મેટિની

રહેમાન સરની ‘ના’ પાડવાની સ્ટાઇલ

મહેશ નાણાવટી

કહેવાય છે કે એ. આર. રહેમાન સ્વભાવે બહુ ‘શરમાળ’ છે. રહેમાનને અંગત રીતે જાણનારા લોકો ત્યાં સુધી કહે છે કે રહેમાનનો આ ઓછા બોલો સ્વભાવ એટલી હદે ઓછા બોલો છે કે સામેવાળાને ક્યારેક અપમાન જેવું લાગે.

જોકે આજકાલ એ. આર. રહેમાન જુદાં કારણોસર મીડિયામાં છે. એમનું ૨૯ વરસનું લગ્નજીવન હવે છૂટાછેડામાં પરિણમી રહ્યું છે. રહેમાનની પત્ની સાઈરાબાનુ હવે એમનાથી અલગ થશે. ( જોકે,આ વિશે પણ વિરોધાભાસી સમાચાર ગાજી રહ્યા છે.)

આ બધા વચ્ચે જોવાની વાત એ છે કે એ. આર. રહેમાને પોતાના ‘તલાક’ની જાણ પોતે જ સોશિયલ મીડિયા દ્વારા કરી. એટલું જ નહીં, મીડિયામાં એમના છૂટાછેડા વિશેના જે કંઈ સમાચારો આવે છે એમાં એ બંને કેટલાં દુ:ખી છે એની જ વાતો હોય છે. એમના છૂટાછેડા શા કારણે થઈ રહ્યા છે એ જાણવા મળતું જ નથી.
ચાલો, એ એમની અંગત બાબત છે, પરંતુ આ છૂટાછેડામાં જે ‘ત્રીજું’ પાત્ર છે તે કોઈ મોહિની ડે નામની બાસ ગિટારિસ્ટ છે.

એ મોહિની સાથે રહેમાનના સંબંધો કેવા છે, ક્યારથી શરૂ થયા અને આજે શું સ્થિતિ છે એ બાબતે મીડિયામાં કોઈ જ જાણકારી નથી! ઊલટું મોહિની ડેની એક જ મોહક તસવીર સતત દેખાતી રહે છે.
એ તો ઠીક, પણ મોહિની વિશે જે કંઈ માહિતી આવે છે એમાં એ બાસ ગિટારિસ્ટ કેટલી ટેલેન્ટેડ છે, આ અગાઉ ઈન્ટરનેશનલ લેવલે એ કોની કોની સાથે સંગીત વગાડી ચૂકી છે અને એને કેટલા અવૉર્ડ્સ મળ્યા છે એ પ્રકારનો આખો ‘બાયોડેટા’ મીડિયામાં ફરે છે. કોઈ ભોળા સંગીત ચાહકને તો એમ જ લાગે કે અહીં રહેમાનના છૂટાછેડા ચાલી રહ્યા છે કે મોહિનીનું ‘લોન્ચિંગ’ થઈ રહ્યું છે?
આવું જ કંઈક રહેમાનની અંગત વકીલ વંદના શાહ વિશે છે. એક ઇન્ટરવ્યુમાં એ કહે છે કે ‘બોલીવૂડમાં મોટા ભાગનાં લગ્નો એક જાતના દેખાડા સમાન જ હોય છે.’ ચાલો, જાણીને જરા ખાતરી થઈ કે જે સાંભળતા હતા એવું જ નીકળ્યું, પરંતુ બીજી વાર વંદના શાહ સોશિયલ મીડિયામાં ચેતવણી બહાર પાડે છે કે ‘રહેમાનના છૂટાછેડા વિશે જો તમે અવાંચ્છનીય કોમેન્ટ કરશો તો કાયદેસર પગલાં લેવામાં આવશે.’
આ તો એવી વાત થઈ કે આખા ગામના પંચાતિયાઓ જ્યાં બેસે છે એ ઓટલા ઉપર જઈને તમે પંચાતિયાઓને રસ પડે એવી વાત કહો છો અને ઉપરથી ચેતવણી આપો છો કે ખબરદાર, પંચાત કરી છે તો ખેર નથી! કેમ કે આજનું સોશિયલ મીડિયા તો વર્લ્ડ લેવલનો પંચાતિયો ઓટલો જ છે ને! જો ખરેખર પ્રાઇવસી જાળવવાની એટલી ચિંતા હતી તો ચૂપચાપ છૂટાછેડા લઈ જ શકાય ને? સોશિયલ મીડિયામાં જઈને એની જાહેરાત કરવાની શી જરૂર હતી?

આવા શરમાળ એ. આર. રહેમાનના બે ત્રણ કિસ્સાઓ રસપ્રદ છે. પહેલો કિસ્સો પ્રખ્યાત ગાયક સુરેશ વાડકરનો છે. એક વીડિયો ઇન્ટરવ્યુમાં એ કહે છે કે જ્યારે ‘રોજા’ ફિલ્મ નહોતી આવી એ પહેલાં એ બંનેએ સાથે કોઈ રેકોર્ડિંગમાં કામ કરેલું. તે વખતે પોતાની ઓળખાણ ‘દિલીપ’ તરીકે આપી હતી. જ્યારે ‘રોજા’ રિલીઝ થયું ત્યારે સંગીતકાર તરીકે ‘એ. આર. રહેમાન’ એવું નામ હતું. સુરેશ વાડકરના મનમાં એમ કે આ બે અલગ વ્યક્તિ હતી.

