મેટિની

મનોરંજનનું મેઘધનુષઃ જહાન્વી કપૂર સતત ફલોપ જતી હોવા છતાં ‘સ્ટારકિડ’નો ફાયદો મેળવતી અભિનેત્રી

  • ઉમેશ ત્રિવેદી

શ્રીદેવી અને બોની કપૂર પુત્રી જહાન્વીએ 2018માં આવેલી ‘ધડક’ ફિલ્મથી બોલિવૂડમાં શરૂઆત કરી એ પછી દર વર્ષે બે થી ત્રણ ફિલ્મને હિસાબે અત્યાર સુધીમાં તેની 14-15 ફિલ્મ રજૂ થઈ છે, પણ એક ‘ધડક’ અને બીજી દક્ષિણની ફિલ્મ ‘દેવરા-પાર્ટ વન’ સિવાય તેની કોઈ પણ ફિલ્મ બોક્સ ઑફિસ પર ચાલી નથી, છતાં ‘સ્ટારકીડ’ હોવાથી એ ફિલ્મ ઉદ્યોગમાં ટકી ગઈ છે અને ‘નેપોઝીટમ’નો બાદશાહ કરણ જોહર તેને પોતાની ફિલ્મોમાં લે છે એટલે સતત ફલોપ જતી હોવા છતાં જહાન્વી કપૂરને ફિલ્મો મળતી રહે છે.

જહાન્વી કપૂરની પહેલી ફિલ્મ ‘ધડક’ એ મરાઠીમાં ખૂબ જ ગાજેલી ‘સૈરાટ’ ફિલ્મની રિ-મેક હતી. ઈશાન ખટ્ટર સાથે તેની આ ફિલ્મનો નિર્માતા કરણ જોહર હતો અને જહાન્વી કપૂરની આ એકમાત્ર ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઑફિસ પર કમાણી કરી છે.

મુંબઈમાં શાળાનું શિક્ષણ પૂરું કર્યાં પછી તેણે લી સ્ટાસબર્ગ થિયેટર ઍન્ડ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ કેલિફોર્નિયામાંથી અભિનયની તાલીમ મેળવી છે.

જહાન્વી એનો 21મો જન્મદિવસ ઉજવી શકે તેના 10 દિવસ પહેલાં જ તેની મમ્મી શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018નાં અવસાન થયું હતું. શ્રીદેવી એની દીકરી જહાન્વીની પહેલી ફિલ્મ ‘ધડક’ની રિલીઝ જોઈ શકી નહોતી.. આ ફિલ્મ માટે તેને ઝી સિને અવોર્ડસ મળ્યો હતો.

2018 પછી 2020માં તેની બે ફિલ્મ રજૂ થઈ તેમાંથી એક ફિલ્મ ‘ગૂંજન સક્સેના-ધ કારગીલ ગર્લ’માં તેના અભિનયના અને સુંદરતાના વખાણ થયા હતા. આ ફિલ્મ કોરોનાને કારણે થિયેટરમાં નહીં પણ સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી. 2020માં જ તેની ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પણ રજૂ થઈ હતી, પણ તે ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ તે ખબર જ ન પડી.

એ પછી 2021માં તેની ડબલ રોલવાળી ‘રૂહી’ ફિલ્મ આવી, જેમાં તેની સાથે રાજકુમાર રાવ હતો. આ ફિલ્મ થોડી ઘણી ચાલી હતી. 2022માં તેની ‘ગૂડ લક જેરી’ અને ‘મિલી’ રજૂ થઈ, જે બંને ફલોપ હતી. 2023માં વરુણ ધવન સાથે ‘બવાલ’ અને મલ્ટીસ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ આવી. તે પણ ફલોપ. 2024માં ‘મિસ્ટર ઍન્ડ મિસીસ માહી’, ‘ઉલઝ’ અને તેલુગુ – હિન્દી ફિલ્મ ‘દેવરા-પાર્ટ વન’ રજૂ થઈ. તેમાંથી જૂનિયર એનટીઆર સાથેની ફિલ્મ ‘દેવરા-પાર્ટ વન’ સફળ થઈ.

