મેટિની

મનોરંજનનું મેઘધનુષઃ 68મે વર્ષે પણ બોલિવૂડમાં છવાઈ રહેલો સની દેઓલ…

ઉમેશ ત્રિવેદી

સની દેઓલ આજે 68 વર્ષની ઉંમરે પણ બોલિવૂડના ત્રણેય ખાન અને બીજાં અનેક અભિનેતા ઓને કમાણીની દૃષ્ટિએ જબરી જ ટક્કર આપી રહ્યો છે. તેની ‘બોર્ડર-ટુ’ ફિલ્મ 23 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ ત્યારથી જ કમાણીના એક પછી એક વિક્રમ નોંધાવતી જાય છે. રિલીઝના માત્ર ચાર જ દિવસમાં ‘બોર્ડર-ટુ’ ફિલ્મે (આ લખાય છે ત્યાં સુધીમાં-મંગળવાર સુધીમાં) વર્લ્ડ વાઈડ રૂ. 268 કરોડની કમાણી કરી લીધી છે અને બોક્સ ઓફિસ પર દેશપ્રેમની આ ફિલ્મ અવનવા વિક્રમ નોંધાવશે એમાં કોઈ જ શંકા નથી.

1997માં જે. પી. દત્તાના દિગ્દર્શનમાં બનેલી ‘બોર્ડર’ની આ સિક્વલ લગભગ 27 વર્ષે રજૂ થઈ છે. આમ છતાં, ફિલ્મમાં લેફ. કર્નલ ફતેહસિંહ કાલેરની ભૂમિકા ભજવનારા સન્ની દેઓલને ફરી એક વાર લોકોએ ઉત્સાહપૂર્વક આવકાર્યો છે ને ટિકિટબારી છલકાવી દીધી છે. સન્નીની સાથે આ ફિલ્મમાં વરુણ ધવન, અહાન શેટ્ટી, દિલજીત દોસાંજની મુખ્ય ભૂમિકા છે. જોકે, આ ફિલ્મમાં અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફની મહેમાન કલાકાર જેવી ભૂમિકાઓ છે, પણ ફરી એકવાર ફિલ્મનો બધો ભાર 68 વર્ષના સન્નીના ખભા પર જ છે અને દેશભક્તિની ફિલ્મોમાં છવાઈ જતો સન્ની અહીં પણ તેનાં જોરદાર સંવાદો સાથે છવાઈ ગયો છે.

અનુરાગ સિંહ દિગ્દર્શિત ફિલ્મ ફરી એક વખત પાકિસ્તાન સાથેના યુદ્ધ પર બનેલી ફિલ્મ છે. તેનાં કારણે આ ફિલ્મ પર અખાતના દેશોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે, તેનાં કારણે આ ફિલ્મના કલેકશન પર કોઈ અસર પડી નથી. અખાતના દેશો એ બોલિવૂડની ફિલ્મો માટે ખૂબ જ મોટું બજાર છે. પણ આ ફિલ્મ પાકિસ્તાન વિરોધી છે એમ કહી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સન્ની દેઓલ આમ પણ 60 વર્ષની ઉંમર પછી ‘ફૂલ ફોર્મ’માં આવી ગયો છે અને બોલીવૂડના એક-એક કલાકારને જોરદાર ટક્કર આપી રહ્યો છે. 2001માં આવેલી અમીષા પટેલ, અમરીશ પુરી અને બાળ કલાકાર ઉત્કર્ષ શર્મા સાથેની ‘ગદર’ને બોક્સ ઓફિસ પર ખૂબ પ્રતિસાદ મળ્યા પછી લગભગ 22 વર્ષે તેની સિક્વલ ‘ગદર-ટુ’ રિલીઝ થઈ. 2023માં રજૂ થયેલી આ ‘ગદર-ટુ’માં દિગ્દર્શક અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા જે ‘ગદર’માં બાળ કલાકાર તરીકે હતો તે હીરો તરીકે ‘ગદર-ટુ’માં આવ્યો. જો કે, ફિલ્મનો ખરો હીરો તો સન્ની અને તેનાં એક્શન દૃશ્યો જ હતા.

