મેટિનીસ્પેશિયલ ફિચર્સ

દેશમાં દંડે… વિદેશમાં વંદે

વિધિની કેવી વક્રતા કે જાફર પનાહી એન્ડ કંપનીને સ્વદેશમાં પીઠ દેખાડવામાં આવે જ્યારે વિદેશમાં પીઠ થાબડવામાં આવે છે.

કવર સ્ટોરી – હેમા શાસ્ત્રી

દિગ્દર્શક જાફર પનાહી, આ વર્ષે બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારી ફિલ્મ It was Just an Accident

ઓઈલ અને ગેસ જેવી કુદરતી સંપત્તિને કારણે આજની તારીખમાં ઈરાન સમૃદ્ધ દેશ ગણાય છે એ સાચું, પણ કેલિગ્રાફી કે પછી રૂમી (રુબાઈ અને સૂફી કાવ્યો) અને ફેરદોસી(રુસ્તમ અને સોહરાબ) જેવો ભવ્ય વારસો ધરાવતા ઈરાનમાં આજે સાંસ્કૃતિક બાબતે ઉદાસીનતા દેખાય છે. દેશ સાંસ્કૃતિક રીતે નબળો ન પડે એની તકેદારી ફિલ્મ જગત રાખે છે. કહેવા માટે ઈરાનમાં પ્રથમ સિનેમા થિયેટર વીસમી સદીના પ્રારંભમાં બાંધવામાં આવ્યું હતું અને પહેલી ઈરાની ફિલ્મ 1930માં રજૂ થઈ હતી. હકીકત એ છે કે 1966 – 76ના દાયકામાં ઈરાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રી મહોરી ઊઠી. અસગર ફરહાદી (બે ઓસ્કર એવોર્ડ), આબસકિરોસ્તામી, માજીદ મજીદ, મોહમ્મદ રસૂલેફ અને જાફર પનાહી જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારા ફિલ્મમેકરો ત્યાં છે, પણ મોટી તકલીફ એ છે કે લાલઘૂમ આંખો ધરાવતી સેન્સરશિપને કારણે ઈરાનના ફિલ્મમેકરો સામે ઘરઆંગણે પીઠ ફેરવી દેવામાં આવે છે અને એ જ ફિલ્મમેકરોની વિદેશમાં પીઠ થાબડવામાં આવે છે.

સરકારી ખૌફનો શિકાર બનેલા લેટેસ્ટ ફિલ્મમેકર છે 65 વર્ષના જાફર પનાહી. દસેક દિવસ પહેલા ન્યુયોર્કમાં It was Just an Accident ફિલ્મ માટે વિશ્વમાં પ્રતિષ્ઠિત ગણાતો Gotham Awards જાહેર થયો અને આ તરફ ઈરાનની સરકારે પનાહીને તેમની ગેરહાજરીમાં એક વર્ષની જેલની સજા અને દેશની નાલેશી કરતી પ્રવૃત્તિ બદલ મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. લેખિત સજાપત્રમાં જણાવ્યા અનુસાર પનાહી બે વર્ષ સુધી દેશ છોડી બહાર નહીં જઈ શકે અને કોઈ પણ રાજકીય કે સામાજિક ગ્રુપ સાથે સંકળાઈ પણ નહીં શકે. ફિલ્મમેકરના વકીલના કહેવા અનુસાર સરકારે દેશની નાલેશી કરતી પ્રવૃત્તિ વિશે વિસ્તારપૂર્વક કશું નથી જણાવ્યું. અગાઉ મે મહિનામાં આ જ ફિલ્મ માટે પનાહીને ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં પણ એવોર્ડ એનાયત થયો હતો.

ફિલ્મની કથા અનુસાર જેલના ભૂતપૂર્વ કેદીઓ તેમના પર અત્યાચાર કર્યો હોવાની શંકા જેમના પર છે એનો બદલો લેવા માંગે છે. ટૂંકમાં ન્યાય વિરુદ્ધ બદલાની ભાવના કેન્દ્રસ્થાને છે. હુકમશાહી સત્તામાં જનતાના સ્વાતંત્ર્ય પર તરાપ, વેઠવો પડતો માનસિક અત્યાચાર અને રાજકીય જુલમ કથાનાં ગુણસૂત્રો છે.

