મેટિની

સુપરસ્ટાર રાજેશ ખન્નાનું ગુજરાતી કનેક્શન

સ્ટાર-યાર-કલાકાર – સંજય છેલ

અભિનેતા સુપર સ્ટાર રાજેશ ખન્ના કરતાં મને માણસ રાજેશ ખન્ના ઉર્ફ કાકાજી બહુ ગમે છે એનાં અનેક કારણોમાંનું એક કારણ છે કે એ કવિતાનો અને નાટકોનો માણસ અને કાવ્યોમાં નાટકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ગુજરાતી રંગભૂમિ રાજેશ ખન્ના સાથે છેલ્લે સુધી જોડાયેલી રહી. ના, એણે એકપણ ગુજરાતી નાટકમાં કામ નહોતું કર્યું, છતાંયે રાજેશ ખન્નાના સ્ટારડમમાં ગુજરાતી રંગમંચની છાપ અદ્રશ્ય ફિંગરપ્રિન્ટની જેમ છે…

મુંબઈની કે. સી. કોલેજમાં રાજેશ ખન્ના નાટકો કરતા. ગુજરાતીના જાણીતા નાટયકાર પ્રબોધ જોશીનાં એકાંકીઓનું હિન્દી કરીને એના સંવાદો, એકોક્તિઓ બોલીને સૌને ઇમ્પ્રેસ કરતા. માધુરી-ફિલ્મ ફેર સ્પર્ધામાં જે ડાયલોગ્ઝ બોલીને રાજેશ ખન્ના સ્પર્ધા જીતેલા એ નાટકનો અંશ હતો, જે આપણા નાટયકાર પ્રબોધ જોશીએ લખેલા. રાજેશ ખન્નાની આખી કરિયર ગુજજુ લેખકને આભારી છે. એ કાંતિ મડિયા, પ્રવીણ જોષી, અરવિંદ ઠક્કર વગેરેના સતત સંપર્કમાં હતા. ખન્નાની શરૂઆતની કારકિર્દીમાં ‘ઇત્તેફાક’ ફિલ્મ યશ ચોપડાએ બનાવેલી. માત્ર એક મહિનામાં બનાવેલી, કારણ કે ત્યારે પ્રવીણ જોષી દિગ્દર્શિત ‘ધુમ્મસ’ નામનું થ્રિલર નાટક સુપરહિટ હતું. એ નાટકમાં શર્મન જોષીના પિતા અને ગુજરાતીના શ્રેષ્ઠ અભિનેતા અરવિંદ જોષીએ મેઇન રોલ કરેલો. એ જ રોલ રાજેશ ખન્નાએ ફિલ્મમાં કર્યો અને ફિલ્મ હિટ થઈ. નાટકની સ્ક્રિપ્ટ પર ફિલ્મ બનેલી અને ત્યાં સુધી કે રાજેશ ખન્નાએ નાટક વારંવાર જોવા જતા અને ફિલ્મના સેટ પર પણ અરવિંદ જોષી જઈને રાજેશ ખન્નાને ટ્રેન કરતા!

અમિતાભ અને રાજેશ ખન્નાની યાદગાર ફિલ્મ ‘નમકહરામ’ અને કાંતિ મડિયાના નાટક ‘આતમ ઓઢે અગન પછેડી’નો વિષય એક જ હતો! હૃષીદા, રાજેશ ખન્ના અને અમિતાભને નાટકના શોમાં સાથે જોયાનું મને ધૂંધળું ધૂંધળું યાદ છે. રાજેશ ખન્ના અને ગુજરાતને ઊંડો સંબંધ છે. એમની પત્ની અને બે મુખ્ય ગર્લફ્રેન્ડ ગુજરાતી. રાજેશ ખન્નાના ડિઝાઈનર, દીના પાઠકના પતિ પણ ગુજરાતી.

રાજેશ ખન્નાને સ્ટારડમ અપાવવા માટે જે જે ફિલ્મી તિકડમ કરવા પડતા એ પાછળ એક ખુરાફાતી દિમાગ હતું જેનું નામ તારકનાથ ગાંધી. એ જમાનામાં ‘ફિલ્મફેર’ના એવોર્ડને જીતવા કલાકારો તલપાપડ રહેતા. તારકનાથ ગાંધી નામના સ્માટર પબ્લિસિટી મેનેજરે આઇડિયા કરીને એક વર્ષે ‘ફિલ્મફેર’ના અનેક અંક ખરીદી લીધા. સ્કૂલ-કોલેજના છોકરાઓને દસ દસ રૂપિયા આપીને ફોર્મ ભરાવ્યાં જેમાં બધી કેટેગરીમાં રાજેશ ખન્ના અને એની ફિલ્મોને જ વોટ અપાવ્યા. અફકોર્સ, રાજેશ ખન્ના જીતી ગયા! આવું લે-વેચનું ભેજું ગુજરાતીનું જ હોઈ શકે! હા, એ ખરું કે એક સ્ટાર તરીકે કાકાજીમાં અમુક ખામીઓ હતી પણ એથી વધુ એમના મૂડી સ્વભાવ ને લીધે ગેરસમજણો હતી.

