મેટિની

સ્ટાર-યાર-કલાકાર : રાજેશ ખન્ના ઉર્ફ કાકા… ઓરિજિનલ સુપર સ્ટારના ઓરિજિનલ જાણવા જેવા સુપર કિસ્સા…

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

1996-97ની વરસાદી સાંજ. સ્થળ: મુંબઈમાં લિંકિંગ રોડમાં ‘આશીર્વાદ પિકચર્સ’ની ખાલી ઑફિસની દીવાલ પર રાજેશ ખન્નાના ખિલખિલાતા ફોટામાંનું સ્માઈલ ને આંખોની ચમક જોઈ મારાથી બોલાઈ જવાયું: ‘વાઉ!ક્યા તસ્વીર હૈ!’ ત્યારે બારી પાસે ઊંધા ફરીને ઊભેલા આદમીએ પૂછ્યું: ‘ક્યૂટ હૈના? કભી મુઝે ભી યે બંદા અચ્છા લગતા થા!’
એ હતા, રાજેશ ખન્ના ઊર્ફ કાકાજી ખુદ!

આ પણ વાંચો : રાજ કપૂર @ ૧૦૦ ડબ્બામાં બંધ રાજ કપૂર

સફેદ દૂધમલ કુરતો, હાથમાં સિગારેટ, જોતાવેંત એક સ્માઈલથી કાયમ માટે નજરકેદ બનાવી દે એવી મારકણી મસ્તી. મદ્ધમ સ્વરમાં વાતો, વાતોમાં ઉષ્મા. સંજયમાંથી ‘સંજુ’ કહી દેવાની આત્મીય અદા. આંખોનું સંમોહન જ કહી દે કે જતીન ખન્નાને ‘સુપર સ્ટાર’ રાજેશ ખન્ના બનાવનારી જાદુઈ ફોર્મ્યુલા હતી: ચુંબકીય ચાર્મ!

ત્યારે મારી સિરિયલ ‘ફિલ્મી ચક્કર’માં મેં કાકાજીની અજોડ ‘આનંદ’ ફિલ્મની કૉમેડી પેરોડી બનાવેલી. એ જોઈને કાકાજીએ મને બોલાવ્યો. હોઠ ધ્રુજાવી, આંખ નમાવીને કહ્યું: ‘પોલિટિકસ મેં તો યુંહી ખીંચે ગયે વર્ના 30-35 સાલોં સે સિર્ફ સિનેમા હી કિયા હૈ, આગે ભી કરના હૈ.. તુમ મેરે સાથ ફિલ્મ બનાઓ. પ્રોડ્યુસર મૈં દૂંગા… કાકા કા વાદા હૈ.’

હું અવાક્! 60 વરસના સુપર સ્ટારને શું કહું?….ત્યારે મારી ફિલ્મ: ‘ખૂબસૂરત’ સંજય દત્ત સાથે શરૂ થવાની હતી એટલે ‘જરૂર સોચતે હૈં’ કહી એમને ભેટ્યો. અઠવાડિયા પછી કાકાજીનો ફરી ફોન આવ્યો: ‘સંજુ, ફિલ્મે-શિલ્મે તો હોતી રહેગી. એકાદ શામ મિલને તો આઓ. સાથ મેં ખાયેંગે-પીયેંગે. ટ્રસ્ટ મી, મજેદાર આદમી હું!’

હું ફરી અવાક્.. જેના ઘરે રોજ રાતે 15-20 નિર્દેશકોની અને 30-40 કલાકારોની ભીડ લાગતી, લાખો છોકરીઓ જેમની ઝલક લેવા વ્રત-એકટાણાં કરતી, લોહીથી એમને પ્રેમપત્રો લખતી એ સુપર સ્ટારની આવી એકલતા? મેં અનેક સુપરસ્ટાર્સ સાથે સમય ગાળ્યો, પણ દરેક સ્ટારમાં એક વેપારી ઘૂસી જાય છે, પણ રાજેશ ખન્ના, છેલ્લે સુધી મૂર્ખતા ભાવુકતાની હદ સુધી, કવિહ્રદય જીવ રહ્યા ને પીડાયા.