પોતાના દેશની સરકારે આવી સજા થઈ હોવા છતાં જાફર પનાહી સ્વદેશ પાછા ફરવા ઉત્સુક છે. ‘ગમે તેવા વિપરીત સંજોગોમાં મારો દેશ છોડી અન્ય દેશમાં નિરાશ્રિત રહેવાની મારી કોઈ ઈચ્છા નથી. માતૃભૂમિથી બહેતર કોઈ જગ્યા જ નથી. હું ઈરાન પાછો ફરીશ, સજા ભોગવીશ, ફિલ્મો બનાવીશ અને યુવાનોને ફિલ્મ બનાવતા શીખવીશ. સરકારે કાયમ અમને ફિલ્મો બનાવતા રોક્યા છે, પણ અમે રસ્તો કાઢી લીધો છે,’ આવું જાફર સાફ શબ્દોમાં જણાવે છે.

આવી દેશદાઝ – દેશપ્રેમને વરેલી વ્યક્તિ દેશદ્રોહી કઈ રીતે હોઈ શકે? પણ ના, સરકાર વિરુદ્ધ હરફ નહીં ઉચ્ચારવાનો અને જો ઉચ્ચાર્યો છે તો તમારી ખેર નથી એ એકવીસમી સદીનું જાણે કે નવું સમીકરણ બની ગયું છે અને ઈરાન તેમાંથી બાકાત નથી.
પનાહી ઉપરાંત My Favourite Cake નામની રોમેન્ટિક ફિલ્મ બનાવનાર બે ઈરાની ડિરેક્ટરોને જુઠ્ઠાણાં ફેલાવવા તેમ જ અશાંતિ ઊભી કરવાના ઈરાદા બદલ ‘સસ્પેન્ડેડ સેન્ટેન્સ’ (નિશ્ર્ચિત સમયમાં વધુ એક ગુનો આચરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં નહીં મુકાયેલી જ્યુડિશ્યલ સજા) આપવામાં આવ્યા છે.

મિસ્ટર પનાહીને અગાઉ બે વાર સજા થઈ છે. સૌ પ્રથમ 2010માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાનના ફિલ્મમેકરને શું સજા કરવામાં આવી હતી? છ વર્ષની જેલની સજા અને 20 વર્ષ સુધી ફિલ્મ બનાવવા પર પ્રતિબંધ. પણ મિસ્ટર પનાહી હાથ જોડીને બેસી ન રહ્યા. ચૂપચાપ, કોઈને ખબર ન પડે એમ ફિલ્મો બનાવવાનું ચાલુ રાખ્યું, જેમાં બે ડોક્યુમેન્ટરીઝ This is not a Film (2011), Taxi (2015)નો સમાવેશ હતો. 2011ના ‘બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં પનાહીને જ્યુરીના સભ્ય તરીકે હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, સજાને કારણે પનાહી ફેસ્ટિવલમાં હાજરી ન આપી શક્યા. પનાહી માટે આદર અને સજાના વિરોધના પ્રતીક તરીકે સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન તેમની ખુરશી ખાલી રાખવામાં આવી હતી…!

2011માં પનાહી હાઉસ એરેસ્ટ હેઠળ હતા – નજરકેદમાં હતા. આ અવસ્થામાં પણ તેમને ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ. એક સીધોસાદો ડિજિટલ વીડિયો કેમેરા અને પોતાના આઈ ફોનની મદદ લઈ પોતાના જ ફ્લેટમાં ફિલ્મ શૂટ કરી.This Is Not a Film ડોક્યુમેન્ટરીમાં પનાહીના જીવનના એક દિવસનું ચિત્રણ હતું, પણ ફિલ્મ દર્શકો સુધી કેમ પહોંચાડવી આઈડિયા વાપરી આખી ફિલ્મ યુએસબી સ્ટિક (ડેટા – માહિતીનો સંગ્રહ કરતું ઉપકરણ)માં સ્ટોર કરી, એ સ્ટિક કેકમાં સંતાડી પહેરો ભરતા ઓફિસર તેમ જ અન્ય સલામતી વ્યવસ્થાની નજર ચૂકવી દેશ બહાર મોકલી દીધી અને 2011ના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ માં એ પ્રદર્શિત કરવામાં આવી હતી.