ત્યાર બાદ એક વાર જ્યારે મુંબઈમાં પાંચ-સાત જણા વચ્ચે બંનેને મળવાનું થયું ત્યારે સુરેશ વાડકરે એમને ‘ક્યા રે, દિલીપ!’ એમ કહીને બોલાવ્યા, પરંતુ થોડી મિનિટો બાદ અન્ય વ્યક્તિએ એમની ઓળખાણ ‘એ. આર. રહેમાન’ તરીકે કરાવી ત્યારે સુરેશ વાડકરને નવાઈ લાગી હતી. ‘અરે, તુમને નામ કબ સે ચેન્જ કર લિયા?’

સુરેશ વાડકરના કહેવા મુજબ તે વખતે રહેમાન કંઈ બોલ્યા નહીં, પરંતુ ચહેરા પરથી એમને એવું લાગ્યું કે નામ બાબતે સુરેશ વાડકરની વાત એમને ગમી નહીં હોય.

ખેર, એ પછી સુરેશ વાડકરે અવારનવાર (ગાયકો નોર્મલી કરતા હોય છે એ મુજબ) રહેમાનને ફોન કરીને કહેલું કે ‘મારે લાયક કોઈ ગીત હોય તો જોજો.’ જોકે મહિનાઓ પછી અચાનક ચેન્નઈથી રહેમાનના આસિસ્ટન્ટનો ફોન આવ્યો કે ‘આવતીકાલે રેકોર્ડિંગ છે. તમે ચેન્નઈ પહોંચીને કોલ કરજો.’

વાડકર વિમાન દ્વારા રાત્રે જ ચેન્નઈ પહોંચ્યા. રાત્રે જ કોલ કરીને સંદેશો મૂક્યો કે હું આવી ગયો છું, પરંતુ વાડકરના કહેવા મુજબ બીજા દિવસે સવારથી બપોર થઈ ગઈ છતાં કોઈ ફોન આવ્યો નહીં. વારંવાર સામેથી ફોન કરતાં જવાબ મળતો કે ‘હમણાં જણાવીએ છીએ.’ આખરે મોડે મોડે રહેમાનના આસિસ્ટન્ટનો ફોન આવ્યો કે ‘આવી જાવ.’ સુરેશ વાડકર સ્ટુડિયો પર પહોંચ્યા ત્યારે રહેમાન ત્યાં હાજર નહોતા. સ્ટુડિયોમાં બીજા કોઈ સાજિંદા પણ નહોતા.

પેલા આસિસ્ટન્ટે સુરેશ વાડકરને છૂટી છૂટી અમુક લાઈનો આપીને ગાવા કહ્યું. એમાં પણ ‘આમ નહીં, આમ ગાઓ’ એવાં સૂચનો થતાં રહ્યાં.

આ દરમિયાન વાડકર વારંવાર પૂછતા રહ્યા કે રહેમાન ક્યાં છે? જવાબ એક જ મળતો ‘રહેમાન સર આ રહે હૈં.’ સુરેશ વાડકરને ગાવમાં જરાય મજા નહોતી પડી રહી, છતાં ગાયું. છેવટે આસિસ્ટન્ટે મેસેજ આપ્યો કે ‘રહેમાન સર આજ નહીં આ સકેંગે. આપ જા સકતે હૈં.’

સુરેશ વાડકર કહે છે કે આખી વાત મને ખૂબ જ વિચિત્ર લાગી રહી હતી. એટલું જ નહીં, ‘એ પછી ક્યારેય રહેમાનનો ન તો ફોન આવ્યો કે ન તો એ જે ગવડાવ્યું હતું તેનું શું થયું તે જાણવા મળ્યું…’

બિલકુલ આ જ ‘મોડસ ઓપરેન્ડી’ મુજબનો અનુભવ ગાયક અભિજીતને પણ થયો છે. અભિજીતે પણ વીડિયો ઈન્ટરવ્યુમાં એમની સાથે બનેલી ઘટનામાં આ જ ક્રમ વર્ણવ્યો છે. ચેન્નઈથી કોલ આવે છે, ત્યાં બોલાવે છે, આસિસ્ટન્ટ કંઈ ભલતું જ ગવડાવે છે અને પછી કોઈ સંપર્ક નહીં.

Also Read – ‘એનિમલ’: ફરીથી જાવેદ અખ્તરનું નવું જ્ઞાન

‘આપ કી અદાલત’માં ગાયક કુમાર શાનુએ કોમેન્ટ કરી હતી કે ‘મૈં એ. આર. રહેમાન કો સંગીતકાર નહીં માનતા, ક્યું કી વો ભી મુઝે સિંગર નહીં માનતે..!.’

શક્ય છે કે કુમાર શાનુને પણ રહેમાન સરે પોતાની સ્ટાઇલમાં ‘ના’ પાડી હોય..!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button