રિલીઝ બે – શૂટ એક… હમ સાથ સાથ હૈ!

શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા
હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ અંગે એક ખાસ વાત ચર્ચામાં છે; આ ફિલ્મનો પહેલો અને બીજો ભાગ બંને એકસાથે શૂટ થયા છે. આજે આપણે ઘણી ફિલ્મ્સની સિક્વલ જોઈએ છીએ, પણ મોટા ભાગે એ સિક્વલ વર્ષો પછી બનાવવામાં આવે છે અથવા તો પહેલી ફિલ્મ રિલીઝ થઈ ગયા પછી પ્લાન કરવામાં આવે છે.
‘ધુરંધર’ બાબતે એવું નથી. અહીં વાત એવી ફિલ્મ્સની છે, જેના પહેલા અને બીજા ભાગ પહેલેથી જ નક્કી હોય અને એક જ શૂટિંગ પ્રક્રિયામાં પૂરા થયા હોય. એટલે આ મોડલ સિક્વલથી અલગ છે.
ભારતમાં આ રીતનું સૌથી યાદગાર ઉદાહરણ છે અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ (2012). હા, સત્તાવાર રીતે આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવામાં આવી, પરંતુ તેનું આખું શૂટિંગ એક જ પ્રક્રિયામાં થયું હતું. એટલે જ બાકીની સિક્વલ ફિલ્મ્સ કરતા અલગ એમ આ ફિલ્મ્સના બંને ભાગ એક જ વર્ષે આવી ગયા હતા.
આપણ વાચો: સિક્વલમાં અભિનેત્રીઓનું કાસ્ટિંગ આઉચ !
રસપ્રદ એ છે કે શરૂઆતમાં તેને એક જ ફિલ્મ માનવામાં આવી હતી. ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શન દરમિયાન એ દેખાયું કે ફિલ્મ બહુ લાંબી છે, એટલે પ્રેક્ટિકલ રીતે તેને બે ભાગમાં રજૂ કરવી વધારે યોગ્ય લાગી. આથી બંને ભાગ વચ્ચે જે રીતે નેરેટિવ કન્ટિન્યુઈટી રહેવી જોઈએ, એ પણ રહી.
એ ઉપરાંત ભારતમાં સૌથી સ્પષ્ટ રીતે બેક-ટુ-બેક બનાવાયેલી ફિલ્મ્સમાં રામ ગોપાલ વર્માની ‘રક્તચરિત્ર’નું નામ પણ આવે. આ ફિલ્મના બંને ભાગ જોકે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પહેલાં 2010માં રિલીઝ થયા હતા.
અહીં શરૂઆતથી જ ભાગ એક અને ભાગ 2 એક જ પ્રોજેક્ટ તરીકે વિચારાયા હતા. રાજકીય પૃષ્ઠભૂમિ, લાંબી સમયરેખા અને અનેક મહત્ત્વનાં પાત્રોને કારણે, પ્રોડક્શન માટે એક જ શૂટિંગમાં બંને ભાગ પૂરાં કરવાનું યોગ્ય લાગ્યું. આ ફિલ્મ ભલે બહુ મોટી હિટ ન બની, પણ આ વિષયના દ્રષ્ટાંત રૂપે તેની નોંધ ચોક્કસ લેવાય છે.
જોકે સાચો માઇલસ્ટોન તો ‘બાહુબલી’ છે. દિગ્દર્શક એસ. એસ રાજમૌલી પાસે શરૂઆતથી જ બંને ભાગનું આખું નેરેટિવ, બજેટ અને વિઝન તૈયાર હતું. મહિશ્મતી જેવું વિશાળ જગત ઊભું કરવાનું (અફકોર્સ, આખું નહીં, અમુક સેટ્સ) અને પછી ફરીથી તોડીને એ જ સેટ વર્ષો પછી ફરીથી બનાવવાનું કામ મુશ્કેલ છે તેથી સમગ્ર શૂટ એક જ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવ્યું કોસ્ચ્યુમ, એક્શન, સમગ્ર પ્રોડક્શન બધું જ બંને ભાગનું એકસાથે.
અહીં સમજવા જેવું એ છે કે કોઈ પણ ફિલ્મ કે ફ્રેન્ચાઈઝના બે કે ત્રણ ભાગ બનાવવાનો વિચાર અને પહેલા ભાગને પાર્ટ વન તરીકે રિલીઝ કરીને પછી બીજા ભાગનું પ્લાનિંગ કરવું એ અલગ બાબત છે.