‘ગદર-ટુ’ ફિલ્મે 2023માં સન્ની દેઓલને ફરી એક વાર તારા સિંહના રૂપમાં સ્થાપિત કર્યો હતો. આ ફિલ્મે તે સમયે રૂ. 691 કરોડની કમાણી કરી હતી. આમ, સન્ની દેઓલને સિક્વલ ફળી હતી અને હવે બીજી સિક્વલ પણ તેને ફળી રહી છે.

19 ઓક્ટોબર 1957ના પંજાબના સાહનેવાલ ગામમાં ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને ત્યાં મોટા પુત્ર અજયસિંહ દેઓલ તરીકે જન્મેલા સન્નીને ફિલ્મ ઉદ્યોગમાં પહેલી જ ફિલ્મથી સફળતા મળી છે. 1983માં અમૃતા સિંહ સાથે આવેલી ‘બેતાબ’ ફિલ્મથી અભિનયની કારકિર્દી શરૂ કરનારા સન્ની દેઓલે 43 વર્ષની કારકિર્દીમાં 100 કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

સન્નીએ તેની કારકિર્દી દરમિયાન અભિનેતા તરીકે અનેક સફળ ફિલ્મો આપી છે. તે હીરો ઉપરાંત એક સફળ નિર્માતા, દિગ્દર્શક અને રાજકારણી પણ રહ્યો છે. 2019થી 2024 દરમિયાન તે પંજાબના ગુરદાસપુર મતવિસ્તારમાંથી ભાજપના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો છે. જોકે, 2024ની ચૂંટણીમાં તેણે ફરી રાજકારણમાં જવાની ના પાડી હતી.

અભિનય કારકિર્દી દરમિયાન બે વાર નેશનલ એવોર્ડ અને બે વાર ફિલ્મફેર એવોર્ડ જીતનારા સન્ની પા’જીએ આપેલી સફળ ફિલ્મોમાં બેતાબ, પાપ કી દુનિયા, વર્દી, ત્રિદેવ, ક્રોધ, ઘાયલ, વિષ્ણુ દેવા, યોદ્ધા, નરસિંહા, વિશ્ર્વાત્મા, ક્ષત્રિય, દામિની, ડર, ઈન્સાનિયત, હિમ્મત, જીત, ઝિદ્દી, બોર્ડર, ઝોર, સલાખેં, દિલ્લગી, ચેમ્પિયન, ફર્જ, ગદર: એક પ્રેમ કથા, ઈન્ડિયન, મા તુઝે સલામ, જાની દુશ્મન: એક અનોખી કહાની, ધ હીરો: લવસ્ટોરી ઓફ અ સ્પાય, જાલ ધ ટ્રેપ, બિગ બ્રધર, અપને, યમલા પગલા દિવાના, યમલા પગલા દિવાના-ટુ, યમલા પગલા દિવાના-ફિર સે, ગદર-ટુ, જાટ અને બોર્ડર-ટુ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

દેઓલ પરિવાર પર અત્યારે ધર્મેન્દ્રના અવસાનથી આભ તૂટી પડયું છે, પણ ધર્મેન્દ્રને મરણોત્તર ‘પદ્મવિભૂષણ’ એવોર્ડ મળ્યો છે. બોબી દેઓલની કારકિર્દી અત્યારે ‘આશ્રમ’ સિરીઝ અને ફિલ્મોમાં ખલનાયક તરીકે ટોચ પર છે. સન્ની દેઓલની ફિલ્મો બોક્સ ઓફિસે ટંકશાળ પાડે છે.