1960ના દાયકાના ઉત્તરાર્ધમાં આપણા દેશમાં સમાંતર સિનેમા – ન્યુ વેવ સિનેમાનો ઉદય થયો હતો એ જ રીતે ઈરાનમાં પણ 1960 – 70ના દાયકામાં ક્રિયેટિવ સિનેમેટિક મુવમેન્ટ ઊભરી હતી. આ નવી ચળવળમાં જે કેટલાક ઈરાની ફિલ્મ મેકરો (અસગર ફરહાદી, માજીદ મજીદી…)ને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઇ એમાં જાફર પનાહીનું આદરભર્યું સ્થાન છે. મજેદાર વાત એ છે કે તેમની ફિલ્મો દર્શાવવા પર તેમના જ દેશમાં પ્રતિબંધ છે, પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં નિયમિત ધોરણે એવોર્ડ મેળવતી રહે છે. તેમની પહેલી જ ફિલ્મ The White Balloon1995માં ‘કાન ફેસ્ટિવલ’માં એવોર્ડ મેળવવામાં સફળ રહી હતી. અન્ય ઈન્ટરનેશનલ એવોર્ડ મેળવવામાં પણ ફિલ્મ સફળ રહી હતી. આ ફિલ્મ 68મા ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં The White Balloon ઈરાનની સત્તાવાર એન્ટ્રી હતી. યુએસ સાથેના સંબંધો કથળવાને કારણે ઈરાન સરકારે ઓસ્કર આયોજકોને ફિલ્મ પાછી ખેંચવા આગ્રહ કર્યો હતો. જોકે, એકેડેમીએ ના પાડી. અંતે ફિલ્મ એવોર્ડ માટે પાત્ર ઠરવા નોમિનેટ ન થઈ. વાતે એવો વળાંક લીધો કે ઈરાનની સરકારે યુએસમાં આયોજિત ‘સન ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ અથવા આ ફિલ્મનો પ્રચાર કરવા યુએસના રિપોર્ટર સાથે ફોન ઈન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂકી દીધો. દેશની સરકાર સાથે વાંકું પડવાની શરૂઆત પનાહી માટે અહીંથી થઈ હતી. 30 વર્ષ પછી પણ તેમાંથી મુક્તિ નથી મળી.

વીસમી સદીના ફ્રેન્ચ ફિલોસોફર, માર્ક્સવાદના પુરસ્કૃતા અને ફ્રાંસ સરકારની નીતિઓનો જાહેરમાં વિરોધ કરતા જ્યાં પોલ સાર્ત્રને જેલમાં પૂરી એમની બોલતી બંધ કરી દેવા 1968માં એમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તત્કાલીન ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ચાર્લ્સ દ ગોલએ ‘વોલ્તેર (17મી સદીમાં ફ્રેન્ચ સરકારની જાહેરમાં આકરી ટીકા કરનાર મહાન લેખક)ની ધરપકડ ન કરાય’ એવું વિધાન કરી સાર્ત્રને મુક્ત રાખવા આદેશ આપ્યો હતો. મતલબ કે પોતાની વિચારસરણીથી જનતાને પ્રભાવિત કરનારી વ્યક્તિના અભિપ્રાય વિવાદાસ્પદ હોય તો પણ આવી પ્રભાવશાળી વ્યક્તિને જેલમાં ન પૂરી દેવાય.

ચાર્લ્સ દ ગોલ વીસમી સદીમાં અને ફ્રાન્સમાં થઈ ગયા. આ એકવીસમી સદી છે અને ઈરાનના શાસકો પાસે આવી વિચારસરણીની અપેક્ષા રાખવી એ વધુ પડતું નથી?

આ પણ વાંચો:  ફોકસઃ સાઉથનો સુપરસ્ટાર નાગા ચૈતન્ય બોલિવૂડમાં રહ્યો ફલોપ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button