મેટિની

બધું જ કીમતી… મળ્યા પહેલાં ને ગુમાવ્યા પછી!

બધું જ કીમતી… મળ્યા પહેલાં ને ગુમાવ્યા પછી! તખ્તાના બાજીગર.. ખ્યાતનામ સેટ ડિઝાઈનર બેલડી છેલ-પરેશ


અરવિંદ વેકરિયા

ઈમ્તિયાઝ પટેલ હવે બરાબર, વ્યવસ્થિત, પ્રેક્ષકો જીરવી શકે એટલી જ ‘ઉઘાડી’ ભાષામાં લખીને લાવતો થઈ ગયો હતો એ પણ પાછી સંયમિત ભાષામાં. પહેલો અંક આ રીતે તૈયાર થઈ ગયો એનો હરખ ચોક્કસ હતો સાથે ‘બોલ્ડ’ નાટક કરવાનો એક નાનો ખટકો પણ મનમાં રહ્યા કરતો હતો, પણ મનાવેલું કે જિંદગી માણસને ‘ચાન્સ’ આપે ‘ચોઈસ’ નહીં. શક્ય છે સફળતા બીજા વિષયનાં દ્વાર મારી માટે ખોલી આપે. બોલ્ડ વિષય મારી ચોઈસ નહોતો, ક્રમવાર ડિરેક્ટ કરવા આવતાં નાટકમાંનો એક ચાન્સ હતો. સફળ રહેશે કે નિષ્ફળ એ તો આવનારો સમય એટલે કે પ્રેક્ષક માઈ-બાપ નક્કી કરવાનાં. મારે મન તો સફળતા મળશે એવું અંદરથી લાગ્યા કરતું, ઇચ્છા વગરનો વિષય હોવા છતાં. ક્યારેક ઘણાને એવું લાગતું હોય છે અને એટલે મને આ પ્રોજેક્ટ મૂલ્યવાન લાગ્યા કરતો. આમ જુઓ તો આ દુનિયામાં બધું જ કીમતી હોય છે, પણ મળ્યાં પહેલાં અને ગુમાવ્યાં પછી. જ્યાં સુધી સફળતા મળી નહોતી ત્યાં સુધી આ અણગમતો વિષય પણ મારે માટે કીમતી હતો. મારો સિદ્ધાંત રહ્યો છે કે કાં કામ સ્વીકારો નહી અને જો સ્વીકારી લો પછી દિલ દઈને એ સારું બનાવવા મંડી પડો. ઈમ્તિયાઝ પણ પોતાનું પહેલું જ નાટક હોવાથી મન દઈને કલમ ચલાવતો હતો. આ હવે રોજિંદું થઈ ગયેલું કે હું ઑફિસથી ઘરે આવું અને એ મલાડથી મારા ઘરે પહોંચી જાય.

આ રીતે બીજા અંકનું લખાણ ચાલતું રહેતું. નાટકની રિલીઝ તારીખ કોઈ નક્કી નહોતી એટલે એ ભારણ નહોતું. મારા અનુભવની આંગળીએ ઈમ્તિયાઝની કલમ ચાલતી. મને 100% ખાતરી તો નહોતી કે હું સાચો જ છું. અનુભવ અને આદતમાં ફેર છે, આદતની બીજાને ખબર હોય છે, અનુભવની આપણને. મારો અનુભવ હવે ઈમ્તિયાઝને સમજાઈ રહ્યો હતો એટલે કામ ઝડપી થઈ રહ્યું હતું. બંને વચ્ચે નાની ચડ-ભડ થઈ જતી, પણ એનું આયુષ્ય લાંબુ ન ટકતું. થાય, ક્યારેક હું કહું કે હાથી ઊડે છે તો ઈમ્તિયાઝ તરત સ્વીકારે કે હા, આજે સવારે મેં અમારા તાર પર બેઠેલો જોયેલો. આ હદ સુધી વાતો સ્વીકાર્ય હોય તો કામ ઝડપથી જ આગળ વધે. આ વિચારોને લઈ બીજો અંક પણ ફટાફટ લખાવા માંડયો. આળસ ઈમ્તિયાઝમાં જરા પણ નહોતી. આળસ હોય તો અનુભવ પણ એળે જાય. આમ પણ આળસુને વર્તમાન કે ભવિષ્ય નથી હોતાં. ધીમે ધીમે નાના-મોટા સુધારા કરતાં કરતાં બીજો અંક પણ તૈયાર થઈ ગયો. ક્યારે ઈમ્તિયાઝ કહેતો કે, ‘દાદુ, આ નાટક જો હીટ જશે તો બીજું સોશિયલ નાટક લખીશ અને એનું દિગ્દર્શન તમારે જ કરાવવાનું.’ ‘વાત મધરાત..’ બોલ્ડ બનાવ્યાં પછી હીટ ગયું તો આ પણ હીટ જશે એમ માની તો ન લેવાય, હું એની વાત હળવાશથી સાંભળી લેતો. વાત હળવાશથી લઈએ તો કડવાશ થવાની શક્યતા ઓછી.