એમાં ક્યારેક એવું થતું હોય છે કે પહેલો ભાગ જોઈએ એટલો સફળ ન નીવડે તો બાકીનું પ્લાનિંગ દિવાળીની સફાઈમાં અભેરાઈએ ચડી જાય. અહીં તો વાત છે એક જ સાથે બે ભાગનું પ્રોડક્શન કરવાની. હા, એક ભાગ વિચાર્યો હોય ને એમાંથી બે કરવા પડે એ શક્ય છે. અને એ પણ શક્ય છે કે તેની જરૂરિયાત પ્રિ-પ્રોડક્શન, પ્રોડક્શન કે પોસ્ટ પ્રોડક્શન એમ કોઈ પણ સ્ટેજ પર ફિલ્મમેકરને સમજાઈ શકે છે.
આપણ વાચો: ક્યા સે ક્યા હો ગયા… વીતી રહેલા આ વર્ષની સિનેમેટિક મોમેન્ટ્સનું સરવૈયું…
આ ઉપરાંત ચર્ચામાં આવતા ઉદાહરણોમાં ‘કેજીએફ’ અને ‘પોન્નીયન સેલ્વન’ ખાસ યાદ રહે. ખાસ કરીને મણિરત્નમની ‘પોન્નીયન સેલ્વન’માં પિરિયડ ડ્રામા, મોટા સેટ, કોસ્ચ્યુમ, હેવી પાત્રો અને ઇતિહાસ પર આધારિત વાર્તામાં બધું એકસાથે નિયંત્રિત કરવું સરળ નહીં હોય, પરંતુ પ્રોડક્શન ટીમ માટે લાંબા શેડ્યુઅલમાં બંને ભાગ પૂરા કરવાથી બજેટ પણ સરળ બને અને પાત્રોની કન્ટિન્યુઈટી પણ.
હવે જો નજર હોલિવૂડ તરફ કરીએ, તો ત્યાં આ પદ્ધતિ વર્ષોથી જોવા મળે છે. પીટર જેક્સન દ્વારા બનાવેલી “The Lord of the Rings’ ટ્રીલોજી એક જ લાંબા શૂટમાં પૂર્ણ થઈ અને પછી ત્રણ ભાગમાં રિલીઝ થઈ.
આવું જ ઉદાહરણ “The Matrix Reloaded’ અને “The Matrix Revolutions’ નું છે. એટલે આ ફિલ્મ્સને પણ એક જ પ્રોજેક્ટ, બે રિલીઝ તરીકે જોવાય છે. આમ જ ‘”Back to the Future Part 2’ અને 3નું શૂટ પણ સાથે થયું હતું, જેથી કલાકારોની ઉંમર અને દેખાવમાં ફેરફાર ન આવે.
આપણ વાચો: શો-શરાબાઃ લાઇટ્સ-કેમેરા…ઔર આરામ?!
2010ના દાયકામાં આ રીત ખાસ કરીને યુવા પ્રેક્ષકો માટેબનેલી ફ્રેન્ચાઇઝીસમાં Harry Potter અંતિમ બે ફિલ્મ્સ “Deathly Hallows (Part 1 A“¡ Part 2)’, Twilight ના “Breaking Dawn (Part 1 A“¡ Part 2)’ અને “The Hunger Games’ ના ‘”Mockingjay (Part 1 અનેPart 2આ બધાનું શૂટિંગ પોતપોતાની ફ્રેન્ચાઈઝ માટે લગભગ એકસાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આવી ફિલ્મ્સમાં યુવા કલાકારોની ઉંમર વધી જાય તેવો ખતરો પણ રહેતો.
આ પદ્ધતિ કેમ અપનાવવામાં આવે છે?
સામાન્ય રીતે આ મોડલ ત્યારે પસંદ થાય, જ્યારે ફિલ્મમેકર પાસે પહેલેથી જ લાંબી કહાની હોય, પાત્રોની રચના અને અંતિમ ભાગનું રૂપ સ્પષ્ટ હોય અને પ્રોડક્શન ડિઝાઇન એટલું મોટું હોય કે બે વખત શૂટ કરવાનો પ્રશ્ન જ ન થાય. શું આને ટ્રેન્ડ કહી શકાય? કદાચ નહીં. રોજ-બરોજ આવી ફિલ્મ્સ બનવી શક્ય નથી, પરંતુ ફિલ્મમેકરને સર્જનાત્મક વિશ્વ એક જ સમયે ઊભું કરવું હોય ત્યાં આ પદ્ધતિ સૌથી યોગ્ય સાબિત થાય છે.
લાસ્ટ શોટ
ક્વેન્ટિન ટારન્ટિનોની “Kill Bill’ પણ મૂળે એક લાંબી ફિલ્મ હતી. રનટાઇમને કારણે બે ભાગમાં રિલીઝ થઈ.



