએ વારંવાર માફી માગતાં કહ્યું: ‘સર, ‘મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ!’ તો રજની સર હળવું સ્મિત કરતા બોલ્યા: ‘એમાં શું? મેં તને જે રીતે ઘસઘસાટ ઊંઘતો જોયો ત્યારે સમજી ગયો કે તું ખૂબ થાકેલો હોઈશ એટલે મેં તને ઉઠાડ્યો જ નહીં!’

જરા કલ્પના કરો. બોલિવૂડના આજકાલના જે સુપરસ્ટારો કહેવાય છે એમની સાથે આવું બને તો પેલા નવાસવા કલાકારની શી દશા થાય? છતાં જોવાની વાત એ છે કે થોડા જ વરસો પછી ‘દલપતિ’ નામની ફિલ્મમાં અરવિંદ સ્વામીનો રજનીકાન્ત સાથે પહેલવહેલો હીરોનો રોલ હતો! રજનીકાન્ત પોતે પોતાની મજાક પણ બહુ ખેલદિલીથી કરી શકે છે.

આપણે સૌ જાણીએ છીએ કે રજનીકાન્ત જ્યારે ‘ઓફ-સ્ક્રીન’ હોય ત્યારે મેકઅપ કરતા નથી અને સાવ વાળ વિહોણા હોવા છતાં એ જાહેરમાં પણ કયારેય વિગ પણ પહેરતા નથી. પોતાને માથે તો વરસો પહેલાં ટાલ પડી ગઈ છે છતાં એ કદી છુપાવતા નથી.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર : નીરજ વોરા: મારો ઓલરાઉન્ડર કલાકાર દોસ્ત…

જ્યારે ‘રોબોટ’ ફિલ્મ રિલીઝ થઈ રહી હતી ત્યારે એમણે એક ખરેખર હસી પડાય તેવો કિસ્સો જાહેરમાં કહ્યો હતો. કિસ્સાની શરૂઆત કરતાં પહેલાં રજની સર ઐશ્વર્યા રાય તરફ જોઈને કહે છે: ‘થેન્ક યુ ફોર વર્કિંગ વિથ મી એઝ માય હીરોઈન!.’ (આ વાયરલ વીડિયો વારંવાર જોવા છે.)

પછી કિસ્સો શેર કરતાં કહે છે કે એક વાર તે જ્યારે બેંગલૂરુમાં એક મિત્રના ઘરે ગયા હતા ત્યારે એમના પડોશમાં રહેતા એક 60 વર્ષી રાજસ્થાની કાકાને દીકરો ખાસ અહીં ખેંચીને લાવ્યો હતો. પેલા રાજસ્થાની કાકા રજનીકાન્તને તો ઓળખતા જ નહોતા, કેમ કે એમણે કદી તામિળ ફિલ્મો જોયેલી નહીં. તેણે બેધડક નજીક આવીને માથા પર હાથ ફેરવવાનો ઇશારો કરીને પૂછયું: ‘ક્યા હુઆ? સબ બાલ ચલા ગયા?’

રજનીકાન્તે જરા છોભીલા પડીને કહ્યું ‘હાં ચલા ગયા.’ પછી પેલા કાકાએ પૂછયું ‘અભી રિટાયર હો ગયા?’ તો રજની સર નમ્રતાથી બોલ્યા નહીં એક પિક્ચર આ રહી હૈ… ‘રોબોટ.’

કાકા પૂછે છે: ‘હીરો કૌન?’ રજની સર કહે છે ‘મેં! ’ પેલા કાકા આશ્ચર્યથી પૂછે છે: ‘હીરોઈન કૌન?’ તો રજની સર કહે છે ‘ઐશ્વર્યા રાય!’

ત્યારે રજની સર એ રમૂજી હાલતનું વર્ણન કરતાં કહે છે ‘વો આદમી બોલને લગા… યે અમિતાભ બચ્ચન પાગલ હૈ ક્યા? ઐશ્વર્યા કો ઐસે હીરો કે સાથે હીરોઈન બનાતા હૈ?!’

…છેલ્લે ફરી વાર ઐશ્વર્યા તરફ જોઈને રજની સર કહે છે: ‘સો થેંક્યુ બ્યુટીફૂલ મેમ, ફોર બિકમિંગ માય હીરોઈન!’

આ પણ વાંચો…ફોકસ : મંદાકિનીની કરિયર ને દાઉદ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button