2002માં મેં તુષાર કપૂર-એશા દેઓલની ‘ક્યા દિલને કહા?’ ફિલ્મ બનાવેલી, જેનું ‘નિકમ્મા કિયા ઇસ દિલ ને …’ ગીત ખાસ્સું પોપ્યુલર થયેલું. મા-બાપના ઝઘડાના કારણે હીરોને લગ્નસંસ્થા પરથી વિશ્વાસ ઊઠી જાય છે એવી વાર્તા. બજેટ ખાસ નહોતું એટલે મેં બાપના રોલ માટે કાકાજીને ડરીને ફોન કર્યો ત્યારે મીઠડા અવાજમાં બોલ્યા: ‘સંજુ, તુઝે કભી મૈં મના કર સકતા હું? અરે, પૈસેં તો આતે જાતે હૈ… શામ કો સેલિબ્રેટ કરતે હૈ!’

ફિલ્મનું શૂટિંગ નજીક આવતાં કપડાં, જૂતા માટે કાકાજી વારંવાર ઉત્સાહથી ફોન કરે. મને અકળામણ થતી. એમાં તો શૂટિંગના આગલે દિવસે હદ થઈ ગઈ. સવારથી એમના સતત ફોન પર ફોન કે ‘કાલથી શૂટિંગ પાક્કું છે?’
હું ‘હા’ કહું પછી 3-4 કલાકે ફરી કહે:

આ પણ વાંચો : દિલદાર સ્ટાર-કલાકારોની દોસ્તીની દાસ્તાન

‘હૈદ્રાબાદની ટિકિટ આવી નથી!’ હું સમજાવું કે ટિકિટ પહોંચી જશે. રાત્રે પાછો ફોન: ‘મારો રોલ પાક્કો છે ને?’ મેં સહેજ કંટાળીને કહ્યું: ‘પ્લીઝ સર, તમારી ટિકિટ મારી પાસે છે. રિલેક્સ!’ ત્યારે કાકાજીએ નજાકતથી કહ્યું: ‘નારાજ મત હો સંજુ, દેખ લેના બિઝનેસ ક્લાસ કી ટિકિટ હૈ ના? આજકાલ કે નયે લોગોં કો પતા નહીં હોતા કિ મૈં ક્યા થા, કૌન થા…ઇસલિયે જરા..’

હું ફરી અવાક. સતત 20 સુપરહિટ ફિલ્મ આપનાર સુપર સ્ટાર જે ચાર્ટર્ડ પ્લેનમાં ઊડતો, બેંગ્લોરમાં સરકારી લોટરીના ઉદ્ઘાટનમાં ખુદ ગવર્નર જેને બોલાવતા, જેની દિનચર્યા પર બી.બી.સી.વાળા સ્પેશિયલ ડૉક્યુમેન્ટરી બનાવતા, એ આજે આવું પૂછે છે? ગ્લેમરની ખોખલી દુનિયા, એક થપ્પડની જેમ મને હલાવી ગઈ. મેં ધરપત આપી તો ફરી એમની અદામાં બોલ્યા: ‘વો સબ છોડ, કલ સેટ પર વહી કૅમેરા કી ઘર્રર્ર ઘર્રર્ર આવાઝેં, વો લાઇટેં… ઉસ કા મજા હી કુછ ઔર હૈ ના?’

હૈદ્રાબાદની તાજ-બંજારા હોટલના મહારાજા રૂમમાં મને ને ટીમને રોજ રાતે વેજ-નોનવેજની 15થી 20 વાનગીઓ, 45 શરાબ, 34 મીઠાઈઓ, 23 જાતનાં પાન પીરસીને પોતાના પૈસે પાર્ટી આપે. જાણે ફરીથી રાજાનો રાજ્યાભિષેક થવાની મહેફિલ! દિવસે ભજવેલ સીન, રાત્રે ફરીથી ભજવે ત્યારે સમજાય કે આ અદાકારને શરાબનો નહીં પણ અભિનયનો, ઑડિયંસનો નશો હતો!