અત્યારે 2025માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘પરમ સુંદરી’ અને વરુણ ધવન સાથેની ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ રજૂ થઈ છે. ‘પરમ સુંદરી’માં તેના અભિનય કરતાં તેની સુંદરતાના વધુ વખાણ થયા છે, પણ બોક્સ ઑફિસ પર આ બંને ફિલ્મ રાબેતા મુજબ ધપ્પ!

શ્રીદેવીની પુત્રી હોવાનો જહાન્વીને ફાયદો ખૂબ જ થઈ રહ્યો છે. બાકી બીજી કોઈ અભિનેત્રી આવી જે ‘સ્ટાર કીડ’ ન હોત તો આટલી ફલોપ ફિલ્મો પછી બોલિવૂડમાંથી કયારની ગાયબ થઈ ગઈ હોત …

‘ધડક’, ‘ગૂંજન સક્સેના-ધ કારગીલ ગર્લ’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘મિસ્ટર ઍન્ડ મિસીસ માહી’ અને ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ આ બધી જ ફિલ્મોનો નિર્માણ કરણ જોહર હતો. કરણ જોહરને કારણે જ જહાન્વી કપૂર હજી સુધી બોલિવૂડમાં ટકી રહી છે એમ કહી શકાય.

લાગે છે જહાન્વીની ફિલ્મ કેરિયરમાં બે K કરણ અને કિસ્મત કનેકશન જ કામ કરી રહ્યાં છે!

તા. 8 થી 14 નવેમ્બર 2025 સુધી…

OTTનું હોટસ્પોટ

નવેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી સુધી ‘નેટફ્લિક્સ‘ પર યશ ચોપરા અને યશરાજ બેનર્સની અનેક ફિલ્મો રજૂ થવાની છે. રોમાન્સ, એકશન અને નોસ્ટાલજિયા જેવાં શીર્ષક હેઠળ આ ફિલ્મો રજૂ થવાની છે. તેમાં 14 નવેમ્બરે એટલે કે આવતા શુક્રવારે યશરાજ ફિલ્મ્સની ફિલ્મો ‘ગોલ્ડન એજ’ ટાઈટલ હેઠળ આખો દિવસ રજૂ થશે. તેમાં યશ ચોપરાની કેટલીક કલાસિક ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

  • નેટફ્લિકસ:

14 નવેમ્બરે: આખો દિવસ: આઈના, ચાંદની, દાગ, દૂસરા આદમી, ફાસલે, નાખુદા, કભી-કભી, નૂરી, વિજય, કાલા પત્થર, મશાલ, લમ્હે અને સિલસિલા વારાફરતી જોવા મળશે.

13 નવેમ્બરે: શેફાલી શાહ અભિનીત સીરિઝ ‘દિલ્હી ક્રાઈમ’ની ત્રીજી સિઝનની શરૂઆત થશે.

  • જિયો હોટસ્ટાર-નેટફ્લિકસ:

14 નવેમ્બરે આ બે ઓટીટી ચેનલ પર અક્ષય કુમાર, અર્શદ વારસી, હુમા કુરેશી, અમૃતા રાવ અને સૌરભ શુકલા અભિનીત ફિલ્મ ‘જોલી એલએલબી-થ્રી’નું પ્રસારણ થશે.

  • એમેઝોન પ્રાઈમ વીડિયો:

અનુરાગ કશ્યપ દિગ્દર્શિત અને ઠાકરે પરિવારના પુત્ર ઐશ્ર્વર્ય ઠાકરે અભિનીત ફિલ્મ ‘નિશાનચી’ 14 નવેમ્બરે રજૂ થશે.

આપણ વાંચો:  ફિલ્મનામાઃ અમોલ પાલેકરે પણ લાગલગાટ ત્રણ સુપરહિટ ફિલ્મ આપી હતી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button