કાકા મોટાભાગે મનમોહન દેસાઇ, કલ્યાણજી-આનંદજી, જયકિશન જેવા ગુજરાતીઓથી ઘેરાયેલા હતા. અરવિંદ ઠક્કર, છેલ-પરેશ, અમૃત પટેલના એ મિત્ર અને કાકાના સેક્રેટરી એવા ગુરુનામ પેન્ટ પર કુર્તો પહેરતાં અને એ સ્ટાઇલ રાજેશ ખન્નાએ અપનાવી લીધેલી અને પછી નામે જગવિખ્યાત થઈ ગયેલી. કહેવાય છે કે ગુરુનામને એ કુર્તીનો આઇડિયા ગુજરાતી નાટકોના આર્ટડિરેકટર છેલ-પરેશ અને એમના મિત્રો પાસેથી મળેલો. ગુરુનામ જગદીશ શાહના ગુજરાતી નાટકમાં કામ કરતા એમણે જાણીતા નિર્દેશક પ્રવીણ જોષીની ‘આઇએનટી’ સંસ્થા દ્વારા નિર્મિત નાટકમાં પણ રોલ કરેલો.

રાજેશ ખન્ના પ્રવીણ જોષી- કાાંતિ મડિયાનાં નાટકો જોવા નિયમિત આવતા. નાટકના વિષય પર એમનું ધ્યાન રહેતું. શૈલેશ દવેનું સુપરહિટ નાટક ‘રમતશૂન્ય ચોકડીની’ જોવા રાજેશ ખન્ના આવેલા અને ફિલ્મ પણ પ્લાન કરેલી. છેક છેલ્લે આપણી રંગભૂમિ અને ફિલ્મો-સિરિયલના કલાકાર સ્વ. અમૃત પટેલની કવિતાનો સંગ્રહ પણ રાજેશ ખન્નાના હાથે 2004-05માં પ્રગટ થયેલો. કિડનીની બીમારીથી પીડાતા અમૃત પટેલે અનેક સ્ટાર્સને પૂછેલું, પણ માત્ર રાજેશ ખન્ના જ દિલ્હીથી મુંબઈ આવેલા અને એ બુકની અનેક કોપીઓ પણ એમણે ખરીદેલી. રાજેશ ખન્નાની શોકસભા કે ચૌથામાં જે ટેપ વગાડવામાં આવેલી એ એમનો આખરી સંદેશ નહોતો, પણ 2005માં સ્વ. અમૃત પટેલના પુસ્તક વિમોચન દરમિયાન આપેલી સ્પીચ હતી. મીડિયા કે રાજેશ ખન્નાના આપ્તજનોએ એને ફિલ્મના કલાઇમેકસની જેમ જાહેરમાં વગાડીને ડ્રામા ઊભો કર્યો. એ સ્પીચમાં એમણે પ્રવીણ સોલંકી, પ્રબોધ જોશી, અરવિંદ જોશી, કિશોર ભટ્ટ વગેરેનાં નામ ગદગદ થઇને લીધેલાં!

મારી જે એક ફિલ્મમાં એમણે હીરોના બાપનો રોલ કરેલો. એમાં સામે પત્નીના રોલ માટે કોઈ જાણીતી હીરોઈનને લેવામાં આવે એવી રાજેશ ખન્નાની ઇરછા હતી, પણ પછી બજેટ-સમય વગેરે કારણોસર સ્મિતા જયકરને રોલ આપ્યો. કાકાને એ ના ગમ્યું ત્યારે મેં ડરતાં ડરતાં પૂછ્યું કે ‘તમે કહો તો સ્મિતાને ના પાડી દઈએ’ ત્યારે એમણે કહેલું ‘નહીં ઐસા મત કરના… હમે કિસી કલાકાર કી હાય નહિ લેની! હૈ’. આવું એ જમાનાનાં રંગભૂમિના સાચાં કલાકારો જ કહી શકે!

બહુ ઓછા જાણે છે કે ગુજરાતીના જાણીતા દિગ્દર્શક અરવિંદ ઠક્કરે એક એકાંકીમાં એમનો રોલ કાપી નાખેલો ત્યારે કાકાએ ચેલેન્જ આપેલી કે ‘આજે નહીં તો કાલે હું એવો સ્ટાર બનીશ કે તમે બધા યાદ કરશો!’ અને પડકાર ઝીલીને આંધીની જેમ છવાઈ ગયા અને રાજેશ ખન્ના સ્ટાર-સુપરસ્ટાર બન્યા!

