ક્લેપ એન્ડ કટ..!: ‘રાંઝણા’કોર્ટના દ્વાર ખખડાવશે…

સિદ્ધાર્થ છાયા
છેવટે AI દ્વારા ચેન્જ કરવામાં આવેલા અંત સાથે ‘રાંઝણા’ ફરીથી રિલીઝ થઇ ગઈ. પ્રોડ્યુસર ‘ઈરોસ ઇન્ટરનેશનલે’ મૂળ દુ:ખી અંતને સ્થાને AIની મદદથી સુખદ અંત કરીને ફિલ્મ ફરીથી દેખાડી. આ કૃત્યથી માત્ર ફિલ્મના ડાયરેક્ટર આનંદ એલ રાય જ ગુસ્સે નથી, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ધનુષે પણ ‘ઈરોસ’ વિરુદ્ધ બાણ ચડાવ્યું છે..
જે ભયથી ખુદ ગબ્બર એટલે કે હોલિવૂડ પણ થથરી રહ્યું છે એ ભય ભારતમાં સીધેસીધો જ ઊતરી આવ્યો છે. કલાકારોને ભય છે કે ક્યાંક AI એમનું સ્થાન ન લઇ લે. ‘રાંઝણા’ એ આ ભયને બધાની નજર સમક્ષ લાવીને ઊભો કરી દીધો. હવે આનંદ એલ રાય નિર્માતા ‘ઈરોસ’ને પાઠ ભણાવવાનું નક્કી કરી ચૂક્યા છે.
એમણે પોતાનો રોષ જાહેર કરતાં કહ્યું કે હું અને ધનુષ બંને અમારી ફિલ્મોને લઈને ચિંતિત છીએ. અત્યારે અમે બંને કાયદાકીય રસ્તો વિચારી રહ્યા છીએ, જેથી આ પ્રકારનું ‘દુ:સાહસ’ ભવિષ્યમાં કોઈ બીજું ન કરી શકે.
બીજી તરફ, ઈરોસ પણ પોતાના બચાવમાં સામે આવ્યું છે. એનું કહેવું છે કે ફક્ત તમિળ વર્ઝનનો એન્ડ જ ચેન્જ કરવામાં આવ્યો છે. બાકી ભાષામાં અને અત્યારે ઓટીટી પર જે વર્ઝન ઉપલબ્ધ છે એને સ્પર્શ સુધ્ધાં કરવામાં આવ્યો નથી. જે હોય તે, પણ અત્યારે તો મનોરંજન ઉદ્યોગ માટે AI કોઈ શક્તિશાળી વિલનથી કમ નથી…
આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..! : સો રૂપિયામાં સિતારે ઘર પે !
અમેરિકામાં ‘કૂલી’ સામેની ‘વોર’ નબળી પડી…
દક્ષિણ ભારતની ફિલ્મો ફક્ત ઉત્તરી ભારત પર જ નહીં, પરંતુ વિદેશમાં પણ પોતાનો ફેલાવો વધારી રહી છે. આની સાબિતી હાલમાં અમેરિકાથી મળી રહી છે. 14 ઓગસ્ટે હિન્દી ફિલ્મ ‘વોર-2’ અમેરિકામાં હિન્દી ઉપરાંત તેલુગુમાં પણ રિલીઝ થશે તો રજનીકાંતની ‘કુલી’ જે તમિળ ફિલ્મ છે એ પણ એ જ દિવસે અમેરિકામાં રિલીઝ થવાની છે.
મજાની વાત હવે આવે છે. અમેરિકામાં હિન્દીભાષી લોકો પછી તેલુગુભાષી લોકોની સંખ્યા સહુથી વધુ છે. ‘કુલી’ તમિળ ફિલ્મ હોવા છતાં તેની પ્રી-રિલીઝ ટિકિટો ‘વોર-2’ કરતાં ઘણી વધુ વેચાઈ ગઈ છે. એક આંકડા અનુસાર અમેરિકામાં ‘વોર-2’ની પ્રી- રિલીઝ ટિકિટ લગભગ અઢી લાખ ડૉલર્સની વેંચાઈ છે તો રજનીકાંત અહીં પણ છવાઈ ગયા છે.
