મેટિની

પિક્ચર અભી બાકી નહીં હૈ… મેરે દોસ્ત!

ટ્રેલર પણ ફિલ્મની જેમ હિટ અને ફ્લોપ હોઈ શકે છે !

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

દિવાળી આવી રહી છે. દિવાળી જેવા તહેવાર માટે તો ફિલ્મમેકર્સ બોક્સઓફિસ કલેક્શન માટે પોતાની ફિલ્મ્સ ખાસ તૈયાર કરીને બેસે છે. મોટા ભાગે તહેવાર પર માસ એન્ટરટેઈનર ફિલ્મ્સ રિલીઝ થતી હોય છે. આ વખતે પણ આવી જ બે ફિલ્મ એટલે કે અનિઝ બઝમી દિગ્દર્શિત અને કાર્તિક આર્યન અભિનીત ભૂલભૂલૈયા ૩’ અને રોહિત શેટ્ટી દિગ્દર્શિત મલ્ટીસ્ટારર ‘સિંઘમ અગેઇન’ રિલીઝ થવા જઈ રહી છે.
હિન્દી સિનેમામાં આજકાલ મલ્ટિસ્ટારર ફિલ્મ્સ ઓછી બને છે ત્યારે સિંઘમ અગેઇન’ જેવી ફિલ્મ માટે દર્શકોમાં અતિ ઉત્સાહ હોવો જોઈએ ને? હા, હોવો તો જોઈએ, પણ આ મલ્ટિસ્ટારરના કારણે જ ‘સિંઘમ અગેઇન’ પ્રત્યે દર્શકોમાં નારાજગી છે.

એવું તો શું બન્યું?

થોડા દિવસ પહેલાં ‘સિંઘમ અગેઈન’નું ટ્રેલર રિલીઝ થયું અને દર્શકોએ એમની ગમતી સિંઘમ ફ્રેન્ચાઈઝ અને કોપ યુનિવર્સની આ નવી ફિલ્મનું ટ્રેલર હોંશે હોંશે જોયું પણ ખરું, પણ એ જોયા પછી તરત જ યુટ્યૂબમાં કમેન્ટ્સમાં અને સોશિયલ મીડિયા પર બે વાત માટે એમનો રોષ ઠાલવી દીધો.

પહેલી વાત તો એ કે અજય દેવગણ, કરીના કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંઘ, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર, જેકી શ્રોફ જેવા એ લિસ્ટર કલાકારો એકસાથે ફિલ્મમાં આવવાના હોય ત્યારે દર્શકોમાં જે ઉત્સાહ હોવો જોઈએ એ ફિલ્મ માટે ઉત્સાહ પેદા કરનારા ટ્રેલરે જ ઓવરડોઝ થકી મારી નાખ્યો. દર્શકોએ ઇન્ટરનેટ પર એવી ફરિયાદ કરી છે કે ‘આ કલાકારોને અમારે ફિલ્મમાં મોટા પડદે જોવા છે. એમની એન્ટ્રી સહિતની મહત્ત્વની ક્ષણો તમે બે-અઢી મિનિટના ટ્રેલરને બદલે પાંચ મિનિટનું ટ્રેલર બનાવી તેમાં બતાવી દો તો ફિલ્મ જોવા માટેની અમારી તાલાવેલી બચે જ શાની?’

દર્શકોની ફરિયાદ સાચી છે. કોણ કોને ક્યારે અને કઈ રીતે એન્ટ્રી મારીને બચાવવા આવશે એ સુધ્ધાં રોહિત શેટ્ટીએ વધુ પડતા જોશમાં ટ્રેલરમાં દેખાડી દીધું છે. અને બીજી વાત એ કે આ વધુ પડતા જોશના કારણે ફિલ્મની વાર્તા શું હશે એનો પણ ઘણોખરો અંદાજ ટ્રેલર પરથી આવી જાય છે એવી પણ ચર્ચા ડિજિટલ ચોરે છે.

એમ તો ‘ભૂલભૂલૈયા ૩’ માટે પણ પહેલી સાઈકોલોજિકલ થ્રિલર કોમેડી ફિલ્મને હોરર કોમેડીના નામ પર સ્લેપસ્ટિક કોમેડી બનાવી નાખ્યાનો એટલો જ મોટો દર્શકોનો આરોપ છે, પણ આપણો મુદ્દો અહીં ફિલ્મ નહીં, પણ ટ્રેલરનો છે.

લાસ્ટ શોટ
રિલીઝના ચોવીસ કલાકમાં સૌથી વધુ જોવાયેલા ટ્રેલરનો દાવો ‘ભૂલભૂલૈયા ૩’ અને ‘સિંઘમ અગેઇન’ બંનેની ટીમ સોશિયલ મીડિયા પર કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર ફિલ્મ પહેલા દર્શકોમાં એ વિશે જિજ્ઞાસા વધે એ માટે બહાર પાડવામાં આવતું હોય છે. એ માટે તેને યોગ્ય રીતે ફિલ્મમાંથી એડિટ કરવું જરૂરી છે. એ એવી રીતે કટ થવું જોઈએ કે દર્શકોને જે-તે ફિલ્મ જોવાની વાટ રહે.

