મેટિની

મનોરંજક સિનેમાનું ઑક્સિજન: થ્રિલ-રોમાંચ કે પછી મસાલો?

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

પડદા પર હીરો સડક પર ભાગી રહ્યો છે. એની પાછળ વિલન ગન લઈને દોડી રહ્યો છે. ગમે ત્યારે વિલન ગનની ટ્રિગર દબાવશે અને હીરો મરી જશે… એક ખતરનાક ચેઝ શરૂ થાય છે. હીરો આગળ, વિલન એની પાછળ… શહેરના ટ્રાફિકમાં દોડતાં દોડતાં હીરો જીવ બચાવવા હવાતિયાં મારે છે. રોડ ક્રોસ કરતી વખતે અચાનક એને એક બસ દેખાય છે. તરત એ બસ પર ચઢી જાય છે. થિયેટરમાં પ્રેક્ષકોને હાશકારો થાય છે કે હાશ! હીરો બચી ગયો… બસમાં ચઢીને. વિલન પાછળ રહી ગયો. બસમાં ચઢીને હીરો શ્વાસ ખાઈને એક સીટ પર બેસે છે અને સામેની સીટ પર વિલન હસતાં હસતાં ગન તાકે છે. હીરોનાં મોતિયાં મરી જાય છે. અવાચક પ્રેક્ષકોનાં મોં ઉઘાડાં રહી જાય છે.

આ છે સિનેમાની થ્રિલ… કે હવે અચાનક હીરો બચી જશે? બંને વચ્ચે ફાઇટ થશે? સત્યનો વિજય થશે કે પરાજય? અને સૌથી મોટી વાત એ છે કે ફિલ્મની સ્ટોરી એટલી પૂરપાટ દોડતી હોય છે કે લોકો પાસે એ વિચારવા માટે સમય જ નથી મળતો કે વિલન જો હીરોની પાછળ હતો તો પછી એ હીરોની પહેલાં બસની અંદર આવ્યો કઈ રીતે? જો આ જ વાત કિતાબમાં-નોવેલમાં લખી હોત તો વાચક કિતાબને બંધ કરી, બે મિનિટ વિચારત અને લેખકની બુદ્ધિને, બેવકૂફીને ગાળો આપીને વાંચવાનું બંધ કરત… પણ ફિલ્મમાં એ માફ છે, કારણ કે સિનેમા ભાગતી કથાશૈલી છે. ફિલ્મને ‘મૂવી’ કહેવાય છે, કારણ કે એમાં દૃશ્યો, પાત્રો, ઘટના… બધું જ ફાસ્ટ સ્પીડમાં ભાગે છે. ‘મૂવ’ થાય છે… જો વાર્તા આગળ ‘મૂવ’ ન થાય, આગળ દોડે નહીં તો લોકો કંટાળી જાય…

લોકપ્રિય સિનેમામાં આ થ્રિલ-રોમાંચ ઑક્સિજનનું કામ કરે છે. એ થ્રિલ કોઈ પણ પ્રકારની હોઈ શકે છે, કપડાં બદલતી હીરોઇનના પગ પાસે સરકતો ગાઉન હોય કે છાપરાં પરથી છલાંગમાર ક્લાઉન હોય. થ્રિલ મળવી જોઈએ જનતાને! કિતાબ માણસ એકલો વાંચે છે, સિનેમા સૌની સાથે જુએ છે. અંધારામાં સૌની સાથે એક આખો માહોલ ઊભો થાય છે. 500થી 1,000 માણસોના એકસાથે હસવાના, રડવાના, ઉશ્કેરાવાના, ડરવાના અવાજો, તાળીઓ, હાયકારાઓ… બધું જ સામૂહિક અનુભવ છે ને એટલે જ એમાં થ્રિલ છે.

1975માં દેશમાં ગરીબી ભ્રષ્ટાચારના સમયમાં અમિતાભ બચ્ચન જ્યારે પૈસાવાળા વિલનને પોતાની લાંબી ટાંગ દ્વારા લાત મારતો ત્યારે દબાયેલ – કચડાયેલ ભારતની પ્રજાને થ્રિલ મળતી. સામાજિક આક્રોશને અમિતાભના ‘એંગ્રી યંગ મેન’ દ્વારા મુક્તિ મળતી. ‘અર્ધસત્ય’માં ઈમાનદાર ઇન્સ્પેક્ટર વેલણકર (ઓમ પુરી) લોકલ ગુંડા રામા શેટ્ટીને (સદાશિવ અમરાપુરકરને) જ્યારે અંતમાં અભદ્ર ભાષામાં ગાળો આપીને ગળું દબાવીને મારી નાખે છે ત્યારે પ્રેક્ષકોની રગરગમાં અન્યાયબોધની થ્રિલ મળે છે. ‘અમર અકબર એંથની’માં ત્રણ અલગ અલગ ધર્મમાં ઊછરેલા હીરો અમર-અકબર-એંથની એક સાથે એક જ સ્થળે એક જ નળી વડે એમની વિખૂટી પડેલી આંધળી મા (નિરૂપા રોયને) લોહી આપે છે ત્યારે જનતાને ઇમોશનલ થ્રિલ મળે છે. મમતા અને પ્રેમના ખેંચાણના ભાવાવેશમાં રડતી આંખે પ્રેક્ષકો ‘વાહ’ કહી બેસે છે…. આમ તો મેડિકલી જોઈએ તો એક સાથે ત્રણને એક જ નળી વડે એક પેશન્ટ્સને એક જ સમયે લોહી આપી જ ન શકે, પણ સિનેમામાં એ શક્ય છે, કારણ કે એ ક્ષણ રોમાંચક છે. ‘પુષ્પા 1-2’ કે ‘એનિમલ’ જેવી શોકિંગ ફિલ્મમાં લોકોને નવી જ થ્રિલ મળે છે. વિવેચકો અને બુદ્ધિજીવીઓનો સમજાતું નથી કે થિયેટરમાં લોકો લોજિકના સવાલો પૂછવા નહીં, પણ પોતાના જીવનના સવાલો ભૂલવા આવ્યા હોય છે એટલે હાલતી-ચાલતી, નાચતી, ઝૂમતી, બોલતી, ડોલતી પરીકથા જોવાનો એ આનંદ લે છે.