બીજો અંક તૈયાર થતાં નિર્માતા ડોલર પટેલ પાસે પહોંચી ગયા. જતાં પહેલાં મેં ઈમ્તિયાઝને કહી દીધેલું કે, ‘ડોલરનું એક વાક્ય યાદ રાખજે કે, ‘દાદુ, તમે ડિરેક્ટર છો. તમને યોગ્ય લાગે એમ કરજો’ એટલે એ કહે એ સુધારા એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખજે’. હા, એટલા ‘હું’ પણામાં હું પણ નહી રહું, યોગ્ય હશે તો આપણે ચોક્કસ ફેરફાર કરીશું.’ એ નિર્માતા હતા. નિર્માતાપણું દેખાડવા પણ એ કોઈ સૂચન કહેશે તો ખરા. એ સિરિયલ લાઈનના અનુભવી તો હતા જ. એટલે નિર્માતાના હક સાથે અનુભવ પણ હશે.

આ રીતે તૈયાર થઈ અમે ડોલર પટેલ પાસે પહોંચ્યા. નાટક વાંચ્યું. એક-બે નાની મોટી સલાહ સિવાય એમને બધું પરફેક્ટ લાગ્યું. મને કહે, ‘આ નાટક પરફેક્ટ જ બનાવી લેવું. રિલીઝ પહેલાં આપણી પાસે સમય હોય છે. રિલીઝ પછી કાપી-ઉમેરી ને સુધારીએ તોપણ એ રફુ જ લાગે. મારો અનુભવ છે કે ‘મેક-અપ’ની ઉંમરમાં જ ધર્મ કરી લેવો, બાકી ‘ચેક-અપ’ની ઉંમરમાં કશું થઈ શકવાનું નથી.’ એની વાત નાટકની તૈયારી માટે સાચી લાગી. પછી અમે કાસ્ટિંગનું પાનું ખોલ્યું તો ડોલર કહે ‘પહેલાં સેટની વાત કરી લઈએ.’ સેટ ડિઝાઈન માટે એમણે ગ્રેટ છેલ-પરેશની જોડીનું નામ કહ્યું. એમની અમુક સિરિયલમાં પણ એ સંકળાયેલા હતા. મારા તો બંને ગુરુ. એમણે મારાં ઘણાં નાટકો માટે ડિઝાઈન બનાવી હતી. એ જવાબદારી લેતા ત્યારે આખા યુનિટના એ ‘માલિક’ નહી, ‘માળી’ બની જતા. આખા યુનિટની સંભાળ રાખે, પણ અધિકાર કોઈના પર નહી. નામ પડતાં હું રોમાંચિત થઈ ગયો. એમણે છેલભાઈને સ્ક્રિપ્ટ મોકલવાની વ્યવસ્થા પણ તરત કરી નાખી. છેલભાઈ ડિઝાઈન બનાવતાં પહેલાં હંમેશા સ્ક્રિપ્ટ વાંચતા.

ડોલરે બીજા દિવસે સેટિંગ્સ બનાવવા માટે ફોન કરીને ‘ભાવ’ લેવા માંડ્યા. બજેટ પોસાતું નહોતું એટલે ડોલરે મને ફોન કર્યો. ભાવ-તાલ નક્કી કરવાનું કામ મારું નહોતું. છતાં ‘વાત મધરાત…’ જેની ડિઝાઈન ફલી મિસ્ત્રીએ બનાવેલી પણ સેટ બનવવાનું કામ બીજાએ કરેલું. એમાં બે છોકરાં હતા, પ્રવીણ અને શૈલેશ. શૈલેશ ‘વાત..’ માં લાઈટિંગ કરતો જ્યારે પ્રવીણ સેટ લગાવતો. એ બંને પોતાનો સેટ માટે વર્કશોપ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા હતા. મેં પ્રવીણ ભોંસલેને ફોન કરી કહ્યું, ‘હું નાટક બનાવી રહ્યો છું, સેટ બનાવીશ?’ પ્રવીણ મને કહે, ‘હા દાદુ, ચોક્કસ બનાવીશ.. પણ પૈસા નહીં લઉં! પત્ની: ‘કમ્પ્લિટ’ અને ‘ફિનિશ’માં શું ફેર? પતિ: હું તને મળ્યો એટલે તારી લાઈફ ‘કમ્પ્લિટ’ થઈ ગઈ, અને તું મને મળી એટલે મારી લાઈફ ‘ફિનિશ’ થઈ ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button