મનોરંજન દેવની કૃપાથી ટ્રેલર કટિંગ પણ સિનેમાની જ કળાનો અંશ છે. ફિલ્મની રિલીઝ પહેલાં બહાર પડતી દરેક પ્રમોશનલ વસ્તુઓમાં નાવીન્ય હોય તો દર્શકોને આકર્ષી શકાય. આજના ડિજિટલ યુગમાં તો ઇન્ટરનેટ પર ટ્રેલર ઉપરાંત ફિલ્મને લગતા અનેક વિડિયોઝ બહાર પાડવામાં આવે છે. ૭ નવેમ્બરથી સ્ટ્રીમ થનાર શો ‘સિટાડેલ: હની બની’ના પ્રમોશન માટે તેના જ ક્રિએટર રાજ એન્ડ ડીકેના બીજા એક શો ‘ધ ફેમિલી મેન’ના પાત્રો શ્રીકાંત અને જેકેને લઈને એક વિડિયો બહાર પાડવામાં આવ્યો છે. ફર્સ્ટ લૂક વિડિયોઝ કે મોશન પોસ્ટર્સ ઉપરાંત અનેક સામગ્રીઓમાં ફક્ત ઓછામાં વધુ આશા જગાડતાં દ્રશ્યો અને મ્યુઝિકથી દર્શકોને એમને જ ગમે એવું પીરસાતું હોય છે, પણ જયારે-જયારે ટ્રેલરમાં જ વાર્તા કહી દેવાની ભૂલ ફિલ્મમેકર્સથી થાય છે ત્યારે દર્શકો એ વાત પર વિરોધ દર્શાવવામાં અચકાતા નથી, કેમ કે તેમને માટે સિનેમા એટલે મોટી સ્ક્રીન પર એમણે ન ધાર્યું હોય એ જોઈને મજા કરવાનું માધ્યમ છે. તેનો મતલબ એ નહીં કે સિંઘમ અગેઇન’ ફક્ત ટ્રેલરના કારણે નિષ્ફ્ળ જશે, એ બિલકુલ સફળ જઈ જ શકે છે, પણ ટ્રેલરની બાબતે તો એ સફળ નથી જ થયું એ માનવું રહ્યું.

હમણાં જ રિલીઝ થયેલી કાજોલ અને કૃતિ સેનન અભિનીત ‘દો પત્તી’ના ટ્રેલરમાં જ કૃતિ સેનને જોડકા બહેનોનાં બે પાત્ર ભજવ્યા છે એ કહી દેવામાં આવ્યું છે, છતાં તેની વાર્તા અકબંધ લાગે છે. શ્રીરામ રાઘવનની ‘અંધાધૂન’ (૨૦૧૮)ના ટ્રેલરમાં આયુષ્માન ખુરાનાનું પાત્ર અંધ છે કે નહીં એ હિન્ટ આપી દેવામાં આવી હતી, છતાં ફિલ્મની વાર્તા માટેની ઉત્સુકતા દર્શકોમાં જળવાઈ રહી હતી. વાસન બાલા દિગ્દર્શિત મર્દ કો દર્દ નહીં હોતા’ (૨૦૧૮) ફિલ્મનું ટ્રેલર જોશો તો ખ્યાલ આવશે કે એ પરંપરાગત રીતથી કેટલું અલગ છે અને ટ્રેલર માટે જ અલગ શૂટ કરવામાં આવ્યું છે.

હોલિવૂડ તરફ નજર કરીએ તો ‘ધ ગર્લ વિથ ધ ડ્રેગન ટેટૂ’ (૨૦૧૧), ‘ઇન્સેપ્શન’ (૨૦૧૦), ૩૦૦’ (૨૦૦૬), ‘ધ ડાર્ક નાઈટ’ (૨૦૦૮) કે ડેડપૂલ’ સિરીઝના ટ્રેલર્સ અને પ્રમોશનલ વિડિયોઝમાં રસિક નાવીન્ય જોવા મળે છે.

ટ્રેલર બનાવવાની આ અનોખી કળા પર તો તેની અનેક રીતો અને ઉદાહરણો પર ચર્ચા કરી શકાય, પણ એ પછી ક્યારેક. જોકે, અહીં મૂળ વાત એટલી કે ફિલ્મમેકર્સે ફિલ્મ જેટલું જ ધ્યાન ટ્રેલર પર પણ આપવું જોઈએ. તેનું સૌથી મોટું કારણ એ કે ફિલ્મ કરતાં ફિલ્મના ટ્રેલરના જોનારની સંખ્યા વધુ હોય છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button