તેલુગુ ઓડિયન્સ વધુ હોવા છતાં અને ફિલ્મ તમિળ હોવા છતાં રજની અન્નાની ‘કુલી’ની દસ લાખ ડૉલર્સથી પણ વધુ પ્રી-રિલીઝ ટિકિટ વેંચાઈ ચૂકી છે. ‘વોર-2’ 400 કરોડની ફિલ્મ છે અને ભારત ઉપરાંત ઓવરસીઝ માર્કેટમાંથી પણ તેને ભરપૂર કમાણીની આશા હોય એ સહજ છે, પરંતુ આ તાજા આંકડા જોઇને ‘યશરાજ ફિલ્મ્સ’ને પરસેવો વળે તો નવાઈ નહીં. જ્યાં સુધી ટ્રેલરનો સવાલ છે તો ‘વોર’ કરતાં ‘કુલી’નું ટ્રેલર લોકોને વધુ ગમ્યું હોવાનું સોશ્યલ મીડિયાનું અવલોકન કરતાં જણાય છે અને આજકાલ લોકો ટ્રેલર જોઇને ફિલ્મ જોવાનો નિર્ણય કરે છે એની તો ‘યશરાજ’ ને ખબર તો હશે જ ને?!
આમ તો ‘રામ તેરી ગંગા…’ પણ ઓટીટીવાળા ન ખરીદે!!
પોતાની સુપરહીટ ફિલ્મ ‘અંદાઝ’ના નામમાં ઉમેરીને સાવ નવા કલાકારો સાથે સુનીલ દર્શન બોલિવૂડમાં એક પ્રકારે પુનરાગમન કરી રહ્યા છે. મોડલ અને એક્ટર આયુષ કુમાર, આકાઈશા અને નતાશા ફર્નાન્ડીઝની ‘અંદાઝ 2’ ને હજી સુધી એકપણ ઓટીટી પ્લેટફોર્મે ખરીદી નથી. આથી સુનીલ દર્શનનું દુ:ખ અને રોષ સામે આવ્યાં છે.
સુનીલભાઈનું કહેવું છે કે :‘અંદાઝ 2’ના ઓટીટી રાઈટ્સ હજીય મારી પાસે છે. એકપણ ઓટીટી પ્લેટફોર્મ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી. આ રીતે દુ:ખ વ્યક્ત કર્યા બાદ સુનીલભાઈ કહે છે કે આજકાલ બધાં સ્ટાર્સને જોઇને ફિલ્મ ખરીદે છે.
આમ થવાથી સાચા ફિલ્મમેકર્સનું સન્માન જળવાતું નથી. સુનીલ દર્શન રોષમાં એવું પણ બોલી ગયા કે આજના જમાનામાં રાજ કપૂરની ‘ રામ તેરી ગંગા મૈલી’ પણ કોઈ ઓટીટીએ ન ખરીદી હોત! લાગે છે કે સુનીલ દર્શને પોતાની આ નવી ફિલ્મ વિષે કાંઈક વધારે પડતું જ ધારી લીધું છે. નહીં તો ક્યાં રાજ કપૂર ને ક્યાં તેઓ પોતે?
બાકી ઓટીટી પ્લેટફોર્મ પણ બિઝનેસ જ કરે છે. કઈ ફિલ્મ ખરીદવી ઓટીટીવાળા પણ બરાબર જાણે છે…
‘સૈયારા’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે!
કટ એન્ડ ઓકે…
‘ભારતમાં બ્લોકબસ્ટર ફિલ્મો પણ માંડ 2-3 ‘ટકા લોકો સુધી જ પહોંચે છે.’
પોતાની ફિલ્મ ‘યુટ્યુબ’ પર રિલીઝ કર્યા બાદ આમિર ખાનનો ધમાકેદાર ખુલાસો.
આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..! રણવીર ભૂત બનશે?