મુંબઈના જૂહુ સ્મશાનગૃહમાં 2012માં આખરી વિદાય લીધી ત્યારે પણ 15 -20 હજારની મેદનીએ રોડ પર ઊભા રહીને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. બાંદ્રાથી જૂહુ સુધી ટ્રાફિક જામ થઈ ગયો, બંને બાજુ હજારો લોકો એમની એક ઝલક માટે ઊભા હતા. લોકો રાજેશ ખન્ના જેવાં કપડાં પહેરીને સ્મશાન બહાર ઊભા હતાં. એમનાં ગીતો ગાઇ રહ્યાં હતાં! એક થિયેટર એકટરનું આનાથી વધુ બહુમાન શું હોઈ શકે? મેં મારા જીવનમાં હજુ સુધી કોઇ કલાકારની આવી અંતિમ વિદાય નથી જોઇ… લોકો કહે છે આની અગાઉ રાજ કપૂર અને રફી વખતે આવું થયેલું.

આ પણ વાંચો…-યાર-કલાકારઃ એની સુગંધનો દરિયો… એક અનોખો ઇન્ટરનેશનલ સ્ટાર

રાજેશ ખન્નાનો મિજાજ પણ જબરો નવાબી અને વળી હાજર જવાબી… વચ્ચે અફવા ઉડી હતી કે રાજેશ ખન્ના એમનો આશીર્વાદ બંગલો વેચવા માંગે છે. તો સલમાન ખાનની ફેમીલીને ખબર પડી એમણે કોઈના દ્વારા કાકાજીને મેસેજ પહોંચાડ્યો..અને એક મોડી રાતે સલમાનના ભાઈ સોહેલને કાકાજીનો ફોન આવ્યો…કાકાજીએ સલમાન અને એના લેખક પિતા સલીમ ખાનના ખબર અંતર પૂછ્યા અને પછી સોહેલને પૂછયું:

‘સોહેલ, તુમ ને કિસી કો મુઝ સે બાત કરને ભેજા થા?’

સોહેલે ડરતા ડરતા કહ્યું, ‘હા, કાકાજી… સુના હૈ કી આપ આશીર્વાદ બંગલા બેચના ચાહતે હો? તો હમને સોચા કી…’

કાકાએ એની વાત વચ્ચેથી જ કાપીને ડાયલોગ સંભળાવ્યો , ‘તુમને ઐસા સોચ હી કૈસે લિયા, બેટે? કભી કોયલ અપની કૂક બેચતી હૈ? કભી સમંદર અપની લહેરે બેચતા હૈ? કભી રાજા અપના બંગલા બેચતા હૈ?!’

સોહેલે વારંવાર માફી માગીને ફોન મૂકી દીધો, પણ આ કિસ્સો ફિલ્મ-સર્કલમાં મહિનાઓ સુધી ચર્ચાતો રહ્યો અને સૌ રાજેશ ખન્નાની ‘ના’ પડવાની સ્ટાઈલને બિરદાવતા રહ્યા..

  • તો આવા હતાં જતીન ખન્ના ઉર્ફ રાજેશ ખન્ના ઉર્ફ કાકા … કોઈ દેશવટો પામેલ રાજવી જેવા એકાકી, સૂનમૂન, ઘાયલ પણ તોયે ખુદ્દાર!!

અફસોસ કે આજે એમના ગયા પછી એમના પરિવારજનોએ તરત જ એ આશીર્વાદ બંગલો વેંચી નાખ્યો જે કાકાજીની ઓળખ હતી. જ્યાં વરસો સુધી રોજેરોજ હજારો માણસ આવતાં એ ટૂરિસ્ટ સ્પોટ આજે છીનવાઇ ગયું છે! સ્ટાર લોકો આવશે, જશે પણ રાજેશ ખન્ના જેવો ક્લાસ-જેવી અદાજેવી પર્સનાલિટીવાળું કોઇ નહીં આવે..

મારું સદનસીબ છે કે કે એમની સાથે કામ કરવા મળ્યું. હમણાં 29 ડિસેમ્બરે કાકાનો 83મો જન્મદિવસ ગયો ને એમના અવાજમાં રણકાતા ‘કૈસા હૈ, રે સંજુ?’ શબ્દો યાદ આવી ગયા.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકારઃ ક્રિસ્મસ ને સાન્ટાક્લોઝ :હોલિવૂડની હ્રદયસ્પર્શી ફોર્મ્યુલા

સંબંધિત લેખો

Back to top button