એની આવનારી ફિલ્મોની યાદી પણ ખૂબ જ રસપ્રદ છે તે જોતાં તે આગામી પાંચ-સાત વર્ષ હજી બોક્સ ઓફિસ ગજાવતો રહેશે. સન્નીની આગામી ફિલ્મોમાં તેનાં ફેવરિટ દિગ્દર્શક રાજકુમાર સંતોષીની ‘લાહોર-1947’ છે, જેનો નિર્માતા આમિર ખાન છે. ત્યાર પછી તે નિતેશ તિવારીની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘રામાયણ’માં હનુમાન તરીકે દેખાશે.

‘રામાયણ’ના બે ભાગ રજૂ થવાના છે. ત્યાર પછી ‘ગદર’નાં દિગ્દર્શક અનિલ શર્માની આગામી ફિલ્મ ‘કોલ કિંગ’માં દેખાશે, શશાંક ઉદેપુરકર દિગ્દર્શિત ફિલ્મ ‘ગબરુ’માં તેની મુખ્ય ભૂમિકા છે અને રાજકુમાર સંતોષી સાથે ‘જાટ-ટુ’માં પણ તે છે. આમ, સન્ની દેઓલ અત્યારે ‘ફૂલ ફોર્મ’માં છે ત્યારે તેની દેશભક્તિની વધુ એકાદ ફિલ્મ પણ આવી જાય તો નવાઈ નહીં લાગે.

OTTનું હોટસ્પોટ

ઓટીટી પર નવી ફિલ્મો અને સિરીઝો તો દર્શકોને આકર્ષે છે, પણ હવે આગામી દોઢેક મહિનો ‘ક્રિકેટ ફિવર’ છવાઈ જવાની શક્યતા છે. અત્યારે એક તરફ ‘અંડર 19નો વિશ્ર્વકપ’ ચાલી રહ્યો છે. તેમાં ભારતની યુવા ટીમ જબરદસ્ત દેખાવ કરી રહી છે. તો સાતમી ફેબ્રુઆરીથી જિયો હોટસ્ટાર, સોની લીવ અને સ્ટાર સ્પોટર્સ પર ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. તે અગાઉ ચોથી ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ મેચોનું પ્રસારણ શરૂ થઈ રહ્યું છે.

ટી-20 વર્લ્ડ કપ શરૂઆતથી જ વિવાદાસ્પદ સાબિત થયો છે. બાંગ્લાદેશની બાદબાકી, પાકિસ્તાન ટીમના નખરા વચ્ચે 20 દેશોની ટીમ 55 મેચ રમશે અને આઠમી માર્ચ સુધી આ ક્રિકેટ ફિવર રહેશે.

  • જિયો હોટસ્ટાર:
    ક્રિકેટ મેચના પ્રસારણ સાથે જ આ ઓટીટી પ્લેટફોર્મ પર 31 જાન્યુઆરીના તમિળ ક્રાઈમ થ્રીલર ‘ઈલેવન’ રજૂ થશે અને પહેલી ફેબ્રુઆરીથી ‘ધ ફિફ્ટી’
    નામનો શો શરૂ થઈ રહ્યો છે. આ શોમાં શું હશે એ હજી સસ્પેન્સ છે, તે કેટલા વાગ્યે રજૂ થશે એ સસ્પેન્સ છે, માત્ર તેનું ઓટીટી પ્લેટફોર્મ જાહેર કરવામાં આવ્યું છે.
  • નેટ ફ્લિક્સ:
    29 જાન્યુઆરીએ અહીં રોશન મેકા સ્ટારર સ્પોટર્સ એક્શન થ્રીલર ‘ચેમ્પિયન’ રજૂ થશે અને 30 જાન્યુ.ના અત્યારની સૌથી હીટ ફિલ્મ ‘ધૂરંધર’ રજૂ થવાની છે.
  • એમેઝોન પ્રાઈમ:
    આ પ્લેટફોર્મ પર આજે 30 જાન્યુઆરીએ ભૂમિ પેડણેકર અભિનીત મર્ડર મિસ્ટ્રી અને થ્રીલર ‘દલદલ’ રજૂ થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button