બીજા ફિલ્મ કલાકારોની જેમ કયારેય કોઈ વિશે હલકી વાત કે ગોસિપ નહીં. સ્ટાર્ચ કરેલા સફેદ કુરતામાં સજ્જ કાકામાં શુદ્ધ શાલીનતા ઝલકે. એક જમાનામાં કાકાજીના આશીર્વાદ બંગલે રોજ નિર્માતા નિર્દેશકોની પાર્ટીઓ થતી ત્યારે કાકાજી ડ્રાઈવરો માટે ખાસ બૂફે રાખતા.

‘શું છે કે નિર્માતાઓ-મહેમાનો તો ખાઈ-પીને ગમે ત્યારે નીકળી જાય, પણ મોડી રાત્રે બિચારા ડ્રાઈવરો કયાં જમે? સબ સે પહેલે ઉન લોગોં કે લિયે હમને એક ‘દસ્તરખ્વાન’ બનાયા થા.‘મેં ઘણા સ્ટાર્સની પાર્ટીઓ જોઈ પણ નીચલા તબક્કાના લોકો માટે આવી લાગણી ફક્ત કાકાજી જેવા બાદશાહનાં દિલમાં દેખાણી. એ જ ‘આશીર્વાદ’ બંગલા વિશે અફવા ઊડેલી કે બંગલો વેચવાનો છે.

સલમાન ખાનના ભાઈ સોહેલે એમને ફોન કર્યો ત્યારે કાકાજીએ એ જ ખુદ્દારીથી કહ્યું: ‘કભી રાજા અપના મહેલ બેચ સકતા હૈ? કભી કોયલ અપની કૂક બેચ સકતી હૈ? તો ફિર કાકા, અપના બંગલા ક્યું બેંચે?!’

‘ક્યા દિલને કહા’ ફિલ્મના શૂટિંગમાં મારી કપરી કસોટી થયેલી. એક નાટ્યાત્મક દૃશ્યમાં બાપ-દીકરા વચ્ચે ભરી પાર્ટીમાં બોલાચાલી દરમિયાન દીકરો તુષાર, રાજેશ ખન્નાને પૂછે છે, ‘આપને જિંદગીમેં કયા પાયા?’ બાપ ખન્ના કહે છે, ‘તુઝે પાયા!’
કાકાજીની ઇચ્છા હતી કે દૃશ્યના અંતે કૅમેરા એમના અશ્રુભીના ચહેરા પર ઝૂમ થાય. મને એ જરા મેલોડ્રામેટિક લાગ્યું. મેં એમને સમજાવ્યું, ‘સર.. આપ પર ઝૂમ કરના ઝ્યાદા હી ફિલ્મી હો જાયેગા.’

એ રાત્રે કાકાજીએ રૂમ પર બોલાવીને ઈમોશનલ અવાજમાં મને કહયું : ‘પગલે, મેરા એક ક્લોઝઅપ લે હી લેતે? બાદમેં એડિટિંગ મેં કાટ દેતા.. કમ સે કમ આજ કે દિન તો મુઝે પલ-દોપલ કી ખુશી મિલતી?!’

આ પણ વાંચો : રીલ ને રિયલ લાઈફના દેવદાસ

એ ઉદાસ શબ્દો, હજારો ખંજર બનીને મારા દિલમાં આજ સુધી ખૂંપેલાં છે. જે સુપર સ્ટારની સફેદ કાર પર છોકરીઓ કિસ કરીને લિપસ્ટિકનાં નિશાનોથી લાલ કરી દેતી, જેના ફોટાં પર બરફ ચોંપડીને કાકાના ચાહકો એમનો તાવ ઉતારવા દુઆ માગતા, જેની એક ઝલક માટે આખું હિંદુસ્તાન તરસતું, ભારતનો પહેલો સુપર સ્ટાર એક ક્લોઝઅપ માટે સમજાવી રહ્યો હતો? મારી એ ભૂલ તો હું નહીં સુધારી શકું, કારણકે કાકાજી હવે નથી. 29મી ડિસેંબરે કાકાજીનો જન્મદિન છે..
‘આનંદ કભી મરતે નહીં’ની જેમ ‘સુપરસ્ટાર કભી મરતે નહીં.’!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button