મનમોહન દેસાઈ, વિજય આનંદ, રાજ કપૂર કે આજના ડેવિડ ધવન, અબ્બાસ-મસ્તાન, રોહિત શેટ્ટી કે કરણ જોહર જેવા ભારતીય દિગ્દર્શકોને ખબર હતી કે છે કે પ્રેક્ષકોની કઈ નસ ક્યાં છે અને એટલે જ એ જાતજાતની થ્રિલ ઊભી કરી શકતા અને એટલે જ એમની ફિલ્મો કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી સફળ થતી. ઝરણામાં નહાતી પારદર્શક કપડાંવાળી મંદાકિનીનું ફિગર હોય કે સની લિયોની કે તમન્ના ભાટિયાની દૂધમલ માદકતા હોય કે સાંઈબાબાની મૂર્તિમાંથી જ્યોત નીકળીને અંધ સ્ત્રીની આંખોની જ્યોત ઉજાગર કરતી ક્ષણો હોય…. ‘લગાન’ જેવી ફિલ્મમાં આખું થિયેટર સ્ટેડિયમમાં ફેરવાઈ જાય, કારણ કે ગરીબ કિસાનની અંતિમ બોલમાં થતી જીતમાં ભારતના આમઆદમીને 250 વર્ષની ગુલામીનો જવાબ દેખાય છે.

થ્રિલ, દરેક દાયકામાં બદલાય છે… એક જમાનામાં હીરો-હીરોઇન ચુંબન કરતો ને કૅમેરા સામે ફૂલ આવી જતું એમાં પ્રેક્ષકોને થ્રિલ આવતી, પણ હવે તસતસતા ચુંબન કે બેડરૂમનાં નગ્ન દૃશ્યો, ‘એનિમલ’ ફિલ્મ જેવી બેકાબૂ હિંસા, ‘બાહુબલી’ કે ‘પદ્માવત્’ જેવી ભવ્યતા કે ‘પુષ્પા’ જેવી રો-નેસ હવે નવાઈ નથી રહ્યા. મૂલ્યો ને માર્કેટ બદલાય છે. હવે કહેવાતા મોડર્ન કે વોક સિનેમામાં હીરો-હીરોઇન બિનધાસ્ત ગંદી ગાળો બોલે છે. ખુલ્લેઆમ સેક્સની વાતો કરે છે, કોંડોમ કે શીઘ્રપતન પર મજાક થાય છે, હવે એમાં પ્રેક્ષકોને ‘રોમાંચ’ મળે છે. રોમાંચનુંય ફૅશન જેવું છે, એનું ચક્ર બદલાયા
કરે છે.

વરસોથી જાણીએ છીએ કે વિદેશી ફિલ્મોની એક્શન કે સ્પેશિયલ ઇફેક્ટની થ્રિલ અવર્ણનીય હોય છે. ત્રીજા વિશ્વના દેશોના પ્રેક્ષકો મોં ફાડીને ટાઇટેનિક, ઈ.ટી-એવેટાર કે 300 કે 2012 કે મેટ્રિક્સ જેવી ફિલ્મોની સ્પેશિયલ ઇફેક્ટ જોયા કરે છે, જેમાં ‘રોલર-કોસ્ટર રાઇડ’ જેવી થ્રિલ મળે છે, પણ એ સ્પેશિયલ ઇફેક્ટો પાછળ જે ખર્ચો થાય છે એમાં સોમાલિયા જેવા દેશનો એક વર્ષનો ખર્ચ નીકળી શકે! એવી કરામતો માટે જ્યોર્જ લુકાસ કે જેમ્સ કેમેરૂન વર્ષોનાં વર્ષ કાઢી નાખે છે. જે હવે અઈં – આર્ટિફિશિયિલ ઇંટેલિજન્સ વડે તરત બની શકશે.. પણ ભારતીય સિનેમાને ખબર નહીં વર્ષો લાગશે. સ્ટીવન સ્પીલબર્ગ કહે છે મારી અંદર એ 12 વર્ષનું બાળક છે જે મને રોમાંચક ફિલ્મો બનાવવા મજબૂર કરે છે, કારણ કે સિનેમા પોતે જ એક થ્રિલ છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button